માણસનો મત એના આગવા વ્યક્તિત્વનો અભિન્ન અંશ છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, ૩૦ નવેમ્બર ૨૦૨૦)

દરેક વ્યક્તિ પાસે દુનિયાને જોવાની પોતાની દૃષ્ટિ હોય છે. આ આગવી દૃષ્ટિને કારણે એને એના પોતાના ગમા-અણગમા હોય છે, અભિપ્રાયો હોય છે. આ અભિપ્રાયો એના પૂર્વગ્રહો છે એવું ઠસાવી દેવા લોકો આતુર હોય છે. લોકો તમને ‘પૂર્વગ્રહ-મુક્ત’ કરવાને બહાને તમારી પાસેથી તમારો આગવો મત છિનવી લેવા માગે છે, કશાકને જોવાની તમારી આગવી દૃષ્ટિ લઈ લેવા માગે છે. સમજાતું નથી કે પૂર્વગ્રહ શબ્દને આટલો બધો શા માટે વગોવી નાખવામાં આવ્યો છે. તમને કોઈ વ્યક્તિ ન ગમતી હોય તો નથી ગમતી. એમાં બીજાને શું કામ કંઈ ખટકવું જોઈએ? તમને અમુક પ્રકારની ફિલ્મો, અમુક પ્રકારની રસોઈ, અમુક પ્રકારનું સંગીત, અમુક પ્રકારનાં પુસ્તકો, અમુક પ્રકારના વિચારો, અમુક પ્રકારનું વર્તન, અમુક પ્રકારનું વાતાવરણ નથી ગમતું તો નથી ગમતું. ન ગમવા પાછળનાં કશાંક કારણો હશે અને એક પણ કારણ ન હોય તોય શું થઈ ગયું? જેમ કશુંક વગર કારણે ગમી શકે છે એમ કશાક માટે કારણ વગર અણગમો પણ હોઈ શકે ને. મને જે લોકો કોઈ નવી વાનગી ખવડાવવા માટે ખૂબ આગ્રહ કરે ને કહે કે, ‘એક વખત તમે ખાઈ તો જુઓ, ન ભાવે તો નહીં ખાતા’ એવું કહે એમને ચીનના પ્રવાસે સાથે લઈ જવાનું ખૂબ મન થાય છે. ત્યાં એમને તળેલા તીતીઘોડા ધરીને એમનું જ વાક્ય સંભળાવવાની તીવ્ર ઈચ્છા છે: એક વખત ખાઈ તો જુઓ, ન ભાવે તો નહીં ખાતા.

કોઈ પણ બાબતે તમે તમારો અણગમો પ્રદર્શિત કરો છો ત્યારે તમારા વિચારો સાથે અસહમત થનારાઓ તમને પૂર્વગ્રહયુક્ત કે બાયસ્ડ કે પ્રેજ્યુડિસ્ડ કહીને ઉતારી પાડશે. તમારો વાંક એટલો જ કે તમારા વિચારો એમનાથી અલગ છે. તમે પણ એમના જેવા જ અણગમાઓ ધરાવતા હોત તો એમને તમે પૂર્વગ્રહયુક્ત ન લાગત. તમારા પૂર્વગ્રહ સાથે એમના પૂર્વગ્રહો મૅચ થાય ત્યારે એમને તમારા વિચારો સ્વસ્થ, તટસ્થ અને બૅલેન્સ્ડ લાગતા હોય છે.

