( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 3 જુલાઈ 2024)
લખવામાં સૌથી અઘરું કામ સાહિત્ય લખવાનું છે. સાહિત્યના વિવિધ પ્રકારોમાં સૌથી અઘરું કામ બાળ સાહિત્ય લખવાનું છે અને બાળ સાહિત્યમાં સૌથી અઘરું કામ પરીકથા લખવાનું છે. આવું હું માનું છું. અત્યારે માનું છું.
પરીકથામાં પરી હોય જ એવું જરૂરી નથી. અને પરીકથા માત્ર સાવ નાનકડાં બાળકો માટે જ લખાતી હોય છે એવું પણ નથી. અરેબિયન નાઈટ્સની વાર્તાઓ કિશોરોને, ઈવન પુખ્તવયના વાચકોને પણ એટલો જ નિર્દોષ આનંદ એવું જ ભરચક મનોરંજન આપે જેટલી આ વાતો બાળકોને આકર્ષે.
અલાદીનનો ચિરાગ અરેબિયન નાઈટ્સની વાર્તાઓમાંની એક છે.
અરેબિયન નાઈટ્સ કોઈ એક લેખકે લખેલી વાર્તાઓનો સંગ્રહ નથી. દંતકથા બની ગયેલી આ વાર્તાઓને સૌથી પહેલાં ૧૭૦૬ની સાલમાં અરબીમાંથી અંગ્રેજીમાં ઉતારવામાં આવી. આમાંની કેટલીક વાર્તાઓનાં મૂળિયાં ભારતની ભૂમિમાં પણ છે એટલે કદાચ આપણને એ કથાઓનો માહોલ વધારે આત્મીય લાગે છે. અલીબાબા અને ચાળીસ ચોર તથા સિંદબાદની સાત દરિયાઈ સફર પણ અરેબિયન નાઈટ્સની ૧૦૦૧ વાર્તાઓમાંની જ છે.
પંચતંત્ર, વેતાળ પચ્ચીસી અને બુદ્ધની જાતકકથાઓ ભારતની દેણ છે. હિતોપદેશની કથાઓ વળી પંચતંત્રનું જ એક અનોખું સ્વરૂપ છે. ઈસપની વાર્તાઓનો જન્મ ગ્રીસમાં થયો. ઈસપની વાર્તાઓના ઘણા પ્લૉટ પંચતંત્ર અને જાતકકથાઓમાંથી ઉઠાવેલા હોય એવું તમને લાગે. ઈસપની વાર્તાઓ ઈસ્વીસન પૂર્વેની પાંચમી સદીમાં જન્મી. પંચતંત્રના ઓરિજિનલ સંસ્કૃત વર્ઝન એથીય જૂનાં છે. સિન્ડ્રેલાની વાર્તા પણ એટલી જ જૂની છે. ઈસ્વીસન પૂર્વે સાતની સાલમાં એટલે કે આજથી ૨૦૩૧ વર્ષ પહેલાં સિન્ડ્રેલાના અત્યારના પ્રચલિત વર્ઝનનું પૂર્વજ કહેવાય એવું વર્ઝન રચાયું.
જેકબ ગ્રિમ અને વિલ્હમ ગ્રિમ બે ભાઈઓ હતા. ૧૭૮૫ અને ૧૭૮૬માં એમનો જન્મ. આ ગ્રિમ બ્રધર્સે સિન્ડ્રેલા, સ્લીપિંગ બ્યૂટિ, ધ ફ્રોગ પ્રિન્સ, સ્નોવ્હાઈટ ઍન્ડ ધ સેવન ડ્વાર્ફસ વગેરે અનેક પરીકથાઓનું સંકલન, પુનર્લેખન કર્યું. આ જ રીતે હાન્સ ક્રિશ્ર્વિયન એન્ડર્સને (જ.: ૧૮૦૫) ધ એમ્પરર્સ ન્યૂ ક્લોથ્સ, ધ લિટલ મર્મેડ, ધ અગ્લી ડકલિંગ વગેરે અનેક પરીકથાઓનું સંકલન, પુનર્લેખન કર્યું.
