ભગવાન જેવો દોસ્ત બીજો કોઈ નથી :સૌરભ શાહ

(લાઉડમાઉથ : ‘ સંદેશ ‘, અર્ધ સાપ્તાહિક પૂર્તિ: બુધવાર, ૧૦ નવેમ્બર ૨૦૨૧)

શ્રીકૃષ્ણઃ શરણમ્ મમઃ

હે કૃષ્ણ, તું મને તારા શરણમાં લેજે. ભગવાનનો આશ્રય લેવો એટલે એના ચરણોમાં તમારી બધી જ વ્યગ્રતાઓ, ચિંતાઓ મૂકી દેવી અને એની સાથે જોડાયેલાં aspirations, planning વગેરે પણ ધરી દેવાં. હરિ તું કરે તે ખરી એવું વિચારીને આ તમામ ભારમાંથી મુક્ત થઈને પોતાના કામમાં મન પરોવવું – કોઈ જાતના ભય વિના, કોઈ પ્રકારની લાલચ વિના.

કામ કરતી વખતે તમારું એક જ લક્ષ્ય હોવું જોઈએ – જે કામ થઈ રહ્યું છે એમાં તમારું ઉત્તમોત્તમ કેવી રીતે રેડાય. જે કામ થઈ રહ્યું છે એને પૂર્ણતાને આરે પહોંચાડ્યા વિના બીજી કોઈ બાબતમાં ફંટાવું નથી એવો દ્રઢ સંકલ્પ એટલે એકાગ્રતા. જે કામ થઈ રહ્યું છે એની જાણ બીજાઓને થશે ત્યારે એમના કેવા પ્રતિભાવ આવશે એ વિશેની ફિકર નથી હોતી ત્યારે તમે જેનું શરણું લીધું છે તે ભગવાનને તમારા આ કામના સાક્ષી બનાવી શકો છો.

ભગવાનમાં નહીં મનનારા, ઈશ્વરમાં શ્રદ્ધા નહીં રાખનારા કે આ જગતમાં સર્વશક્તિમાન કોઈક છે એવી આસ્થા નહીં ધરાવનારાઓ પણ હોય છે. એમને એમની નાસ્તિકતા મુબારક. એમને એમની વિજ્ઞાન માટેની અંધશ્રદ્ધા મુબારક. પોતાને રૅશનલિસ્ટ કહેવડાવતા એટલે કે તર્ક મુજબ જીવનારા બુદ્ધજીવીઓ વાસ્તવમાં તર્કવાદી નહીં પણ તકવાદી હોય છે. જવા દો એમની વાત.

કોઈક તો છે જે આ જગતનો પિતા છે, જેણે આ જગતને ઘડ્યું છે. એ બ્રહ્મા છે. અને જે આ જગતનું ભરણપોષણ કરે છે તે વિષ્ણુ છે. અને જે આ જગત માટે જેની હવે ઉપયોગિતા નથી રહી તેને પાછા બોલાવીને સતત આ દુનિયાના નવસર્જનમાં બ્રહ્માજીને પડખે છે તે મહેશ છે.

ભગવાન છે એવી શ્રદ્ધા લઈને ચાલવાથી બે ફાયદા થાય છે. હું કંઈક છું એવું માનવા માંડીએ ત્યારે તરત પ્રતીતિ થતી હોય છે કે આપણાથી પણ મોટું કોઈક છે, ભારતના વડા પ્રધાન કે અમેરિકાના પ્રેસિડેન્ટથી પણ મોટું, વધુ સત્તાશાળી જો કોઈક હોઈ શકે તો આપણાથી વધારે ગજું ધરાવનારાઓ તો લાખો-કરોડો લોકો હોવાના. ભગવાન છે એવું માનીએ છીએ ત્યારે આપણા પગ ધરતી પર ચોંટેલા રહે છે.

બીજો ફાયદો એ કે આપણું જ્યારે કંઈક બગડે છે, બૂરું થાય છે, ત્યારે સધિયારો રહે છે કે ભગવાન છે, એ સુધારી લેશે. આપણો વાંક હશે. તો પણ એ આપણને સાચવી લેશે. અને જો પાઠ ભણાવવા માટે સજા કરવાનું નક્કી કરશે તો હસતે મોઢે સહન કરી લઈશું કારણકે એના જેટલો તટસ્થ ન્યાયાધીશ દુનિયાની કોઈ કોર્ટમાં જોવા નહીં મળે. એ જે સજા કરશે તે વાજબી જ હશે અને સજા કરવા પાછળનો એનો આશય ઘણો પવિત્ર, અત્યંત શુદ્ધ અને શુભ હશે. આપણે ફરી ક્યારેય એવાં – ન કરવાં જેવાં – કામ ના કરીએ એવા આશયથી જ એ આપણને લપડાક મારે છે.

