જિંદગીમાં ક્યાં સુધી કામ કરતાં રહેવું? : સૌરભ શાહ

(તડક ભડકઃ ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ. રવિવાર, ૧૪ નવેમ્બર ૨૦૨૧)

નર્મદ, મેઘાણી કે ડિકન્સ આયુષ્યના છઠ્ઠા દાયકામાં ગુજરી જાય છે ત્યારે તમને નવાઈ લાગે છે કે કેટલા ઓછા સમયમાં તેઓ કેવું ગંજાવર કામ કરીને ગયા. એમના ગયાના સો-દોઢસો વર્ષ પછી પણ એમનું સર્જન વંચાય છે, વખણાય છે. એમને વાંચીને વાચકોની પંદર-પચીસ પેઢીઓ ઉછરી અને છતાંય હજુય એમની મોહિનીનું તેજ ઓછું થયું નથી.

મેઘાણીની જેમ એકાવનમે વર્ષે, નર્મદની જેમ ત્રેપનમે વર્ષે કે ડિકન્સની જેમ અઠ્ઠાવનમે વર્ષે તમારી જીવનલીલા સંકેલાઈ જાય એ પહેલાં આ સૌએ પોતપોતાનાં ક્ષેત્રોમાં જે કક્ષાનાં જથ્થાબંધ કામ કર્યાં એવાં અને એટલાં કામ તમારે તમારા ક્ષેત્રમાં કરવાનાં છે, એવા સંકલ્પબળ સાથે જો તમે વીસ-પચ્ચીસની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દો તો પછી જીવનમાં કોઈ અફસોસ નહીં રહે. પૈસા ઓછાવત્તા મળે કે પછી પ્રસિદ્ધિ ઓછીવત્તી મળે તોય કોઈ અફસોસ નહીં હોય – જો પચાસ-પંચાવનની ઉંમરે જબરજસ્ત મોટાં કામ કરી ચૂક્યા હોઈશું તો.

પણ સવાલ એ થાય કે પંચાવન-સાઠની ઉંમરના આરે પહોંચી ગયા હોઈએ છતાં પાછળ નજર કરતાં ખબર પડે કે જેવાં અને જેટલાં કામ કરવાં જોઈતાં હતાં એ નથી થઈ શક્યાં તો?

તો શું અફસોસ કરીને માથે હાથ દઈને બેસી રહેવાનું? જિંદગી તો પૂરી થવા આવી, હવે નિવૃત્ત થઈને ભગવાનનાં ભજન ગાવાનાં, સમાજ માટે યથાશક્તિ સેવા કરવાની અને કુટુંબકબીલાને સંભાળીને ચારધામની જાત્રા કરવાની? આ બધું તો ખેર નાનપણમાં/યુવાનીમાં પણ થઈ શકે છે – થવું જોઈતું હતું. સાઠ વર્ષની ઉંમર પછી પણ કરી શકાય છે. પણ આ ઉંમરમાં માત્ર આટલું જ કરીને બેસી રહેવાનું હોતું નથી.

અઠ્ઠાવન, સાઠ કે બાસઠ-પાંસઠની ઉંમરે સક્રિય જિંદગી છોડીને નિવૃત્ત થઈ ગયેલા કે નિવૃત્ત થવા માગનારાઓ માટે ક્લિન્ટ ઇસ્ટવુડ એક જ્વલંત ઉદાહરણ છે જેની જિંદગી તમને પ્રેરણા આપશે કે ભઈ, જીવવું તો આવી રીતે જીવવું. પ્રેરણા માટે તમારે ચિંતનનાં ચૂરણની પડીકીઓ ચાટવાની જરૂર નથી, પ્રેરણાનાં પિયૂષ પીવાની જરૂર નથી. તમારી આસપાસ જ એટલાં બધાં જીવતાં જાગતાં ઉદાહરણો છે કે ચાંપલી વાયડી વેવલી બાયલી વાતોનાં પ્રવચનો સાંભળવાની કે પુસ્તકો-લેખો વાંચવાની કોઈ જરૂર નથી.

ક્લિન્ટ ઇસ્ટવુડ. નામ તો ઘણાખરાએ સાંભળ્યું હશે. આ કાકાએ યુવાનીમાં કરેલી ‘ધ ગુડ ધ બૅડ ઍન્ડ ધ અગ્લી’ (1966) જેવી ફેમસ કાઉ બૉય ફિલ્મો તમે જોઈ પણ હશે. અથવા તો એલીસ્ટર મેક્લિનની નવલકથા પરથી બનેલી વૉર થ્રિલર ‘વ્હેર ઇગલ્સ ડેર’ (1968) તમે જોઈ હશે, જેમાં ઇસ્ટવુડની સાથે રિચર્ડ બર્ટને લીડ રોલ કર્યો હતો.

