ખાલી થતી જિંદગીને રિ-ફિલ કરતાં રહીએ

લાઉડમાઉથ

સૌરભ શાહ

જિંદગી જો ખાલીખમ લાગતી હોય તો એનું કારણ એ છે કે એને રિ-ફિલ કરવાની કોશિશ આપણે છોડી દીધી છે. નાના હતા, સ્કૂલમાં જતા ત્યારે રોજેરોજ નવું નવું શીખતા. દરેક નવા દિવસ નવું જાણવાનું મળતું, નવા અનુભવો મળતા, નવા દોસ્તો બનતા. જિંદગી વિસ્મયથી ભરેલી હતી, કૌતુકથી છલોછલ હતી. કોલેજમાં અને ભણી લીધા પછી નવા નવા વ્યવસાય, નોકરી, ધંધો કરતા થયા ત્યારે આ વિસ્મય અને કૌતુક પરાકાષ્ઠાએ પહોંચ્યાં. દુનિયા આખી બાથમાં આવી ગઈ। નવા સંબંધોની હૂંફથી જગત આખું આપણું સ્વાગત કરી રહ્યું હોય એવી લાગણીઓ જન્મી.

પરણીને ઠરીઠામ થઈ ગયા પછી કે એકાદબે સંતાનના જન્મ પછી અને નિયમિત આવકો આવતી થઈ ગયા પછી ક્રમશઃ જિંદગી સ્થગિત થઈ ગઈ હોય એવું લાગવા માંડ્યું. ઉંમરનો ત્રીસેક વર્ષનો ગાળો વટાવી દીધા પછી, ચાળીસ વર્ષ પૂરાં કરતાં પહેલાં જ જિંદગી ખાલીખમ થઈ જવા લાગી. કંટાળો પ્રવેશ્યો અને કંટાળાને દૂર કરવાના ભૌતિક પ્રયત્નો શરૂ થઈ ગયા. વીકએન્ડમાં મિત્રો સાથેની મહેફિલો, વરસમાં બે વેકેશન્સ, શોપિંગ, હજુ મોટું ઘર, વધુ સારી કાર અને બેન્ક બેલેન્સમાંથી મળતી ભવિષ્યની સલામતીઓ પણ જિંદગીને નવેસરથી હરીભરી બનાવી શકે એમ નથી. નવું જાણવાનું, નવું શીખવાનું નવું જોવાનું, નવું અનુભવવાનું અને નવા લોકો સાથે હળવા-ભળવાનો મતલબ એ નથી કે એફિલ ટાવર જોઈને, પેરિસની કાફેના વેઈટર સાથે ઓળખાણ કરી લેવી. નવું નવું જાણવાનો અર્થ એ નથી કે રોજેરોજ નવા છપાઈને આવતા છાપામાં ટર્કીમાં થયેલા ભૂકંપની વિગતો જણાવી. નવું શીખવાનું એટલે સંતાનને ભણાવતી વખતે એની ટેક્સ્ટબુક્સમાં લખાયેલી વાતો આપણે શીખી લેવી એવું નહીં.

રોજ ખાલી થતી જતી જિંદગીને રિ-ફિલ કરવા માટે ન તો તમને પૈસાની જરૂર છે ન સમયની. પૈસો-સમય ખર્ચ્યા વિના જિંદગીની ફરી એકવાર છલકાવી શકાતી હોય છે. રોજેરોજ.

ખાલી થતી જિંદગીને ફરી છલોછલ કરવા માટે સૌપ્રથમ તો એક અવેરનેસ હોવી જોઈએ કે હા, મારિ જિંદગીમાંથી રોજ કશુંક ઓછું થઈ રહ્યું છે જેનું પરિણામ કંટાળો છે અને આ કંટાળો દૂર કરવા અત્યારે હું જે કંઈ પ્રયત્નો કરું છું- ટીવી સામે બેસી રહેવું, પિક્ચર જોવા જતાં રહેવું વગેરે – તે બધા પ્રયત્નો નિરર્થક છે.

આટલી સભાનતા પછી આપણે એ કરવાનું છે જે નાનપણમાં અનાયાસ થઈ જતું. જિજ્ઞાસા, કુતૂહલ. દુનિયા કેટલી વિશાળ છે. આપણી આસપાસની વ્યક્તિઓ કરતાં ઘણી મોટી છે. અંદર ઝાંકીને જોઈશું તો એના કરતાંય મોટી લાગશે. જિજ્ઞાસાને પામવા માટે પૈસાની જરૂર નથી. કુતૂહલ વૃત્તિ કેળવવા માટે મનની શ્રીમંતાઈ, ઉદારતા હોવી જરૂરી છે. ત્રીસ વર્ષની ઉંમર પછી આપણે બંધિયાર બનતા જતાં હોઈએ છીએ. આપણા રસના વિષયો અને આપણા વિસ્મયની ક્ષિતિજો વિસ્તરતાં નથી. આપણે એક કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ છીએ. દા.ત. મને હિંદી ફિલ્મ સંગીત સાંભળવાનો શોખ છે એટલે હું મદનમોહન કે આર.ડી. બર્મનનાં ગીતો સાંભળતો રહીશ. આવા જ બીજા બે-ચાર-છ મહાન સંગીતકારોની રચનાઓ માણતો રહીશ. પણ એક ડગલું આગળ વધીને શાસ્ત્રીય સંગીત તરફ જવાનું નહીં વિચારું. આપણને એમાં ગતાગમ નહીં પડે એમ માનીને એનાથી દૂર રહીશ. ભલા માણસ, હિંદી ફિલ્મ સંગીતમાં વળી કઈ ગતાગમ પડે છે? એમાં કયો કયો સૂર ગોઠવાયેલો છે એની કોઈ સમજ નથી હોતી છતાં માણી શકો છો ને? માણી શકીએ છીએ એટલા માટે કે નાનપણથી જ આપણે એનાથી એક્સપોઝ થયા, શાસ્ત્રીય સંગીતથી નહીં. આ બેમાંથી કયું મ્યુઝિક ઊંચું કે નીચું છે એવી વાત નથી. મારે મન બેઉ આદરપાત્ર છે. નાનપણથી જેઓ માત્ર શાસ્ત્રીય સંગીતથી એક્સપોઝ્ડ હોય એમને જો ત્રીસ વર્ષની ઉંમર પછી ખાલીપો લાગતો હોય તો એમણે ફિલ્મ સંગીતનું શ્રવણ જીવનમાં ઉમેરવું જોઈએ.

