હરકિસન મહેતાના પરિવાર સાથે સૌરભ શાહની ગોષ્ઠિ : સ્મૃતિઓ વરસવા આતુર છે —ભાગ 1)_

તમે નાનપણમાં જે ગુમાવ્યું એ બધું મારે તમને હવે વ્યાજ સહિત આપવું છે : હરકિસન મહેતા

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શુક્રવાર,  29 મે  2020)

હરકિસન મહેતાની મુલાકાત પછી એમના પરિવારની મુલાકાત લઈએ. સ્વર્ગસ્થને યાદ કરવાનો આ એક અભિનવ પ્રયોગ. બહોળા મહેતા કુટુંબના તમામ સભ્યો સાથે. એક સાંજે ભેગા મળીને ખાણીપીણીના દૌરને સમાંતર દરેક જણ પોતપોતાની મહામૂલી સ્મૃતિઓનો દાબડો ખોલે. પ્રસ્તુત છે ત્રણ ભાગમાં આ સ્મરણયાત્રા. કન્સેપ્ટ, પ્રશ્નો અને એડિટિંગ સૌરભ શાહનાં. રેકૉર્ડિંગ અને કાગળ પર ઉતારવાની જવાબદારી શિશિર રામાવતની. આયોજન તુષાર હરકિસન મહેતાનું અને યજમાન હર્ષદભાઈ વળિયા જે કલાબહેન હરકિસન મહેતાના સગા મોટાભાઈ.

સાળા કરતાં મિત્ર વધુ એવા હર્ષદ વળિયા તથા સાળાવેળી જ્યોત્સના વળિયા સાથે હરકિસન મહેતા.

મુંબઈના વૈભવી વિસ્તાર જુહુ સ્કીમના દસમા રસ્તા પર અમિતાભ બચ્ચનના ‘પ્રતીક્ષા’ બંગલો સાથે સહિયારી કમ્પાઉન્ડ વૉલ ધરાવતો ‘હર્ષજ્યોત’ નામનો બંગલો અને એના એક વિશાળ સ્પ્લિટ લેવલ ડ્રોઇંગ રૂમના છેવાડાનો આકર્ષક હિસ્સો.

આ એ જગ્યા છે જ્યાં હરકિસન મહેતા કેટલીયવાર મિત્રો સાથે મોડીરાત સુધી ચાલતી મહેફિલો જમાવી ચુક્યા છે. મુંબઈની એ મોડી સાંજ ક્રમશઃ રાતમાં પરિવર્તિત થઈ રહી છે. હરકિસન મહેતાનાં કુટુંબીજનો એક પછી એક ઉપસ્થિત થતાં જાય છે. કલાબહેન હરકિસન મહેતાની સાથે પુત્ર તુષાર, પુત્રવધૂ નીતા અને બંને પૌત્રીઓ અનોખી અને અનેરી છે. કલાબહેનના મોટા ભાઈ, હરકિસન મહેતાના સાળા, હર્ષદ વળિયાનું આ ઘર છે. હરકિસનભાઈનું ઘર. અહીંથી બે જ મિનિટના અંતરે, જુહુ સ્કીમના છઠ્ઠા રસ્તા પર. મહેતાસાહેબની બરાબર સામેના મકાનમાં પરેશ રાવળ રહેવા આવ્યા છે.

ત્રણ દીકરીઓમાં સૌથી મોટાં તૃપ્તિ, પતિ શૈલેષ વોરા તેમજ પુત્રીઓ રચના અને વિધિ સાથે આવ્યાં છે. સૌથી નાનાં સ્વાતિ પતિ પ્રશાંત પટેલ, પુત્રી ખુશાલી અને પુત્ર તનય સાથે હાજર છે. વચેટ પ્રીતિનું ફેમિલી થોડીવાર પહેલાં જ શિરડીથી મુંબઈ પહોંચ્યું છે, તેમને આવતાં થોડીવાર લાગવાની.