કોઈ પણ વ્યક્તિ પૂર્વગ્રહમુક્ત હોઈ શકે જ નહીં. માણસ પોતાના અનુભવો અને ઉછેરના વાતાવરણને કારણે પોતાના અભિપ્રાયો ઘડે છે, પોતાનો મત બાંધે છે, એક દૃષ્ટિ કેળવે છે જે એની પોતાની છે. પૂર્વગ્રહથી મુક્ત હોવું એટલે દૃષ્ટિ વિનાના હોવું. તમારી પાસેનું આગવાપણું કે તમારી મૌલિકતા તમારે ખોઈ દેવાં હોય તો જ તમારે પૂર્વગ્રહમુક્ત થવાનું સાહસ કરવું. ઘણા લોકોને તમારી આ જ યુનિકનેસ, તમારી વિશિષ્ટતા, તમારી અનોખાઈ કઠતી હોય છે. તમે પણ એમના જેવા કેમ નથી એ એમને કઠે છે. તમે શા માટે એમનાથી જુદા પડો છો એવો એમનો પ્રશ્ર્ન છે. તમે એમના જેવા નથી એમાં તમારો વાંક છે એવું તેઓ માને છે. વાસ્તવમાં તો તમે એમના જેવા નથી એનો તમારે યશ લેવો જોઈએ. (પણ લોકો તમને યશવંતભાઈ બનાવવા માગતા નથી.) તમારા વિચારો એમના વિચારો કરતાં જુદા છે એ તમારો ગુનો બની જાય છે. તેઓ સતત તમારામાં હીણપતની લાગણી ઊભી કરતા રહેવાના અને કહેવાના કે સમાજમાં રહેવું હશે તો સમાજના નિયમો મુજબ રહેવું પડશે.

કોણે ઘડ્યા આ નિયમો? સમાજે. અને આ સમાજ એટલે કોણ? વ્યક્તિઓનો સમૂહ. તો વ્યક્તિઓએ જ ઘડ્યા ને આ નિયમો? હું પણ એક વ્યક્તિ છું અને જાહેર કરું છું કે અત્યાર સુધીની વ્યક્તિઓએ તૈયાર કરેલા નિયમોમાં હું થોડાક મારા પોતાના નિયમો ઉમેરવા માગું છું. મને આવું કરવાનો હક્ક છે કારણ કે હું આ સમાજનું એક અંગ છું. મેં મારા નિપજાવેલા નિયમોને સમાજના નિયમોમાં જોડી દીધા પછી કોઈનેય હક્ક રહેતો નથી કે તમને જે નિયમો અનુકૂળ છે તે પ્રમાણે વિચારવાની/વર્તવાની તમે મને ફરજ પાડો. મને જેમાં શ્રદ્ધા છે તે વિચારો મુજબ જીવવાની હું તમને ફરજ પાડું છું? ના. તો પછી તમે મને કેવી રીતે એવી ફરજ પાડી શકો? મારા વિચારો સાથે તમારા વિચારોનો મેળ ખાતો નથી ત્યારે હું કંઈ તમને તમે પૂર્વગ્રહયુક્ત છો કે બાયસ્ડ છો એમ કહીને ઉતારી પાડતો નથી તો તમને એવો હક્ક કોણે આપ્યો?

જેમ મત રાખવો, દૃઢ મત રાખવો એમાં કંઈ ખોટું નથી એમ મત બદલવામાં પણ કંઈ ખોટું નથી કારણ કે મહત્ત્વ મત બદલાય છે એનું નથી હોતું, ક્યાં કારણોસર બદલાય છે એનું હોય છે. તમે તકસાધુ છો કે નહીં કે પછી તમે પાટલીબદલુ છો કે નહીં એનો આધાર તમે તમારો મત ફેરવ્યો છે કે નથી ફેરવ્યો તે હકીકત પર નથી, તમે શા માટે મત પરિવર્તન કર્યું છે તેના પર એનો આધાર છે. નવી માહિતી પ્રાપ્ત થતાં, જુદી આંતરદૃષ્ટિ મળતાં, તમારી મૅચ્યોરિટી વધતાં કે પછી તમારો દૃષ્ટિકોણ બદલાતાં મત બદલાય એ સ્વાભાવિક છે એટલું જ નહીં એ જરૂરી પણ છે. અંદરની સમજ બદલાયા પછી તમે બહારથી તમારા જૂના મતને વળગી રહો એ જરૂરી નથી. મત બદલીશું ત્યારે લોકો કહેવાના કે અત્યારે ભલે આમ કહો છો, પણ ગઈકાલે તો તેમ કહેતા હતા – બે મોઢાના છો તમે – એવા ભયથી મત ન બદલવાનું માંડી વાળવું ખોટું.

