હર શીશે કે દિલ મેં એક તસવીર હૈ

સન્ડે મોર્નિંગસૌરભ શાહ

જ્યા અધૂરું છોડ્યું હતું ત્યાંથી શરૂ કરીએ.

‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ’ ગીત પછી રોઝીની કરિયર કેવી રીતે સડસડાટ ભાગે છે તે દર્શાવવા એક એવું ગીત આવે છે જેમાં વહીદા રહેમાનની નૃત્ય વિશારદ તરીકેની તમામ ખૂબીઓ બહાર આવે છે. ‘પિયા તોસે નૈના લાગે રે…’માં એક લેયર પર રોઝીની કારકિર્દી તેમ જ એની ડાન્સિંગ એબિલિટી દર્શાવાઈ છે અને બીજા સ્તર પર – ગીતના શબ્દોના સ્તર પર – રાજુ માટેના એના પ્યારની તડપ પ્રગટ કરવામાં આવી છે. હોળી-દિવાળીના તહેવારો તારા વિના કેટલા ફિક્કા છે અને હે રાતની ચાંદની તું અત્યારે નહીં આવે – મારો પ્રિયતમ આવશે ત્યારે તુંં આવજે, શૈલેન્દ્રે લખેલા આ શબ્દોને કારણે ગીત મલ્ટિડાયમેન્શનલ બન્યું છે. એટલું જ નહીં દિવાળીવાળા અંતરા વખતે વહીદાજીને મરાઠી લાવણીના સ્ટેપ્સ (તથા એવો જ નવવારી સાડીનો ડ્રેસ) આપવામાં આવ્યા છે તો તમે જુઓ કે આ મહાન ગીતકારે દિવાળી ‘આવી’ માટે હિંદીમાં ‘આઈ’ શબ્દ વાપરવાને બદલે મરાઠી શબ્દ ‘આલી’ વાપરીને એનો પ્રાસ દીવાલી સાથે કેવો જોડી દીધો છે. આવું બારીક નકશીકામ કર્યું હોય ત્યારે સાડા આઠ મિનિટ લાંબું ગીત ક્યારે પૂરું થઈ જાય એની પણ ખબર ના પડે:

પિયા તોસે નૈના લાગે રે
જાને ક્યા હો અબ આગે રે
જગ ને ઉતારે ધરતી પે તારે
પર મન મેરા મુરઝાએ
ઉન બિન આલી, ઐસી દીવાલી
મિલને કો જિયા ઉકલાએ
આ સજન પાયલ પુકારે
ઝનક ઝન ઝન ઝનક ઝન ઝન
પિયા તોસે…

રોઝીમાં મિસ નલિની બની ગયેલી નાયિકાના નૃત્ય પ્રવાસના વિવિધ તબક્કાઓ આ એક જ ગીતમાં એક પછી એક આવતા જાય છે. ‘ભોર કી બેલા સુહાની’વાળો બીજો અંતરો પૂરો થયા પછી સંગીત અને લતાજીનો અવાજ મંદ થતાં જાય છે, જાણે ગીત પૂરું થવાનું છે એવો અણસાર મળે છે. આમેય પોણા પાંચ મિનિટ વીતી ચૂકી છે એટલે ગીત પૂરું જ થશે એવું દર્શકોને લાગે. વહીદાજી અને દેવસા’બ ઘરમાં રાત્રે આડા પડી રહ્યાં છે એટલે ગીતનો નિશ્ર્ચિતપણે અંત આવી રહ્યો છે એવી પ્રતીતિ થાય. પણ ત્યાં જ ઘૂંઘરુનો રણકાર થાય અને વાયોલિનો ‘વોઈન્ક’ જેવો અવાજ સંભળાય જેમાં સિતાર ભળે અને તરત હોળીવાળો અંતરા શરૂ થઈ જાય. કેટલાકના મતે ફિલ્મના આરંભે, હજુ એક પણ ગીત નથી આવ્યું ત્યારે (અફકોર્સ ‘વહાં કૌન હૈ તેરા’ ટાઈટલ પડે છે ત્યારે આવી ગયું છે) વહીદાજી સપેરાની બસ્તીમાં જઈને નાગક્ધયાની જેમ નૃત્ય કરે છે તે આ ફિલ્મમાં વહીદાજીએ કરેલું શ્રેષ્ઠ નૃત્ય છે. પણ જો તમે ‘પિયા તોસે’માં હોળીવાળા અંતરામાં વહીદાજીને જુઓ તો લાગે કે આ અંતરામાં એમણે કરેલા બહેતરીન સ્ટેપ્સની તોલે ફિલ્મના બીજા કોઈપણ ગીતમાં (કે સર્પનૃત્યમાં માત્ર સંગીત સાથે) કરેલા સ્ટેપ્સ ન આવે.

