પરફેક્‌શન, બોરડમ અને પૅશન

તડકભડક: સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૦ માર્ચ ૨૦૧૯)

પેલો તો વેઠ ઉતારતો હોય એમ કામ કરે છે, એવું તમે ઘણી વાર સાંભળ્યું હશે. જેને કામ કરવામાં રસ ન હોય, જેને કામ સારું કરવામાં નહીં પણ માત્ર પૂરું કરી દેવામાં રસ હોય એના માટે આવું કહેવામાં આવેઃ વેઠ ઉતારવી.

એક જમાનામાં ખેત-મજદૂરો કે પછી કોઈ પણ સામાન્ય ગરીબ વ્યક્તિ શાહુકાર પાસેથી કે ગામના શેઠિયા પાસેથી નાણાં ઉછીના લે અને એ વ્યાજ ચૂકવી ન શકે કે મૂડી પાછી ન આપી શકે ત્યારે એણે વેઠ કરવી પડતી. વેઠ એટલે, સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ, વળતર વિનાનું ફરજિયાત કરવું પડતું કામ કે વૈતરું. અને વૈતરું એટલે? ફરીથી એ જ શબ્દકોશ મુજબઃ થાક લાગે કે કંટાળો ઊપજે તેવું વધુ પડતું કામ.

કશુંય વળતર મળવાની આશા ન હોય ત્યારે પોતાની મરજી વિરુધ્ધ જેમ તેમ કરી નાખેલું કામ એટલે વેઠ.

સરકારી જ નહીં, પ્રાઈવેટ સેક્‌ટરની પણ કેટલીય ઑફિસોમાં, દુકાનોમાં, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં, લખનારાઓના ક્ષેત્રમાં, શિક્ષણમાં તેમ જ પ્રેક્‌ટિકલી દરેક જગ્યાએ તમે આધુનિક સમયમાં પણ આવા વેઠિયાઓ જોયા હશે જેમને પૂરતું વળતર મળતું હોવા છતાં તેઓ જાણે પોતાની મરજી વિરુધ્ધ કામ કરતા હોય એમ જેમ તેમ કરીને કામ પૂરું કરેલું દેખાડેને જવાબદારી ખંખેરી નાખતા હોય છે. મૂડ નથી છતાં કામ કરવું પડે છે, મારો ઉપરી નકામો છે, મારી યોગ્ય કદર થતી નથી, મને હજુ વધારે વળતર કે સગવડો મળવાં જોઈએ- આવાં અનેક બહાનાં હેઠળ માણસ પોતાના કામમાં વેઠ ઉતારતો હોઈ શકે. ઘણાના તો સ્વભાવમાં જ વણાઈ ગયેલું હોય- એમને ગમે એટલું વળતર મળે, ગમે એટલાં સાધનો- ફૅસિલિટીઝ મળે, ગમે એટલી સગવડો અને ઈન્સેન્ટિવ્સ મળે, પૂરતો સમય મળે અને કામ કરવાનું આદર્શ વાતાવરણ મળે તોય પોતાના સ્વભાવને લીધે તેઓ કામ કરવામાં વેઠ જ ઉતારતા રહે છે. તેઓને ક્યારેય કામમાં પરફેક્‌શન સિધ્ધ કરવાનો વિચાર પણ આવતો નથી.

આની સામે કેટલાય લોકો તમે એવા જોયા હશે, નાનામાં નાના મજૂરથી માંડીને મહાન વૈજ્ઞાનિકો- બિઝનેસમૅન- ફિલ્મ મેકર્સ- રાઈટર્સ- નોકરિયાત વર્ગ, દરેક ક્ષેત્રમાં તમે એવા પરફેક્‌શનિસ્ટ જોયા હશે જેઓ પોતાના દરેક કાર્યમાં પોતાની જાત નીચોવીને, પોતે મેળવેલાં જ્ઞાન- માહિતી- અનુભવનો નીચોડ આપીને, કામને હન્ડ્રેડ પર્સેન્ટ ચોક્કસાઈ સુધી લઈ જવા માટે દિવસરાત એક કરતા હોય છે. ઘણી વખત તો એમને પોતાના કામમાંથી વળતર પણ નથી મળવાનું હોતું અથવા તો નહિવત્‌ વળતર મળવાનું હોય છે, તો પણ તેઓ પરફેક્‌શનનું લક્ષ્ય છોડતા નથી. ક્યારેક પૂરતો સમય ન હોય કે પૂરતી સગવડ ન હોય અને ક્યારેક આગલી રાત્રે ઊંઘ પૂરતી ન થઈ હોય કે જીવનની કોઈક પરિસ્થિતિને કારણે મનમાં ઉચાટ – ચિંતા હોય અથવા મૂડ ન હોય તો પણ તેઓ કામને પરફેક્‌શન સુધી પહોંચાડવાની કોશિશ નથી છોડતા અને પ્રયત્નો કરતાં રહીને પરફેક્‌શન સિધ્ધ કરીને જ રહે છે.

