મહેલમાં હોવા જોઈએ એ ભગવાન અયોધ્યામાં ઉજ્જડ વેરાન તૂટ્યાફૂટ્યા તંબૂમાં રહે છે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 4 જાન્યુઆરી 2019)

૧૮૫૩ની સાલમાં, દોઢેક સદી અગાઉ નિર્મોહી અખાડાના સાધુઓએ બાબરીવાળી જગ્યા પર કબજો કરીને એક ચબૂતરો બાંધી દીધો જેને કારણે મસ્જિદ બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક ભાગમાં રામ ચબૂતરા તરીકે ઓળખાતી જગ્યા હતી જે બહારનો ભાગ હતો અને હિંદુઓ ત્યાં આવીને પૂજા-કિર્તન કરતા. અંદરનો ભાગ મસ્જિદનો જ્યાં નમાઝ પઢાતી.

૧૮૮૩માં ચબૂતરા પર મંદિર બાંધવાની કોશિશ થઈ પણ મુસ્લિમોના વિરોધને કારણે તે વખતના અંગ્રેજ શાસનના ડેપ્યુટી કમિશનરે મંદિર નિર્માણ પર પ્રતિબંધ લાદ્યો. ૧૮૮૬માં ડિસ્ટ્રિક્ટ જજના ચુકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે હિંદુઓ માટે પવિત્ર ગણાતી ભૂમિ પર જ મસ્જિદ બંધાઈ છે છતાં આ જજે ‘જેમ છે તેમ’ (સ્ટેટસ કવો)નો હુકમ કરીને મંદિરનું બાંધકામ ન થાય એવી જોગવાઈ કરી. આ અંગ્રેજ જજના ચુકાદા પછી આ બાબતની અપીલને પણ બીજા અંગ્રેજ જજે ફગાવી દીધી.

છેક ૧૯૩૬માં સુન્ની વકફ બોર્ડે આ જગ્યા પર પોતાનો હક્ક દાવો કોર્ટમાં કર્યો. અને શિયા-સુન્ની મુસ્લિમો વચ્ચે ફાટફૂટ પડી, કારણ કે મૂળ આ જમીન અમારી છે એવો દાવો શિયાઓએ કર્યો હતો. શિયાઓએ સુન્ની દાવાને નકાર્યો, પડકાર્યો.

ડિસેમ્બર ૧૯૪૯. આ મહિનો અને સાલ રામજન્મભૂમિના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. અખિલ ભારતીય રામાયણ મહાસભાએ નવ દિવસનો અખંડ રામચરિત માનસ પાઠ મસ્જિદની બહાર કર્યો અને એ પછી ૨૨-૨૩ ડિસેમ્બરની રાત્રે ૫૦-૬૦ જણાએ મસ્જિદમાં જઈને સીતારામની મૂર્તિઓની સ્થાપના કરી દીધી. ૨૩ ડિસેમ્બરે અખંડ પાઠના આયોજકોએ લાઉડસ્પીકરો દ્વારા જાહેરાત કરી કે ચમત્કાર થઈ ગયો છે, રામસીતાની મૂર્તિઓ સ્વયંભૂપણે પ્રગટ થઈ છે, સૌ કોઈ દર્શન માટે પધારો, હજારો રામભક્તો આવવા લાગ્યા. પ્રશાસને મસ્જિદને વિવાદાસ્પદ જગ્યા ગણાવીને પ્રવેશદ્વારોમાંથી કોઈ પ્રવેશી ન શકે એવો બંદોબસ્ત કરી દીધો.

તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આદેશ કર્યો કે સીતારામની મૂર્તિઓ હટાવી દેવામાં આવે, પરંતુ ફૈઝાબાદના ડેપ્યુટી કમિશનર કે.કે. નાયરે ડર દેખાડ્યો કે આવું કરવા જઈશું તો હિંદુઓની લાગણી દુભાશે અને વિસ્તારની શાંતિ જોખમાશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો. ૧૯૯૪ કરતાંય એક દાયકા અગાઉથી અહીં કોઈ નમાજ પઢતું નહોતું. ૧૯૪૯માં રામલલ્લાની મૂર્તિની સ્થાપના થયા પછી તો આ સ્ટ્રકચર ઑફિશિયલી ઈસ્લામની ઈબાદત માટે હરામ થઈ ગયું. આમ આ ઈમારત મસ્જિદ મટી ગઈ. છતાં ૫૦ વર્ષ પછી પણ એને મસ્જિદ ગણાવીને મીડિયાએ મુસ્લિમોની ધાર્મિક લાગણી ઉશ્કેરી અને દુનિયાભરમાં ભારતની બદનામી કરી. સૂટબૂટ પહેરીને જર્નલિઝમ કરનારા અંગ્રેજોની ઔલાદ જેવા પોતાને એલિટ માનનારા પત્રકારોનો તથા એમને પાળનારા મીડિયા હાઉસીસનો એ જમાનો હતો જે છેક ૨૦૦૨ના ગોધરા હિંદુ હત્યાકાંડ પછીની પ્રતિક્રિયારૂપે સર્જાયેલાં રમખાણો સુધી જારી રહ્યો. ૨૦૧૪ પછી જો બાબરી તૂટી હોત તો ઈવન સાઉદી અરેબિયાએ પણ આ ઘટના વધાવી લીધી હોત.