1930માં જન્મેલા આ કાકા અત્યારે 91 વર્ષના થઈ ચૂક્યા છે. હજુ કડેધડે છે અને ફુલટાઇમ કામ કરે છે. હજુય જબરજસ્ત ફિલ્મો બનાવે છે. હીરો તરીકે અકલ્પનીય સફળતાઓ મળતી હતી એ જ વર્ષોમાં એમણે દિગ્દર્શન પણ શરૂ કર્યું, પોતાની (અને બીજાઓની પણ) ફિલ્મો પ્રોડ્યુસ કરી. સંગીતમાં ગજબનો રસ અને સૂઝ પણ પાકી. પિયાનો વગાડી જાણે છે. પોતાની કેટલીક ફિલ્મોમાં મ્યુઝિક પણ એમનું પોતાનું. શ્રેષ્ઠ મૌલિક બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે મોટામોટા ઍવોર્ડ માટે નોમિનેશન્સ મળે એવું ઉચ્ચ કક્ષાનું કામ સંગીત ક્ષેત્રે પણ કર્યું.

એક્ટર તરીકે કામ 1955માં શરૂ કર્યું પણ સૌથી પહેલી બૉક્સ ઑફિસ હિટ ફિલ્મ એક દાયકા પછી આવી – સર્જિયો લીયોનીની ‘ફૉર અ ફ્યૂ ડૉલર્સ મોર’ (1965). એનિયો મોરિકનનું મ્યુઝિક હતું. એનું થીમ મ્યુઝિક કોને યાદ નહીં હોય. યુ ટ્યુબ પર આ ફિલ્મનું નામ લખીને સર્ચ કરીને સાંભળશો તો આજે પણ રૂંવાડાં ઊભાં થઈ જાય એટલો રોમાંચ એમાં ઠાંસીઠાંસીને ભર્યો છે. (‘ધ ગુડ, ધ બૅડ ઍન્ડ ધ અગ્લી’નું થીમ મ્યુઝિક તો એનાથી ચાર ચાસણી ચડી જાય એવું છે. એ પણ એનિયો મોરિકોનની જ દેણ).

ઇસ્ટવુડે 1971થી દિગ્દર્શન પણ શરૂ કર્યું. અને એના દાયકા પછી પ્રોડક્શન પણ હાથમાં લીધું. ‘ડર્ટી હૅરી’ (1971), ‘એસ્કેપ ફ્રોમ અલ્કાર્ટાઝ’ (1979), વગેરે ઘણી ફિલ્મો કરી જેના વિશે આટલો જ ઉલ્લેખ કરીને આગળ વધીએ. ક્લિન્ટકાકાએ 60 વર્ષ પછીના ત્રણ દાયકામાં, 1990થી અત્યાર સુધીમાં શું, કેવું અને કેટલું કામ કર્યું છે તેની વાત કરીએ.

ગામ આખું જ્યારે નિવૃત્ત લઈને પેન્શન ફંડના ઇન્વેસ્ટમેન્ટમાંથી મેક્સિમમ લાભ લેવાના પ્લાનિંગ માટે પોતાના સીએ વગેરે સાથે મીટિંગો કરતું હોય ત્યારે ક્લિન્ટ ઇસ્ટવુડ શું કરે છે?
60થી 90-91 વર્ષની ઉંમર દરમ્યાન એમણે ત્રણ ડઝન જેટલી ફિલ્મો કરી. એક દાયકાની દસ. પ્રેક્ટિકલી દર વર્ષે એક. છેલ્લામાં છેલ્લી ફિલ્મ આ વર્ષે બે મહિના પહેલાં જ રિલીઝ થઈ – ‘ક્રાય મૅચો’. આ જ નામની નવલકથા પરથી આ ફિલ્મ બની છે જેમાં ઇસ્ટવુડે પોતાની ઉંમરને શોભે એવા કાઉબૉયની એકદમ અલગ જ પ્રકારની મુખ્ય ભૂમિકા ભજવી છે. ડિરેક્શન પણ એમનું જ. પ્રોડક્શનમાં પણ એમનો ભાગ. ‘ક્રાય મૅચો’ ફિલ્મના બીજા એક પ્રોડ્યુસર આલ્બર્ટ રૂડી ઇસ્ટવુડની જ ઉંમરના છે જેમણે અગાઉ ઇસ્ટવુડની સાથે ‘મિલિયન ડૉલર બેબી’ (2004) પ્રોડ્યુસ કરી હતી. આલ્બર્ટ રૂડીએ પ્રોડ્યુસ કરેલી સૌથી વિખ્યાત ફિલ્મ કઈ યાદ છે? ‘ધ ગૉડફાધર’ (1972). ‘ક્રાય મૅચો’ જોવી હોય તો ઓટીટી પર છે. મઝાની નાનકડી, સીધી સાદી ફિલ્મ છે.

સાઠ વર્ષની ઉંમર પછી ઇસ્વટુડે બનાવેલી ત્રણેક ડઝન ફિલ્મોમાં ‘મિલિયન ડૉલર બેબી’, ઉપરાંત ‘ઇન્વિક્ટસ’ (2009), ‘જે. એડગર’ (2011), ‘અમેરિકન સ્નાઇપર’ (2014) અને ‘સલિ’ (2016) જેવી ખૂબ વખણાયેલી ફિલ્મો પણ સામેલ છે. આમાંથી છેલ્લી બે ફિલ્મો વિશે રિલીઝ વખતે જ લાંબા લેખોની શ્રેણીઓ લખી ચૂક્યો છું. આ ત્રણ ડઝન ફિલ્મોમાંથી બે ડઝન જેટલી ફિલ્મોનું દિગ્દર્શન તથા નિર્માણ એમનું પોતાનું. ‘સલિ’ જેવી કેટલીક ફિલ્મો એમણે ડાયરેક્ટ કરી, પ્રોડ્યુસ કરી પણ પોતે એમાં હીરો તો શું કોઈ નાનકડો રોલ પણ ન કર્યો. ‘સલિ’માં ટૉમ હૅન્ક્સને લીધો તો ‘અમેરિકન સ્નાઇપર’માં બ્રેડલી કૂપરને લીધો.
આ બધી વિગતો આપવાનું કારણ એક જ છે. તમને ફિલ્મોમાં કે હૉલિવુડમાં ઇન્ટરેસ્ટ ન હોય તો પણ એક વાત મનમાં ઉતારી લેજો કે સાઠ વર્ષ પછી પણ સતત તાજગીભર્યા રહેવું હોય તો કામ કરતાં રહેવું. તબિયત સાચવીને અને થાકી જાઓ ત્યાં સુધી – સતત નવાં નવાં કામ હાથમાં લેતાં રહેવું.
કામમાંથી નિવૃત્તિ લઈ લેવાથી જીવનમાંથી નિવૃત્ત થઈ જવાતું હોય છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કામ કરતાં રહેવાથી છેવટ સુધી તાજા રહી શકાય છે.

પાન બનાર્સવાલા

સફળ માણસો પ્રતિભાવાન કરતાં કામગરા વધારે હોવાના.

— અજ્ઞાત

* * *

આ લેખ તમને ગમ્યો?

‘ન્યુઝપ્રેમી’ પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.

‘ન્યુઝપ્રેમી’ ૧૦૦% સ્વતંત્ર છે, ‘ન્યુઝપ્રેમી’ના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, ‘ન્યુઝપ્રેમી’ જાહેરખબરો ઉઘરાવતું નથી.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે.

નીર-ક્ષીર વિવેક જાળવીને જે સાચું છે અને સારું છે તેનો હિંમતભેર પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને એને સશક્ત બનાવવાનું કામ તમારા સપોર્ટથી જ થઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી ‘કટિંગ ચા’ સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.

‘કટિંગ ચાય સિરીઝ’ના તમામ 8 લેખોની લિન્ક

ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:

‘ન્યુઝપ્રેમી’ના ચાહકો અને સૌરભ શાહના વાચકો માટે એક અગત્યની જાહેરાત

તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુટીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો. આ માટેની વિગતો નીચે મુજબ છે.

Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076

BHIM, PhonePe, Google Pay
UPI ID : hisaurabhshah@okaxis

Paytm No. : 90040 99112

5 COMMENTS

  1. દરેક વખતે કોઈ વિદેશી ના જ રેફરન્સ/ઉદારણ કેમ ? કોઈ ભારતીયો એ એઙ પણ કાર્ય એવું નથી કાર્યુ કે જેનુ ઉદાહરણ આપી શકાય જો આવા રેફરન્સ/ઉદારણ હશે તો આપણે વધારે ગર્વથી જીવન મા ઊતારી સકીશુએક અભિપ્રાય

    • નગીનદાસ સંઘવી (આયુષ્ય ૧૦૦ વર્ષ), કે.કા. શાસ્ત્રી ( આ: ૧૦૧), ખુશવંત સિંહ ( આ: ૯૯) અને મારા પારિવારિક વડીલ નટુકાકા ( એન.સી.શાહ, આ : ૧૦૩) વિશે લખી ગયો છું જે આપે ના વાંચ્યું હોય તો મારો શું વાંક, સાહેબ!

  2. તમને જોઈ ને અને તમારા વિચાર ને જાણી ને.
    નિર્વિવાદ પ્રેરણા મળે છે.

    કારણ તમે હંમેશા, ભૂતકાળ કે ભવિષ્ય વિષે કોઈ પણ પ્રકારની
    વાત લાખો છો ત્યારે તે દૃશ્ય વર્તમાન માટે હોય છે.

    ‘મરતા ક્યાં ન કરતા”
    આ વાક્ય નિરાશાવાદી નું છે.

    આ લેખ વાંચ્યો અને સમજાણુ.

    મહાદેવ ને પ્રાર્થના અમારા સૌરવ ભાઈ ને
    સ્વસ્થ દીર્ઘઆયુષ્ય આપે જેથી સમજણ વધે.

  3. આપનો આર્ટિકલ વાંચી મને ૬૨ વર્ષે કાંઈક નવું કરવાની પ્રેરણા મળી.👍👍👍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here