જિંદગીને રિ-ફિલ કરવા માટે જે ક્ષેત્રોમાં રસ પડતો હોય, જે ક્ષેત્રોમાં કામ કરવાની મઝા આવતી હોય તે ક્ષેત્રનાં અત્યાર સુધી ન ખેડેલાં પાસાંઓને સ્પર્શવા જોઈએ. તમે લેખનના ક્ષેત્રમા હો તો મૌલિક લખાણો પૂરતા સીમિત ન રહીને ઉત્તમ અનુવાદો કરવા જોઈએ અને સ્વતંત્ર લેખન કરવાને બદલે તમારી તમામ શક્તિઓ માત્ર અનુવાદો કરવામાં ખર્ચાઈ જતી હોય તો તમારે મૌલિક લખવા તરફ ધ્યાન આપવું જોઈએ. આ બધા માત્ર ઉદાહરણો છે. દરેકે પોતપોતાની જિંદગી અનુસાર વિસ્તરવું જોઈએ.

પણ મોટાભાગના લોકો માટે કંટાળો દૂર કરવા માટે કે રિફ્રેશ થઈ જવા માટે, આગળ કહું એમ પેરિસ જઈને એફિલ ટાવર જોઈ આવવા જેવી પ્રવૃત્તિઓ પૂરતી હોય છે. મિત્રોની મહેફિલો કે નવાં નાટક-પિક્ચર જોવાં બસ થઈ પડે છે. આ બધું કરવાથી કંટાળો દૂર નથી થતો, માત્ર તત્પૂરતો દબાઈ જાય છે. કંટાળો કાયમી ધોરણે દૂર નથી થતો એટલે જિંદગી રિ-ફિલ થતી નથી. ખાલી તે ખાલી રહે છે. એટલે તમે બમણા જોરથી એ પ્રવૃત્તિઓ કરો છો. લાસ્ટ ટાઈમ બે પેગમાં નશો ન ચડ્યો એટલે આ વખતે ચાર પેગ પી લઉં એમ વિચારીને હવે તમે માત્ર ફ્રાન્સને બદલે સંપૂર્ણ યુરોપની યાત્રા કરવાની તૈયારી કરો છો. પણ આમાં કશું વળવાનું નથી. અગાઉ બે દિવસ માટે દબાઈ ગયેલો કંટાળો હવે બે અઠવાડિયા કે બે મહિના પૂરતા દબાઈ જશો એ પછી ફરી તમે ત્યાંના ત્યાં.

પોતાનું વ્યક્તિત્વ વિસ્તારીને રોજિંદી પ્રવૃત્તિઓમાં તમારે શું શું ઉમેરવું પડશે એવું ચિંતન કર્યા વિના બાકીની જિંદગી ખાલીખમ જ વીતી જવાની. મૃત્યુ વખતે તમને પોતાને તમે હર્યુંભર્યું જીવ્યા છો એવા સંતો નહીં થાય. જો એવો સંતો જોઈતો હશે તો ત્રીસ અને ચાળીસ વર્ષની ઉંમરના દાયકા દરમ્યાન તમારે નક્કી કરી લેવું પડશે કેઃ

(1)મારી જિંદગીને રિ-ફિલ કરતાં રહેવાની જવાબદારી મારી છે. મારે એ માટે બહાર ફાંફાં મારવાની જરૂર નથી.

(2)મારા રસના વિષયો અને મને રસ પડે એવી વ્યક્તિઓ આ બેઉમાં વધારો થતો રહેવો જોઈએ અને 

(3)કંટાળો એ બાજુ કંઈ નહીં પણ ગાડીમાં એમ્પ્ટીનું સિગ્નલ બતાવતો કાંટો છે, એ દેખાય કે તરત જ મારે ટાંકી નવેસરથી ભરાવી લેવાની હોય અન્યથા ગાડી બંધ પડી જશે, જીવન સ્થગિત થઈ જશે.

ટાંકી ખાલી થઈ ગયા પછી ગાડીને ધક્કા મારીને એફિલ ટાવર સુધી લઈ જતા ઘણા લોકોને તમે જોયા છે. કમનસીબે, એફિલ ટાવર પાસે કોઈ પેટ્રોલ પમ્પ નથી એની આ ભોપાઓને ખબર જ નથી હોતી.

સાયલન્સ પ્લીઝ!

જે કંઈ એકનું એક છે તે બધું જ કંટાળામાં પરિણમે છે. – અજ્ઞાત

(સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ,  7 ફેબ્રુઆરી-2018)

2 COMMENTS

  1. Thank you Sir for conveying the message so aptly. I am lucky enough to have a person who exactly lives by what you have mentioned in the article. So I have a chance to see how practically this gets implemented.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here