કોરોના પછી સાબિત થઈ ગયું કે પછાત કોણ છે- ભારત કે પશ્ચિમી દેશો?

લાઉડમાઉથ : સૌરભ શાહ
(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૯ એપ્રિલ ૨૦૨૦)

૨૦૧૧ની સત્તાવાર વસ્તી ગણતરી પ્રમાણે નહીં પણ એ આંકડાના આધારે થયેલી ગણતરી મુજબ આજની તારીખે, ૨૦૨૦ના એપ્રિલમાં, ભારતની વસ્તી ૧૩૭ કરોડ જેટલી ગણાય. દુનિયાની વસ્તી ૭૮૦ કરોડ. આખી દુનિયામાં જેટલા લોકો વસે છે તેમાંના લગભગ છઠ્ઠા ભાગના, ૧૭ ટકા જેટલા લોકો એકલા ભારત દેશમાં વસે છે.
કોરોનાથી આખી દુનિયામાં બે લાખ જેટલા (૨,૦૬,૦૦૦) લોકો મૃત્યુ પામ્યા છે. વસ્તીની ટકાવારી પ્રમાણે ભારતમાં ૩૪,૦૦૦થી વધુ મોત થવાં જોઈએ. આની સામે ભારતમાં માત્ર ૮૨૬ મૃત્યુ નોંધાયાં છે. માંડ બેએક ટકા જેટલા. અને આ ૮૨૬માંથી ત્રીજા ભાગનાં ડેથ (૩૨૩) એકલા મહારાષ્ટ્રમાં નોંધાયાં છે. ઉદ્ધવ ઠાકરેની મિસળ સરકારે કોરોના સામે અસરકારક પગલાં લેવામાં ભારતમાં સૌથી વધુ લાપરવાહી દાખવી છે. મહારાષ્ટ્ર કરતાં પોણા બેગણી વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ રાજ્યમાં માત્ર ૨૯ મૃત્યુ થયાં છે – પડોશી રાજ્ય દિલ્હીમાંથી કેજરીવાલે રાતોરાત તગેડી મૂકેલા યુપીના માઈગ્રન્ટ વર્કર્સને કારણે જે મસમોટી ક્રાઈસિસ ઊભી કરવામાં આવી તે યોગી આદિત્યનાથે કેટલી એફિશિયન્ટલી હૅન્ડલ કરી હશે, કલ્પના કરો.

વિશાળ ભારતમાં કોરોનાને કારણે માત્ર ૮૨૬ લોકોનાં મોત થાય છે એની સામે અત્યાર સુધી આપણે જેમને મોઢે ચડાવતા રહ્યા – ફર્સ્ટ વર્લ્ડ, સુધરેલા દેશો, સંસ્કારી દેશો – ન જાણે શું શું કહીને એમને ખમ્મા ખમ્મા કરતા રહ્યા તે ‘શ્રીમંત, ભણેલાગણેલા, વેલ ડિસિપ્લિન્ડ, સાયન્ટિફિક મિજાજ ધરાવતા અને આધુનિક મેડિકલ ફેસિલિટિઝ ધરાવતા’ પશ્ચિમી દેશોમાં કોરોનાને કારણે અત્યાર સુધી થયેલાં મૃત્યુનો આંકડો તમને ચોંકાવી દેશે:

અમેરિકાઃ ૫૫,૩૮૩
ઈટલીઃ ૨૬,૪૪૪
ફ્રાન્સઃ ૨૨,૮૫૬
સ્પેનઃ ૨૨,૧૯૦
બ્રિટનઃ ૨૦,૮૫૬
બેલ્જિયમઃ ૭,૦૯૪
જર્મનીઃ ૫,૯૭૬
નેધરલૅન્ડઃ ૪,૪૭૫
કૅનેડાઃ ૨,૫૬૦
સ્વીડનઃ ૨,૧૯૪
સ્વિત્ઝરલૅન્ડઃ ૧,૬૧૦
(ચીનના આંકડા પૂછતા હો તો ૪,૬૪૨.)