આવું પરફેક્‌શન કેવી રીતે મેળવી શકાય? અંગ્રેજીમાં કહેવત છે કે પ્રેક્‌ટિસ મેક્‌સ અ મૅન પરફેક્‌ટ. વારંવારનો રિયાઝ, રોજેરોજની તાલીમ અને આ રિયાઝ-તાલીમ કે અભ્યાસ દરમ્યાનની એકાગ્રતા તમને પરફેક્‌ટ બનાવે છે. શાંત અને ગમતા વાતાવરણમાં સારામાં સારું લખી શકતા હો અને ક્યારેક રેલ્વે પ્લેટફોર્મના બાંકડા પર બેસીને ભરચક ભીડ-કોલાહલ વચ્ચે લખવું પડે તો આજુબાજુની ખલેલ ભૂલી જવાય એવી એકાગ્રતા રાતોરાત નથી આવતી. કામમાં આવી એકાગ્રતા કેળવવા માટે વર્ષોનો રિયાઝ જોઈએ. વર્ષોની તપસ્યા જોઈએ. આપણી ઋષિ પરંપરામાં તપની અને ધ્યાનની જે વાત આવે છે તે આ જ છે. એકધારું અને સતત કાર્ય કરવું તેનું નમ તપ. અને આવું કાર્ય પૂરેપૂરી એકાગ્રતા સાથે કરવું એનું નામ ધ્યાન.

અમરા એક સ્નેહી નેત્ર ચિકિત્સક છે, આઈ સર્જ્યન. એમના ક્ષેત્રમાં દરેક સર્જરી વખતે હન્ડ્રેડ પર્સેન્ટ પરફેક્‌શન અનિવાર્ય. ક્યાંય ઉન્નીસ-બીસ જેવી વાત ના ચાલે. અને એ પણ એક કેસમાં પરફેક્‌શન પુરવાર કર્યા પછી નિષ્ફિકર થઈ જાઓ એવું નહીં. તરત જ બીજું ઑપરેશન કરવાનું હોય અને એમાં પણ એટલી જ નિષ્ઠાપૂર્વક પરફેક્‌શન લાવવું પડે. દિવસનાં વીસ ઑપરેશન કરવાનાં હોય અને પહેલાં પંદર ઑપરેશનમાં પરફેક્‌શન સિધ્ધ થઈ ગયું એટલે હવે બાકીનાં પાંચ જેમતેમ આટોપી લઈએ એવું પણ ના ચાલે. વીસેવીસ સર્જરીમાં હન્ડ્રેડ પર્સેન્ટ પરફેક્‌શન અનિવાર્ય અને કોઈ વખત વીસમું ઑપરેશન પૂરું કરીને ઘડીભર નિંરાતનો શ્વાસ લેવા બેઠા હો અને ઈમરજન્સી કેસ આવે તો ઘડીના છઠ્ઠા ભાગમાં, આંખના પલકારામાં, એ નિરાંતની પળ ત્યજીને ફરી પાછા એકવીસમી વખત પરફેક્‌શન સિધ્ધ કરવા તૈયાર થઈ જવું પડે.

આવું પરફેક્‌શન સિધ્ધ કરવાનો મંત્ર શું? એવી કોઈ ફૉર્મ્યુલા ખરી જેના વડે તમે અચૂક તમારા કામમાં દરેક વખતે પરફેક્‌શન મેળવી શકો?

મારા એ ડૉક્‌ટર મિત્ર પાસે એની ફૉર્મ્યુલા છે અને તેઓ જ્યારે બીજા ડૉક્‌ટરોને કે મેડિકલ સ્ટુડન્ટ્‌સને શીખવાડે છે ત્યારે ઉદારદીલે આ ફૉર્મ્યુલા વહેંચતાં કહે છેઃ એકનું એક કામ તમે એટલી વખત કર્યા કરો કે તમને એ કામ કરવામાં કંટાળો આવે એવા સ્ટેજ પર તમે પહોંચી જાઓ. આવી બોરડમ તમને પરફેક્‌શન અપાવશે!

કામ કરવાનો કંટાળો તમને પરફેક્‌ટ બનાવે એવી ફૉર્મ્યુલા તમે અગાઉ નહીં સાંભળી હોય. બોરડમનું મહાત્મ્ય આ રીતે તમને કોઈએ નહીં સમજાવ્યું હોય. ઉસ્તાદ ઝાકિર હુસૈનની જેમ તબલાં વગાડવામાં તમારી હથોટી એવી બેસી ગઈ હોય કે તમે કોઈપણ પરિસ્થિતિમાં હન્ડ્રેડ પર્સેન્ટ પરફેક્‌શનથી તબલાંવાદન કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકો.

વર્ષોના રિયાઝનું આ પરિણામ છે. તપ અને ધ્યાન. સાતત્ય અને એકાગ્રતા. એના પછી આ ચોકસાઈ સાધ્ય બનતી હોય છે. એકનું એક કામ તમે એટલી બધી વાર કરી ચૂક્યા હો છો કે તમને હજુ એકવાર એ કામ કરવાનું છે એવો વિચાર આવતાં કંટાળો આવે, મનમાં બોરડમ પ્રવેશે, ત્યારે માનવું કે હવે તમે પરફેક્‌ટ કામ કરતાં થઈ ગયા છો.

પણ એક સવાલ. ઉસ્તાદ ઝાકિર હુસૈન દાયકાઓથી તબલાં વગાડે છે. પણ હજુ સુધી એમના ચહેરા પર પેલી બોરડમ તો ક્યારેય દેખાઈ નથી. એમના તબલાંવાદનમાં પરફેક્‌શન હોવાં છતાં ચહેરા પર ક્યારેય કંટાળો નથી હોતો. હંમેશાં તેઓ પ્રસન્ન હોય છે. એટલું જ નહીં યુ કેન ફીલ કે એમને તબલાં વગાડવાની મઝા આવી રહી છે. તો શું પેલી બોરડમવાલી ફૉર્મ્યુલા ગલત?

નેત્રચિકિત્સક મિત્ર પરફેક્‌શન, બોરડમના બે એક્કાવાળાં પાનાં ખોલ્યા પછી હવે ત્રીજું પત્તું ખોલે છે. આ હુકમનું પાનું છે પૅશનનું. જે કરવાની તમારી પૅશન હશે એ કામ તમે બોરડમની હદ સુધી પહોંચી જાય એવા પરફેક્‌શનથી કરતા હશો તો પણ તમને એમાં થાક નહીં લાગે, ઊલટાની મઝા આવશે, થાક હશે તો પણ ઊતરી જશે. આ મઝા તમને સ્ટેજ પર બેસેલા તબલાંવાદકના ચહેરા પર પ્રસન્નતા બનીને ઊભરતી દેખાય છે, ઑપરેશન થિએટરમાં ડૉક્‌ટરના ચહેરા પર માસ્ક બાંધેલો હોવાથી તમે એ પ્રસન્નતા જોઈ નથી શકતા એટલું જ. બાકી પરફેક્‌શનમાં અને પૅશનથી જન્મેલી પ્રસન્નતામાં તબલાંવાદક તથ સર્જ્યન બેઉ સમકક્ષ છે. અને આ તથા આવા અનેક પરફેક્‌શનિસ્ટ, પૅશનેટ અને પ્રસન્ન મહાનુભાવો પાસેથી આપણે પણ પ્રેરણા લઈ શકીએ છીએ- આપણા કામને બોરડમ સુધી પહોંચાડવાની!

પાન બનાર્સવાલા

જે કંઈ કરવાનું છે તે બધું જ કરી લેવા માત્રથી પરફેક્‌શન નથી આવતું; જે જે કંઈ નથી કરવાનું તે બધું જ નથી કરવામાં આવતું ત્યારે પરફેક્‌શન સિધ્ધ થાય છે.

_ઍન્ટવાં દ સેઈન્ટ-એક્ઝુપરી

(વિશ્વ પ્રસિધ્ધ ‘ધ લિટલ પ્રિન્સ’ નવલકથાના લેખકે ‘ઍરમૅન્સ ઑડિસી’માં આ વાત લખી છે.)

2 COMMENTS

  1. In tech world, we have a formula of 10,000 hours. If you do/practice something for 10K hours (can take 5+ years to reach 10K hours) then you will be master of that work and you will be able to do it with your eyes closed. That will also make you reach the “boredom” stage as mentioned by the eye surgeon.

  2. All are not lucky to have their passion as profession. But it for individual to get passionate about his profession. I have always tried to accept challenges in different fields and still enjoying my job at ripe age of 72.
    Hasmukh Gaglani. D 801. Vasant aishwarya. Kandivali west Mumbai 67

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here