તકલાદી કે પોલાદીઃ મમરાની ગુણ કે બદામની પોટલી

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧ ડિસેમ્બર ૨૦૧૯)

સ્માર્ટ ફોન તો હમણાં બનવા લાગ્યા. સ્માર્ટ માણસો તો જન્મ્યા ત્યારથી આપણી આસપાસ જોતા આવ્યા છીએ. એમને જોઈને આપણને પણ સ્માર્ટ બનવાનું મન થતું હોય છે. એમની નકલ કરી કરીને જતે દહાડે આપણે પણ સ્માર્ટ બની જતા હોઈએ છીએ. આ દુનિયામાં સ્માર્ટ માણસોનું કામ છે, સ્માર્ટનેસ જ અલ્ટિમેટ ગુણ છે અને જે લોકો સ્માર્ટ નથી એ સૌ ડોબા છે આવું આપણે માની લીધું છે.

સ્માર્ટનેસ એટલે ચતુરાઈ અને ચતુરાઈ જ્યારે ઉછીની લેવામાં આવે છે ત્યારે તે દોઢ ડહાપણ બની જાય છે. જન્મજાત ચતુરાઈ ખાનદાની માણસોમાં જ જોવા મળે. અહીં ખાનદાનીનો અર્થ એવો નથી થતો કે પૈસાદાર કુટુંબમાં જન્મ્યા હોય એવા લોકો, સત્તાધારી પરિવારમાં જન્મેલા કે પછી પ્રસિધ્ધ પરિવારમાં કે પછી તથાકથિત ઉચ્ચ વર્ણમાં જન્મેલા લોકો. ગરીબ અને જેને કોઈ ઓળખતું ન હોય એવા કુટુંબમાં પણ ખાનદાની માણસો જન્મતા હોય છે જેમની સ્માર્ટનેસ જન્મજાત હોય છે, જેમણે ચતુરાઈ ઊછીની લાવીને પોતાનામાં રોપવી પડતી નથી.

આપણા દેશના મોટા ભાગના મહાપુરૂષો ગરીબ કે સામાન્ય પરિવારમાં જન્મ્યા છે. માંડ દસ ટકા જાણીતા-પૈસાદાર લોકો ખાધેપીધે સુખી કે અતિ સુખી પરિવારમાંથી આવે છે.
પણ સ્માર્ટનેસ કે કોઠાસૂઝ કે નૈસર્ગિક ચતુરાઈ કોનામાં વધારે છે? પેલા નેવું ટકામાં. દસ ટકાવાળાઓ તમને સ્માર્ટ લાગશે પણ એમની સ્માર્ટનેસ ઉછીની લીધેલી હોવાની.
તો સૌથી પહેલી વાત એ કે જે સ્માર્ટનેસ ખાનદાની હોય તે જ સાચી સ્માર્ટનેસ. ઉછીની લીધેલી સ્માર્ટનેસથી માણસ બનાવટી બની જાય.

બીજી વાત. ખાનદાની માણસ હોવા કે બનવા માટે ‘ઉચ્ચ’ ખાનદાનમાં જ જન્મવું જરૂરી નથી. ‘ઉચ્ચ’ ખાનદાનમાં જન્મેલાઓ પણ ડોબા હોઈ શકે છે.

આટલી સમજણ પછી હવે જોઈએ કે સ્માર્ટનેસ અને ખાનદાનીપણા વચ્ચે પાયાનો તફાવત ક્યો છે. સ્માર્ટ માણસોથી તમે તરત ઈમ્પ્રેસ થઈ જશો. એમની ચતુરાઈ તમને તરત આંજી નાખશે. એમની વાણીથી, બૉડી લેન્ગ્વેજથી, એમનાં કપડાં, રીતભાતથી અને એમના વિચારોથી તમે એવા તો અંજાઈ જશો કે તમને લાગશે કે હમણાં ને હમણાં આ ભાઈને કે આ બહેનને સાષ્ટાંગ દંડવત્‌ કરીને એમના જેવા બનવાનાં આશીર્વાદ લઈ લઉં.

ખાનદાની માણસોમાં આવા સ્માર્ટ લોકો જેવી આક્રમકતા નથી હોતી. એમની પર્સનાલિટીમાં આખી રાત ધીમી આંચ પર પકવેલી રસોઈ જેવા છુપા-ગર્ભિત ગુણો હોય છે, ફાસ્ટફુડ જેવા ચટાકેદાર-લુભાવના રંગ-રૂપ-સ્વાદ એ ખાનદાની રસોઈમાં ન હોય. પણ તમને ખબર છે કે ફાસ્ટફુડ સેહત માટે હાનિકારક હોય છે, ખાનદાની રસોઈ તમારા આરોગ્યને સાચવે છે એટલું જ નહીં એનું વર્ધન પણ કરે છે.

શીખવાનું હોય તો તે ખાનદાની લોકો પાસેથી. અનુકરણ કરવાનું હોય તો ખાનદાની લોકોનું. સ્માર્ટ લોકો પાસેથી શીખીશું કે એમને આઈડોલ માનીને પૂજીશું તો આપણે પણ એમના જેવા ખોખલા બનીશું, મમરાની ગુણ જેવા. આપણે બનવાનું છે બદામની પોટલી જેવા. ગુણવત્તામાં એટલે કે ક્‌વૉલિટીમાં આગળ વધવાનું છે, ક્‌વૉન્ટિટીમાં નહીં. ભલે પછી આજના જમાનામાં ક્‌વૉન્ટિટીની મહત્તા છે એવું તમને લાગતું હોય. કારણ કે ક્‌વૉન્ટિટી તરત જ દેખાઈ આવે, મમરાની ગુણની જેમ. એટલે સામેની વ્યક્તિ તરત જ ઈમ્પ્રેસ થઈ જાય. જ્યારે બદામની પોટલી તમારા હાથમાં હશે તો કોઈનું ધ્યાન નથી જવાનું. ભલું પૂછો તો એ પોટલીય તમે બીજી કોઈ બૅગ કે પર્સમાં કે ખીસ્સામાં મૂકી હશે એટલે કોઈને એ દેખાવાની જ નથી. અને નહીં દેખાય એટલે સામેવાળી વ્યક્તિ તમારાથી તરત ઈમ્પ્રેસ પણ નહીં થાય. પણ એનો મતલબ એ નથી કે તમારે તમારી મુઠ્ઠીભર બદામના બદલામાં મમરાની ગુણ લઈ આવવાની.

ખ્યાલ આવે છે ને કે શું કહેવા માગું છું? નકરી ચતુરાઈથી લોકોને ઈમ્પ્રેસ કરવાનું છોડીએ. સ્માર્ટનેસ( જે ખાનદાની નથી એવી ચતુરાઈ)થી તમે ટેમ્પરરી ફાયદાઓ મેળવી શકશો. કદાચ. પણ લાંબા ગાળે નુકસાન છે એમાં. તમારી જિંદગી વેડફાઈ જશે એ રસ્તે.

જે મહાન પુરુષો છે એમની સ્માર્ટનેસ ખાનદાની છે, જન્મજાત છે. અને જેમની પાસે ખાનદાની સ્માર્ટનેસ નહોતી એવા મહાન પુરુષોએ કોઈ શોર્ટકટ લીધા વિના, કોઈ બનાવટમાં પડ્યા વિના ધીરજ રાખીને, પોતાનું વ્યક્તિત્વ વિકસાવીને ક્રમશઃ આ સ્માર્ટનેસ પોતાનામાં રોપી છે, ઉછેરી છે. પેલા સ્માર્ટ લોકોની જેમ ઉપરથી નથી ચિપકાવી. ખાનદાની લોકો જે કંઈ બોલશે, વાતો કરશે કે વિચારશે એની પાચળ ઘણું ઊંડું ચિંતન-મનન હોવાનું. જે વિષય વિશે તેઓ વાત કરશે એનું પાકું બૅકગ્રાઉન્ડ હશે તો જ એ વાતોને તમારી સાથે વહેંચશે. સમુદ્રના એ ઊંડા જળમાંથી મોતી શોધી શોધેને લઈ આવ્યા હશે તેઓ. સ્માર્ટ માણસો કિનારા પર છબછબિયાં કરીને, છઈ છપ્પા છઈ ગાઈને તમારું ધ્યાન આકર્ષિત કરવામાં પાવરધા હોય છે. એમનાથી ઈમ્પ્રેસ થશો તો તમે પણ એમના જેવા ખોખલા બનતા જશો.

જિંદગીનું દરેક પગલું, જિંદગીની દરેક પળ ખાનદાની બનવા માટે ખર્ચવી જોઈએ, સ્માર્ટ બનવા માટે નહીં. આવું કરવામાં વાર લાગવાની. તો ભલે લાગે. આવું કરવામાં ઈમિજિયેટ રેકગ્નિશન તમને નહીં મળે. છો ન મળે. સારું જ છે ન મળે. તમારે તકલાદી નથી બનવાનું, પોલાદી બનવાનું છે.

જમાનો ઝડપથી આગળ વધી રહ્યો છે. તમારે જમાના સાથે તાલ મિલાવવો જોઈએ. પણ તાલ મિલાવવા માટે તમારે શોર્ટકટ લેવાની કે ફાસ્ટફૂડનો આશરો લેવાની જરૂર નથી. સો-બસો-ચારસો મીટરની સ્પ્રિન્ટ નથી આ જિંદગી. કે દસ-વીસ-ચાળીસ સેકન્ડમાં પૂરી કરી નાખવાની હોય. મેરેથોન છે. ધીમી પણ સતત ગતિએ આગળ વધતાં રહેવાનું છે. થાક્યા વિના. વચ્ચે વચ્ચે પાણીબાણી પીતાં રહેવાનું છે. એનર્જી છેક સુધી ટકાવી રાખવાની છે – જિંદગીના છેલ્લા શ્વાસ સુધી.

પાન બનાર્સવાલા

એક જ વખત આ જિંદગી મળે છે. પણ જો એને યોગ્ય રીતે જીવી લઈશું તો એક વખત પણ પૂરતું છે.

6 COMMENTS

  1. બિલકુલ સાચી વાત સાહેબ
    એક અછાંદસ માં લખેલું…..

    તમે બ્રાન્ડેડ કપડાં પહેરશો,
    ગાડી,બંગલા ને ઘરેણાં ખરીદશો
    પણ ખુમારી ને ખાનદાની ક્યાંથી લાવશો ?
    એ તો લોહીમાં જ હોય ……..

  2. ‘… સો, બસો, ચારસો મીટરની સ્પ્રિંટ નથી આ જીંદગી…’ વાહ! કયા ખૂબ! ?

  3. વ્યક્તિત્વની ગરિમા અને ચાંપલી smartness બંનેની સરખામણી થાય જ નહિ.હા કદાચ ટુંક સમય માટે આકર્ષે એવું બને.પણ જન્મજાત ખાનદાન વ્યક્તિ એક. અમીટ છાપ છોડી જાય.સરસ લેખ. વાંચવાની મજા આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here