ભગવાન જેવો દોસ્ત બીજો કોઈ નથી. જે વાતો તમે તમારી જાતને કહી નથી શકતા તે બધી જ વાતો તમે એને કહી શકો છો. કેટલીક વાર તમે તમારાં સપનાંઓને તમારાથી છૂપાં રાખવા માગતા હો છો. કારણ કે તમને મનમાં સંકોચ હોય છે. આવાં સપનાં જોવાની તમારી હેસિયત નથી એવું તમને લાગતું હોય છે. નાનપણમાં અને નાદાનીની ઉંમરમાં તમે તમારી ઔકાત બહારની ઘણી માગણીઓ માબાપની સમક્ષ કે કુટુંબના ગમતા વડીલોની આગળ કરી ચૂક્યા છો. તમારાથી આવી માગણીઓ ન થાય એવી અક્કલ તે વખતે નહોતી. એ લોકોની ક્ષમતા આવી માગણીઓ પૂરી કરવાની છે કે નહીં એનું ભાન પણ નહોતું. અક્કલ આવ્યા પછી મર્યાદા બહારની માગણીઓ કરવાનું છોડી દીધું એ સારું થયું પણ એમાં એક વાત ભૂલાઈ ગઈ કે ભગવાનની ક્ષમતાને કોઈ મર્યાદા હોતી નથી. માબાપ કે વડીલોમાં જે માગણીઓ સંતોષી શકવાની ક્ષમતા નહોતી એવી હજારો-લાખો માગણીઓ ભગવાન સંતોષતા આવ્યા છે-કરોડો લોકોની એવી માગણીઓ એણે સંતોષી છે. તમારી પણ સંતોષશે. શરત માત્ર એટલી જ છે કે તમે પ્રગટપણે, નિઃસંકોચ તમારી માગણીઓ એની આગળ રજૂ કરો. તમારું એની આગળ કેવું દેખાશે એની ચિંતા રાખવાની જરૂર નથી. એક વખત કહી જુઓ પછી એ જ તમારી આંગળી પકડીને તમને શીખવાડશે, સુઝાડશે, માર્ગદર્શન આપશે કે તમને પોતાને અશક્ય લાગતી એ બધી માગણીઓ સંતોષાય એ માટે તમારે શું શું કરવાનું છે.

કેટલીક કબૂલાતો તમે મિત્રની સમક્ષ નથી કરી શકતા. સૌથી નજીકની વ્યક્તિ આગળ પણ નથી કરી શકતા. અરે, પોતાની જાત આગળ કરવામાં પણ ભોંઠપ અનુભવાતી હોય છે. ભગવાન સમક્ષ આવી તમામ કબૂલાતો, આવા તમામ એકરાર કરી શકો છો. એ કંઈ તમને શરમમાં નાખવાના નથી. તમારે નીચું જોઈને પગના અંગૂઠાથી ધરતી ખોતરવી પડે એવો ઠપકો આપીને તમને શરમિંદા પણ કરવાના નથી. તમારી કબૂલાતો પછી એ તો તમારી પીઠ પર હાથ ફેરવીને આશ્વાસન આપશે, સમજાવશે અને ફરી ક્યારેય એવાં કામ તમારાથી ન થાય એવા આશીર્વાદ આપીને તમારા માથા પર હાથ ફેરવશે.

મહત્વાકાંક્ષાઓ અને કબૂલાતો ઉપરાંત ભગવાન સમક્ષ પ્રગટ કરવા જેવું બીજું ઘણું છે. કોઈના માટેનો ગુસ્સો કે અચાનક સર્જાયેલી કોઈ પરિસ્થિતિ પ્રત્યેનો ઉકળાટ, ફ્રસ્ટ્રેશન, બળાપો. આ બધું જ એની આગળ ઠાલવી શકીએ છીએ. મનમાં સર્જાતી હતાશાને, હૈયાવરાળને વાચા આપી શકીએ છીએ. વેદનાને, દુઃખને, આંખમાં આવી જતાં પણ રોકી રાખવા પડતાં આંસુને. ભગવાનનાં ચરણોમાં આ બધા માટે ખૂબ જગ્યા છે. બધું જ ઠાલવી દઈને હળવા થઈ શકીએ છીએ. તમારી વાત એ ત્રીજા કોઈને કહેવાનો નથી એવો ભરોસો રાખીને મનમાં સંઘરી રાખેલી બધી જ વ્યથાઓ ઠાલવી શકીએ છીએ. આશ્વાસન મેળવી શકીએ છીએ. પશ્ચાતાપ કરીને ભૂલો સુધારવાના રસ્તાઓ દેખાડવાની માગણી કરી શકીએ છીએ.

ભગવાન પરની આપણી શ્રદ્ધાને કેટલાક લોકોએ વગોવી નાખી છે. એવા લોકોની માન્યતા મેળવવા માટે આપણે પણ એમના વિકૃત તર્ક-વિતર્ક પાછળ ઘસડાઈ જઈએ છીએ. તેઓ આપણને અંધશ્રદ્ધાળુ કે પછાત કે પછી જૂના જમાનાના અપ્રસ્તુત આદમી તરીકે ના ઓળખે એ માટે આપણે એમને રિઝવવાનો પ્રયત્ન કરીએ છીએ – એમની સાથે દલીલો કરીને, ક્યારેક એમની થોડી ઘણી માન્યતાઓ સ્વીકારીને કે પછી ક્યારેક એમને શરણે જઈને.

