સારાઈની બુરાઈ નથી કરવી પણ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

ફિલ્મના છેલ્લા સીનની છેલછેલ્લી લાઈનો થોડીક જ સેક્ધડમાં બોલાવાની છે. કાશીનાથ ઘાણેકર જેવા સુપરસ્ટારને અજ્ઞાતવાસમાંથી બહાર લાવવા માટે એમના મસીહા સમાન મિત્ર પ્રભાકર પણશીકરે લેખક વસંત કાનેટકરના સુપરહિટ નાટક ‘અશ્રું ચી ઝાલી ફૂલે’ને રિવાઈવ કરવાનું નક્કી કર્યું છે જેમાં પ્રિન્સિપાલ પ્રૉ. વિદ્યાનંદનો લીડ રોલ પણશીકર ભજવી રહ્યા છે અને સેક્ધડ લીડ હોવા છતાં સમગ્ર નાટકને પોતાના ખભા પર ઊંચકી જનારા વિદ્યાર્થી લાલ્યાનો રોલ કાશીનાથ ઘાણેકરનો છે. અમરાવતીમાં શો છે. ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. કાશીનાથ હજુ થિયેટર પર પહોંચ્યા નથી. શોનો ટાઈમ થઈ ગયો છે. અમરાવતીની હૉટેલની રૂમમાં કાશીનાથ તૈયાર થઈને છેલ્લી ઘડીએ સંવાદ પાકા કરી રહ્યા છે… ‘એકદમ કેડેક્ક’ અને ‘ઉસ્મે ક્યાયે’ (ઉસ મેં ક્યા હૈ) જ્યારે પોતાના આગવા અંદાજમાં બોલાશે ત્યારે અમરાવતીનું જાનદાર ઑડિયન્સ તાળીઓના ગડગડાટથી પોતાને વધાવી લેશે એવા આત્મવિશ્ર્વાસ સાથે કાશીનાથ આયનામાં તાકીને પોતાની અદાઓ નિહાળી રહ્યા છે ત્યાં જ…

ત્યાં જ છાતીના ડાબા ભાગે પ્રચંડ ધરતીકંપ. થોડીક ક્ષણોનો તરફડાટ. સ્તબ્ધતા. 1986ની સાલના માર્ચ મહિનાનો બીજો દિવસ હતો. 14 સપ્ટેમ્બર 1930ના રોજ જન્મેલા કાશીનાથ ઘાણેકરના 56 વર્ષના આયુષ્યનો એ છેલ્લો દિવસ. થિયેટર પરથી સંદેશો આવતા હૉટેલનો નોકર કાશીનાથની રૂમનો દરવાજો ખટખટાવતો રહે છે. દરવાજો તૂટી જાય એ રીતે હલબલાવે છે પણ અંદરથી કોઈ જવાબ મળતો નથી. બીજો એક નોકર આવીને પેલાને કહે છે: કાશીનાથ ઘાણેકરની રૂમ છે ને? એ તો અંદર પીને ધૂત થઈને પડ્યો હશે. અગાઉ ઘણીવાર એવું થયું છે અને મેં દરવાજો તોડીને એમને બહાર કાઢ્યા છે ત્યારે મારે નુકસાની (ગાંવઠી મરાઠીમાં ‘નુસકાની’ બોલે છે) ભરપાઈ કરવી પડે છે. જવા દે…’

કાશીનાથના મૃત્યુના સમાચાર મુંબઈ કુટુંબને મળે છે, ચારેકોર પ્રસરે છે. પિક્ચર પૂરું થવાની તૈયારીમાં છે. કાશીનાથની ઈમેજીસની સાથે એમનો વૉઈસ ઓવર પ્રેક્ષકગૃહમાં પડઘાય છે. ઓરિજિનલ મરાઠીમાં જ સાંભળીએ:

‘કુઠલ્યા હી કલાકારાનાં જેવ્હા પહિલી ટાળી મિળતે તેવ્હા તો કળાકાર મ્હણુન સંપવુન જાતો, કારણ ટાળી હા સરસ્વતીની દિલેલા શ્રાપ આહે તસં મ્હણતાત. મલા હા શ્રાપ નસ્તા મિળાલા તરી મી ખૂપ કાહી હોઉ શકલો અસતો. એક બરા નવરા, એક ખરં મિત્ર, એક ચાંગલા મુલગાં, પર મી જર હે સગળં અસતો તર મે તે નસ્તો જે મી હોતો – ગોપાળ (‘આનંદી ગોપાળ’), બાપુ (‘ગારંબીચા બાપુ’), લાલ્યા (‘અશ્રું ચી ઝાલી ફૂલે’), સંભાજી (‘રાયગડાલા જેવ્હા જાગ યેતો’) … આણિ…’

સિનેમાગૃહમાં પ્રેક્ષકો ગળામાં ડૂમા સાથે મનોમન એ વાક્ય પૂરું કરે છે: ‘…આણિ કાશીનાથ ઘાણેકર…’

આપણને નાનપણથી માબાપ-વડીલો-સગાં-સમાજ-મિત્રો તરફથી શીખવવામાં આવ્યું છે કે આપણે સારા માણસ બનવાનું છે, મોટા થઈને આપણે આ સારાઈ કે સારપને આધારે જિંદગી બનાવવાની છે, આપણી ગુડનેસ પર ડિપેન્ડ થવાનું છે.