નવી પરીકથાઓ લખવાનું કામ કેટલું અઘરું છે એનો અંદાજ તમને એ વાત પરથી આવશે કે જૂના જમાનાની સેંકડો પ્રચલિત પરીકથાઓ લોકપ્રિય થયા પછી આધુનિક યુગમાં એવી જાનદાર વાર્તાઓ બહુ ઓછી લખાય છે. ધ લાયન કિંગ આવી જ એક નવી પરીકથા છે જેની આછી પ્રેરણા શેક્સપિયરના હૅમ્લેટ નાટક પરથી લેવામાં આવી છે. એનિમેશન ફિલ્મરૂપે આ કથા દુનિયાભરમાં જાણીતી થઈ. પરીકથા હોય કે કોઈ પણ સાહિત્યપ્રકારમાં ગોઠવાતી વાર્તા, નવલકથા હોય- એની પ્રેરણા શેક્સપિયરના ફલાણા નાટક પરથી લેવાઈ છે કે એનાં બીજ બાઈબલની અમુક કથામાં છે. ( દા. ત. જેફ્રી આર્ચરની કેન ઍન્ડ એબલ) કે પછી આ કથાનાં મૂળ રામાયણ-મહાભારતની ફલાણી આડકથામાં સમાયેલાં છે એવું કહેવું બહુ સહેલું છે. વાંકદેખા લોકો પોતાના પાંડિત્યનું પ્રદર્શન ભલે કરતા રહે. ચેતન ભગતને એક વખત કહેવામાં આવ્યું કે તમારું લખાણ તો છઠ્ઠા ધોરણનો કોઈપણ વિદ્યાર્થી લખી શકે એવું હોય છે. ચેતન ભગતે કહ્યું, બિલકુલ સાચી વાત. પણ તો પછી અત્યાર સુધી કેમ કોઈએ લખ્યું નહીં!
અગાઉ જે કાર્ટૂન ફિલ્મ તરીકે ઓળખાતી તે હવે એનિમેશન ફિલ્મના રિસ્પેક્ટેબલ નામે જાણીતી થઈ છે. એક જમાનામાં કાર્ટૂન ફિલ્મની દરેક ફ્રેમ હાથે ચીતરવી પડતી. આજે કૉમ્પ્યુટરને કારણે આ કડાકૂટ ઘટી ગઈ છે પણ મહેનત અને ખર્ચ એટલો જ છે, કદાચ વધારે કારણ કે હવે એમાં અનેક સ્પેશ્યલ ઈફેક્ટ્સ ઉમેરવામાં આવે છે. સ્ટીવ જૉબ્સને પહેલીવાર જ્યારે પોતે જ સ્થાપેલી એપલ કંપનીમાંથી વિદાય લેવી પડી ત્યારે એમણે બીજા ક્રિયેટીવ લોકોનો સાથ લઈને પિક્સાર એનિમેશન સ્ટુડિયોઝની સ્થાપના કરી જેની પહેલી જ ફિલ્મ ‘ટૉય સ્ટોરી’ સુપરહિત થઈ. રમકડાંઓ આપસમાં કેવી રીતે વર્તે, શું શું કરે એવી એક કથા કિશોરવયમાં મેં ગુજરાતીમાં વાંચી હતી— ‘મધુ, પેપ્પી, પૂતળી’. કોણે લખી હતી કે કોણે એ પુસ્તક પ્રગટ કર્યું હતું એની કોઈ માહિતી મારી પાસે નથી. પણ ‘ટૉય સ્ટોરી’ પહેલીવાર જોઈ ત્યારે અનાયાસે એ ગુજરાતી વાર્તા યાદ આવી ગઈ હતી. સ્ટીવ જૉબ્સે પિક્સાર ડિઝનીને વેચી દીધી. અ બગ્સ લાઈફ, ફાઈન્ડિંગ નેમો, કાર્સ વગેરે પિક્સારની એનિમેશન ફિલ્મો છે જેને તમે પડદા પરની પરીકથાઓ કહી શકો.
ચાઈનીઝ અને જપનીઝ પરીકથાઓનું એક અલગ જ વાતાવરણ હોય છે. ગુજરાતીમાં આ કથાઓ ઝાઝી પ્રચલિત નથી પણ સાવ બાળપણમાં ચાઈનીઝ પરીકથાઓનો બૉક્સ્ડ સેટ મારી પાસે હતો. ગુજરાતીમાં લખાયેલી અને ચિત્રો ચાઈનીઝ શૈલીનાં. અત્યારે તો એમાંની એકેય વાત યાદ નથી આવતી.