આઈ હોલી આઈ સબરંગ લાઈ
બિન તેરે હોલી ભી ન ભાયે
ભર પિચકારી સખિયોં ને મારી
ભીગી મોરી સારી હાયે હાયે
તનબદન મોરા કાંપે થર થર
ધિનક ધિન ધિન ધિનક ધિન ધિન
પિયા તોસે…

આ ગીતમાં સચિનદાએ ઉત્કૃષ્ટ કંપોઝિશન કરવાની સાથે કોરસનો જે લાજવાબ ઉપયોગ કર્યો છે તે ખાસ માર્ક કરજો. વિશેષ કરીને આ છેલ્લા અંતરામાં એક વખત કોરસનો ઉપયોગ સંગીતના કોઈ ઈન્સ્ટ્રુમેન્ટની અવેજીમાં તેમ જ ગીતની છેલ્લી ક્ષણોમાં ક્રેસેન્ડો વખતે જે રીતે કોરસનો ઉપયોગ આ મહાન સંગીતકારે જે રીતે કર્યો છે તેને મહેસૂસ કરશો તો દિલ ઝૂમી ઊઠશે. આ અંતરામાં પ્રિય વ્યક્તિના મિલનની આસને, તડપને કેટલી મખમલી રીતે શબ્દો દ્વારા વ્યકત કરવામાં આવી છે તેની પણ તમે નોંધ લેજો:

રાત કો જબ ચાંદ ચમકે જલ ઉઠે તન મેરા
મૈં કહું મત કરો ચંદા ઈસ ગલી કા ફેરા
આના મોરા સૈંયા જબ આયે
ચમકના ઉસ રાત કો જબ મિલેંગે તનમન મિલેંગે તનમન
પિયા તોસે…

હવે જે ગીત આવી રહ્યું છે તે ગીત ટેક્નિકલી પિકચરનો મિડ પોઈન્ટ છે કારણ કે આ ગીત પછી સ્ટોરી પલટો મારવાની છે, ડાર્ક બનવાની છે. દિલથી બનાવેલી ફિલ્મમાં આવતા આવા ભાવપલટાની રોલર કોસ્ટર રાઈડને કારણે પ્રેક્ષક વારંવાર એ ફિલ્મ જોવા આકર્ષાતો હોય છે.

દેવસા’બ કહે છે: ‘હર શીશે કે દિલ મેં એક તસવીર હૈ, એક શીશા દિલ હમારે સીને મેં ભી હૈ જો હરદમ ઈસ મોહાની (મોહક) સૂરત કો છુપાયે રખતા હૈ.’

આ સાંભળીને વહીદાજી કહે છે: ‘અચ્છા! આગે બોલિયે…’