અમેરિકાથી સ્વિત્ઝરલૅન્ડ સુધીના ૧૧ દેશોના આ આંકડા પર નજર નાખી જાઓ, ફરી ભારતનો મૃત્યુઆંક યાદ કરો અને આ દરમ્યાન યાદ રાખો કે ભારત દુનિયામાં વસ્તીની બાબતે બીજા નંબરે આવતો દેશ છે. પ્રથમ ચીન ત્રીજા નંબરે અમેરિકા.

અત્યાર સુધી પેલા ૧૧ દેશો આપણને મનાવતા રહ્યા કે અને આપણે માનતા રહ્યા કે દુનિયા આખીનું સમગ્ર ડહાપણ એ લોકોમાં છે અને આપણો ભારત દેશ જાહિલ, ગંવાર, અભણ, ગરીબ અને ગોબરો-ગંદડો છે. આપણે ત્યાં આરોગ્યની સુવિધાઓ કંગાળ છે. હિન્દી સિનેમાવાળાઓ દેશની મજાક કરતા ડાયલોગ લખતા કે યહાં પિત્ઝા કી ડિલિવરી થર્ટી મિનિટ્‌સમેં મિલ જાતી હૈ પર એમ્બ્યુલન્સ દો ઘંટે કે બાદ આતી હૈ. આવા સંવાદો પર ઉછળી ઉછળીને તાળીઓ પાડનારાઓ વૉટ્‌સએપમાં આવા બેવકૂફીભર્યા ફૉરવર્ડિયાઓ ફેરવતા.

કોરોનાના મહારોગચાળાએ વિશ્વ આખાને બતાવી આપ્યું છે કે ભારતનું સ્થાન શું છે? સંકટકાળમાં કેવી રીતે આયોજન કરવું તે શીખવા અમારે તમારી પાસે આવવાનું નથી. સમાજના દરેક સ્તરના લોકોનું કોઈ ભેદભાવ રાખ્યા વિના ધ્યાન રાખવાના સંસ્કાર હજારો વર્ષથી ભારતની પ્રજાના લોહીમાં વહે છે. શૌચ ક્રિયા પછી ટિશ્યુ પેપર વડે અડધુંપડધું સાફ કરનારી પ્રજા આપણને પાણીનો વપરાશ કરતી જોઈને મજાક કરતી થઈ ગયેલી. તે ત્યાં સુધી કે ભારતની ફાઈવ સ્ટાર હૉટલો, જ્યાં એંશી ટકા ઘરાકો ભારતીય હોવાના, પણ માત્ર ટિશ્યુ પેપરો જ ટૉયલેટમાં રાખતી થઈ ગયેલી. કૂંડૂં કથરોટને હસે એમ આ પ્રજા આપણે હાઈજિન અને સ્વચ્છતાના પાઠ ભણાવતી. હૉલિવુડની ફિલ્મો દ્વારા દુનિયાને ચકાચૌંધ કરવા માગતા શહેર લોસ એન્જલસની ગલીઓમાં જાહેરમાં જાજરૂ કરતા અમેરિકનોનો વિડિયો યુટ્‌યુબ પર તમે જોઈ લેજો. સિલિકોન વેલીના નામે સમગ્ર દુનિયાની આઈ.ટી. ઈન્ડસ્ટ્રી પર છવાઈ ગયેલા સાન ફ્રાન્સિસ્કોના મુખ્ય વિસ્તારોમાં (ડાઉન ટાઉનમાં) ઝુંપડપટ્ટી બાંધીને રહેતા હજારો અમેરિકનોનો સુગ ચડે એવો વિડિયો જગત આખાએ યુટ્‌યુબ પર જોઈ લીધો.

ભારતના ગૌરવ વિશેની કોઈ પણ વાત શરૂ થાય એટલે ભારતના જ કેટલાક લોકો નાકનું ટેરવું ચડાવે. એમના મનમાં ઠસી ગયું છે કે પોતાના દેશની, પોતાના લોકોની, પોતાના ધર્મની અને પોતાની સંસ્કૃતિની બુરાઈ કરીશું એટલે પ્રોગ્રેસિવ ગણાઈશું, સુધરેલા અને પ્રગતિશીલ ગણાઈશું. છટ્‌.

કોરોનાની ક્રાઈસિસે ભારત વતી બાકીની દુનિયાને બહુ મોટો પાઠ શીખવાડ્યો છે. ઈમ્યુનિટી કે રોગપ્રતિકારશક્તિ વધારવા ફાસ્ટ ફુડ ભોજન નહીં ચાલે. ભોજનમાં હળદર, લીમડો, રાઈ, જીરૂં, અજમો વગેરે જેવી ડઝનબંધ સામગ્રીઓનો વારાફરતી નિયમિત ઉપયોગ કરવો પડશે. વિટામિનની ગોળીઓ – દવા-ટેબ્લેટ્‌સ-ઈન્જેક્‌શનો કે પ્રોટીન સપ્લીમેન્ટ્‌સ જેવાં કૃત્રિમ ઉપાયો તમારા શરીરને ખોખલું કરી નાખશે.

બીજી વાત ભારતે આખી દુનિયાને એ શીખવાડી કે ડિઝેસ્ટર મૅનેજમેન્ટ અમારા માટે ડાબા હાથનો ખેલ છે કારણ કે સમાજના નાનમાં નાની ગણાતી વ્યક્તિની અમને ખેવના છે. સમાજના સૌથી શ્રીમંત ગણાતા પરિવારો દેશમાં સંકટ આવે ત્યારે સરકાર બધે મદદ પહોંચાડશે એવું માનીને પગ પર પગ ચડાવીને બેસી રહેતા નથી, પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી દે છે.

જેઓ આર્થિક રીતે બહુ સધ્ધર નથી એવા લોકોમાં પણ દેશદાઝ અને સેવાભાવ ઠાંસી ઠાંસીને ભર્યા છે. તેઓ જાનના જોખમે ઘરની બહાર નીકળીને દિવસરાત એક કરીને જરૂરતમંદોને તૈયાર રસોઈ, રાશન, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તથા દવા તેમ જ તબીબી સહાય પહોંચાડે છે. આવા લાખો લોકો છે જેમને કોઈ પ્રસિદ્ધિ નથી મળતી, જેમના ફોટા છાપાંમાં નથી છપાતા છતાં ચૂપચાપ એમનું કામ ચાલતું રહે છે, નિરંતર ચાલ્યા કરે છે, કોરોનાની જ નહીં – કોઈપણ કુદરતી, અકુદરતી કટોકટીના કાળમાં ચાલ્યા કરે છે.

ભારત એક સમૃદ્ધ દેશ છે. એવું ન હોત તો આટલી મોટી મહામારીને પહોંચી વળવા ભારતે કટોરો લઈને બીજા દેશો સમક્ષ ભીખ માગવા નીકળી પડવું પડ્યું હોત. એને બદલે ભારત આજે અમેરિકા સહિતના દેશોને દવા અને અન્ય તબીબી માલસામાન આપી રહ્યું છે, જાઓ લઈ જાઓ.

ભારતની આ હજારો વર્ષ જૂની સમૃદ્ધિ આપણી સંસ્કૄતિમાં વણાઈ ગયેલાં ત્યાગ, સંયમનું પરિણામ છે. આપણે વેડફાટમાં માનતા નથી, રિસાયકલિંગમાં માનીએ છીએ. અને આ રીતે થયેલી બચતને વખત આવ્યે ઉદાર હાથે જરૂરતમંદોમાં વહેંચીએ છીએ. સ્વાર્થ અને સંકુચિત મન તો દેખાદેખીથી અહીં આવ્યાં. આપણી ઉદારતા ઓમ સહનાવવતુ, સહનૌભુનક્તુનું રટણ કરવામાં જ સમાઈ જતી નથી, હજારો વર્ષથી એનો અમલ કરીએ છીએ – સૌ સાથે ભોજન કરીએ, કોઈ ભૂખ્યું ન રહે, મૂંગું પ્રાણી પણ નહીં. ગાય વગેરે માટે રસોઈનો એક હિસ્સો જુદો કાઢી લેવાની પ્રથા આજેય લાખો કુટુંબોમાં છે. કીડી પણ ભૂખી ન રહે – કીડીના દરના મોઢે લોટ મૂકી આવીએ છીએ.

