‘આપણે ક્યાં દૂધે ધોયેલા છીએ’: સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 20 નવેમ્બર 2022)

જીવન સિદ્ધાંત અને નીતિમત્તાના આધારે ચાલતું હોય એ સારી જ વાત છે. કેટલાક નીતિનિયમો તમે વર્ષોથી પાળતા આવ્યા હો અને હજુય એમાં બાંધછોડ ન કરતા હો એ તો ઘણી મોટી સિદ્ધિ થઈ.

નાનપણમાં માબાપ તરફથી, કુટુંબના વાતાવરણમાંથી, અડોશપડોશ અને સ્કૂલ, કૉલેજ, વર્ક પ્લેસમાં મળતા લોકો તરફથી જાણેઅજાણે તમે નક્કી કરતા હો છો કે મારે જીવનમાં આ નિયમો પાળવા જોઈએ, આ સિદ્ધાંતોને અનુસરવું જોઈએ.

વાંચન અને શ્રવણને કારણે પણ તમે કેટલાક સિદ્ધાંતો પાળતા થઈ જાઓ છો. કેટલાંક પુસ્તકો તમને એ તરફ લઈ જતા હોય છે. કેટલાક મહાનુભાવોની વાણી તમને એ દિશામાં દોરતી હોય છે. ક્યારેક નાટક-સિનેમા જોઈને પણ તમારામાં અમુક સિદ્ધાંતો પાળવાનું, અમુક નિયમોને ફૉલો કરવાનું બીજ છોડ બનીને ઉગતું હોય એ પણ શક્ય છે.

દરેક વ્યક્તિએ પોતાના મનમાં નક્કી કરેલું હોય છે કે પોતે કયા કયા સિદ્ધાંતો અપનાવશે, કયા નિયમો પાળશે. ક્યારેક માણસ પ્રગટપણે બીજાઓ સમક્ષ આની ઝલક આપે છે તો ક્યારેક એને પોતાને પણ ખબર નથી હોતી કે પોતે અસાવધપણે, પોતાના સબ-કૉન્શ્યસમાં, કયા કયા સિદ્ધાંતોને, નીતિનિયમોને પાળી રહ્યો છે, ઉછેરી રહ્યો છે.

પ્રામાણિકતા, શુદ્ધ વ્યવહાર, ખોટું ન બોલવુંથી માંડીને અનેક પ્રકારના સદાચાર તમે જીવનમાં અમલમાં મૂકતા હો છો અને ક્યારેક એમાં ચૂક થાય તો એનો ઘણો મોટો અફસોસ થતો હોય છે, પાપ કર્યું હોય એવો ભાર લાગતો હોય છે, ગંભીર ભૂલ થઈ ગઈ હોય એવો અપરાધભાવ જન્મતો હોય છે.

આવું થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ આદર્શ, કોઈપણ સદગુણ, કોઈપણ સદવિચાર, સિદ્ધાંત, નીતિ-નિયમ અપવાદ વિનાનો હોતો નથી.

જીવનમાં હું આમ જ કરીશ અને મરી જઈશ તોય તેમ નહીં કરું એવું જાતને કહો છો ત્યારે તમને સારું લાગતું હોય છે અને બીજાને કહો ત્યારે તો તમારું ચારિત્ર્ય ખૂબ રૂપાળું લાગતું હોય છે. પણ માણસે ક્યારેય આવા વહેમમાં રહેવું ન જોઈએ.

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જાણીતી અને પોતાની સિદ્ધાંતપ્રિયતા તથા પ્રામાણિકતા માટે વખણાતી એવી હસ્તીએ પોતાના બંગલામાં દોઢ કલાકની અંગત વાતચીતોની આપલે પછી મને વળાવતી વખતે ઊભા થઈને કહ્યું હતું: ‘આપણે પણ ક્યાં દૂધે ધોયેલા છીએ?’

