ગુરુદેવ કહે છે કે એક ચિનગારીથી જંગલ આખું સળગે પણ એ આગ એક ટીપાથી ન ઓલવાયઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ ભાદરવા સુદ અગિયારસ, વિક્રમ સંવત ૨૦૭૭. શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021)

આચાર્ય વિજય રત્નસુંદર સૂરિ મહારાજ સાહેબ લિખિત બે પુસ્તકો ‘આભાર’ (પુ.ક્ર.384) તથા ‘શૂન્યનું રૂપાંતર પૂર્ણમાં (પુ.ક્ર.385) વિશે ગઈ કાલે શરૂ કરેલી વાત આજે આગળ વધારીએ.

ગુરુદેવ કહે છે કે ‘નવું બધું જ પિત્તળ હોય અને જૂનું બધું જ સોનું હોય છે એવું નથી. નવું ય સોનું હોઈ શકે છે તો જૂનું ય પિત્તળ હોઈ શકે છે. પ્રશ્ન માત્ર વિવેકદૃષ્ટિનો છે.’

આ વિવેક દ્રષ્ટિ એટલે શું? ક્યાંથી મળે? એ આપણામાં જ છે. ગુરુદેવના શબ્દોમાં આ વિવેક દ્રષ્ટિ એટલે ‘શરીરની તંદુરસ્તીમાં, મનની સ્વસ્થતામાં અને આત્માની પવિત્રતામાં જે પરિબળો સહાયક બને છે એવું લાગે તેને અપનાવી લેવાનાં – ચાહે એ જૂના હોય કે નવા.’ આને જ વિવેક દ્રષ્ટિ કહેવાય.

‘અને જે પણ પરિબળો એમાં બાધક બનતા હોય – ચાહે જૂના કે નવા – એને છોડી દેવામાં એક પળનોય વિલંબ ન કરવો.’ એનું નામ વિવેકદ્રષ્ટિ.

ગુરુદેવ લખે છેઃ ‘જેને સોનું માનીને વરસોથી સંઘર્યું છે એ સોનું નથી પણ પિત્તળ છે એવો ખ્યાલ આવી જાય તો એને છોડી જ દો અને જેને પિત્તળ માનીને દૂર રહ્યા છો એ પિત્તળ નથી પણ સોનું છે એવો ખ્યાલ આવી જાય તો એને તુર્ત અપનાવી લો.’

ગુરુદેવની આ સલાહ જીવનના દરેક પગલાને લાગુ પડે છે, આપણી આસપાસની વ્યક્તિઓની બાબતમાં પણ.

ધીરજ એટલે શું?

ગુરુદેવ કહે છેઃ ‘રાહ જોવાની તૈયારી, સમય પસાર થવા દેવાની ક્ષમતા. ઉતાવળ એ જ ભૂતાવળ છે એની સ્પષ્ટ સમજ.’ અને પછી સમજાવે છેઃ ‘જવાબ આપો. પાનખરની ગમે એટલી અકળામણ હોય, વસંત વહેલી આવે ખરી? અમાસ પ્રત્યે ગમે તેટલી નારાજગી હોય, પૂનમનાં દર્શન પંદર દિવસ પહેલાં શક્ય બને ખરા? હરગિઝ નહીં. તમે કશું જ ન કરો. માત્ર સમય પસાર થવા દો અને તમને ઇચ્છિતની પ્રાપ્તિ થઈને જ રહે.’ આગળ એક જગ્યાએ અલગ સંદર્ભમાં ગુરુદેવે કહ્યું છે. ‘પાનખર પછી વસંતની કલ્પના ન કરો તો ય વસંત આવે જ છે…’

વિવેકદૃષ્ટિવાળી વાતમાં એક ઉમેરો. ગુરુદેવ કહે છેઃ ‘જીવનના માર્ગ પર કેટલાક પુલો એવા આવતા હોય છે કે જેમને ઓળંગી જવાના હોય છે તો કેટલાક પુલો એવા આવતા હોય છે કે જેને બાળી નાખવાના હોય છે.’

કયા પુલ ઓળંગવાના અને કયા બાળી નાખવાના એનું વિવેકભાન આપણામાં હોવું જોઈએ.

‘પતન પરિશ્રમહીન હોઈ શકે પણ ઉત્થાન તો પરિશ્રમ વિના સંભવિત જ નથી’ એવું કહીને ગુરુદેવે ખૂબ વિગતે આ વાત સમજાવી છેઃ ‘આગની એક જ ચિનગારી જંગલને સળગાવી શકે છે પણ પાણીનું એક જ બુંદ એ જંગલને ઠારી શકતું નથી.’

ગુરુદેવ કહે છે કે પાણીના એક જ બુંદથી તૃષા છીપાતી નથી કે એક જ વખતના પાણીથી ખેતરના પાકને નિષ્પન્ન કરી શકાતો નથી. એક જ કદમ ચાલવાથી જેમ મંઝિલ આવી જતી નથી તેમ એક જ વખતના ચાલવાના પુરુષાર્થથી શરીરમાંથી ચરબી ઘટવા લાગતી નથી. એક જ ઇંટથી જેમ મકાન બની જતું નથી તેમ એક જ દિવસના પ્રયાસથી પણ ઇમારત ખડી થઈ જતી નથી. એક જ વાક્યથી જેમ પુસ્તક લખાઈ જતું નથી તેમ એક જ દિવસ લખલખ કર્યા કરવાથી ય પુસ્તક લખાઈ જતું નથી. આનો અર્થ શું થયો? એ જ કે વિધ્વંસ ભલે સાતત્ય ન માગે પણ સર્જન તો સાતત્ય વિના સંભવિત જ નથી.

છેલ્લે આ સમજને દ્રઢ કરાવતાં ગુરુદેવ કહે છેઃ ‘એક જ પગથિયાની અસાવધગીરી તમને ઉપરથી છેક નીચે ધકેલી શકે છે પણ એક જ પગથિયા પરની જાગૃતિ તમને નીચેથી છેક શિખર પર પહોંચાડી શકતી નથી… તમારે ‘અનેક’ને અને ‘વારંવાર’ને જીવનમંત્ર બનાવવો પડશે… સફળતા એને જ સાથ આપે છે જેની પાસે નસીબ છે અને નસીબ એની પાસે જ ચક્કર લગાવે છે જેની પાસે પ્રચંડ પુરુષાર્થ છે.’

કેટલીક વાર અજાણતાં કે જાણી જોઈને આપણે ખોટા માર્ગે ચાલવાનું શરૂ કરી દઈએ છીએ. અચાનક આપણને ભાન થાય કે આવું નહોતું કરવું જોઈતું. પણ પછી વિચાર આવે કે હવે ઘણું મોડું થઈ ગયું, પાછા વળીને નવા રસ્તે આગળ વધી શકાય એમ નથી.

ગુરુદેવ કહે છેઃ ‘પ્રથમ અપરાધમાં, પ્રથમ ભૂલમાં, પ્રથમ ગલત કદમમાં કે પ્રથમ પાપમાં જ સાવધ થઈ જવું, અટકી જવું અને એ માર્ગેથી પાછા વળી જવું એ જેવું તેવું પરાક્રમ નથી.’ આ વાત સમજાવવા એમણે એક હળવુંફુલ પણ જડબેસલાક ઉદાહરણ આપ્યું છેઃ

ચર્ચગેટથી વિરાર જવા નીકળેલો એક યુવાન વિરારની ટ્રેનમાં તો બેસી ગયો પણ મરીન લાઇન્સ ગયું અને પછી ચર્ની રોડ આવ્યું તો ત્યાં કોણ જાણે એને શું થયું ને એ નીચે ઊતરી ગયો. સ્ટેશન પર ઉભેલા ટી.સી. પાસે સામે ચડીને પહોંચી ગયો અને ટી.સી. સમક્ષ કબૂલાત કરી દીધીઃ ‘હું ટિકિટ લીધા વિના જ ટ્રેનમાં બેસી ગયો હતો. ચર્ચગેટથી ચર્ની રોડ સુધીનો જે દંડ થતો હોય એ મારી પાસેથી વસૂલી લો અને મને વિરારની ટિકિટ આપી દો.’

દંડ વસૂલીને ટી.સી.એ એને વિરારની ટિકિટ આપી તો દીધી પણ એની બાજુમાં ઊભેલા મિત્રોએ એને આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો કે ‘ચર્ચગેટથી હું ટ્રેનમાં બેઠો ત્યારે મને સમાચાર મળી ગયા કે છેક વિરાર સુધી કડક ચેકિંગ છે. મેં વિચાર્યું છેક વિરારમાં પકડાઈ જઈને વધુ દંડ ભરવો એના કરતાં ચર્ની રોડ ઉતરી જઈને સામે ચાલીને ઓછો દંડ શા માટે ન ભરી દેવો? ટૂંકમાં પતી ગયું અને નિશ્ચિંતતા આવી ગઈ એ જુદું!’

ગુરુદેવ કહે છે, ‘પાપ ન જ કરવું એ તો પ્રચંડ પરાક્રમ છે જ પણ એક જ વખત પાપ કરીને અટકી જવું એ ય કંઈ જેવુંતેવું પરાક્રમ નથી… અને એમાંય જે પાપ પકડાયું નથી એ પાપના પુનરાવર્તનથી બચતા રહેવું એ તો 56ની છાતી માગી લે છે.’

