લેખક અને એના વાચકો :સૌરભ શાહ

ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર , 30 જુલાઈ 2020

ઓલિવર ગોલ્ડસ્મિથે ‘શી સ્ટૂપ્સ ટુ કૉન્કર’માં લખ્યું છે કે જૂનું સઘળું મને ગમે છે: જૂના મિત્રો, સમય, જૂની રીતભાતો, જૂનો દારૂ અને જૂનાં પુસ્તકો.

લેખક લખે છે ત્યારે એની પાસે એનું એકાન્ત હોય છે. લખાણ પ્રગટ થયા પછી એનું એકાન્ત એના વાચકોમાં વહેંચાઈ જાય છે. દરેક વાચક નવું નવું વાંચીને આવાં એકાન્ત ભેગાં કરતો રહે છે. આવાં એકાન્તનો જથ્થો જૂનો થઈ જાય છે ત્યારે એને અતીતનું નામ મળે છે.

આવો અતીત એકસાથે પાછો હાજર કરી દેવાની જવાબદારી જૂનાં પુસ્તકોએ નિભાવવાની હોય છે. તિજોરી ઉઘાડીને નોટોનાં બંડલની વ્યવસ્થિત ઢગલીઓ જોઈને આંખો ઠારતો હોય એમ લેખક પોતાના પુસ્તકમહેલમાં આડાં ઊભાં ત્રાંસાં સીધાં ગોઠવાયેલાં પુસ્તકો પર નજર ફેરવીને સંતોષનો ઓડકાર ખાય. પુસ્તકો જેવો શાંત મિત્ર બીજો કોઈ નથી. આ એવો મિત્ર છે જે કાયમી છે. આ એવો વડીલ છે જેની પાસે ગમે ત્યારે સલાહ માટે, માર્ગદર્શન માટે જઈ શકો છો. આ એવો ધીરજવાન શિક્ષક છે જેને તમે સતત પ્રશ્ર્નો પૂછતા રહેશો તો પણ એ કંટાળ્યા વિના તમને શાણા અને વ્યવહારુ ઉકેલો ચીંધતો રહેશે.

પુસ્તકો માટે લેખકો કરતાં વાચકો વધારે અગત્યના છે. પુસ્તકો જ નહીં, કોઈ પણ લખાણ માટે. નિજાનંદ માટે લખતો લેખક પણ અંતે તો વાચકના હૃદયના કોઈ એક નાના ખૂણે પડેલી સિતારનો એકાદ તાર ઝંકૃત કરવાની ખેવના રાખતો હોય છે. આ તાર રણઝણતો નથી ત્યારે પ્રત્યાયન અધૂરું રહે છે, કમ્યુનિકેશન પૂરું થતું નથી, સંવાદ સધાતો નથી. અહીં સંવાદનો વિરોધી વિસંવાદ સર્જાતો નથી, પરંતુ નિ:સંવાદ અથવા તો અસંવાદ સર્જાય છે. જે કલમ વાચકના છાના ખૂણે આવું ઝીણું સંગીત જન્માવવામાં કામિયાબ નથી નીવડતી એ કલમ જલદી બુઠ્ઠી થઈ જતી હોય છે.

લેખક ક્યારેય કશું નવું નથી કહેતો. મૌલિક હોવાનો દાવો કરનારાઓ જાત સાથે પ્રામાણિક નથી હોતા. જગતમાં ઈશ્ર્વર સિવાય કશું જ મૌલિક નથી. બધું જ બીજામાંથી ઉદ્ભવેલું હોય છે. અસંખ્ય છાપો ઝીલીને લેખકનો લેખક તરીકેનો પિંડ બંધાતો હોય છે. સેમ્યુઅલ જોન્સને કહ્યું હતું કે લેખક નવી વાતને જાણીતી બનાવે છે અને જાણીતી વાતને નવી બનાવે છે. જે. કૃષ્ણમૂર્તિએ આ જ વાત એમના આગવા અંદાજમાં કરી હતી: વારંવાર વપરાયેલા શબ્દો હું ફરી વાર વાપરું છું, કારણ કે મારા માટે એ નવા છે.

પણ મૌલિકતાવાળી આ વાત લેખકોને જ લાગુ પડે છે, તફડંચીકારો કે પ્લેજિયારિસ્ટોને નહીં, અહીંતહીંથી ભેગું કરીને લખનારા ઉઠાંતરી કરનારાઓને નહીં.