આનો અર્થ એવો નથી કે એ મહાનુભાવે કંઈક કાળાં કરતૂતો કર્યાં છે જેની દુનિયાને ખબર નથી. આનો અર્થ એ છે કે ક્યારેય માણસે પોતાના સદગુણોની શેખી ન મારવી. હું સત્યવાદી છું, હું પ્રામાણિકતાનું પૂછડું છું, મારા તમામ આર્થિક વ્યવહારો અતિ ચોખ્ખા છે, હું ચારિત્ર્યવાન છું અને પરસ્ત્રી સાથે સંબંધ તો ઠીક એની સામે આંખ ઉઠાવીને પણ જોતો નથી, વગેરે જેવા પોતાના સદગુણો વિશે બડાશ હાંકવાની જરૂર નથી કારણ કે ક્યારે, કયા સંજોગોમાં તમારે આ નીતિનિયમો સાથે બાંધછોડ કરવી પડશે એની તમને ખબર નથી.

બાંધછોડ કરવી પડે એવા સંજોગો ન આવે અને આવે ત્યારે ભગવાન તમને અનૈતિકતામાંથી બચાવી લે એવી પ્રાર્થના, પણ જરૂરી નથી કે જીવનમાં ક્યારેક ને ક્યારેક તમારામાંના સત્યવાદીએ પણ ‘નરો વા કુંજરો વા’ નહીં કરવું પડે. ધર્મને જીતાડવા, અધર્મને હરાવવા ક્યારેક તમારે તમારા સિદ્ધાંતોને ઘડીભર નેવે મૂકી દેવા પડે.

રસ્તામાં દસ લાખ રૂપિયા પડ્યા હોય અને કોઈ જોનારું ન હોય તો પણ તમે પરાયા ધનને હાથ ન અડાડો કે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દો એટલે તમે પ્રામાણિકતાના પૂંછડા થઈ ગયા એવા વિચારથી મહાલતા નહીં. કારણ કે ક્યારેક એવું બનશે કે તમારી પાસે ફૂટી કોડી નથી, કોઈ કરતાં કોઈ ઉધાર આપે એમ નથી અને ઘરમાં બાપ કે મા કે પત્ની કે સંતાન મરણપથારીએ છે અને ડૉક્ટરે પાંચ-પાંચ હજાર રૂપિયાનાં બે ઈંજેક્શન મગાવ્યા છે અને તમને રસ્તામાં નધણિયાતા રૂપિયા દસ હજાર દેખાય છે. તમે તરત જ ઉપાડી લેશો. ઉપાડવા જ જોઈએ. તમારા પ્રામાણિકતાના પૂંછડા કરતાં સ્વજન-પ્રિયજનનો જીવ બચી જાય એ વધારે અગત્યનું છે. જાન બચી તો લાખો પાયે. સર સલામત તો પઘડિયાં બહોત. આવી કહેવતો આ પ્રકારના સંજોગો માટે જ બની છે. એટલે જ મનમાં માનવાનું અને ક્યારેક વિશ્વાસપાત્ર વ્યક્તિની સમક્ષ કહેવાનું પણ ખરું કે ‘આપણે ક્યાં દૂધે ધોયેલા છીએ.’

હું હંમેશા આવું કરીશ અને આવું ક્યારેય નહીં કરું એવી જીદ પકડીને જીવવાનું નહીં. ખબર નહીં ક્યારે તમારા જીવનમાં એવા સંજોગો આવે જેના પર તમારું કોઈ નિયંત્રણ ન હોય અને તમારે તમારા સ્વભાવથી વિપરીત, તમારા અંતરાત્માના અવાજથી વિરુદ્ધ જઈને કોઈક અલગ જ દિશામાં જવું પડે.

તો શું એનો અર્થ એવો થયો કે તમારે સગવડિયો ધર્મ વાપરવાનો? શું તમારે અભી બોલા-અભી ફોકની જેમ જીવવાનું? શું તમારે અંદર સે કુછ ઔર બાહર સે કુછ ઔરનું મહોરું પહેરીને જીવવાનું? શું તમારે સમાજના કેટલાક દંભી, દેખાડુ અને ચાલુ લોકોની જમાતમાં ભળી જવાનું?