હરકિસનભાઈના વર્ષો જૂના મિત્ર ચંદુભાઈ લાખાણી ખાસ ઉપસ્થિત છે. હર્ષદભાઈ વળિયાનાં પત્ની જ્યોત્સનાબહેન, પુત્ર પ્રશાંત અને પુત્રવધૂ અલકા ઉત્સાહપૂર્વક સૌની ખાતર બરદાસ્ત કરે છે. પ્રશાંતનો મોટો પુત્ર હર્ષિત હોસ્ટેલમાં રહીને ભણી રહ્યો છે, પણ ભાઈની ગેરહાજરી ન સાલે એ માટે નાનકડા સિદ્ધાંતે ધમાલમસ્તીનું પ્રમાણ બમણું કરી નાખ્યું છે. ગોષ્ઠિના રેકોર્ડિંગ માટે હરકિસન મહેતાનાં તમામ પુસ્તકોના પ્રકાશક ગોપાલભાઈ પટેલે પ્રોફેશનલ રેકોર્ડિસ્ટ અનિલ- પ્રાણનો બંદોબસ્ત કર્યો છે.

આકાશ ગોરંભાઈ ચૂક્યું છે, સ્મૃતિઓ વરસવા આતુર છે.

‘તે વખતે એ અમારા માટે હકુભાઈ હતા’ કલાબહેન હસી પડે છે..

‘કલાબહેન, તમે હરકિસન મહેતાનું નામ સૌથી પહેલીવાર ક્યારે સાંભળ્યું? તે વખતે તો એમને ‘હરકિસન મહેતા’ બનવાની ઘણી વાર હશે…’

‘તે વખતે એ અમારા માટે હકુભાઈ હતા’ કલાબહેન હસી પડે છે, ‘ઘરના લોકો તેમને આ નામથી બોલાવતા. અમારાં લગ્ન કુટુંબીજનોએ ગોઠવેલાં હતાં. મારાં બા-બાપુજી છગનભાઈ વળિયા અને લીલાવતી. અમરેલી પાસે આવેલા કવિ કલાપીના લાઠી ગામનાં વતની. હું ભણી છું ભાવનગરની ઘરશાળામાં. હરભાઈ ત્રિવેદીના વખતમાં. ઉંમરલાયક થઈ એટલે મને મુંબઈ બોલાવવામાં આવી. માટુંગામાં મારા સૌથી મોટાભાઈ જેઠાભાઈ વળિયા રહેતા. હું એમને ત્યાં જ એકાદ વર્ષ રહી. તે વખતે ‘હકુભાઈ’ તો ચિત્રમાં જ નહોતા.’

બદલાતા ચહેરા: બર્મામાં બાળપણ અને મહુવામાં કિશોરાવસ્થા ગાળયા પછી ૧૯૪૫માં કૉલેજના અભ્યાસ માટે હરકિસન મહેતા મુંબઈ આવ્યા. રુઈયા કૉલેજમાં ભણતી વખતે ડૉક્ટર બનવાનું સ્વપ્ન સેવેલું.

 

કલાબહેનને લગ્ન અર્થે મુંબઈ લાવવામાં આવેલાં. ક્યા ક્યા છોકરાઓને જોયેલા તેમણે? કલાબહેન તરફ નટખટ સવાલ વહેતો મુકાય છે.

‘ઓહો, છોકરાઓ તો મેં ઘણા જોયેલા…’ કલાબહેન આગળ કશું બોલે તે પહેલાં ખંડમાં હાસ્યની લહેરખી ફરી વળે છે, ‘ત્રણ-ચાર છોકરાઓને મેં જ ના પાડી દીધેલી… એમાંના એક સાથે થોડાં વર્ષ પહેલાં ફોન પર વાત પણ થયેલી. તે વખતે મહેતા હયાત હતા. અમારી નીતા (કલાબહેનનાં પુત્રવધૂ)નાં બહેનના દીકરા માટે સારું ઠેકાણું શોધી રહ્યા હતા. તે વખતે એક ભાઈને મેં ફોન કર્યો તો એમણે મને કહ્યું કે કલાબહેન, તમે મને જોશો તો ઓળખી જશો… પછી મહેતાને મેં કહેલું ય ખરું કે મહેતા, આ મહાશયને તો મેં ખરેખર જોયેલા!’