અને ગીત શરૂ થાય છે જેમાં બૉન્ગો અને કોન્ગોની રિધમ તેમ જ સેક્સોફોનનો જે રીતે ઉપયોગ થયો છે તે શમ્મી કપૂરની એ વાતને સાબિત કરે છે જે એમણે આર. ડી. બર્મન વિશેની બ્રહ્માનંદ સિંહની દસ્તાવેજી ફિલ્મ ‘પંચમ અનમિક્સ્ડ’માં ઑન રેકોર્ડ કહી છે કે બર્મનદાની બીમારીના ગાળામાં ‘ગાઈડ’નું ‘ગાતા રહે મેરા દિલ’ તથા ‘આરાધના’નું ‘કોરા કાગઝ થા યે મન મેરા’ પંચમે કંપોઝ કર્યાં અને રેકોર્ડિંગ પણ પંચમે જ કરાવ્યું. (ઘણા જાણકારો ‘મેરે સપનોં કી રાની’ તથા ‘રૂપ તેરા મસ્તાના’ પણ આર. ડી.ની નીપજ છે એવું કહે છે. એની સામે ‘નાઈન્ટી ફોર્ટી ટુ-અ લવ સ્ટોરી’ના ‘કુછ ના કહો’ – વાળા ગીતની પ્રેરણા પંચમે પોતાના પિતાજીની અતિ પ્રાચીન ધૂન ‘રોંગીલા રોંગીલા’ પરથી લીધી હતી. આપણે ચાહકોએ આવા વિવાદોમાં ઊંડા ઉતરવાને બદલે ગીતો માણવાનાં. પિતાનું સર્જન હોય કે પુત્રનું – અંતે તો હેમનું હેમ જ છે ને, અને તે પણ ચોવીસ કેરેટનું હેમ છે).

ગાતા રહે મેરા દિલ
તૂ હી મેરી મંઝિલ
કહીં બીતે ના યે રાતેં
કહીં બીતે ના યે દિન

ગીતના પ્રથમ ચાર શબ્દો હિન્દી ભાષામાં એક સ્વતંત્ર મુહાવરા જેવા બની ગયા છે અને અનેક સંદર્ભમાં અનેક લોકોએ અનેક પ્રકારે એનો સુંદર ઉપયોગ કર્યો છે. વહીદાજીની પિન્ક સાડી અને દેવસા’બના રેડ શર્ટને યાદ કર્યા વિના આ ગીત અધૂરું લાગે. આ ગીતમાં વહીદાજીની હેરસ્ટાઈલ પણ તમારું ધ્યાન ખેંચ્યા વિના ન રહે.

ગીત પૂરું થાય અને પ્રેક્ષકને પણ લાગવા માંડે કે આ હરીભરી ક્ષણો વીતવી ન જોઈએ, તૂટવી ન જોઈએ. રાજુ-રોઝીના પ્યારમાં કોઈ વિઘ્ન ન આવવું જોઈએ.

કથાનક અને ગીતો એકબીજાનો હાથ પકડીને એકબીજાની આડે આવ્યા વિના એકબીજાને ગતિ આપતાં રહીને યાત્રા કરતાં રહે ત્યારે કેવું જબરજસ્ત પરિણામ આવે છે તેનો પુરાવો ‘ગાઈડ’ ફિલ્મ છે. ફિલ્મમાં એક તોતિંગ વળાંક આવ્યા પછી જે ગીતો આવે છે તેના વિશે વાત કરીને આવતા રવિવારે આ શ્રેણીનું અચ્યુતમ્ કેશવમ્ કરીશું.

કાગળ પરના દીવા

વિશ્વામિત્રની તપોભંગ એણે જ કરાવ્યો એ ભૂલી,
મેનકા ફરિયાદી થઈ જાય, તો એ ખય ઝજ્ઞજ્ઞ કહેવાય કે નહીં!

– ડૉ. મુકુલ ચોકસી

સન્ડે હ્યુમર

સમાચાર: દીપિકા અને રણવીરના લગ્નમાં માત્ર ૩૦ જ મહેમાનોને નિમંત્રણ હતું.

બકાની પ્રતિક્રિયા: આપણા પ્રસંગોમાં એટલા તો રિસાઈને ખૂણામાં પડ્યા હોય છે…!

( મુંબઇ સમાચાર : રવિવાર, 18 નવેમ્બર 2018)

5 COMMENTS

  1. ખૂબ જ સરસ. ગાઇડના ગીતો અને સંગીત ની ઘણીબધી અજાણી વાતો જાણવા મળી.

  2. Very nicely reviewed movie” guide “
    Waiting for more movies in this pattern આવી રીતે તો ગાઈડ જોયેલી જ નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here