દાદાજીની અલકમલક વાતોમાં વિસ્મય, કૌતુક અને કલ્પનાવિહાર : સૌરભ શાહ

(લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 10 જુલાઈ 2024)

દાદાજી જ્યારે વાર્તા કહેતા હોય છે ત્યારે એ સ્વયં બાળક બની જતા હોય છે. મને ખબર છે. મારા દાદા મર્જર પહેલાં (૧૯૪૭ પહેલાં) દેવગઢ બારિયા સ્ટેટના પબ્લિક પ્રોસિક્યુટર હતા. ૧૯૬૦-૭૦ના દાયકામાં શાળાના સમર વેકેશનમાં અમે દાદા સાથે રહેવા મુંબઈથી દેવગઢ બારિયા જતા ત્યારે જાણીતી સાહસકથાઓનાં મુખ્ય પાત્રોનાં નામ બદલીને એ અમને વાર્તા કહે. અમે એ પાત્રો વિશે અહોભાવથી વિચારતા રહીએ. ક્યારે રાત પડે ને દાદા વાર્તા આગળ લંબાવે. દાદાની પ્યારી બનાવટ ત્યારે ખુલ્લી પડી જ્યારે સહેજ મોટા થયા પછી ખબર પડી કે એમની વાર્તામાં ‘ગરાપ’ અને ‘ભરસૌ’ નામનાં જે બે જબરજસ્ત પાત્રો આવતાં તે એમણે પોતાના જ પૌત્રોનાં નામ પરથી ઉઠાવેલાં! ગરાપ એટલે મારો મોટો ભાઈ પરાગ!

અભિષેક બચ્ચન ચાર વર્ષનો થયો ત્યારે એના વિખ્યાત દાદાએ એને એક ભેટ આપેલી- ‘બંદર બાંટ’. હરિવંશરાય બચ્ચને બાળકવિતા અને બાળનાટકનું આ પુસ્તક ૫ ફેબ્રુઆરી, ૧૯૮૦ની તારીખે આ અર્પણ પંક્તિ સાથે ભેટ આપ્યું: ‘પ્રિય અભિષેક, જન્મ-દિન પર લો બહુત બધાઈ, પ્યાર. યહ શુભ પ્રાત: સુદિન સુખ-સન્ધ્યા, આયે બારમ્બાર…’

હરિવંશરાય પોતાનાં પૌત્રો-પૌત્રીઓના જન્મદિન પ્રસંગે આ જ રીતે પોતાની બાળકવિતાઓનું પુસ્તક રચીને ભેટ આપતા રહ્યા છે. સર્જકપૂર્વજ પાસેથી આનાથી વિશેષ મૂલ્યવાન બીજી કઈ ભેટ હોઈ શકે.

‘બંદર બાંટ’માં સૌથી પહેલી કવિતા કંઈક આ રીતે શરૂ થાય છે: ‘એક લોમડી ખોજ રહી થી/જંગલ મેં કુછ ખાને કો/ દીખ પડા જબ અંગૂરોં કા/ગુચ્છા, લપકી પાને કો’. અને પછી લોમડી એટલે કે શિયાળ કેવી રીતે દ્રાક્ષ સુધી પહોંચવાની કોશિશ કરે છે, નાકામિયાબ રહે છે એનું વર્ણન છે અને છેવટે: ‘સૌ(૧૦૦) કોશિશ કરને પર ભી જબ/ ગુચ્છા રહા દૂર કા દૂર/ અપની હાર છિપાને કો વહ/ બોલી, ખટ્ટે હૈં અંગૂર.’

પૌત્ર ચાર વર્ષનો થઈ જાય ત્યારે જ આ સમજ એનામાં આવી જવી જોઈએ એવું દાદા માનતા હશે, જેથી મોટા થયા પછી- બધી જ સગવડ હોવા છતાં કરિયર ન ઊંચકાય તો પૌત્ર એવું ન કહે કે દ્રાક્ષ ખાટી છે!

મોટી સાઈઝનાં ચોવીસ પાનાંમાંનાં અડધોઅડધ સુંદર રંગીન ચિત્રોથી સજાવેલાં છે. ‘ખટ્ટે અંગૂર’ ઉપરાંત ‘ચંચલ તિતલી’, ‘હંસ’, ‘કાલા કૌઆ’, ‘લાલચી બંદર’, ‘પ્યાસા કૌઆ’, ‘ઊંટ ગાડી’, ‘કછુઆ ઔર ખરગોશ’ તથા ‘ગિદગિદાન’ (કાચિંડો)ની કવિતાઓ પછી છેલ્લે ‘બંદર બાંટ’નું બાળનાટક છે જેમાં બે બિલાડીઓને મળેલી રોટીના સરખા ભાગ કરાવવા માટે જજ બનતો વાંદરો કેવી રીતે ધીમે ધીમે આખી રોટી હડપ કરી જાય છે એની વાર્તા છે.