માંડ માંડ શાંત થયેલાં હાસ્યના વંટોળિયાનું પુનઃ જાગવું સ્વાભાવિક હતું.

લાઠીના નગરશેઠનાં પુત્રી કલા છગનલાલ વળિયા, સોળ વર્ષની ઉંમરે.

‘હકુભાઈનું માગું કેવી રીતે આવ્યું?’

‘ભવાનદાસ મહેતા મારા કાકાના મિત્ર’, કલાબહેન કહે છે, ‘કાકાએ એમને વાત કરેલી કે અમે કલા માટે સારું ઘર શોધી રહ્યા છીએ. ભવાનદાસભાઈ અને લાલદાસ દેવરાજ મહેતા એટલે કે મારા સસરા, કાકા-બાપાના ભાઈઓ થાય. ભવાનદાસભાઈએ કહ્યું: ‘અમારા લાલદાસભાઈનો દીકરો છે, જો તમને રસ હોય તો…’

કલાબહેન અને હકુભાઈની પ્રથમ મીટિંગ ભવાનદાસભાઈ ઘરે જ ગોઠવાઈ.

કલાબહેન પરિવારનો ઇતિહાસ ઉખેળે છે. લાલદાસ દેવરાજ મહેતાનો પરિવાર અગાઉ બર્મામાં સ્થાયી થયેલો. ચોખાનો ધીકતો કામધંધો, ખુદની માલિકીનાં વહાણો, પૂરેપૂરી જાહોજલાલી. એક વહાણનું નામ ‘હરકિસન’ હતું. દુર્ભાગ્યે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સઘળું હતું- ન હતું થઈ ગયું. નિર્વાસિત બનીને તદ્દન નિર્ધન અવસ્થામાં ભારત પાછા આવી જવું પડ્યું. વિસ્થાપનનું દુઃખ ઓછું હોય તેમ સૌથી મોટા પુત્ર કાકુભાઈ (સાચું નામ પ્રભુદાસ)નું ટીબીને કારણે અવસાન થયું. બીજી બાજુ કલાબહેનનો વળિયા પરિવાર તે વખતે પણ સમૃદ્ધ હતો. પિતા લાઠીના નગરશેઠ. તો પછી દીકરીનું માગું પૈસેટકે તદ્દન ઘસાઈ ગયેલા મહેતા કુટુંબમાં શા માટે નાખવામાં આવ્યું? આ ગંભીર પ્રશ્નનો ઉત્તર કલાબહેનના મોટાભાઈ હર્ષદ વળિયા ઠાવકાઈ આપે છે, ‘એમાં બન્યું હતું એવું કે કલાનું એક વેવિશાળ તૂટે તે બહુ ગંભીર વાત ગણાતી.’

જે થતું હોય છે તે સારા માટે જ થતું હોય છે તે ઉક્તિ અમસ્તી જ અસ્તિત્વમાં નથી આવી. કલાબહેનના ભાગ્યમાં હરકિસન મહેતા જેવા સમર્થ પુરુષ લખાયા છે તેવી કલ્પના પણ તે વખતે કોણે કરી હશે? કલાબહેન અને હકુભાઈની પ્રથમ મીટિંગ ભવાનદાસભાઈ ઘરે જ ગોઠવાઈ.

‘મહેતા ત્યારે ‘ચિત્રલેખા’માં જોડાઈ ચૂક્યા હતા,’ કલાબહેન વાતનું અનુસંધાન કાઢે છે, ‘કાંદિવલીથી જી.પી.ઓ. જતી વખતે તેઓ વચ્ચે માટુંગા ઊતરીને સાયન આવ્યા. ભવાનદાસભાઈના ઘરે જનરલ વાતચીત થઈ. ક્યાં ભણ્યા, કેટલું ભણ્યા ને એવું બધું. હું ખાસ ભણી નથી પણ તે જમાનામાં ભાવનગરની હરિભાઈ ત્રિવેદી સંચાલિત ‘ઘરશાળા’ના ભણતરનું મહત્વ ઘણું. ભણતર વિશે પૂછી લીધા પછી એમણે કહ્યું કે અમારું સંયુક્ત કુટુંબ છે અને અત્યારે બધું વેરવિખેર થઈ ચૂક્યું છે. ઘરનું કામકાજ કરવું પડશે… તમને ફાવશે? મેં કહ્યું કે હા, ફાવશે. આ સિવાય બીજી કંઈ વાતચીત નહોતી થઈ.’

“લાલદાસભાઈની માત્ર સંપત્તિ ગઈ છે, આબરુ નહીં.”

હરકિસન મહેતાનાં બા-બાપુજી તે વખતે શ્રીનાથજી હતાં. મહેતાએ એમને જણાવ્યું: ‘કન્યાનું આગલું વેવિશાળ ભલે તૂટી ગયું હોય, મને એ બાબતનો કશો વાંધો નથી.’ જવાબ મળ્યોઃ ‘તો પછી કરો કંકુના.’ આ રીતે હરકિસન મહેતા અને કલા વળિયાનું વેવિશાળ થયું. આ વાત છે 1952ના છેલ્લા મહિનાઓની.

‘વેવિશાળ થયા પછી હું મારાં બા-બાપુજીને મળવા લાઠી ગઈ’ કલાબહેન કહે છે, ‘અમરેલીથી દિવાળીબહેન નામનાં એક સંબંધી મહિલા ઘરે ‘હરખ’ કરવા આવેલાં. ભાઈ જમતા હતા. બાપુજીને અમે ભાઈ કહેતા. દિવાળીબહેન કહેઃ ‘અરેરે, છગનભાઈ… તમે દીકરીને આવા કંગાળ ઘરમાં આપી? સાસરે જઈને ઈ ખાશે શું?’ ભાઈએ જવાબ આપ્યોઃ ‘દિવાળીબહેન, લાલદાસભાઈની માત્ર સંપત્તિ ગઈ છે, આબરુ નહીં.’ મારા સસરાની પ્રતિષ્ઠા ઘણી…અને એ જમાનામાં માણસનું ખાનદાન જ જોવાતું.’

વેવિશાળ અને લગ્ન વચ્ચેના બે-ત્રણ મહિના ક્યાં ફરવા જતાં?

‘સૌથી પહેલીવાર અમે દાદરના બ્રૉડવે થિયેટરમાં એક પિક્ચર જોવા ગયેલા. મીનાકુમારીનું બહુ જ પૉપ્યુલર પિક્ચર… હા, ‘બૈજુ બાવરા’…સાથે સૌથી પહેલું પિક્ચર એ જ જોયેલું…!’

વીતેલા જીવનની એ ગુલાબી સ્મૃતિ જાજવલ્યમાન કલાબહેનના ચહેરા પર સ્મિત આણી દે છેઃ ‘મહેતા તે વખતે મારા જેઠ જેન્તીભાઈ સાથે કાંદિવલીમાં રહેતા. બહાર ગયા હોઈએ ત્યારે મને માટુંગા ઉતારતા જાય ને પછી પ્રેસ પર જતા રહે. એકવાર અમે દરિયાકિનારે ગયેલાં. નરીમાન પોઈન્ટ. મહેતાના એક ખાસ દોસ્તાર – ખુશાલભાઈ. બંને હંમેશાં સાથે જ હોય. અમે બધાં સાથે ફરવા જતાં. ખુશાલભાઈ હવે તો રાજુલા રહેવા જતા રહ્યા છે. આ ગોષ્ઠિમાં એમને બોલાવવા જેટલો સમય રહ્યો હોત તો સારું થાત.’

ખાવાપીવા માટે તમને ક્યાં લઈ જતા?

‘કાલાઘોડા પાસે પેલી કઈ હોટેલ છે… ‘ચેતના’! મહેતા અને એમના દોસ્તારો કાયમ ‘ચેતના’માં જ ભેગા થતા. સૌ પોતપોતાના ખિસ્સામાંથી હોય એટલા પૈસા કાઢે અને પછી જમા થયેલી રકમ જેટલું ખાવાનું મંગાવે. તે વખતે તો પરિસ્થિતિ એવી જ હતી. જોકે, વેવિશાળ પછી મને ખાવાપીવા ફરવા લઈ જતા ત્યારે મહેતા પૈસાની વ્યવસ્થા કરી રાખતા,’ કલાબહેન હસી પડે છે.