પરીકથાઓનું એક અવિભાજ્ય અંગ એનાં ચિત્રો. પંચતંત્ર, હિતોપદેશ કે ઈસપની વાર્તાઓનાં ગુજરાતી પુસ્તકોમાં તમે ઈલસ્ટ્રેશન્સ જુઓ તો એક નવી જ દુનિયા તમારી આંખ સામે ઉઘડે. પરીકથાઓમાં ચિત્રો હોય, ભરપૂર ચિત્રો હોય અને એમાંય વળી રંગીન ચિત્રો હોય તો તો વળી પૂછવું જ શું. ચિત્રો વિનાની પરીકથાઓ અધૂરી-અધૂરી લાગે. પરીકથાનું જંગલ, પરીકથાના એકદંડિયા મહેલો, મહેલોમાંના ફુવારા-બાગબગીચા, પરી પોતે અને એને સતાવતો રાક્ષસ- આ બધાં કેવાં લાગતાં હશે એની કલ્પના આ બધા ચિત્રકારો કેવી રીતે કરતા હશે! તમને આશ્ર્ચર્ય થાય અને માન થાય એમની કલ્પનાશક્તિ-સર્જનશક્તિ પર. બાળકોની કલ્પનાશક્તિ માટે એક કેટલિસ્ટ કે ઉદ્દીપકની ગરજ સારતાં હોય છે આ ઈલસ્ટ્રેશન્સ.
પણ માત્ર રંગબેરંગી ચિત્રો સાથે મોટા અક્ષરોમાં છાપી નાખવાથી પરીકથાનાં પુસ્તકો તૈયાર નથી થઈ જતાં. પરીકથામાં જે જાન છે તે એનો બેઝિક પ્લૉટ છે. જેમ રાક્ષસનો જીવ પોપટમાં હોય અને પોપટની ડોક મરડી નાખવાથી રાક્ષસ મરી જાય એવું જ પરીકથામાં હોય છે. પ્લૉટની સાથોસાથ એ વાર્તાને કહેવાની શૈલી અસરદાર-ધારદાર હોવી જોઈએ. ચુસ્ત પણ હોવી જોઈએ. ખોટેખોટી શબ્દોની ભરમાર ન જોઈએ કે વાર્તાને ઉતાવળે ઉતાવળે કહી નાખવાની અધીરાઈ પણ ન જોઈએ. ભારેખમ, આડંબરભર્યા શબ્દો ન જોઈએ અને સાવ ચપટા થઈ ગયેલા ઓજસહીન એક્સ્પ્રેશન્સ પણ ન જોઈએ. નાનપણમાં એકની એક વાર્તા ફરી ફરી સાંભળવાનું મન થતું એનું કારણ હતું. મોટા થયા પછી પણ અલાદીનના જાદુઈ ચિરાગની વાર્તા રાત્રે ઉજાગરો કરીને પણ વાંચવાનું મન થાય છે તેનું પણ એક કારણ છે અને એ કારણ એ કે આખી વાર્તા તમને ખબર છે, એનો એન્ડ પણ ખબર છે છતાં જે રીતે એ કહેવાઈ છે તે શૈલી તમને આકર્ષે છે. કોઈ સિદ્ધહસ્ત પાનવાળો જેમ અડધો ડઝન ડબ્બીઓ ખોલી ખોલીને એમાંની સામગ્રી પાન પર છાંટીને આંગળીથી ઘસી ઘસીને જે રીતે પાન જમાવે ને આપણા મોઢામાં મૂકે એ જ રીતે આ પરીકથાકારો વાર્તાને જમાવી આપણા કાનમાં મૂકતા હોય છે અને આપણે એને વાગોળતાં વાગોળતાં આંખ બંધ કરીને આપણા પોતાના કલ્પના પ્રદેશમાં વિહરતા થઈ જઈએ છીએ- ઊડતી શેતરંજી પર સવાર થઈને.
સાયલન્સ પ્લીઝ
જિંદગીમાં એવી કોઈ ચીજ નથી જેનામાં કવિતા ન હોય.
ગુસ્તાફ ફ્લોબેર
(ફ્રેન્ચ નવલકથાકાર-નાટ્યલેખક: ૧૮૨૧-૧૮૮૦)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો