લીડરશિપનો પાયાનો ગુણ કયો: સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 23 સપ્ટેમ્બર 2020)

લીડરશિપના ગુણ માત્ર રાજનેતા બનવા માટે જ જરૂરી નથી હોતા. તમારે કુટુંબના વડીલ તરીકે પરિવારને સાચવવો હોય, તમારી દુકાન-ઑફિસ કે ફેકટરી ચલાવવી હોય, કોઈ મોટી કંપની કે સંસ્થામાં નોકરી કરતાં કરતાં તમારા હાથ નીચેના લોકોને મૅનેજ કરવા હોય કે પછી ફિલ્મોમાં જઈને ડિરેક્ટર બનવું હોય, સેનામાં ભરતી થઈને કેપ્ટન-મેજર કે લેફ્ટનન્ટ કર્નલથી લઈને જનરલ સુધીનો કોઈ પણ હોદ્દો સંભાળવો હોય કે સરકારની બ્યુરોક્રસીમાં જોડાવું હોય કે વડા પ્રધાન બનવું હોય કે પછી વિશાળ આશ્રમનું કે ગુરુકુળનું કે વિદ્યાપીઠનું સંચાલન કરવું હોય—નેતૃત્વનાં ગુણ તમારામાં હોવાં જોઈએ.

લીડરશિપનાં ગુણ કેળવવા માટેના સેમિનારો ચાલે છે, કેટલાંય પુસ્તકો આ વિષય પર પ્રગટ થઈને બેસ્ટ સેલર્સ બન્યાં છે. પણ એક પાયાની વાત તમને કોઈએ કહી નથી. નેતૃત્વ કરવા માટે, લીડર બનવા માટે, આગેવાની લેવા માટે કે નેતા તરીકે સ્વીકૃતિ પામવા માટે સૌથી પહેલી જરૂરિયાત કઈ છે?

બીજાઓને લીડ કરતાં પહેલાં તમે તમારી જાતને લીડ કરો. બીજાઓ પાસે કામ કરાવતાં પહેલાં તમે તમારી જાત પાસે કામ લેતાં શીખો. બીજાઓને પ્રેરણા આપીને એમનો ઉત્સાહ વધારતાં પહેલાં તમારા પર એ પ્રયોગ કરી જુઓ કે આવી પ્રેરણાઓથી, બીજાઓના જીવનના દાખલા દલીલ આપીને, તમે તમારો પોતાનો ઉત્સાહ વધારી શકો છો કે નહીં?

દેશના સૈનિકો તૈયાર કરતી નૅશનલ ડિફેન્સ ઍકેડેમી જેવી અનેક સંસ્થાઓમાં રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને ડ્રિલ કરવાની હોય છે. આ કવાયત કરાવનારા શિક્ષક પોતે જો એટલા વહેલા ઊઠીને મેદાનમાં નહીં પહોંચે તો એ બીજાઓ પાસે કેવી રીતે ડ્રિલ કરાવી શકશે? માત્ર નોટિસ બોર્ડ પર લખીને જાણ કરી દેવાથી વિદ્યાર્થીઓ ડ્રિલ માટે પહોંચી જશે? ના. એ માટે ડ્રિલ માસ્ટરે પોતે મેદાનમાં હાજર રહેવું પડશે. એમણે પોતે દાખલો બેસાડવો પડશે જેને બીજાઓ ફૉલો કરી શકે.

તમે પોતે સિગરેટ પીતા હો અને સંતાનોને કહ્યા કરશો કે સિગરેટ ઈઝ ઈન્જુરિયસ ફૉર હેલ્થ તો શું તેઓ તમારી વાતને સાચી માનવાના છે? રોજ તમે ફોન પર તમારા બિઝનેસ સાથે સંકળાયેલા લોકો સાથેની વાતમાં સામેની પાર્ટી સાથે જુઠ્ઠું બોલતા હો, એને ટોપી પહેરાવતા હો, એને શીશામાં ઉતારતા હો તો તમારો દીકરો કે તમારી દીકરી શું શીખશે તમારી પાસેથી? બિઝનેસના એથિક્સના પાઠ તમે એમને ભણાવી શકવાના છો?

લીડર બનતાં પહેલાં તમારે પોતે એ તમામ કામ કરવાની ક્ષમતા કેળવવી પડે જે તમે બીજાઓ પાસે કરાવવા માગો છો. હા, તમે કંઈ તમામ આવડત ધરાવવાના નથી. ટેક્સટાઈલની ફેક્ટરી નાખી હોય તો શક્ય છે કે તમને કપડું વણવાનું મશીન ઑપરેટ કરતાં ન આવડે. મોબાઈલ બનાવવાની કે કાર બનાવવાની ફેક્ટરીના માલિકને પોતાની પ્રોડક્ટના પૂર્જા ભેગા કરીને ફાઈનલ પ્રોડક્ટ બનાવતાં આવડે એ જરૂરી નથી. પણ એના વર્કર્સ કેવું અને કેટલું કામ કરશે એનો આધાર એમના સુપરવાઈઝર્સ પર છે, એ સુપરવાઈઝર્સ કેવું અને કેટલું કામ કરશે તેનો આધાર એમના મૅનેજર્સ પર છે અને આ મૅનેજરોનું પરફૉર્મન્સ કેવું હશે તેનો આધાર એમનો પગાર આપનારા માલિક પર છે.