લેખક લખવા બેસે છે ત્યારે એનું દિમાગ અને સામેના સ્ટડી ટેબલ પર પડેલા સફેદ કાગળોની થપ્પી પરોઢિયે ચાર વાગ્યે દેખાતા ચર્ચગેટ સ્ટેશન જેટલાં સૂમસામ હોય છે. જાડી ફાઉન્ટન પેન ઉપાડીને એ પહેલો બ્લ્યુ ભરાવદાર અક્ષર કાગળ પર પાડે છે અને થોડી જ વારમાં વસ્તી વસ્તી થઈ જાય છે. વિચારોની વસ્તી, અભિપ્રાયોની વસ્તી, માહિતીની અને ચિંતનની તથા ચુસ્ત શૈલી અને ચુંબકીય અભિવ્યક્તિની વસ્તી. વસ્તીના આ વિસ્ફોટથી વાચક ક્યારેક વહાલ અનુભવે, ક્યારેક ગૂંગળામણ. ઉપરછલ્લી નજર ફેરવીને ગડી વાળી આઘે મૂકી દેવામાં આવતું છાપું કે દોઢ પાનું વાંચ્યા પછી અભરાઈએ ચડાવી દેવામાં આવતું પુુસ્તક આવી ગૂંગળામણોના શિકાર થયેલાં હોય છે. અંગ્રેજીમાં જેને વેલ થમ્બ્ડ વોલ્યુમ કહે છે એવું ખૂબ વંચાવાથી જેનું બાઈન્ડિંગ કટોકટીભર્યું થઈ ગયું હોય અને જેનાં પાનાં વંચાઈ વંચાઈને ચોળાઈ જવા પર હોય એવું પુસ્તક વાચકોએ લેખકને કરેલા વહાલનો પુરાવો છે. કેટલાક વાચકો છાપામાંથી મનગમતું લખાણ કાપી લઈ છાપામાં ડોકાબારી જેટલી જગ્યા બનાવી દેતા હોય છે. આ ડોકાબારીની આરપાર શૂન્યાવકાશ નથી હોતો, વાચકોએ લેખકને કરેલો પ્રેમ ફ્રેમ બનાવીને મઢ્યો હોય એવું એ દૃશ્ય હોય છે. કેટલાક વાચકો આવી કતરણોને પર્સમાં મૂકીને, કંટાળો આવશે ત્યારે વાંચવા ચાલશે એવા ઈરાદાથી પાર્ટીમાં આવે છે અને એમને અચાનક એ શબ્દોના સર્જકનો ભેટો થઈ જાય છે ત્યારે વાચક કરતાં વધુ લેખકને આનંદ સાથેનું આશ્ર્ચર્ય થાય છે. સાનંદાશ્ર્ચર્ય જેવા સાક્ષરી અને ભારેખમ શબ્દનો અર્થ આવા વખતે જડી જાય છે. જુલે રેનાર્ડે છેક એક સદી પહેલાં કહ્યું હતું: શબ્દો તો વિચારોની ચલણી નોટના છુટ્ટા કરાવીને લીધેલું પરચૂરણ છે. પુ.લ. દેશપાંડેનાં પત્ની સુનીતા દેશપાંડેના મિત્ર અને વિખ્યાત સાહિત્યકાર જી. એ. કુલકર્ણીની આત્મકથામય નવલકથાનું શીર્ષક છે: ‘અરભાટ આણિ ચિલ્લર’ જેનો સંવેદનશીલ અનુવાદ જયા મહેતાએ ‘સુવર્ણમુદ્રા અને…’ના નામે કર્યો છે. ‘અને…’ પછી અધ્યાહાર રહેતું પરચૂરણ અને અરભાટ એટલે સોનામહોર. આ બંનેને લેખક પોતાના વાચકોમાં હોંશે હોંશે વહેંચે છે. શું કહેવું છે એ સ્પષ્ટ હોય તો લેખકને ક્યારેય શબ્દોની ઓછપ લાગતી નથી. શું પામવું છે એ વિશે નિશ્ર્ચિતતા હોય ત્યારે વાચકને લેખકની કોઈ ઊણપ કનડતી નથી.

લેખક લખે છે પોતાની ભૂખને કારણે; કેટલાક માનસિક ભૂખને કારણે, કેટલાક શારીરિક ભૂખને કારણે. લેખકની ભૂખ સંતોષાય છે અને ઓડકાર વાચકને આવે છે. વાચકને ઓડકાર ક્યારે આવે? જે લખાણમાં એને પોતાની ન લખાયેલી આત્મકથાનો અંશ જોવા મળે કે જેમાં એ પોતાની વણલખી રોજનીશીનું એક પાનું શોધી શકે એમાંથી એને તૃપ્તિ મળે. જરૂર નથી કે આખું પુસ્તક કે આખો લેખ સળંગ અને સાદ્યંત એની મંજૂરીને પાત્ર બને. વિદુરને પીરસાયેલી ભાજીનાં બે પાંદડાં પણ સમગ્ર ભોજનનો પર્યાય બની શકતાં હોય છે.

‘એલિસ ઈન ધ વન્ડરલૅન્ડ’માં રાજાને પૂછવામાં આવે છે: ‘વ્હેર શેલ આય બીગિન, પ્લીઝ યૉર મૅજિસ્ટી?’ રાજા જવાબ આપે છે: ‘શરૂઆતથી જ આરંભ કરો’ અને ઉમેરે છે, ‘અંત આવે ત્યારે પૂરું કરજો.’

લેખક અને વાચકનો સંબંધ પણ શરૂઆત સાથે આરંભાતો હોય છે અને અંત આવે ત્યારે પૂરો થઈ જતો હોય છે.

આજનો વિચાર

સાચું બોલીને મને હર્ટ કરશો તો ચાલશે,
પણ જૂઠ્ઠું બોલીને મને કમ્ફર્ટેબલ ફીલ કરાવવાની કોઈ જરૂર નથી.

—અજ્ઞાત
_________________

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. મહાભારત લખયાપછી વેદવયાસે લખયું છે. હવેપછીનુ બધૂ સાહિતય મારૂ એઠું હશે. Saurabhbhai great analysis by you. Tarun Bhatt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here