તમે જોયું હશે કે મોટા ભાગની કવિતાઓ અને ઈવન નાટક પણ પંચતંત્રની કથાઓ પર આધારિત છે. છતાં હરિવંશરાયની કથનશૈલી એ કથાઓને માંજીને ચકચકિત કરીને નવું રૂપ આપે છે.

દીકરી બૉસ્કી ઉર્ફે મેઘના નાની હતી ત્યારે ગુલઝાર પણ એના માટે દર વર્ષે એક નવું બાળકથા કે બાળકવિતાનું પુસ્તક લખીને જન્મદિવસે ભેટ આપતા. ( બાય ધ વે વર્ષગાંઠ અને જન્મદિન વચ્ચે શું તફાવત છે તમને ખબર છે? તમે જો ૧૯૭૫માં જન્મ્યા હો તો આવતા વર્ષે તમારી પચાસમી વર્ષગાંઠ ઉજવાય અને એ દિવસ તમારો એકાવનમો જન્મદિવસ ગણાય.) ગુલઝારની બૉસ્કી હવે મોટી થઈ. ફિલ્મોનું દિગ્દર્શન કરતી થઈ ગઈ. છતાં ગુલઝારે પોતાની એ ટ્રેડિશન જારી રાખી છે. ફરક હોય તો તે એટલો કે હવે એમનાં બાળકથાઓનાં પુસ્તક બૉસ્કીના દીકરા સમયને અર્પણ થાય છે. ગુલઝારે પોતાના અવાજમાં કરાડી ટેલ્સ રેકૉર્ડ કરી છે. ન સાંભળી હોય તો સાંભળજો: ‘એક ગધા થા. ગધા વાકઈ ગધા થા…’ ગુલઝારના અવાજમાં સાંભળવાની મઝા પડશે.

ગુલઝારે બાળકથાઓમાં નવાં પુસ્તકો ‘પોટલી બાબા કી કહાની’ની શ્રેણી હેઠળ રજૂ કર્યાં છે. એમાં ‘અલાદીન કા ચિરાગ’, ‘મંગૂ ઔર મંગલી’, ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ અને ‘ગોપી ગાયેન બાગા બાયેન’ સામેલ છે. આ છેલ્લી વાર્તા ઉપેન્દ્રકિશોર રૉય ચૌધરી (૧૮૬૩-૧૯૧૫)ની મૂળ કથાનું પુન:કથન છે. ઉપેન્દ્રકિશોર એટલે સુકુમાર રાયના પિતા અને સુકુમાર એટલે સત્યજિત રાયના પિતા. સત્યજિત રાય પોતે એક મહાન ફિલ્મકાર હોવા ઉપરાંત અચ્છા લેખક અને ચિત્રકાર પણ હતા. દાદાએ સ્થાપેલા બંગાળી બાળમાસિક ‘સંદેશ’માં સત્યજિત રાય લખતા અને ચિત્રો પણ બનાવતા. ‘ગોપી ગાયેન બાગા બાયેન’ પરથી સત્યજિત રાયે એક બાળફિલ્મ બનાવી હતી.

હરિવંશરાય બચ્ચન અને ગુલઝાર મૌલિક સર્જકો છે અને એમની ઓરિજિનલ રચનાઓથી સૌ કોઈ વાકેફ છે. તો પછી એમણે શું કામ પંચતંત્ર કે અરેબિયન નાઈટ્સ વગેરેની કથાઓનું પુન:કથન કર્યું હશે? મને પણ આ જ સવાલ થયો હતો એટલે મેં આ બધાં પુસ્તકો વાંચ્યાં. સડસડાટ વાંચ્યાં. પછી જરા વિગતે અભ્યાસ કર્યો. દરેક સર્જકમાં છેવટે તો એક બાળક જ રહેલું હોય છે. વિસ્મય, કૌતુક અને કલ્પનાવિહારમાં રાચતા આ બાળકને સતત કંઈક ને કંઈક ખોરાક જોઈતો હોય છે. મૌલિક વિચારો કંઈ વર્ષના ત્રણસો પાંસઠ દિવસ નથી ટપકી પડતા હોતા. અને એ વિચારો આવે ત્યારે એને આખરી સ્વરૂપ આપતાં પહેલાં (ગુલઝારની જ અભિવ્યક્તિ વાપરીને કહીએ તો) એને નરિશ કરવા પડે, એની પરવરિશ કરવી પડે. વાર્તાઓના પુન:કથન કે પુનર્લેખનમાં અને મ્યુઝિકના રિમિક્સિગંમાં મોટો તફાવત છે. રિમિક્સિગંનો ધંધો કરનારાઓમાંથી માંડ બે-પાંચ ટકા લોકો (કદાચ એટલા પણ નહીં) ઓરિજિનલ મ્યુઝિક રચવાને સશક્ત હોય છે. હરિવંશરાયે કે ગુલઝારે પોતાની ઓરિજિનાલિટીનાં સર્ટિફિકેટ કોઈની પાસેથી લેવાનાં નથી હોતાં. જેઓ કશું મૌલિક સર્જવાને કૅપેબલ નથી હોતા અને પોતાની જાતને બહુ મોટા સંશોધક-અભ્યાસી ગણાવતા હોય છે તેઓ જરૂર કહેતા રહેવાના કે આ સર્જકની ફલાણી ફિલ્મનો તંતુ તો અમુક વિદેશી ફિલ્મમાંથી ઉઠાવ્યો છે. આવા વાંકદેખા લોકો પ્રેરણાસ્ત્રોત અને તફડંચી વચ્ચે રહેલી ચીનની દીવાલ જેટલી જાડી ભેદરેખાને જોઈ શકતા નથી, જોવા માગતા પણ નથી. ઘણી વખત તો આવા તફડંચીકારો ખુદ પોતાની ઉઠાંતરીને જસ્ટિફાય કરવા ‘મેં પણ માત્ર પ્રેરણા જ લીધી છે’ એવું બહાનું કાઢીને છટકી જવાની કોશિશ કરતા હોય છે. પણ સમય એક બેસ્ટ ચાળણી છે. સમય વીતતાં લોકોને ખબર પડી જતી હોય છે કે ઘઉં કોણ છે અને કાંકરા કોણ છે.

ગુલઝાર અરેબિયન નાઈટ્સની વાર્તા ‘અલાદીન ચિરાગ’ની શરૂઆત પોતાની આગવી શૈલીથી કરે છે: ‘ચીન દેસ તો સુના હૈ તુમને, ચીન બડા પ્રાચીન મુલક હૈ, ચીન મેં રહતા થા એક જાદુગર બૂઢા સા/ ઘૂમા દેસ-વિદેસ વો એક લડકે કી ખોજ મેં, આખિર એક જગહ જા ઢૂંઢા. નામ અલાદીન, ઉમ્ર થી નૌ, યા દસ, યા ગ્યારહ. અપની બેવા માં કે સાથ હી રહતા થા. બાપ કો ગુઝરે ઝ્યાદા દિન ન ગુઝરે થે. પર છોટા થા ના, ભૂલ ગયા સબ. માં બેચારી મહેનત કરતી, પર બેટે પર કોઈ બોઝ ન પડને દેતી. ઔર અલાદીન સારા દિન મિટ્ટી-કૂડે મેં ખેલતા રહતા. કંચે, બંટે, ગુલ્લી ડંડા ઔર આંખ મિચૌલી…’

આટલી પ્રસ્તાવના બાંધીને ગુલઝાર પદ્ય છોડીને સિમ્પલ ગદ્યમાં વાર્તાની શરૂઆત કરે છે. તમે અનેક વાર વાંચી ચૂક્યા છો આ વાર્તા. હવે આ ઉંમરે તો કદાચ અનેક વાર તમારાં સંતાનોને કે એમનાં સંતાનોને કહી પણ ચૂક્યા હશો. છતાં તમે નેવું મોટાં પાનાંઓનું આ પુસ્તક હાથમાંથી છોડી શકતા નથી. અનોખી વાર્તાશૈલીની આ મઝા છે.

હરિવંશરાયે ‘જન્મદિન કી ભેંટ’ નામનો એક ઔર ૧૬ મોટાં-રંગીન પાનાંનો બાળકાવ્ય સંગ્રહ અભિષેકની મોટી બહેન શ્ર્વેતા માટે લખ્યો છે અને ‘નીલી ચિડિયા’ નામનો બાળકાવ્ય સંગ્રહ અજિતાભની દીકરી નીલિમા માટે લખ્યો છે. દરેકને એમની ચોથી વર્ષગાંઠે એટલે કે પાંચમા જન્મદિવસે દાદા તરફથી આ ભેટ મળેલી છે.

ગુજરાતીમાં લખનારા હજારો લેખકોમાંથી જે મુઠ્ઠીભર જેન્યુઇન સર્જકો છે એમણે હરિવંશરાય અને ગુલઝારની આ પરંપરાને અનુસરીને પોતાનાં સંતાનોને કે એમનાં સંતાનોને અને સાથે ગુજરાતી બાળ-સાહિત્યને સમૃદ્ધ કરવાની કોશિશ કરવી જોઈએ.

સાયલન્સ પ્લીઝ

સુંદર મઝાનું આનંદી બાળપણ કોઈ પણ ઉંમરે તમે માણી શકો છો.

– ટૉમ રૉબિન્સ
(અમેરિકન ઑથર: ૧૯૩૨)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. ગુલઝારે પંચમ માટે પણ કહ્યું હતું કે તેનામાં એક બાળક વસતો હતો, માટે જ “lakdi ki kathi”જેવું ગીત રચી શક્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here