1953ની દસમી ફેબ્રુઆરીએ કલા છગનલાલ વળિયા વિધિવત્ કલા હરકિસન મહેતા બન્યાં. પૌત્રીનાં લગ્ન દાદાએ ખૂબ ધામધૂમથી કર્યા. તે જમાનામાં પણ મુંબઈમાં સારામાં સારી ગણાતી માટુંગાની ગુજરાતી ક્લબ ભાડે લેવામાં આવી. ભોજનમાં સાત વાનાની સુખડી એટલે કે અલગ-અલગ સાત પ્રકારની મીઠાઈઓ પીરસવામાં આવી. વેવાઈ કેટલી મીઠાઈ જમાડે છે તેના આધારે ખાનદાનની ઊંચાઈ નક્કી થતી. કન્યાપક્ષને લગ્નનો કુલ ખર્ચ આવ્યો હતો રૂ.15,000/-.

મિસ્ટર અને મિસિસ મહેતાના પ્રસન્ન દામ્પત્ય અને આર્થિક સંઘર્ષોના પ્રારંભના દિવસો.

દામ્પત્યજીવનની શરૂઆત થઈ કાંદિવલી પશ્ચિમમાં સ્ટેશન નજીક આવેલા ‘જનસુખ નિવાસ’માં. ‘એક બેડરૂમ-હોલ-કિચનના નાનકડા ઘરમાં જેન્તીભાઈ, ભાભી અને એમનાં ત્રણ બાળકો સાથે અમે પણ રહેતાં હતાં,’ કલાબહેન કહે છે, ‘તે વખતે હું હતી વીસેક વર્ષની અને મહેતા પચ્ચીસેકના.’

મહેતા પાંખા પગારે ‘ચિત્રલેખા’માં કામ કરે એટલે જેન્તીભાઈ બહુ ગુસ્સે થાય

હરકિસનભાઈના પાંચ ભાઈઓ. નાની વયે પ્રભુદાસભાઈ (કાકુભાઈ) રાજરોગ ટીબીમાં મૃત્યુ પામ્યા એ પછી જેન્તીભાઈએ જયેષ્ઠ ભાઈ તરીકેની જવાબદારીઓ ઉપાડી લીધી. ત્રીજા અને ચોથા નંબરે તુલસીભાઈ અને બાલકિસનભાઈ. હરકિસનભાઈ પાંચમા અને દોલુભાઈ, જે છયે ભાઈઓમાં સૌથી નાના.

‘જેન્તીભાઈએ વિલ્સન પેન બનાવતી કિરણ કંપનીમાંથી છૂટા થઈને પોતાની ફેક્ટરી નાખી હતી,’ કલાબહેન કહે છે, ‘હું સાસરે ગઈ તે વખતે એ પણ ધંધામાં સંઘર્ષ કરી રહ્યા હતા. મહેતા પાંખા પગારે ‘ચિત્રલેખા’માં કામ કરે એટલે જેન્તીભાઈ બહુ ગુસ્સે થાય: ‘તું શું આખો દહાડો વૈતરું કર્યા કરે છે? આ રીતે તે કંઈ કામ થતું હશે? આમ જ ચાલતું રહેશે તો તારાં છોકરાંવને ભૂખે મરવાનો વારો આવશે…’

હરકિસન મહેતા સવારે ઘરેથી નીકળે તે છેક રાત્રે પાછા ફરે. બુધવારે તો અંક પૂરો કર્યા પછી જ ઘરે જવાય. માંડ છેલ્લી ટ્રેન પકડી શકે. એ ચૂકી જવાય તો સ્ટેશનના બાંકડે સૂઈ રહેવાનું અને પરોઢિયે પહેલી ટ્રેન પકડીને ઘરે આવવાનું.

‘કાંદિવલીના ઘરમાં હું બહુ ઓછી રહી છું,’ કલાબહેન વાત આગળ વધારે છે, ‘તુષારની સુવાવડ વખતે હું મહુવા ગયેલી. મારાં સાસુ-સસરા તે વખતે મહુવા હતાં. તુષારને લઈને પછી અમે ઘાટકોપર રહેવા ગયા. કામા લેનમાં ‘વણિક નિવાસ’ નામની ચાલીમાં અમારી બે સિંગલ રૂમ હતી.’