આપણને કોઈ દિવસ આપણી ટેલન્ટના આધારે લાઈફ બનાવવાનું શીખવાડવામાં આવ્યું નથી. માણસ તરીકે સારા હોવું એ જિંદગીનો એક નાનકડો હિસ્સો છે. દુનિયામાં લાખો-કરોડો માણસો છે જેઓ સારા, વધુ સારા, ખૂબ બધા સારા છે. દુનિયા એમને કારણે ટકી રહી છે પણ દુનિયા જેમના કારણે આગળ વધી રહી છે તે સારા લોકોને કારણે નહીં પણ ટેલન્ટેડ લોકોને કારણે.

કાશીનાથ ઘાણેકર વુમનાઈઝર (ફિલ્મમાં શબ્દ છે ‘લફડીબાજ’) અને મદ્ય મિત્ર (આ મારો કૉઈન કરેલો શબ્દ છે બાકી ફિલ્મમાં વપરાયેલા શબ્દ છે (બેવડા) ન હોત, મુંબઈ શહેરના મશહૂર ડેન્ટિસ્ટ હોવા છતાં છ-છ વર્ષ સુધી પ્રોમ્પટર-બૅકસ્ટેજનું કામ કરીને એમણે સ્ટ્રગલ ન કરી હોત, નાટ્યજગત માટેની પેશન પાછળ ખુવાર ન થયા હોત તેઓ જરૂર એક આદર્શ પતિ, સારા મિત્ર, ગૌરવ થાય એવા પુત્ર પુરવાર થયા જ હોત, એમાં કોઈ શંકા નથી.

પણ તો આજે એમને કોણ યાદ કરતું હોત? આવા તો કરોડો આદર્શ પતિઓ – મિત્રો – પુત્રો આ દુનિયામાં આવ્યા અને ગયા. કાળની ગર્તામાં ધકેલાઈ ગયા. ભૂંસાઈ ગયા. આમાંથી એક પણ વ્યક્તિના નામે આજે થાણેના હિરાનંદાની મેડોઝમાં ઊભું છે એવું ‘સ્વર્ગસ્થ કાશીનાથ ઘાણેકર સભાગૃહ’ છે? ના, નથી. તો પછી ઈમ્પોર્ટન્સ શેનું છે? સારા બનવાનું નહીં, ટેલન્ટનું ઈમ્પોર્ટન્સ છે. મારે અહીં કંઈ સારાઈની બુરાઈ નથી કરવી. તમે સારા હો તો સારું જ છે – તમારા માટે, દુનિયા માટે. પણ સારા હોવું જ માત્ર પૂરતું નથી. તમારી પૅશન, તમારી ટેલન્ટ, તમારી મહેનતના બળથી આ જગતમાં એક એવી લીટી તાણી જવી જોઈએ જેને કોઈ ભૂૂંસી ન શકે. કાશીનાથ ઘાણેકરે ગોપાળ, બાપુ, લાલ્યા, સંભાજી વગેરેની ભૂમિકાઓ ભજવીને એવી અ-ભૂંસ લીટી તાણી છે. ત્યારે તો તેઓ એક ભવ્ય બાયોપિકના સબજેક્ટ બન્યા છે અને ત્યારે તો એકબાજુ ઠગવાળી ફિલ્મમાં કાગડા ઊડે છે અને થિયેટરોમાંથી ઊતરતી જાય છે ત્યારે બીજી બાજુ પ્રાદેશિક ભાષાની ફિલ્મ હોવા છતાં ‘… આણિ કાશીનાથ ઘાણેકર’ના શોઝ હાઉસફૂલ ચાલ્યા કરે છે અને વધુ ને વધુ થિયેટરોમાં લાગતી જાય છે.

ફિલ્મમાં ડૉ. શ્રીરામ લાગુ અને ડૉ. કાશીનાથ ઘાણેકરની પ્રતિસ્પર્ધા દાખવવામાં લાગુને સહેજ અન્યાય થયો છે એવું લાગે. શ્રીરામ લાગુ સાથેની કાશીનાથ ઘાણેકર વચ્ચેના મરાઠી રંગભૂમિ પરના ‘મહાયુદ્ધ’ વિશેની થોડીક વાતો કરીને કાલે સમાપન કરીએ.

આજનો વિચાર

એ સીધી લીટી જેવું જીવન જીવ્યો…

… પણ વખાણ તો ત્યારે જ થયા જ્યારે એ લીટી કાર્ડિયોગ્રામમાં દેખાઈ.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

બકો: પકા!

પકો: બોલ, બકા!

બકો: આ વેલણ પણ કંઈક અજબની ચીજ છે.

પકો: કેમ શું થયું?

બકો: એનાથી રોટલી ગોળ થાય છે અને પતિ સીધો!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 16 નવેમ્બર 2018)

4 COMMENTS

  1. Top class , mind blowing & more of an eye opening for today’s
    ” PARENTS ” & Of course for all os us.

  2. Very nice series till now.
    મદ્ય મિત્ર – મસ્ત નવો શબ્દ કોઇન કરયો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here