લીડરે સૌથી પહેલાં તો પોતાની જાતને મૅનેજ કરવાની હોય, પોતાની જિંદગીનું નેતૃત્વ સંભાળવાનું હોય. તમે પોતે આળસુ, કામચોર કે અધીરા હશો તો તમારી સાથે કે તમારી નીચે કામ કરનારાઓ કેવી રીતે એફિશ્યન્ટ હોવાના. વડા પ્રધાન પોતે રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને રાતના એક વાગ્યા સુધી કામ કરતા હોય અને એક પણ દિવસની રજા ન લેતા હોય તો જ એમની કેબિનેટના સાથીઓ કે એમની સાથે સંકળાયેલા બ્યુરોક્રેટસ તેમ જ આ બધાના હાથ નીચેના કાર્યકરો – અધિકારીઓ દિવસરાત કામ કરવા માટે પ્રેરાશે. પણ એને બદલે જો કોઈ છાશવારે પરદેશ ઉપડીને ખાનગી વૅકેશનો માણી આવતો નેતા હોય તો કોણ એનું નેતૃત્વ સ્વીકારવાનું છે?

ઘર હોય કે દેશ તમારે તમારા વર્તન પરથી દાખલો બેસાડવાનો હોય. બીજાઓ શિસ્તબદ્ધ રહીને તમારા કામમાં સાથ આપે એવું તમે ચાહતા હો તો પહેલાં તમારે તમારું કામ નિયમિતપણે, શિસ્તબદ્ધ રહીને કરવાનું હોય. નેતૃત્વ કરવાનું કે આગેવાની લેવાનું કામ ચોપડીઓ વાંચીને કે સેમિનારો અટેન્ડ કરીને શીખી શકાતું હોત તો આજે એ તમામ લોકો આદર્શ લીડર બની ગયા હોત. જ્યાં સુધી તમે તમારા પોતાના જીવનનો દાખલો ન બેસાડો ત્યાં સુધી કોઈ તમને અનુસરવાનું નથી, તમારું કહ્યું માનવાનું નથી, તમારું કામ કરવાનું નથી. અને જો બીજાઓ તમને સાથ નહીં આપે તો તમે મહાન તો શું સફળ પણ થવાના નથી એટલું જ નહીં, સફળતાની વાત બાજુએ મૂકો, જ્યાં છો ત્યાં ટકી રહેવાના પણ નથી.

મહાનતાનાં, લીડરશિપનાં ગુણો વિશે નવેસરથી વિચાર કરતી આ નાનકડી લેખમાળા માટે અત્યાર સુધી લખાયેલા મુદ્દાઓનું મનમાં રિવાઈન્ડ કરતો હતો ત્યારે એક નવો મુદ્દો સૂઝ્યો અને થયું કે એ મુદ્દો જો ઉમેરી લઉં તો આ શ્રેણી વધુ સંપૂર્ણ બને. કમસે કમ એટલું તો ખરું જ કે જો આ મુદ્દો નહીં ઉમેરું તો મારા માટે આ શ્રેણી અધૂરી રહેશે.

આવડત, મહેનત અને સૌને સાથે લઈને ચાલવાની વાતમાં ચોથી વાત ઉમેરવાની છે જે છે—પૅશન, આગ, આવેગ, ઝનૂન. પેલી ત્રણ ખાસિયતોને જે ખરેખર સંવારે છે, એની તેજ ધાર કાઢી આપે છે તે છે—પૅશન. એને તમે આવેગ કહો, આગ કે ઝનૂન કહો, ઉત્કટતા તરીકે ઓળખો—જે શબ્દ તમારા મનમાં ફિટ બેસે તે વાપરો. આપણે એને પૅશન કહીશું.

મહાન બનવા માટે કશુંક કરવાનું ઝનૂન હોવું જોઈએ, મનમાં સતત એક એવી આગ પ્રજળવી જોઈએ જે તમને યાદ કરાવ્યા કરે કે તમે જ્યાં છો ત્યાંથી તમારે ઉપર ઉઠવાનું છે. તમારા જીવનનાં તમામ સદ્ગુણોની તેજ ધાર કાઢવાની છે અને નવા ગુણો ઉમેરવાનાં છે, નકામાંની બાદબાકી કરવાની છે.

