પહેલાં ધ્યેય નક્કી કરવો કે પહેલાં ક્ષમતા માપવી?

તડકભડક – સૌરભ શાહ

( સંદેશ : રવિવાર, 3 માર્ચ 2019)

કોઈપણ કામ આપણે કરી શકીશું કે નહીં એ કેવી રીતે નક્કી થાય? અમુક કામ કરવાની માણસની ક્ષમતા છે કે નહીં એ જાણવું હોય તો શું કરવાનું?

બૅટરી પર, હાર્ડ ડીસ્ક કે પછી પેન ડ્રાઈવ પર, યંત્રો ચલાવનારી મૉટર પર, એની કૅપેસિટી લખેલી હોય છે. તમને ખબર છે કે આ પર્ટિક્યુલર સાધનની આટલી ક્ષમતા છે. તમે એની ક્ષમતા મુજબ એની પાસેથી કામ લઈ શકો છો. ક્ષમતા કરતાં વધુ કામ નહીં લઈ શકો. ક્ષમતા કરતાં ઓછું કામ લેશો તો સાધન અંડર-યુટિલાઈઝ્ડ ગણાશે.

માણસે પોતાની ક્ષમતા કેવી રીતે માપવી? ક્ષમતા માપવાનો સૌથી સરળ રસ્તો છે શું કામ કરવું છે તે નક્કી કરી લેવું. ક્ષમતા માપવા ન બેસવું. હેતુ, ધ્યેય, ગોલ નક્કી કરી લેવો. એ દિશામાં કામ શરુ કરી દેવું. ક્ષમતા આપોઆપ મપાઈ જશે.

માણસની બાબતમાં સૌથી સારું એ છે કે એ જેમ જેમ વધુ ને વધુ કામ કરતો જાય છે તેમ તેમ એની ક્ષમતા વધતી જાય છે. યંત્રોની બાબતમાં આવું નથી બનવાનું. તમારી કારને તમે સાઠને બદલે નેવુંની સ્પીડે ચલાવતા થઈ જશો તો એના ઍન્જિનની કૅપેસિટી વધી જવાની નથી. દસ કીલો વજન જોખી શકાય એવા કાંટા પર તમે પંદર કીલોનો થેલો જોખવા જશો તો વજનના કાંટાની કૅપેસિટી વધી જવાની નથી. શક્ય છે કે કાંટો તૂટી જાય.

માણસ જ્યારે કોઈપણ નવું કામ હાથમાં લે છે ત્યારે એને ભૂતકાળમાં પોતે કરેલાં અન્ય કામોનો અનુભવ ઉપયોગી બની શકે પણ એ કામો કરવા માટેની એની ક્ષમતા પરથી એ નક્કી ન કરી શકે કે નવું કામ કરવા માટે એની પાસે એટલી જ કૅપેસિટી છે. એણે નવું કામ, એટલે કે અગાઉ ક્યારેય ન કર્યું હોય એવું કામ, શરુ કરી દેવાનું હોય- ક્ષમતા માપ્યા વિના. કુદરત એને આપોઆપ શક્તિ આપતી જશે. 

જગતના કોઈપણ મહાપુરુષે પોતાની ક્ષમતા માપીને નક્કી નથી કર્યું કે મારે આ બનવું છે, આ કામો કરવાં છે. એમણે પોતે જે હેતુ નક્કી કર્યો તે દિશામાં આગળ વધવાનું ચાલુ કર્યું અને ક્રમશ: એમની ક્ષમતા વિકસતી ગઈ.

આપણે ડરી જઈએ છીએ. આટલું મોટું કામ મારાથી કેવી રીતે થઈ શકશે? આપણામાં ધીરજ પણ નથી હોતી કે એકડે એકથી શરું કરેલું કામ એક લાખ, એક કરોડ, એક અબજના આંકડા સુધી પહોંચે. રાતોરાત આપણે મૂકેશ અંબાણી કે નરેન્દ્ર મોદી કે અમિતાભ બચ્ચન નથી બની શકવાના. આ કે આવા કોઈપણ મહાનુભાવ આજે જે કંઈ છે તે રાતોરાત નથી બન્યા. જિંદગી શરુ કરી ત્યારે એમને પોતાની ક્ષમતા વિશે ખબર પણ નહીં હોય, માત્ર સપનાં હશે.  કિશોર ઉંમરે ગૅરેજમાં કૉમ્પ્યુટર સાથે માથાઝીંક કરનારા સ્ટીવ જૉબ્સને તે વખતે પોતાની ક્ષમતા એપલ જેવી કંપની ઊભી કરવાની છે એની ક્યાં ખબર હતી. માત્ર સપનું હતું. કશુંક નવું કરવાનું, કશુંક ભવ્ય સર્જન કરવાનું. કૅપેસિટી તો એ જેમ જેમ કામ કરતા ગયા, આગળ વધતા ગયા, એમ વિકસતી ગઈ. કુદરત પર ભરોસો રાખવો જોઈએ.  એ ડગલે ને પગલે તમારી કસોટી કરે છે. ઉત્તીર્ણ થાઓ એટલે ખભા પર શાબાશીનો હાથ મૂકીને તમારી કૅપેસિટી વધારી આપે છે. વધુ મોટી કસોટીમાંથી પસાર થાઓ અને એમાં પણ પાસ થાઓ તો તમારી ક્ષમતામાં ઔર ઉમેરો કરે છે. કસોટી અને ક્ષમતાનું ઉમેરણ- આ પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહે છે. 

ઑલિમ્પિક્સની રમતો માટે તૈયારી કરતા ઍથલિટને ખબર નથી હોતી કે એટલો લાંબો કે ઊંચો કૂદકો મારી શકશે, સો મીટરની દોડ કેટલી સેકન્ડમાં પૂરી કરી શકશે. એને ખબર નથી કે એ અગાઉના રેકૉર્ડ તોડી શકશે. એને એ પણ ખબર નથી કે એના હરીફોની ક્ષમતા કેટલી છે. એ તો માત્ર રોજેરોજ પ્રેક્ટિસ કરીને પોતાની કૅપેસિટી વધારવાની કોશિશ કરતો રહે છે. અને એને પરીણામ પણ મળે છે. સુવર્ણ ચંદ્રક મળે કે ન મળે, ચાર વર્ષ પહેલાં એ જેટલું ઊંચું કૂદી શકતો એના કરતાં આજે વધારે ઊંચો કૂદકો લગાવી શકે છે. સતત કામ કરતાં રહેવાથી ક્ષમતા વધતી જ રહેવાની છે, એ સત્ય માત્ર સ્પોર્ટ્સમૅન પૂરતું જ મર્યાદિત નથી હોતું.

પાન બનાર્સવાલા

તમારી માનસિકતા ન બદલાય ત્યાં સુધી તમારી ક્ષમતામાં ઉમેરો થતો નથી.

– અજ્ઞાત

4 COMMENTS

  1. Really nice. One should understand the theme of the article. Never under estimate your self..

    You can do…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here