જિંદગીમાં આપત્તિ, કટોકટી કે ખરાબ સમય જેવું કશું જ હોતું નથી : સૌરભ શાહ

તમારી ઊંઘ હરામ કરી નાખે, તમારો વર્તમાન છિન્નભિન્ન કરી નાખે અને તમારું ભાવિ રોળાઈ જાય એવી ચાલ ખેલતી રહે એવી વ્યક્તિનો તમને ક્યારેય ભેટો થયો છે?

ન થયો હોય તો તમને શુભેચ્છા કે આવા માણસનો ભેટો તમને ખૂબ જલદી થઈ જાય!

સજ્જનો, વિદ્વાનો અને પ્રેમાળ વ્યક્તિઓને જ ચાહતા અને એવા જ લોકોને ઉપયોગી ગણતા આ સમાજમાં નઠારા માણસોને બહુ નિષ્ઠુર દૃષ્ટિએ જોવામાં આવે છે. સામાન્ય માણસ માટે તમામ જીવજંતુ ઉપદ્રવી છે પણ ખેડૂતને ખબર હોય છે કે ક્યા જીવજંતુઓ પાકને હાનિકારક એવી જીવાતનો ખોરાક છે, એમના માટે એ ઉપયોગી કીડા છે.

હિંદી ફિલ્મોમાં જેમને ગંદી નાલીના કીડા કહેવામાં આવે છે એવું હલકટ, અસંસ્કૃત, બદમાશ તથા લુચ્ચું ચારિત્ર્ય ધરાવતી આપણી આસપાસની કેટલીક વ્યક્તિઓ પણ આપણા માટે ઉપયોગી છે. તેઓ તમને નડે છે ત્યારે તમારી પ્રગતિ થાય છે.

પહાડ પરથી વહી જતા એક ઝરણા આડે મોટો પથ્થર આવી જાય છે ત્યારે એનું વહેણ બદલાઈને નદી તરફનું થઈ જાય છે. પથ્થર આડે ન આવ્યો હોત તો ઝરણું આગળ જતાં સુકાઈ ગયું હોત, કદાચ.

તમને નડી જતા, તમારી આડે આવતા કે તમારા દુશ્મન બનવાની હોંશ રાખતા નઠારા માણસો તમને તમારું આયોજન બદલવાની ફરજ પાડે છે, તમે જે ધાર્યું હતું તે એમના નડી જવાથી કરી શકતા નથી, તમારે કશુંક નવું વિચારવું પડે છે.

ભવિષ્યમાં તમે પાછળ નજર કરશો ત્યારે તમને લાગશે કે તમારું જે લક્ષ્ય હતું, ધ્યેય હતું, તેના તરફ સીધી ગતિ કરવાને બદલે તમે સહેજ આડા ફંટાઈ રહ્યા હતા ત્યારે જ પેલા નઠારા માણસો તમારી આડે આવ્યા હતા. તેઓ નડ્યા ન હોત તો તમે મૂળ ધ્યેયથી ફંટાઈને આડે રસ્તે એટલા આગળ વધી ગયા હોત કે ત્યાંથી પાછા ફરવું તમારા માટે મુશ્કેલ બની જાત. ઝરણાએે આભાર માનવો જોઈએ પોતાને નડતા દરેક પથ્થરનો.

જિંદગીમાં આપત્તિ, કટોકટી કે ખરાબ સમય જેવું કશું જ હોતું નથી. ઉપરછલ્લી રીતે વર્તમાનમાં જે પરિસ્થિતિ સંઘર્ષકાળની ચરમસીમા જેવી લાગતી હોય છે તે ભવિષ્યમાં ખૂબ મોટી તકનું પ્રવેશદ્વાર પુરવાર થતી હોય છે. નઠારા માણસો જ તમારા માર્ગ આડે આવીને આ દરવાજો તમારા માટે ઉઘાડી આપતા હોય છે. તેઓ તમને ભટકાઈ ગયા ન હોત તો તમે તમારી ને તમારી જ ધૂનમાં ફંટાઈને ભટકી ગયા હોત. જેમનું વર્તન તમારા ગાલે સણસણતો તમાચો મારવા જેવું હોય છે એમનો આભાર માનીને તમારી જાતને તમારે કહેવું જોઈએ: એ ન મળ્યા હોત તો મારું ક્ષણભરનું ઝોકું ગાઢ નિદ્રામાં અને ત્યારબાદ લાંબી સુષુપ્તાવસ્થામાં પલટાઈ ગયું હોત. તમે મને જગાડ્યો, જાગૃત કર્યો અને મારી ફરી ગયેલી દિશાઓ તરફ મારું ધ્યાન દોર્યું. નકામા માણસ તરીકે તમે મારું બહુ મોટું કામ કર્યું.

નઠારા માણસોની કેટેગરીમાં વિશ્વાસભંગ કરનારાઓ પહેલી હરોળમાં આવે. કોઈ માણસ વિશ્વાસુ છે એવું કહીએ છીએ ત્યારે આપણે એ વ્યક્તિમાં રહેલા ગુણ કરતાં વિશેષ આપણી એના પ્રત્યેની લાગણી વ્યક્ત કરીએ છીએ. જે વ્યક્તિ તમને ભરોસાપાત્ર જણાય છે તે વ્યક્તિ ગમે તે ઘડીએ તમે મૂકેલા વિશ્વાસનો ભંગ કરી શકે છે. સમય, સંજોગો અને વર્તન બદલાતાં, કેલીડોસ્કોપમાં દેખાતી ડિઝાઈનની જેમ સંબંધોનાં સમીકરણો તરત જ બદલાઈ જતાં હોય છે. આજે વિશ્વાસપાત્ર જણાતી વ્યક્તિ આવતી કાલે તમારો વિશ્વાસઘાત કરી શકતી હોય છે. કોઈના પર તમે ભરોસો મૂકો છો ત્યારે એ તમારી પોતાની જરૂરિયાત હોય છે, ક્યારેક એ તમારી ગરજ પણ હોવાની. આમ છતાં તમે માનતા રહો છો કે વિશ્વાસ મૂકીને તમે કોઈના સદ્ગુણને માન્યતા આપી, કોઈને ઊંચા આસને બેસાડીને એને માન આપ્યું.