ના. બિલ્કુલ નહીં. જો તમે આ આખી વાત તમે નહીં સાંભળો, અધવચ્ચે જ ફંટાઈ જશો અથવા અધૂરાં વાક્યોને સંદર્ભ વિના ક્વોટ કરશો તો ગૂંચવાઈ જશો. માટે ધીરજ રાખીને પૂરી વાત સાંભળો.

તકવાદીઓમાં અને તમારા જેવાઓમાં ફરક છે. તમે જ્યારે સમજીવિચારીને તમારા કોઈ સિદ્ધાંતને, નિયમને તમારાથી અળગો કરીને વર્તો છો ત્યારે તમારામાં રહેલો નીરક્ષીર વિવેક તમારી પાસે એવું વર્તન કરાવે છે. દુનિયાને ભલે એમાં વિરોધાભાસ લાગે, તમે પણ દંભી કે તકવાદી છો એવું લાગે. પણ તમે તમારી જાત સાથે પ્રામાણિક છો, તમને ખબર છે કે આ પર્ટિક્યુલર સંજોગોમાં તમારે ‘નરો વા કુંજરો વા’ કરવું જ પડે. દસ લાખને હાથ નહીં લગાડનારા તમે કયા સંજોગોમાં દસ હજાર પર નજર બગાડી એ તમે જ જાણો છો. તમારામાં નીરક્ષીર વિવેક છે એટલે જ તમે આવું કર્યું. તમને દૂધનું દૂધ, પાણીનું પાણી કરતાં આવડે છે. અને આવડે છે એટલે જ માનસરોવરના હંસની જેમ તમને જીવનમાં મોતીનો ચારો મળે છે.

‘આપણે ક્યાં દૂધે ધોયેલા છીએ’ એવું કહીએ છીએ, માનીએ છીએ ત્યારે આપણા સિદ્ધાંતો-નિયમોને કારણે બીજાઓને કે આપણને થતું નુકસાન અટકાવી શકવાની સમજણ પ્રગટ થાય છે. સિદ્ધાંતો-નિયમો-નીતિ ઇત્યાદિ તમારું, બીજાનું, સર્વનું, વિશ્વનું ભલું કરવા માટે છે, અધર્મ ઉપર વિજય મેળવવા માટે છે. જો એ હેતુ ન સરવાનો હોય તો એમાં બાંધછોડ કરવી સારી. તમે આવું કરશો ત્યારે પેલા તકવાદી કે દંભી લોકો તમને પોતાની પંગતમાં ખેંચી લેવાની કોશિશ કરશે. પણ જો તમારો અંતરાત્મા દૂષિત નહીં હોય તો લોકો તમને કેવી રીતે માપે છે એની તમે દરકાર નહીં કરો.

ન બોલ્યામાં નવ ગુણ અને બોલે તેનાં બોર વેચાય-આ બેઉ કહેવતોમાં સત્ય છે. ક્યારે આમાંની કઈ કહેવતને અનુસરવું એનું જ નામ નીરક્ષીર વિવેક અને આ નીરક્ષીર વિવેકની સાદા શબ્દોમાં, બોલચાલની ભાષામાં અભિવ્યક્તિ છે—‘આપણે ક્યાં દૂધે ધોયેલા છીએ?’

પાન બનારસવાલા

તમારે જો તમારો ઉદ્ધાર કરવો હોય તો પહેલાં બીજા કોઈનો ઉદ્ધાર કરો.

-બૂકર ટી. વૉશિંગ્ટન
(અમેરિકી શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી. 1856-1915)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. ખૂબ સરસ ભાઈ, પોતાની સાથે પ્રમાણિક વર્તન માટે પ્રોત્સાહન આપવા માટે આભાર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here