ફિલ્મો બનાવવાનો શોખ હોવો એ એક વાત છે અને ફિલ્મો બનાવવાની પૅશન હોવી એ જુદી વાત છે. રાજ કપૂરથી માંડીને યશ ચોપરા સુધીના ફિલ્મસર્જકોમાં આ પૅશન હતી. પોલિટિક્સનો શોખ તમને બહુ બહુ તો કૉર્પોરેટર બનાવે કે જિલ્લા પંચાયતના સભ્ય બનાવે અને ક્યારેક રાજ્યસભામાં બેસાડે. રાજકારણ કે જાહેરજીવન માટેની પૅશન તમને સરદાર વલ્લભભાઈ પટેલ બનાવે, નરેન્દ્ર મોદી બનાવે. ચિત્રકામનો શોખ તમને બહુ બહુ તો સારાં ચિત્રો દોરવાની પ્રેરણા આપે, પણ ચિત્રકામ માટેનું ઝનૂન તમને વિન્સેન્ટ વાન ગોઘ કે પાબ્લો પિકાસો બનાવે.

પૅશન એટલે અર્જુને જોયેલી પંખીની આંખ. તમને તમારા લક્ષ્ય સિવાય બીજું કશું જ ન દેખાય. દિવસરાત, ઉઠતાંબેસતાં, જાગતાંસૂતાં, ખાતાંપીતાં માત્ર એ લક્ષ્યનો જ વિચાર આવ્યા કરે અને તમારી દરેક પ્રવૃત્તિ, તમારું દરેક ડગલું એ લક્ષ્યની દિશામાં જ આગળ વધતું રહે. પૅશન એટલે તમારા લક્ષ્યને આંબવા માટે ખુવાર થઈ જવાની તૈયારી.

પૅશનેટ બનવામાં રિસ્ક છે. ભારોભાર જોખમ છે. હવેલી લેવા જતાં ગુજરાત ખોઈ બેસવાનો વખત આવે. જે છે તે પણ જતું રહેવાનું જોખમ ઊભું થાય. અને એટલે જ જે લોકો, જે છે તેને સાચવીને બેસી રહેવાની સલામતી મેળવવા માગે છે તેઓ સફળ બનીને અટકી જાય છે, મહાનતાના શિખર સુધી પહોંચતા નથી.

પૅશનનો દેખાડો ન હોય. એ આગની વરાળ બહાર કાઢવાની ન હોય. એ તમારી આંતરિક શક્તિને એ રીતે વધારતી રહે જેની જાણ બીજી કોઈ વ્યક્તિને ન થાય. લક્ષ્ય વીંધ્યા પછી જ લોકોને ખ્યાલ આવે કે તમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છો. પૅશનનું પ્રદર્શન નહીં કરવાનું બીજું કારણ એ કે લોકોને ટેવ હોય છે બીજાઓની પૅશનને રિડિક્યુલ કરવાની અને ત્રીજું કારણ એ કે કેટલાક લોકોને વગર લેવેદેવે બીજાઓની પૅશનના યજ્ઞના હવનમાં હાડકાં નાખવાની ટેવ હોય છે. માટે એ આગ તમારી અંદર જ ભભૂકતી રહે, એની જ્વાળા બહાર ન દેખાવી જોઈએ.

મહાન માણસોને તમે એમનું કામ કરતાં જોશો તો તમને ખ્યાલ આવશે કે એમનામાં પોતાના ક્ષેત્રને લગતી પૅશન કેટલી ઠાંસી ઠાંસીને ભરી છે. મોદીને પ્રવચન કરતાં સાંભળો, રામદેવને યોગ શીખવાડતાં જુઓ, મોરારિબાપુને કથા કરતાં સાંભળો, શિવકુમાર શર્માને સંતૂર વગાડતાં જુઓ, સ્વ. પંડિત જસરાજને ગાતાં સાંભળો, સચિન તેન્ડુલકરને બૅટિંગ કરતાં જુઓ, અમિતાભ બચ્ચનને સિલ્વર સ્ક્રીન પર જુઓ કે પછી ટીવી પર જુઓ – દરેક મહાન પુરુષ જ્યારે પોતાની આવડતનું કામ કરે છે ત્યારે એમનું બારીકીથી નિરીક્ષણ કરજો. એમના અવાજમાં, એમની બૉડી લૅન્ગવેજમાં, એમની આંખોમાં તમને આ પૅશન દેખાશે. માર્ક કરજો. ઈવન મૂકેશ અંબાણીમાં પણ તમે એ જોઈ શકશો. સ્ટીવ જૉબ્સમાં પણ એ દેખાતી. ઈન્દિરા ગાંધી માટે તમને અણગમો હોય કે આદર— એમના રૂંવે રૂંવે પૅશન પ્રગટતી જોઈ શકતા તમે.

જિંદગીમાં મહાન કાર્યો કરવાં માટે અને મર્યા પછી લોકો તમને એ કાર્યો બદલ મહાન માનવી તરીકે પૂજે તે માટે આવડત જરૂરી, મહેનત જરૂરી, સૌને સાથે લઈને ચાલવાની કળા જરૂરી અને સાથોસાથ પૅશન પણ એટલી જ જરૂરી. મહાનતાની પાલખી આ ચાર ખાસિયતો ઊંચકતી હોય છે.

બસ, આટલું જ.

સાયલન્સ પ્લીઝ!

ગઈ કાલે તમે જે આવતી કાલ વિશે વિચાર કરતા હતા એ આવતી કાલ આજે આવી ચૂકી છે.

—અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here