માણસને ગરજ હોય, એને પોતાનો ફાયદો દેખાતો હોય કે એનું ગાડું અટકી ગયેલું હોય ત્યારે એણે જખ મારીને બીજાઓ પર વિશ્વાસ મૂક્વો પડે. ક્યારેક લાગણીવશ થઈને, ક્યારેક દિમાગનું તાળું બંધ કરી દઈને કે પછી ક્યારેક લાલચવશ તમે બીજાઓ પર જરૂર કરતાં વધુ વિશ્વાસ મૂકીને તમારી ખાનગીમાં ખાનગી વાતો-યોજનાઓ એમને કહી બેસો છો ત્યારે અચૂક પસ્તાવાનું થાય છે. આવું થાય તો અને ત્યારે તમારે માનવાનું કે વાંક તમારો કહેવાય, તમે જેના પર વિશ્વાસભંગ કરવાનો આરોપ મૂકો છો એનો નહીં.

કોઈ વ્યક્તિ ગમે તે યુક્તિથી, કળપૂર્વક કે છળપૂર્વક તમારો વિશ્વાસ પામવાની કોશિશ કરે, પણ છેવટે તો તમારા પોતાના પર છે કે તમારે એના પર વિશ્વાસ મૂકવો કે નહીં. તમારા હાથમાં રહેલી દાગીનાની થેલી કોઈ ઝૂંટવી જઈ શકે, પણ એ રીતે કોઈ તમારો વિશ્વાસ થોડો મેળવી શકે?

વિશ્વાસ કે ભરોસો તો તમારે સામેથી બીજામાં મૂકવો પડે. બળ કે કળથી કોઈ તમારી પાસેથી એ મેળવી ન શકે. એટલે જ વિશ્વાસની કસોટી મૈત્રીના નહીં, શત્રુતાની એરણ પર કરવાની હોય. જે વાત તમે દોસ્તીદાવે કોઈને કહી હોય એ વાતને એ વ્યક્તિ તમારી દુશ્મન બની ગયા પછી પણ કોઈને નહીં કહે એવી ખાતરી હોય તો જ અને તેવી જ વાત તમારે દોસ્તને કરવી. અન્યથા ચૂપ રહેવું. ગમે એટલી લાલચ થાય તો પણ ચૂપ રહેવું, દરેક સંજોગોમાં. દાંત દબાવીને પણ ચૂપ રહેવું. કોઈના પર વિશ્વાસ રાખ્યા પછી તમારી પાસે વૈકલ્પિક ગોઠવણ નથી હોતી ત્યારે વિશ્વાસભંગ જીરવવો આકરો બની જાય છે.

તમે કોઈના ભરોસે તમારું કામ આગળ વધારવા માગતા હો ત્યારે એ વ્યક્તિ તમને અધવચ્ચે છોડી દેશે ત્યારે તમારી પાસે કયો વિકલ્પ હશે એની તૈયારી તમારે એના પર વિશ્વાસ મૂકતાં પહેલાં કરી રાખવી પડે. અંગત જીવનમાં, વ્યવસાય કે કારકિર્દીમાં અને જાહેર જીવનમાં પણ આવી તૈયારીઓ રાખવી પડે.

કોક તમને પોતાના ખૂબ વિશ્વાસુ ગણતું હોય, તમારા પર ખૂબ ભરોસો છે એવું જતાવતું હોય ત્યારે માનવું કે આવું એ પોતાની જરૂરિયાતને કારણે કહે છે, તમે સારા છો કે નહીં એની સાથે એને કોઈ નિસબત નથી. તમારા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે એવું કહીને એ વ્યક્તિ તમારી ભલમનસાઈનો ગેરલાભ લઈ રહી હોય એ પણ શક્ય છે.

આવા સંજોગોમાં વિશ્વાસઘાતી તરીકેની બદનામીથી ડરીને તમારો ઉપયોગ થતો રહે અને તમે સહન કરતા રહો એવી પરિસ્થિતિ બહુ આગળ લંબાય નહીં એ જોવાની જવાબદારી તમારી પોતાની. બિચારા બનવા કરતાં બેવફા બની જવું વધારે સારું.

પાન બનાર્સવાલા

જીવન સફળ થયું કે એળે ગયું એ નક્કી કરવાનો મારો માપદંડ આવો છે: કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ કરીને આ સંસારના વૈભવમાં જે ચપટીક પણ ઉમેરે તેનું જીવન સફળ અને જે તૈયાર ભાણે જમીને ચાલતા થાય તેનું જીવન નિષ્ફળ.

—વાડીલાલ ડગલી (‘શિયાળાની સવારનો તડકો’ નિબંધ સંગ્રહમાં, પૃ. ૯૧)

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર ૨૪ જુલાઈ ૨૦૨૨)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. સૌરભભાઇ સાહેબ ને લાખ લાખ સલામ.
    જીવન ઉપયોગી લેખ લખે છે.

  2. ઘણો ઉપયોગી અને વિચાર કરતા કરી દે એવો લેખ

  3. એકદમ જ જડબેસલાક વિચારધારા,મસ્તાન આર્ટિકલ.💯💯👌👌✌️✌️🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here