લગ્ન થયાં એ જ વર્ષે 1953ની 30 ડિસેમ્બરે તુષારનો જન્મ થયો.

‘વણિક નિવાસ’માં જાજરુ કૉમન. પાણીનાં ડબલાં લઈને નીચે જવું પડે. મને શરમ આવે. પિયરમાં હું આલિશાન ઘરમાં રહી હતી. શરૂઆતમાં હું રડી પડતી પણ પછી ધીમેધીમે ટેવાતી ગઈ. એકવાર મેં બાપુ આગળ દુઃખ કહ્યું હશે ત્યારે બાપુજીએ ચોખ્ખું સંભળાવી દીધુઃ ‘બાપુના ઘરના ફાંકા જરાય નહિ મારવાના. સાસરિયે ગમે તે રીતે જાતને ગોઠવી દેવાની.’ પછી મેં પિયરે મારી વાત કરવાની જ બંધ કરી દીધી કે મુંબઈમાં મારે કેવી અગવડ છે ને કેવી સગવડ છે.’

પુત્રી પ્રીતિ સાથે (૧૯૬૨)

‘વણિક નિવાસ’માં તે વખતે ઇલેક્ટ્રિસિટી પણ નહોતી, રાઇટ?’ તુષાર મમ્મીને યાદ કરાવે છે.

‘હા… આખા ‘વણિક નિવાસ’માં કોઈના ઘરે લાઈટ નહોતી. મહેતાએ બહુ માથાઝીંક કરી ત્યારે વર્ષો પછી વીજળીનું કનેક્શન મળ્યું. તે અરસામાં તૃપ્તિનો જન્મ થયેલો. એ પાંચેક વર્ષ અમે મુંબઈ જેવા મોટા શહેરમાં પણ ફાનસના અજવાળે રહ્યાં!’

‘મમ્મીને તો ફાનસ પેટાવતાં પણ નહોતું આવડતું…’ 1958માં જન્મેલાં તૃપ્તિ વાતચીતમાં જોડાય છે.

‘એવું તો મને ઘણું બધું નહોતું આવડતું. પણ ચાલીનાં બૈરાંને જોઈને ધીમેધીમે શીખતી ગઈ,’ કલાબહેન કહે છે, ‘રસોઈ કરતી વખતે વધેલી સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરી લેવો, કરકસર કરીને કેવી રીતે જીવવું… પૈસાની ખેંચ તો હંમેશાં રહ્યા કરતી. મહિનો પૂરો થાય ત્યારે મોદીનું બિલ ચડી ગયું હોય, દૂધનું બિલ ચડી ગયું હોય…’

‘બધા પત્રકારોના ઘરની હાલત આખર તારીખે આવી જ હોવાની…’ સૌરભ શાહ સ્મિત કરે છે અને આલીશાન એરકન્ડિશન્ડ ઓરડામાં હાસ્યધ્વનિ રેલાઈ જાય છે.

‘એકવાર લૉન્ડ્રીમાંથી તે ય કોઈ ઉપાડી ગયું એટલે મહેતા સાવ કપડાં વગરના થઈ ગયેલા…’

હરકિસન મહેતાનો પગાર અઢિસો રૂપિયાનો, પણ તે આવે ટુકડે ટુકડે. પાંચમી તારીખ થાય એટલે દસવીસ રૂપિયા આવે. કલાબહેને પછી કહેવું પડે: મહેતા, મારી પાસે હવે છેલ્લો રૂપિયો વધ્યો છે, પૈસા લેતા આવજો. ‘હું આવું કહું એટલે બીજે દિવસે પાંચેક રૂપિયા લેતા આવે,’ કલાબહેન કહે છે, ‘વજુ કોટકના ભાઈ શંકરભાઈ આ બધો હિસાબકિતાબ રાખતા. ક્યારેક બબ્બે દિવસ પૈસા વગર કાઢવા પડે. ઘરમાં કંઈ ન હોય ત્યારે હું બજારમાં પસ્તી વેચતી આવું ને શાકભાજી લેતી આવું.’ અમે ‘વણિક નિવાસ’માં હતા તે દરમ્યાન મેં કદી સોની નોટ આખી જોઈ નથી.’ આટલું કહીને કલાબહેન હસીને ઉમેરી દે છે, ‘આવી સ્ટ્રગલ કંઈ અત્યારના પત્રકારોને કરવી પડતી નથી.’

