માલેગાંવ, સમઝૌતા, હૈદરાબાદ: યાદ છે આ બધા બૉમ્બ બ્લાસ્ટ?

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 26 માર્ચ 2019)

સમઝૌતા એક્સ્પ્રેસ બૉમ્બ બ્લાસ્ટ કેસ, હૈદરાબાદનો મક્કા મસ્જિદ બૉમ્બ બ્લાસ્ટ કેસ અને માલેગાંવનો સાઈકલ બૉમ્બ બ્લાસ્ટ કેસ. આ ત્રણેય કેસના મૂળમાં મુસ્લિમ આતંકવાદીઓ હતા. ત્રણેય ઘટનાઓ મુસ્લિમોમાં ઉશ્કેરાટ ફેલાય, તેઓ રમખાણ કરે અને દેશમાં હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય વધે અને અરાજકતા ફેલાય એવા આશયથી પ્લાન થઈ હતી. ત્રણેયમાં મુસ્લિમ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને ત્રણેયમાં એ મૂળ આરોપીઓને છોડીને સ્વામી અસીમાનંદ, સાધ્વી પ્રજ્ઞાદેવી, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત સહિતના હિંદુઓને આરોપી બનાવી, એમના પર ટૉર્ચર કરીને એમનાં ક્ધફેશન્સ લઈને મીડિયામાં લીક કરવામાં આવ્યા હતાં. ‘હિંદુ આતંકવાદ’ કે ‘ભગવા આતંકવાદ’ની ભ્રમણા ફેલાવવામાં કૉંગ્રેસની મુખિયા સોનિયા ગાંધી તથા એમનું ગુલામદળ અલમૉસ્ટ કામિયાબ થઈ ગયું હતું. આ એ જમાનો હતો જ્યારે કૉંગ્રેસના શાસનમાં હિન્દુ પ્રજાને, હિન્દુ નેતાઓને, હિન્દુ ધર્મગુરુઓને તથા હિંદુ સંસ્કૃતિ-પરંપરાને હડધૂત કરવામાં આવતાં. લેફ્ટિસ્ટોના એજન્ડાને સેક્યુલરો તથા કૉંગ્રેસીઓ બખૂબી અમલમાં મૂકીને સફળ બનાવી રહ્યા હતા. 1992ના બાબરીધ્વંસ પછી સેક્યુલર મીડિયાએ હિન્દુ વિચારધારા પર કેવો કાળો કેર વર્તાવ્યો એના આપણે સૌ સાક્ષી છીએ, આ જગ્યાએ એના વિશે વિગતે લખ્યું છે. 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડને છાવરવા સેક્યુલર મીડિયાએ કઈ રીતે ગુજરાતનાં રમખાણોને ચગાવ્યાં, કઈ રીતે ગુજરાતને, ગુજરાતીઓને તેમ જ દુનિયાભરના ગુજરાતીઓના ચહીતા બની ગયેલા ગુજરાતના તે વખતના ચીફ મિનિસ્ટરને બદનામ કરવામાં કોઈ પાછીપાની નહોતી કરી એ વિશેનો તાજેતરનો ઈતિહાસ આપણે ભૂલ્યા નથી. કાંચીના શંકરાચાર્ય જગદ્ગુરુ જયેન્દ્ર સરસ્વતીની 2004ની દિવાળીના દિવસે ખૂનના આરોપસર ધરપકડ કરાવીને આ દેશના શાસકોએ હિન્દુઓની આસ્થા પર સીધા પ્રહારો કરવાનું શરૂ કર્યું. નવ વર્ષ પછી, 2013માં કોર્ટે ચુકાદો આપ્યો કે શંકરાચાર્ય વિરુદ્ધ કોઈ પુરાવા નથી, એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. પણ એમની ધરપકડ થઈ એ ગાળા દરમિયાન સેક્યુલર મીડિયાએ કૉંગ્રેસના ઈશારે શંકરાચાર્યને ટાર્ગેટ બનાવીને હિન્દુ પ્રજાને ભારે અપમાનિત કરી.

શંકરાચાર્યની ધરપકડ થઈ અને મીડિયાએ જે રીતે બનાવને એકપક્ષીય રીતે ચગાવ્યો તે પછી હિન્દુ પ્રજા સમસમી ગઈ હતી. કોઈ હિન્દુ માનવા તૈયાર નહીં કે જગદ્ગુરુ કોઈની હત્યાનું કાવતરું રચી શકે. પણ મીડિયા સતત, રોજેરોજ એમના માથા પર ફટકાર્યા કરે કે સાલા, હિન્દુડાઓ, તમારા ધર્મગુરુ હત્યારા છે, ખૂની છે, મર્ડરર છે. કૉંગ્રેસી નેતાઓ મનમાં મલકાયા કરે. આ એ જ કૉંગ્રેસીઓ હતા જે આજે મંદિરોમાં દર્શન કરવા માટે પડાપડી કરે છે, પહેરતાં ફાવે કે ન ફાવે ધોતિયાં પહેરીને માથે તિલક કરીને કોઈની જનોઈ ઉછીની લઈને હિન્દુઓના મત માગવા નીકળી પડે છે. એક જમાનામાં સો ચૂહા ખાઈને બિલ્લી હજ કરવા જતી, હવે એ બિલ્લીઓ પ્રયાગરાજ, કાશી, તિરુપતિ અને સોમનાથનાં મંદિરોનાં આંટાફેરા કરતી થઈ ગઈ છે.

હિન્દુ પ્રાઈડને, હિન્દુઓના આત્મગૌરવને, ભારતની અસ્મિતાને કચડવામાં કૉંગ્રેસને આટલેથી સંતોષ નહોતો. કપટી નેતાઓ પોતાની વોટ બૅંકને રાજી રાખવા હિન્દુઓ પણ ધર્મના નામે આતંક ફેલાવે છે એવી કોઈ થિયરીની કલ્પનાના પતંગ ચગાવી રહ્યા હતા. એ જ ગાળામાં, 8 સપ્ટેમ્બર 2006ના રોજ મુંબઈથી 290 કિલોમીટર દૂર નાસિક નજીકના માલેગાંવની મસ્જિદ પાસેના કબ્રસ્તાન નજીક શુક્રવારની નમાજના વખતે બપોરે સવા વાગ્યે બે સાઈકલો સાથે બાંધેલા બૉમ્બ ફૂટ્યા. એ દિવસ શબ-એ-બારાતના ઉત્સવનો હતો એટલે મુસ્લિમ શ્રદ્ધાળુઓની મોટી ભીડ હતી. 40 જણ મરી ગયા, 125 ઘાયલ થયા. મહારાષ્ટ્ર ઍન્ટી ટેરરિસ્ટ સ્કવૉડ (એ.ટી.એસ.)ની તપાસમાં બહાર આવ્યું કે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઑફ ઈન્ડિયા (સિમિ) નામના બૅન થયેલા આતંકવાદી સંગઠનના સભ્યોએ આ બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા છે. મહિના પછી, 30 ઑક્ટોબર 2006ના રોજ આ કેસમાં બે જણની ધરપકડ થઈ – શબ્બીર બેટરીવાલા અને રઈસ અહમદ. 6 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યું કે શબ્બીરે આ કાવતરું ઘડ્યું હતું અને એ લશ્કર-એ-તોયબાનો ઑપરેટિવ છે અને એનો સાથી કાવતરાખોર રઈસ ‘સિમિ’ સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત બીજા પણ આરોપીઓ પકડાયા. કેસ સોલ્વ થઈ ગયો? ના. 2013માં નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એન.આઈ.એ.) જેની સ્થાપના કૉંગ્રેસ સરકારે 2008માં કરી હતી તે તપાસ એજન્સીએ આ કેસમાં અભિનવ ભારત ગ્રુપના લોકેશ શર્મા, ધન સિંહ, મનોહર સિંહ તથા રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી અને 22 મે, 2013ના રોજ એ ચારેયની સામે આરોપનામું ઘડવામાં આવ્યું. બીજી બાજુ મકોકા કોર્ટે (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની કોર્ટ) એ.ટી.એસ. દ્વારા પકડવામાં આવેલા પેલા આઠેઆઠ મુસ્લિમોને આ કેસમાંથી છોડી દીધા. છૂ.

માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટ કેસ થયો એના ચાર દિવસ પછી, 12 સપ્ટેમ્બર 2006ના રોજ સોનિયા ગાંધીના કઠપૂતળી પ્રાઈમ મિનિસ્ટર જનાબ મનમોહન સિંહે મીડિયામાં જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તે ‘હિન્દુ આતંકવાદ’ની ભ્રમણા ફેલાવવાની નિસરણીનું પહેલું પગથિયું હતું. જનાબ મનમોહન સિંહ બોલ્યા હતા: ‘(આ માલેગાંવ કેસમાં) હિન્દુ ગ્રુપ્સની સંડોવણી છે કે નથી એવું આ તબક્કે કહેવું અયોગ્ય છે.’ આમ કહીને એમણે ઇશારો આપી દીધો હતો કે એમની સરકાર ઇન્વેસ્ટિગેશનને કઈ દિશામાં લઈ જવા માંગે છે અને 2013માં તમામ મુસ્લિમ આરોપીઓને છોડીને અભિનવ ગ્રુપના ચાર સભ્યોને પકડીને તપાસ એજન્સીઓએ મનમોહનવાણીને સાચી પુરવાર કરી બતાવી. અભિનવ ભારત ગ્રુપ નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાયે શરૂ કર્યું છે અને લેફ. કર્નલ પ્રસાદ શ્રીકાન્ત પુરોહિત સહિતના અનેક દેશપ્રેમીઓ તેમ જ વ્યૂહાત્મક બાબતમાં ભારતીય સંરક્ષણ દળના કેટલાક અધિકારીઓ પણ આ જૂથના શુભેચ્છકો છે. કર્નલ પુરોહિતને પણ માલેગાંવ બ્લાસ્ટના બીજા એક કેસમાં પકડીને કોઈ ચાર્જ ફ્રેમ કર્યા વિના નવ વરસ જેલમાં રાખવામાં આવ્યા હતા, 2008ના સપ્ટેમ્બરની 29મીએ માલેગાંવમાં હીરો હૉન્ડા મોટર સાઈકલમાં રાખેલા બૉમ્બ ધડાકામાં ભાજપના વિદ્યાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ (એબીવીપી)ની સંડોવણી બતાવીને કર્નલ પુરોહિત ઉપરાંત સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને પણ પકડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વિશ્ર્વ હિન્દુ પરિષદ સહિતનાં બીજાં હિન્દુ સંગઠનોની સંડોવણી છે એવું પણ તપાસમાં બહાર આવ્યું હતું. કુલ નવ જણ જેમાં માર્યા ગયા હતા એવા આ માલેગાંવ-ટુ કેસની તપાસની આગેવાની કરનારા મુંબઈ એ.ટી.એસ.ના ચીફ હેમંત કરકરેએ સાધ્વી પ્રજ્ઞાદેવીને અર્ધનગ્ન કરીને એમના પર કેવા કેવા અત્યાચાર કર્યા હતા તેનું બયાન ખુદ સાધ્વી પ્રજ્ઞાદેવીએ સુપ્રીમ કોર્ટે એમને નવ વર્ષ પછી જામીન પર છોડ્યા ત્યારે ટીવીના કેમેરા સમક્ષ આપ્યું છે. કમકમી જઈએ. આ એ જ હેમન્ત કરકરે જેમણે આ કેસના અઢી મહિના પછી, 26/11ના રોજ અજમલ કસાબ અને એના સાથીઓના હાથે ગોળીબારમાં પોતાનો જાન ગુમાવ્યો. આર.વી.એસ. મણિના પુસ્તક ‘ધ મિથ ઓફ હિન્દુ ટેરર: ઇન્સાઇડર અકાઉન્ટ ઑફ મિનિસ્ટરી ઑફ હૉમ અફેર્સ’માં 2008ના નવેમ્બરની 26મીએ મુંબઈની હૉટેલ તાજ, સીએસટી, કાફે લિયોપોલ્ડ વગેરેમાં થયેલા બૉમ્બ ધડાકા-ગોળીબારમાં દસ પાકિસ્તાની આતંકવાદીઓએ લગભગ પોણા ત્રણસો જેટલા નાગરિકોને મારી નાખ્યા તે વિશે પણ એક સસ્પેન્સભર્યું પ્રકરણ લખ્યું છે. નામઠામ સહિત એમણે લખ્યું છે. 26/11ની ઘટના માટે પાકિસ્તાની આતંકવાદીઓને દિલ્હી-મુંબઈમાં ઉચ્ચ સ્થાને બેઠેલા કયા કયા કૉંગ્રેસી નેતાઓનો સાથ હતો એની વાતો સૌપ્રથમ વાર તેઓ પ્રકાશમાં લાવ્યા છે. 26/11ના હુમલા પછી કૉંગ્રેસે શા માટે પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક ન કરી તેનો જવાબ આ પ્રકરણમાંથી તમને મળી જાય છે. 26/11ની ઘટનાની કડવી સ્મૃતિ આપણા સૌના મનમાં તાજી છે. માલેગાંવ કેસ આપણે ભૂલી ગયા છીએ. સમઝૌતા એક્સ્પ્રેસ અને હૈદરાબાદની મક્કા મસ્જિદના બૉમ્બ બ્લાસ્ટના કેસીસની વિગતો પણ આપણી સ્મૃતિમાંથી લગભગ ભૂંસાઈ ચૂકી હશે. પણ એવું ન થવું જોઈએ. યહૂદીઓ જેમ હિટલરના અત્યાચારને યાદ રાખે છે, હોલોકૉસ્ટ મ્યુઝિયમ બનાવે છે, જેથી આવનારી પેઢીઓ પણ જાતિનિકંદનની એ દુ:ખદ સ્મૃતિઓ સાચવીને સચેત રહે એમ ભારતની હિન્દુ પ્રજાએ પણ 2002ના 27 ફેબ્રુઆરીના ગોધરા હિન્દુ હત્યાકાંડને ભૂલવો ન જોઈએ. 13 એપ્રિલ, 1919ના રોજ 379 દેશપ્રેમીઓ જ્યાં શહીદ થયા તે અમૃતસર શહેરનો જલિયાંવાલા બાગ આજે એક રાષ્ટ્રીય સ્મારક છે. એ જ રીતે માલેગાંવ, સમઝૌતા, હૈદરાબાદના કેસમાં કૉંગ્રેસ દ્વારા કઈ રીતે પાકિસ્તાની આતંકીઓ તેમ જ ભારતના મુસ્લિમ આતંકીઓને રિહા કરીને રાષ્ટ્રપ્રેમી હિન્દુઓને સંડોવવામાં આવ્યા અને કૉંગ્રેસ શાસન દરમિયાન કઈ રીતે આપણા સૌના મનમાં આપણા ધર્મ પ્રત્યેની આસ્થા માટે ભ્રમણાઓ ઊભી કરવામાં આવી એ પણ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ જેથી ભવિષ્યમાં આપણે સચેત રહીએ. મણિસરના પુસ્તકમાં પ્રવેશ કરતાં પહેલાં આટલી પૂર્વભૂમિકા હોય તો ચિત્ર સ્પષ્ટ રીતે જોઈ શકીએ, કારણ કે મીડિયાના સેક્યુલર લેફ્ટિસ્ટો આપણી દૃષ્ટિ ધૂંધળી કરી નાખવામાં અલમોસ્ટ સફળ થઈ ગયા હતા.

આજનો વિચાર

ધ્યાન રાખજો, તમારી સંગત જ તમારું નિર્માણ કરશે. તમે જેવાઓની સાથે ઊઠબેસ કરશો એવા જ તમે થઈ જશો. હકીકત એ છે કે તમે એવા લોકોની જ સોબત શોધતા ફરો છો, જેમના જેવા તમારે થવું છે.

– ઓશો રજનીશ

એક મિનિટ!

આઈ સ્પેશિયાલિસ્ટ દર્દીની આંખ તપાસીને: તમે કૉંગ્રેસી છો?

દર્દી: હા, તમને કેવી રીતે ખબર પડી?

ડૉક્ટર: તમારી આંખોમાં જરા સરખી શરમ બચી નથી.

8 COMMENTS

  1. આવા લેખોની એક pdf બનાવી આપો
    આવડતું નથી
    જનજાગૃતિ માટે તથા પ્રચાર માટે સારી માહિતી લોકો સુધી પહોંચવા મદદ થશે
    આભાર

  2. Role of Digvijay Singh, Rahul & Mahesh Bhatt, Mani Shankar Aiyar & Maulavis in 26/11 should be investigated throughly by Modi Sarkar -Ii. The Criminals of 26/11 & Creators of Safron Terror Myth should be Convicted and Hanged.

  3. આપણા ભારતીયોનાં નામ મગજમાં આ સામ્યવાદીઓ , માર્ક્સવાદી અને ભારતીય સંસ્કૃતિ ને નફરત કરવા વાળા સત્તાલોલુપ કોન્ગ્રેસ ના લોકો એ એ હદ સુધી વિચારો બદલી નાખ્યાં હતાં કે જો હજુ પણ કોન્ગ્રેસ નું રાજ હોત તો આ પ્રકાર નાં સત્ય બહાર ન આવત , મિડિયા એ ઘણી હદ વટાવી નાખી છે, આભાર સૌરભભાઈ અને આપણા રાષ્ટ્રવાદી પત્રકારો નો કે જેઓ સત્ય લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

  4. સાહેબ તે વખતે હિંદુ ધર્મ ને બદનામ કરવા માટે કોંગ્રેસ કોઈ કચાશ રાખી નહોતી. મારા મત પ્રમાણે ગાંધી નહેરુ પરિવારની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હિંદુ મંદિર માં પ્રવેશ કરવા યોગ્ય નથી. આપણા મંદિરમાં પ્રવેશ કરીને અભડાવા નો કોઈ અધિકાર નથી. આપણે એમને પ્રવેશ આપીએ છીએ એ જ આપણા ધર્મ ની સહિષ્ણુતા છે. કોઈ વખત સંભળાયું નથી કે કોઈ પૂજારી અથવા ટ્રસ્ટ દ્વારા એમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હોય. વૉટ માગવા મંદિર યાદ આવે છે અને બૂચ મારવા માટે હિંદુ સોફટ ટારગેટ બનાવ્યા હતા એ વાત હરેક હિંદુ એ ભૂલી ના જતા આવતા મતદાન માં વગર ઢીલ કરી પૂરા પરિવારને ઇટાલી ભેગા કરવામાં કોઈ કચાશ રાખવી નહિ. ફકત કોંગ્રેસ મુકત ભારત નહિ પણ ગાંધી નહેરુ વંશમુકત ભારત હરેક હિંદુ નું સ્વપ્ન હોવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here