ગાંધીજીના માર્ગે ચાલવાનો મતલબ એ નથી કે શાસન સામે બગાવત કરવી, ડગલે ને પગલે સરકારનો વિરોધ કરવો. ગાંધીજીએ વિદેશી હકુમત સામે ચળવળ ચલાવી. હવે આઝાદી મળી ચૂકી છે, ભારતમાં આપણે ચૂંટેલી સરકાર છે. વહીવટીતંત્રની સામે, શાસન અને પ્રશાસન સામે, પોલીસ-કોર્ટ-રાજકારણીઓ-ઉદ્યોગપતિઓ સામે, આપણી સંસ્કૄતિ સામે સતત અપશબ્દો બોલતાં રહેવાનું વાતાવરણ રશિયા-ચીનથી આવેલા સામ્યવાદે ભારતીયોના માનસમાં બનાવ્યું. દુનિયાભરમાં વગોવાયેલા સામ્યવાદીઓએ ભારતની આઝાદી પછીનાં વર્ષોમાં દુનિયા ઉપરાંત ભારતનું પણ ઘણું મોટું નુકસાન કર્યું. પ્રચાર-પ્રસાર-શિક્ષણનાં માધ્યમો પર હાવી થઈને આપણને આપણા દેશની વિરુદ્ધ બોલતા કરી દીધા.

કોરોના આવ્યા પછી સત્ય આપણી સામે છે: આપણે બહુ સારા લોકો છીએ.

સાયલન્સ પ્લીઝ!

ડૉક્ટરો પરનો હુમલો હવે બિનજામીનપાત્ર ગુનો ગણાશે. ટીવીના સમાચારમાં આટલું સાંભળતાં જ મારા ફૅમિલી ડૉક્ટરે એમની પત્ની સામે પોતે યુદ્ધ જીતી ગયા હોય એમ રુઆબભરી નજરે જોયેલું.
–વૉટ્‌સએપ પર વાંચેલું

31 COMMENTS

  1. સાહેબ , આ લેખ વાંચીને હું ધન્ય થઈ ગઈ. આજકાલ આપણા દેશની અને આપણા વડાપ્રધાન વિષે ઘસાતુ બોલવાની જાણે એક ફેશન થઇ ગઇ છે. આવુ બોલનાર પાછા પોતાની જાતને extra intellectual સમજતા હોય છે. આપનો આ લેખ એવા બધા ” હોંશિયાર” ગણાતા લોકો માટે એક તમાચા બરાબર છે.

  2. આ વોટ્સ એપ ગૃપ ને ખુબ ખુબ અભિનંદન અમે ઘણાં વર્ષોથી સૌરભ શાહ ના લેખ મુંબઇ સમાચાર પેપરમાં ગુડ મોર્નિંગ વાંચતા હતા પણ ખબર નહીં શું કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા.મેં મુંબઈ સમાચાર ની ઓફીસ માં આ બાબતે ફોન પણ કર્યો હતો પણ એ લોકોએ મારી વાત કાને ધરી નહતી.

  3. સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા

  4. सारे जहा से अच्छा, हिन्दुस्ता हमारा।
    સાર્થક થતું હોય તેવુ લાગે છે. આપણી સાચી ઓળખ કરાવનાર આર્ટીકલ.

  5. સોનું તપે ત્યારેજ દીપી ઉઠે છે એમજ ભારત નો સમાજ કોરોના વાયરસ ના તાપમાં દીપી ઉઠયો છે,આજ આપણી સંસ્ક્રુતિ છે,તેમજ સૌ પોતાની યથાશક્તિ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે.
    જય ભારત

  6. ભારતને ગાંધીજી પછી લોક-માનસ માં પરિવર્તન લાવી શકે એવો નેતા મળી ગયો છે .પ્રજા તેની સાથે છે . આ કાર્ય ની નોંધ ઇતિહાસ લેશે . શ્રી નરેન્દ્ર મોદી પહેલા ના કોઈ પ્રધાન મંત્રી ને ક્યારેય પણ મંદિર માં જતા જોયા નથી . U S A ના મૃત્ય ના આંકડા કરતા આપણા કેસો ની સંખ્યા ઓછી છે . મને મારા દેશ અને મારા વડા પ્રધાન તેમજ મારા દેશ વાસીઓ પર ગવૅ છે .
    જાય માં ભારતી .?.