હરકિસન મહેતા પાસે તે દિવસોમાં બે જ જોડી કપડાં હતાં. એક જોડી પહેરેલી હોય અને બીજી ચંપકભાઈની લૉન્ડ્રીમાં હોય. ‘લગ્ન પહેલાં તો એમની પાસે એક જ જોડી હતી.’ કલાબહેન પાછાં હસી પડે છે, ‘એકવાર લૉન્ડ્રીમાંથી તે ય કોઈ ઉપાડી ગયું એટલે મહેતા સાવ કપડાં વગરના થઈ ગયેલા…’

ઘાટકોપર પાઈપલાઈન ફરવા ગયેલા હરકિસન મહેતાની સાથે વચેટ પુત્રી પ્રીતિ તથા આગળ પુત્ર તુષાર, વજુભાઈ-મધુરી કોટકનાં પુત્રી રોનક તથા સૌથી આગળ મધુરીબહેનનાં ભત્રીજી બકુલને મધુરી કોટકે કૉમેરામાં મઢી લીધાં.

આર્થિકભીંસની ચર્ચા સ્વાતિને એક નાની વાત યાદ અપાવી દે છે. ‘અમે ચારેય ભાઈબહેન નાનાં હતાં અને નાળિયેરનું પાણી પીવાની માગણી કરતાં તો મમ્મી ખાલી નાળિયેરમાં માટલાનું પાણી ભરી ભરીને અમને આપી દેતાં અને અમે ખુશ ખુશ થઈ જતાં…’

‘તને યાદ છે સ્વાતિ, પણ મને તો તેં કહ્યું પછી યાદ નથી આવતું.’ તુષાર નાની બહેનની સ્મરણશક્તિને બિરદાવે છે. તૃપ્તિ અને કલાબહેન ટાપસી પુરાવે છેઃ ‘હા, અમને પણ યાદ છે!’

૧૯૬૦ના મધ્યમાં રક્ષાબંધન પ્રસંગે મધુરી કોટક અને હરકિસન મહેતાની વચ્ચે સોથી નાનાં પુત્રી સ્વાતિની આ તસવીર મધુરીબહેનના સૌથી મોટા પુત્ર મોલિક કોટકે કૅમેરામાં મઢી.

સંઘર્ષના દિવસો ચાલુ હતા. હરકિસન મહેતા ‘ચિત્રલેખા’માં કામ કરે એ વાતનો કૌટુંબિક વિરોધ પણ ચાલુ હતો. સાળા હર્ષદભાઈએ એમને કલકત્તા આવી જવા માટે બહુ મનાવ્યા. કલકત્તામાં એમનો વિશાળ કારોબાર. પણ મહેતા માન્યા નહીં. કલાબહેનના વજુકાકાએ પણ બહુ સમજાવવાની કોશિશ કરીઃ ‘લખવાનો બહુ શોખ હોય તો એવું બધું સાઈડમાં કરાય, બાકી ધંધો કર્યા વગર દહાડો નથી વળવાનો.’

‘મહેતા તો આખો દિવસ ‘ચિત્રલેખા’મય જ હોય,’ કલાબહેન કહે છે, ‘ક્યારેક મને ખૂબ ગુસ્સો ચડે. હું કહેતી, તમારે ઘરબાર છે, છોકરાંવ છે… આ બધાનું શું કરવાનું ધાર્યું છે તમે? જો આ રીતે જ જીવવું હતું તો સંન્યાસ કેમ ન લઈ લીધો? સંસાર માંડવાની શી જરૂર હતી? આ પ્રકારના નાનામોટા ઝઘડા અમારી વચ્ચે થયા કરતા.’