ગુરુદેવ પૂછે છેઃ ‘આવા સમયનું આપણા મનમાં મૂલ્ય કેટલું છે? એના સદુપયોગ માટે આપણે કેટલા જાગ્રત છીએ?

સમયની પાંચ વિશેષતાઓ વિશે ગુરુદેવ સમજાવે છે.

પહેલી વિશેષતા એ કે આ જગતના સર્વજીવોને એ એક વાર તો મળે જ. સંપત્તિ સૌ કોઈને એક વાર પણ મળે જ એ નક્કી નહીં. સત્તા કે સૌંદર્ય પણ સૌને એક વાર તો મળે જ એ નક્કી નહીં. ગાડી, બંગલા કે ફર્નિચરની સામગ્રી પણ સૌને એક વાર તો મળે જ એ નક્કી નથી હોતું પણ સમય સૌને એક વાર તો મળે, મળે અને મળે જ.

બીજી વિશેષતા સમયની એ કે એ એક જ વાર મળે છે, બીજી વાર નહીં. સંપત્તિ કે સત્તા હાથમાંથી ચાલ્યા ગયા પછી પુનઃ મળી શકે છે, સ્વાસ્થ્ય કથળી ગયા પછી કે સંબંધ તૂટી ગયા પછી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે છે, સંબંધ પૂર્વવત થઈ શકે છે પણ સમય એક વાર હાથમાંથી સરકી ગયા પછી પુનઃ નથી જ મળી શકતો.

ત્રીજી વિશેષતા એ કે સમયનો સંગ્રહ સર્વથા અશક્ય છે. સંપત્તિને તમે ટકાવી શકો અને વધારી પણ શકો. સત્તાને સાચવી શકો. ફર્નિચરની માવજત કરી શકો. હીરા-માણેક-મોતીનો સંગ્રહ કરી શકો પણ સમયનો સંગ્રહ કરવામાં ખુદ પરમાત્માને પણ સફળતા ન મળે.

સમયની ચોથી વિશેષતા એ કે એ સૌને એક સમાન જ મળે. સંપત્તિ કોઈને ઓછીવત્તી મળે, સત્તા વધારે કે ઓછી મળે, પ્રતિષ્ઠા તથા સ્વાસ્થ્ય પણ વધતાંઘટતાં મળી શકે પરંતુ રાજા હોય કે રંક, પાપી હોય કે પુણ્યશાળી – સમય બધાને એકસરખો જ મળતો હોય છે.

સમયની પાંચમી વિશેષતા એ કે એના પર કોઈનું ય બંધન નથી હોતું. સમય સ્વતંત્ર છે. એના પર કોઈનીય જોહુકમી ચાલતી નથી. સમય પર કોઈનોય હુકમ ચાલતો નથી. સમય કોઈનો ગુલામ નથી, કોઈનો આશ્રિત નથી. સમય બે-લગામ છે. સમય જેટલું સ્વતંત્ર અને સમય જેટલું નિર્લેપ જગતમાં ભાગ્યે જ બીજું કશું હશે.

આ જગતની કોઈ પણ વસ્તુ મહત્ત્વની છે, મૂલ્યવાન છે એનો નિર્ણાયક પણ સમય છે. હાથમાંથી નીકળી ગયેલો સમય પાછો ન આવવાને કારણે જે નુકસાની થાય છે એને કોઈ કાળે ભરપાઈ ન કરી શકાય.

ગુરુદેવ પૂછે છેઃ ‘આવા સમયનું આપણા મનમાં મૂલ્ય કેટલું છે? એના સદુપયોગ માટે આપણે કેટલા જાગ્રત છીએ? એના દુરુપયોગથી બચતા રહેવાની આપણી સાવધગીરી કેટલી છે?’

સંપ અને સંગઠન ઉપર ગુરુદેવ પ્રકાશ પાડે છેઃ ‘સૂર્યના એકાદ કિરણે જ સૂકાઈ જતું પાણીનું બુંદ જો પોતાની જાત સાગરને સમર્પિત કરી દે તો પછી સૂર્યનાં કરોડ કિરણો પણ એ સાગરને સૂકવી શકતા નથી… બુંદ કમજોર છે, સાગર તાકાતવાન છે. પૈસો કમજોર છે, રૂપિયો તાકાતવાન છે. હવાની લહેરખી કમજોર છે, વાવાઝોડું તાકાતવાન છે. અક્ષર કમજોર છે, શબ્દ તાકાતવાન છે… પર્ણ કમજોર છે, વૃક્ષ તાકાતવાન છે. ઢગલો કમજોર છે, પર્વત તાકાતવાન છે… જે કમજોર છે એણે જો તાકાતવાન બનવું હોય તો સંગઠિત બની જવું…’
આટલું સમજાવ્યા પછી ગુરુદેવ પૂછે છે કે સંગઠનની અને સંપની આટલી બધી જબરદસ્ત તાકાત હોવા છતાં માણસ સંગઠનમાં જોડાઈ જવા તૈયાર કેમ થતો નથી?’