ખૈર.

૧૯૪૯માં જે મૂર્તિઓ સ્થાપવામાં આવી તેનાં દર્શન કરવાનો લહાવો પણ છે, ગમગીની પણ છે. જે જગ્યાએ ભગવાન રામજીનું ભવ્ય વિશ્ર્વમંદિર હોવું જોઈએ ત્યાં માત્ર ટેમ્પરરી તાડપત્રીના તૂટ્યાફૂટ્યા છાપરા હેઠળ ધૂળ-તડકો સહન કરતી રામજીની મૂર્તિ જોઈને આ બંને ફિલિંગ થાય.

રામલલ્લાના દર્શન કરવા માટે તમારે કુલ પાંચ જગ્યાએ બૉડી ફ્રિસ્કિંગમાંથી પસાર થવું પડે. મોબાઈલ, ચામડાની ચીજો, ઘડિયાળ સાથે લઈ જવાની મનાઈ છે. પ્રથમ પોલીસવાળાઓ અને ત્યારબાદની ચોકીઓમાં અર્ધલશ્કરીદળના જવાનો તમારું ચેકિંગ કરે. ઠેર ઠેર સીસીટીવી કૅમેરા. એક જ માણસ ચાલી શકે એવી કેડી. મારા જેવો સહેલાઈથી નીકળી જાય પણ ભારે શરીરવાળાએ બેઉ બાજુએ બાંધેલી જાળી સાથે કદાચ ઘસાવું પડે એટલી સાંકડી કેડી. માથા ઉપર પણ જાળી. સીધેસીધો માર્ગ હોઈ શકત પણ આ જાળીવાળી કેડીને ભુલભુલૈયા જેવી વાંકીચૂંકી, આડીઅવડી બનાવી છે. દરેક જગ્યાએ અર્ધલશ્કરીદળોના જવાનભાઈઓ (અને કેટલીક જગ્યાએ બહેનો પણ) યુનિફોર્મ પહેરીને સતર્ક નજરે સેમી ઑટોમેટિક રાઈફલ સાથે તહેનાત. એક વખત આ પાંજરાનુમા કેડીમાં પ્રવેશ્યા પછી તમે બહાર નીકળી ન શકો એવું એનું બાંધકામ છે. ફાયરબ્રિગેડનું એન્જિન જોયું. જવાનોની છાવણીઓ ઠેરઠેર જોઈ. જવાનો આસાનીથી હરફર કરી શકે એ માટે લોખંડના પિંજરા જેવી પાતળી કેડીની ઉપરથી નાના નાના બ્રિજ બનાવવામાં આવ્યા છે. ચારેબાજુ ઉજ્જડ વિસ્તાર. ભેંકાર અને નિર્જન જગ્યા. લાંબું ચાલ્યા બાદ તમારી જમણી તરફ લગભગ ૫૦ ફીટના અંતરે તૂટેલી તાડપત્રી નીચે એક નાનકડા ટીંબા પર બિરાજતા રામલલ્લાનાં તમે દર્શન કરો છો. ભગવાન ફરી એક વાર વનવાસ વેઠી રહ્યા છે એવી ભાવના થાય. આંખોમાં લોહી ધસી આવે. જેમણે મહેલ જેવા મંદિરમાં રહેવાનું હોય તે ઉજ્જડ વેરાન ફાટેલા તંબૂ નીચે વસે છે. આંખોમાંથી રોષ અને ભાવુકતા-બેઉ એકસાથે વહે. સુરક્ષાકર્મીઓની કૃપાથી શાંતિથી દર્શન થયાં. પૂજારીએ જાળીના બાકોરામાંથી મુઠ્ઠી ભરીને સાકરિયાનો પ્રસાદ જમણી હથેળીમાં મૂક્યો જેને માથે ચડાવી અમે એ જ પિંજરાકેડી પર આગળ ચાલ્યા. પ્રવેશ અને નિર્ગમ માર્ગ મળીને દોઢેક કિલોમીટરનું અંતર હશે. બહાર આવ્યા ત્યારે તીર્થસ્થાન પર જોવા મળે એવી દુકાનો જ દુકાનો. ખૂબ ભીડ. મેળા જેવું વાતાવરણ. રામલલ્લાનાં દર્શન બપોરના ૧ થી ૫ દરમ્યાન જ ખુલ્લાં હોય છે છતાં લોકોનો પ્રવાહ ઓછો થવાનું નામ લેતો નથી.

કંઈ કેટલાય સાધુઓ અને રામભક્તોએ બલિદાન આપ્યું છે – રામજન્મભૂમિ માટે.

2 COMMENTS

  1. આને માટે ફક્ત અને ફક્ત હિંદુઓની ઉદારતા/કાયરતા જવાબદાર છે એમ મારુ અંગત માનવુ છે.

    • હિન્દૂ ઓ ની ઉદારતા નહીં કાયરતા જ કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here