આવા જ કંઈક દબાણના પરિણામ સ્વરૂપે હરકિસન મહેતાએ ‘ચિત્રલેખા’ને તિલાંજલિ આપી દીધી. 1958થી 1960 સુધીનો એ ગાળો. જેન્તીભાઈની મદદથી વિક્રોલીમાં તુષાર ટેક્સટાઇલ્સ નામની પાવરલૂમ શરૂ કરવામાં આવી અને હરકિસન મહેતાએ એમાં જીવ પરોવવાનો પ્રયત્ન કર્યો.

‘તુષાર ટેક્સટાઈલવાળા દિવસોમાંય પૈસાની તૂટ તો ચાલુ જ રહી’, કલાબહેન કહે છે, ‘જેન્તીભાઈ મને પૂછી લેતા: કેટલાની જરૂર છે? જેન્તીભાઈનો ખુદનો સંઘર્ષ પણ ચાલુ હતો છતાંય તેઓ મને દોઢસો-બસો રૂપિયા મોકલી આપતા. મહેતા વિક્રોલી જવા લાગેલા અને કાકુભાઈના દીકરા- જે કાપડ બજારમાં કામ કરતા હતા- એમને મદદ કરતા. મહેતા કંટાળી ગયા. મજાકમાં કહેતા કે કાપડના તાકા માથે મુકીને બજારમાં જઈને વેચવા જવાનું ના ફાવે! તેઓ ખૂબ માંદા પડી ગયેલા. હવાફેર માટે અમે બે-ત્રણ મહિના લાઠી ગયા હતા.’

મધુરીબહેન કોટક રસોડામાં કૅમેરા લઈને આવ્યાં એટલે હરકિસન મહેતા છોલેલા બટાટા હાથમાં લઈને પત્નીને મદદ કરતા હોવાનો દેખાવ કરવા લાગ્યા.

હરકિસન મહેતા અને ‘ચિત્રલેખા’ વચ્ચે ઋણાનુબંધ હશે ત્યારે જ એમનો તૂટી ચૂકેલો નાતો ફરી સંધાયો હશે ને? 1959ના નવેમ્બરમાં વજુ કોટકનું નિધન થયું. તે વખતે ‘વણિક નિવાસ’માં કોઈના ઘરે ફોન નહોતો, કલાબહેનને પોતાનું પૂર્વજીવન યથાતથ યાદ છે, ‘સામેના બિલ્ડિંગમાં નવીનભાઈ સંઘવી નામના એક જૈન રહેતા હતા, એમને ત્યાં ફોન હતો. વજુભાઈનું અવસાન થયું એના બે દિવસ પછી એમને ત્યાં સંદેશો આવ્યો. મહેતા તરત જ નાહીધોઈને કોટક પરિવારને મળવા નીકળી ગયા હતા.

મધુરીબહેનની તસવીરકલા માટે પોઝ આપતા હરકિસન મહેતા.

( વધુ આવતી કાલે)

10 COMMENTS

  1. સૌરભભાઈ, તમારી બાજુના સોફા માં જ બેસી ને આ આખી મુલાકાત સાંભળતા/જોતા હોઈએ એવું લાગે છે…

  2. Chitralekha magazine mane khubj gamatu.dar athvadie levanu etle levanu.vanchvanu.bhare shokh.aaje lakh dvara te sandarbhe Ghani vato janva Mali.
    Sundar lekh badal aabhar. Congratulation.

  3. સૌરભ ભાઈ ?વંદન. આ વધુ આવતી કાલે વાલુ……હવે અસહ્ય બની જાય છે. સાહેબ આપના artical માં એટલા ઓતપ્રોત થઈ ગયા પછી આપ લખો….વધૂ આવતી કાલે!!..?. આજ કલમ નો જાદુ છે સાહેબ…વાહ સૌરભ ભાઈ…જબરજસ્ત રસપ્રદ લેખ..મોજ પડી ગઈ સાહેબ..?. વંદન સાથે આપનો વાચક મિત્ર.

  4. Jivan chalne ka nam,
    Jivan na sangarsh Na nichod rupe.
    Hakubhai thi Harkishan Mehta sudhi ni safar.
    Saras Rajuat.
    Moj padi gayi.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here