આ સવાલનો જવાબ પણ ગુરુદેવ પાસેથી મળે છેઃ ‘કાં તો માણસ પોતાની જાતને વધુ તાકાતવાન માની બેઠો હોય છે અને કાં તો કમજોર હોવાની પ્રતીતિ છતાં એ અહમનો શિકાર બની ગયો હોય છે.’

જતાં જતાં એક વાત આ પુસ્તકના અંતિમ પાનાંઓમાં ગુરુદેવ કહેતા જાય છેઃ ‘…શ્રદ્ધાના જગતનો એક ગજબનાક ફાયદો એ છે કે તમે શરૂઆત માટે સાવધ રહો, તમે શરૂઆત માટે કાળજી કરો, સમાપ્તિની ચિંતા પરમાત્મા ખુદ કરી લેશે. જો તમારો પ્રારંભ નિષ્ઠાસભર છે તો એના અંત માટે તમારે શંકા રાખવાની પણ કોઈ જરૂર નથી અને ચિંતિત રહેવાની પણ જરૂર નથી.

આ જગતમાં આપણને જુદા જુદા સ્ત્રોતમાંથી હજારો વાતો સાંભળવા મળે છે. કોની વાત સાંભળવાની? અંતરાત્માની. તમારી કોઠાસૂઝ જે કહે તે ખરું. શું કામ? કારણ કે તમારું બૅકગ્રાઉન્ડ કેવું છે, તમારી ક્ષમતા કેટલી છે. તમારી હાલની પરિસ્થિતિ કેવી છે અને તમારી આસપાસ કોણ છે. અને કોણ નથી, જે છે એ કેવા છે – આ બધીય વાતોનો સંગ્રહ તમારા અર્ધચેતન મગજમાં, તમારા સબકૉન્શ્યસ માઇન્ડમાં થતો હોય છે. તમારો અંતરાત્મા જે બોલે છે તે તમારા આ સબ કૉન્શ્યસ માઇન્ડમાં ઝાંકીને બોલે છે. તમારી કોઠાસૂઝને જે પ્રગટાવે છે તે ચિનગારી આ સબ-કૉન્શ્યસ માઇન્ડની દેણ છે. આ બધી ગંભીર વાતને સમજાવવા માટે ગુરુદેવે એક રમૂજી ઉદાહરણ સાથે ‘આભાર’ પુસ્તકનું સમાપન કર્યું છે. આવતી કાલે થોડીક વાતો ‘શૂન્યનું રૂપાંતરણ પૂર્ણમાં’ પુસ્તકની કરીએ તે પહેલાં પેલું ઉદાહરણ માણી લઈએ:

એક મોબાઈલ ટાવરની ટોચે પહોંચી જવાની દેડકાઓ વચ્ચે હરિફાઈ હતી. દસેક દેડકાઓ એ હરિફાઈમાં સામેલ થયા તો હતા પણ નીચે રહેલા બાકીના પ્રેક્ષક દેડકાઓએ આ દસ સ્પર્ધક દેડકાઓના ઉત્સાહને તોડી નાખવાનું શરૂ કર્યું.

‘તમે ઉપર પહોંચી રહ્યા! ટાવર ખૂબ ઊંચો છે અને તમારા પગ નાના છે. વળી, ઉપર જતાં સંતુલન ગુમાવીને જો નીચે પટકાશો તો તમારા સૌનું રામ બોલો ભાઈ રામ થઈ જશે. બહુ ડાહ્યા ન થાઓ, પાછા વળી જાઓ.’

આવા ઉત્સાહભંગના શબ્દો સાંભળીને નવ દેડકાઓ તો પાછા નીચે ઉતરી ગયા પણ એક દેડકો તો ઉપર પહોંચી જ ગયો. તાળીઓના ગડગડાટથી સહુએ એને વધાવી તો લીધો પણ એ જ્યારે નીચે આવ્યો ત્યારે અન્ય દેડકાઓએ એને પૂછ્યું : ‘નીચે રહેલા કેટલાક દેડકાઓ ઉત્સાહભંગના શબ્દો બોલી રહ્યા હતા છતાં તું ઉપર તેવી રીતે પહોંચી ગયો?’

‘એમાં એવું છે ને કે મને આમેય ઓછું સંભળાય છે’ એ દેડકાએ હસતાંહસતાં જવાબ આપી દીધો.
••• ••• •••

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here