  7. આજ નો લેખ વાંચી ને ગૌરવ થાઈ છે કે હું ભારત માં જનમ્યો છુ અને નરેન્દ્ર ભાઈ મોદી જેવા આ કપરા કાળ માં આપના વડાપ્રધાન છે જેમની નિર્ણય શક્તિ એ ખરા સમયે આપણે બધા ને બચાવી લીધા

  8. A true journalist infuse feeling of patriotism and duty towards nation . સૌરભ જી. આપ એજ કરી journalism ને નવી દિશા આપી રહ્યા છો. અભિનંદન સૌરભ જી.

  9. A true journalist infuse feeling of patriotism and duty towards nation . સૌરભ જી. આપ એજ કરી journalism ને નવી દિશા આપી રહ્યા છો.

  10. સાહેબ,
    પ્રણામ અને SALUTE.
    આજે ફરી એકવાર દેશદાઝ શરીર ના અણું એ અણું માં છવાઈ ગયો.અને immune સિસ્ટમ માં ગોઠવાઈ ગયો.
    ખુંબ સુંદર… waiting for such more.

  11. માનનિય સૌરભભાઇ,
    આપના લેખો બીજી ભાષાઅોમા પણ પોસટ થાય તો ઘણા લોકો સુધી જાણ થાય કે ભારત મા શું જરુર છે? (using translation software).

  12. ખૂબ ખૂબ અભિનંદન, સૌરભ ભાઈ
    અત્યાર ના સમય માં સકારાત્મક વિચાર ની ખુબજ જરૂર છે

  13. સત્ય પરિસ્થિતિ લખવાની તમારી શૈલી મન મગજ ને તરોતાજ કરી આપે છે, સ્વ માટે અને દેશ માટે અભિમાન આવે છે. તમે લખતા રહો અને એનું વાંચન અમે કરીયે બસ એજ પ્રભુ પાસે પ્રાર્થના.

  14. એક ભારતીય હોવા છતાં આપણે સહુએ ક્યારેય એ હોવાનું ગૌરવ અનુભવ્યું નથી અને કદાચ તેનો અનુભવ કરવા દેવા મા આવ્યો નથી. સૌથી મોટો ભાગ આમાં આપણી શિક્ષણ પ્રથા અને રાજકારણે ભજવ્યો છે. આજે ભારતીય સંસ્કૃતિ
    ને ઉજાગર કરતો આપનો લેખ વાંચી ને સહુ ભારતીયની છાતી છપ્પન ની થઈ ગઈ છે. બહુ સરસ.

  15. જય હિન્દ જય ભારત આ લેખ જ સાબિત કરે છે ભારતીયો મુઠી ઊંચેરા માનવીઓ છે જ બસ કેટલાક વાંક દેખાઓ ને ખાલી વાંક જ દેખાય છે અહિયાં રહેતા હોય કે પછી :” મોં રીલાયેબલ ઇન્ડિયન :” એટલે કે NRI હોય અભિનંદન સૌરભ શાહ આ લેખ માટે

  16. વાહ સૌરભ ભાઈ…ક્યાં બાત હૈ સાહેબ …સાચી વાત છે સાહેબ…..ખુબ સરસ લેખ સાહેબ…જીયો સૌરભ ભાઈ..?

  17. આજનો લેખ..કોરોના પછી સાબિત થઈ ગયું કે…..’ દરેક ભારતીય નું મસ્તક ગર્વથી ઊંચું કરી દે તેવો સરસ માહિતી સભર લેખ. અભિનંદન સૌરભભાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here