આપણો મત આપણા વ્યક્તિત્વનો એક અભિન્ન અંશ છે. આવા ઘણા બધા મત વ્યક્તિત્વને ઘડે છે. હું શું કરીશ અને શું નહીં કરું એની મક્કમતા આવા ઘડાયેલા મતને કારણે આવે છે. મારી માન્યતા, મારું કન્વિક્શન મારામાં દૃઢતા લાવે છે. મારા આગ્રહો મને કામ કરવા પ્રેરે છે. કોઈના કહેવાથી હું મારી માન્યતાઓને મોળી પાડી દઉં છું કે મારા આગ્રહો છોડી દઉં છું ત્યારે હું મારી જ આંશિક હત્યા કરી બેસું છું. વળગણો છે તો ધગશ છે. ચોક્કસ પ્રકારના આગ્રહો છે તો જીવનનો એક નિશ્ર્ચિત આકાર છે. અમીબાના બદલાતા જતા આકાર જેવી જિંદગી કે ગંગા ગયે ગંગાદાસ ને જમના ગયે જમનાદાસ જેવી જિંદગી શું કામની. તમને મંજૂર નથી તો નથી, પણ એને કારણે હું શા માટે મારા વિચારો જતા કરું, એ વિચારોમાંથી જન્મતા પ્રયત્નોને જતા કરું, એ પ્રયત્નોમાંથી મળનારી સિદ્ધિને જતી કરું.

આજનો વિચાર

સફળતાનું માપ વ્યક્તિ એની જિંદગીમાં ક્યાં સુધી પહોંચે છે તેના પરથી નથી નીકળતું; ત્યાં સુધી પહોંચવામાં એણે કયાં કયાં વિઘ્નોનો સામનો કર્યો છે એના પરથી નીકળે છે.

– બૂકર ટી. વૉશિંગ્ટન (૧૮૫૬-૧૯૧૫, લેખક, શિક્ષણશાસ્ત્રી અને આફ્રિકન-અમેરિકન સિવિલ રાઈટ્સના લીડર).

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. સૌરભ ભાઈ ?વંદન. ફરી પાછી આપે સાબિતી આપી કે કલમ ધારદાર…ને અકબંધ છે…વાહ ખુબ સમજણ પુર્વક લેખ…સચોટ…

  2. ” Purv-Grah” , is it OK or should it be ” Purva-Grah” (Purv + Agrah) ?

    Personal unwavering bias/opinion is to be limited to general items, not for everything. Discipline is needed for accepted morality and laws in a Society.

    Your article is eye opener for everyone with self-respect.

  3. પહેલાં હું આ વિષે આપનાથી તદ્દન જુદો અભિપ્રાય ( કદાચ પૂર્વગ્રહ )ધરાવતો હતો પરંતુ આજ થી હું આપનો લેખ વાંચી મારો અભિપ્રાય બદલું છું.
    ખૂબ જ સુંદર લેખ..…”

  4. “…… ત્યારે હું જ મારી હત્યા કરી બેસુ છુ. સર , આપની આ લાઈન મનમાં જડાઈ ગઈ. મારા વિચારોને કારણે હું ઘણીવાર સ્માર્ટ… ગેમ રમવાવાળી કે મીઠું મીઠું બોલવાવાળી ગણાતી હોઉં છું. આવા સમયે હું સામેની વ્યક્તિને મારો પોઈન્ટ સમજાવવા કાયમ clarification આપ્યા કરતી હોઉં છું પણ પછી મેં નક્કી કર્યું કે હું જેવી છું તે આ જ છું. શુ જરુર છે મારા વિચારોની સ્પષ્ટતા કરવાની કે બીજા માટે એને ચેન્જ કરવાની. આજે આપના આ લેખે મને એક બળ પૂરું પાડ્યું છે. ખૂબ ખૂબ આભાર આપનો , સર.
    બાકી , ” આજનો વિચાર ” મસ્ત.. દર વખતની જેમ.

  5. Biased-Unbiased વિશે વાચતા અવિનાશ પારેખની યાદ આવી ગઈ , સૌરભભાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here