શરણે જ જવું હોય તો ભગવાનને શરણે શું કામ ન જઈએ? બધી જ વાતો કંઈ પ્રયોગશાળામાં સિદ્ધ થયેલી હોવી જોઈએ એવું કોણે નક્કી કર્યું? એ લોકોએ. પોતાની ઇજારાશાહી સ્થાપવા. તમારા મનમસ્તિષ્ક પર અને તમારા ભૌતિક શરીર પર કબજો જમાવવા. હળદરના કે લીમડાના ગુણો વિશે ભારતની કઈ લેબોરેટરીમાં હજારો વર્ષ પહેલાં પ્રયોગો થયા હતા. કોઈ કહેશે? આમ છતાં હજારો વર્ષથી આ અને આવી અનેક વનસ્પતિનો અક્સીર ઔષધ તરીકે ઉપયોગ થયો જ છે. પેલા લોકોએ તો હમણાં હમણાં આ બધાના પર ‘અખતરાઓ’ કરીને એ વાતો સિદ્ધ કરી જેની આપણને હજારો વર્ષથી ખબર છે.

ભગવાને પોતાના અસ્તિત્વને પુરવાર કરવા માટે કોઈનીય પ્રયોગશાળામાં જવાની જરૂર નથી. એ છે. અહીં જ છે. આસપાસમાં જ છે. તમને દેખાય છે કે નહીં ખબર નથી; મને તો દેખાય છે, અનુભવાય છે. એનો હાથ માથા પર છે એટલે જ તો વિક્રમ સંવત ૨૦૭૮ના નવા વર્ષનો આ પહેલવહેલો પીસ આટલી આસ્થાથી લખાય છે. નવું વર્ષ આપ સૌના માટે આપની કલ્પના મુજબનું નીવડે એવા ભગવાનને પ્રાર્થના. સાલમુબારક.

સાયલન્સ પ્લીઝ

ભગવાન મરી ગયો છે. ભગવાન મરેલો જ રહેવાનો છે. અને અમે સૌએ ભગવાનને મારી નાખ્યો છે.
-ફ્રેડરિક નિત્શે (જન્મ – 1844- મૃત્યુ 1900)

નિત્શે મરી ગયો છે. અને એ મરેલો જ રહેવાનો છે અને ભગવાને એને મારી નાખ્યો છે.
(જર્મન ફિલસુફ નિત્શેની કબર પર આરસની તક્તી પર આવું લખાણ મૂકવાની માગણીઓ થઈ હતી.)

* * *

આ લેખ તમને ગમ્યો?

‘ન્યુઝપ્રેમી’ પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.

‘ન્યુઝપ્રેમી’ ૧૦૦% સ્વતંત્ર છે, ‘ન્યુઝપ્રેમી’ના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, ‘ન્યુઝપ્રેમી’ જાહેરખબરો ઉઘરાવતું નથી.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે.

નીર-ક્ષીર વિવેક જાળવીને જે સાચું છે અને સારું છે તેનો હિંમતભેર પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને એને સશક્ત બનાવવાનું કામ તમારા સપોર્ટથી જ થઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી ‘કટિંગ ચા’ સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.

‘કટિંગ ચાય સિરીઝ’ના તમામ 8 લેખોની લિન્ક

ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:

‘ન્યુઝપ્રેમી’ના ચાહકો અને સૌરભ શાહના વાચકો માટે એક અગત્યની જાહેરાત

તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુટીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો. આ માટેની વિગતો નીચે મુજબ છે.

Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076

BHIM, PhonePe, Google Pay
UPI ID : hisaurabhshah@okaxis

Paytm No. : 90040 99112

6 COMMENTS

  1. સૌરભભાઈ, અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ લેખ!

  2. Khub j sunder lakhe che , bhai. Laghe che khud Bhagwan j temne prenna aape chhe.
    Adbhut.
    Radhe, Radhe.

  3. Khub saras vat. Saralta thi samjavi
    Khub gami Jay ane aapni potani vat karta hoy tevo bhav jage che. Very
    Very good thought.

  4. અદ્ભૂત વાત!! અદ્ભૂત લેખ! ખૂબ ખૂબ આભાર આ લેખ માટે. એટલી સરળ રીતે સમજાવ્યું છે કે વાચક વિચારતો થઈ જાય…….. વિચારને દીશા મળે.

  5. Khoob j sundar lekh…Prabhu jevo koi mitra nathi…kharekhar…shabdo ma koi jawab nathi aapta…pan chhatay mann halvu thai jaay che…
    Very beautifully expressed…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here