(ગુડ મૉર્નિંગઃ શનિવાર, 19 નવેમ્બર 2022)
‘ઊંચાઈ’ના એક્ટિંગ ડિપાર્ટમેન્ટની વાત આગળ લંબાવીએ અને અનુપમ ખેર પછી હવે બમન ઇરાનીની વાત કરીએ.
બમન ઈરાની પ્રસન્ન માણસ છે. બમન આટલા સારા એક્ટર છે પણ ‘ઊંચાઈ’માં એમને ઓછામાં ઓછા સંવાદો આપીને એમની પાસે ગજબનીએક્ટિંગ કરાવી છે, —એમની આંખોથી, એમના ચહેરાના હાવભાવથી અને એમની આંગળીઓથી, હથેળીઓથી.
તમે પિક્ચર જોતી વખતે માર્ક કરજો. બમનજી શબ્દો વિના માત્ર આ ત્રણ દ્વારા એકદમ જડબેસલાક રીતે લાગણીઓની અભિવ્યક્તિ કરતા તમને દેખાશે. અગાઉ ‘થ્રી ઇડિયટ્સ’ કે પછી ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં એમની ડાયલોગ પર આધારિત હ્યુમર આવે છે. પણ અહીં શબ્દોની કાખઘોડી વિના અથવા તો બહુ ઓછા શબ્દો વાપરીને આંખ, ચહેરા અને આંગળીઓ દ્વારા વધુ અસરકારક અભિનય આ પ્યારા પારસીબાવાજીએ કર્યો છે.
બમન ઈરાનીને બહુ મોટી ઉંમરે પોતાનામાં ધરબાઈને પડેલી શક્તિને બહાર લાવવાનો મોકો મળ્યો. ચાલીસ વર્ષ વટાવી દીધા પછી એમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. એ પહેલાં તો એમણે પોતાના ફૅમિલીની બટાકાની વેફર બનાવવાની દુકાન સંભાળી, એ પછી ફોટોગ્રાફી કરી, બહુ સારા પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે નામ કમાયા, સ્ટેજ પર થોડું ઘણું કામ કર્યું. પણ ફિલ્મોમાં જિંદગીના ચાર દાયકા વીતી ગયા પછી એમણે પ્રવેશ કર્યો. કેવી નવાઈની વાત કહેવાય. આટલા સારા એક્ટર અને 40 વર્ષની ઉંમર સુધી ફિલ્મમાં એક્ટિંગ જ નહોતી કરી. બમન ઈરાની પણ ‘ઊંચાઈ’માં પોતાની અંદર રહેલી અભિનય શક્તિને બહાર લાવ્યા છે.
બચ્ચનજી વિશે તો અગાઉ અનેક વખત લખ્યું છે, વીડિયોઝ પણ બનાવી છે. એમની નિષ્ફળતાઓ, એમની, સફળતાઓ-આ બધાના આપણે સાક્ષી છીએ. સ્વાસ્થ્ય બાબતે તેઓ અનેક તકલીફોમાંથી પસાર થયા છે છતાં એમનો જુસ્સો અકબંધ છે. સતત કામ કરતાં રહેવાની એમની ધગશ આપણા સૌના માટે દાખલારૂપ છે. કામમાં ઉત્તરોત્તર વધુને વધુ સારી ક્વૉલિટી આપવાની ખ્વાહિશ તો લાજવાબ છે, અતુલનીય છે.
અનેક શારીરિક આપદાઓમાંથી તેઓ પસાર થયા. સ્નાયુઓ કાબૂમાં ન રહે એવો માયસ્થેનિયા ગ્રેવિસનો રોગ, એ પહેલાં ‘કૂલી’ ફિલ્મના સેટ પરનો અલ્મસ્ટ જીવલેણ અકસ્માત, અસ્થમા અને બીજું તો શું શું હશે ભગવાન જાણે. ‘ઊંચાઈ’માં શરૂના એકબે સીનમાં એમણે કાનમાં છુપાવેલું હિયરિંગ એઇડ પહેર્યું હોય એવું મને લાગ્યું. ખબર નહીં. એમને સાંભળવાની તકલીફ છે એવું અગાઉ ક્યારેય જાણ્યું તો નથી. ઉંમર વધવાની સાથે દાંત-વાળ વગેરેના પ્રોબ્લેમ્સમાં સતત કાળજી રાખવી અને એના ઇલાજરૂપે આધુનિક તબીબી શાસ્ત્રમાં જે કંઈ સગવડો છે તેનો ઉપયોગ કરવો. આંખોનો પણ ઘણો મોટો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે. શરીર સતત સાચવ્યું છે – એક્સરસાઇઝ અને ડાયેટ દ્વારા ‘ઊંચાઈ’ની એન્ડ ક્રેડિટ્સમાં બચ્ચનજીના સ્ટાફની ક્રેડિટમાં પહેલું નામ એમના ત્રણ-ચાર દાયકા જૂના મેકઅપ આર્ટિસ્ટ દીપક સાવંતનું તો નામ છે જ, અડધોએક ડઝન બીજાં નામોમાં એમના કૂક-રસોઈયા જગદીશ પ્રસાદનું પણ નામ છે! આઉટડોર શૂટિંગમાં પોતાના ચોક્કસ આહાર માટે પોતાનો રસોઈયો લઈ જતા બચ્ચનજી તબિયતની કેટલી કાળજી રાખતા હશે.
આમ છતાં આ પિક્ચરમાં કે અગાઉ પણ તમે એમના પેટ તરફ ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે કે ઘેરાવો ઘણો વધી ગયો છે. પણ હેટ્સ ઑફ. પોતાની નબળાઈઓને ઓવરકમ કરીને તેઓ હંમેશાં તરોતાજા હોય એ જ રીતે પબ્લિકમાં પેશ આવે છે.
બચ્ચનજીના અભિનયની રેન્જ તમે જુઓ. આ એક એવા અભિનેતા છે જેમને નવ રસમાંના કોઈપણ રસને લગતો સીન આપો તો એમાં તમને તરબોળ કરી મૂકે. ઓ સાથી રે ગાતા હોય તો એમની આંખોમાં છુપાયેલું દર્દ તમને સ્પર્શી જાય. પરદેસિયા યે સચ હૈ પિયામાં તમને પ્રેમી તરીકેનું એમનું રોમન્ટિક પાસું વહાલું લાગવા માંડે અને માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વિસ ગાતા હોય ત્યારે તમે પણ બાળક બનીને એમની કૉમેડીને માણતા રહો.
‘ઊંચાઈ’માં એમનું નામ અમિત શ્રીવાસ્તવ છે. પિક્ચરમાં એમને લેખક બતાવ્યા છે. હજુ સુધી રિયલ લાઇફમાં મેં એક પણ લેખક એવો જોયો નથી, ગુજરાતીમાં તોનહીં જ, ભારતીય અંગ્રેજી રાઇટરોમાં પણ હશે કે નહીં ખબર નથી—પરદેશમાં હશે – જે આ ફિલ્મમાં 28,000 રૂપિયાનું હ્યુગો બૉસનું હુડી પહેરતો હોય, જે દોઢ દોઢ લાખ રૂપિયાની ચશ્માંની ફ્રેમ બદલ્યા કરતો હોય, જે બેઅઢી કરોડની મર્સીડીસ ફેરવતોહોય, જે મિત્રના ઘરે એનાં અસ્થિફુલનો કળશ લઈને પહોંચે છે ત્યારે અઢાર લાખ રૂપિયાની પશ્મિના શાલ ઓઢીને પ્રવેશે છે… આવો લેખક ગુજરાતી ભાષાને પણ મળે એવી આપણે ઇચ્છા રાખીએ! બીજી ભાષાઓને પણ મળે.
લેખક તરીકેની બચ્ચનજીને ડિગ્નટી બહુ સુંદર રીતે ફિલ્મમાં બતાવી છે. ડેની એમને કહ્યા કરે છેઃ ‘દોસ્ત, મેં તારી બધી કિતાબો વાંચેલી છે. તારી કિતાબો વાંચીને મને હંમેશાં એવું લાગતું હોય છે કે અહીં કોઈ લેખક પોતાના મનની વાત દિલ ખોલીને કહે છે એવું તો જોવા મળતું જ નથી, કોઈ સેલ્સમેન કશુંક વેચવાની કોશિશ કરતો હોય છે એવું લાગે છે. તું આના કરતાં ઘણું સારું લખી શકે એમ છે!’
બચ્ચનજી એને હસીને જવાબ તો આપી દે છે કે, ‘એવું લખવા માટે આખી જિંદગી પડી છે, અત્યારે તો જે વેચાય છે તે જ લખવાની મઝા છે.’ પણ અંદરથી બચ્ચનજી સમજે છે કે પોતે જે રિયલ લાઇફના પ્રેરણાત્મક કિસ્સાઓ ગણાવીને પુસ્તકમાં લખે છે તે તો બધા મનઘડંત કલ્પનાઓમાંથી નીપજેલા પ્રસંગો છે અને યંગસ્ટર્સમાં પૉપ્યુલર થાય એવું કૃત્રિમ મોટિવેશનલ સાહિત્ય લખીને હું માર્કેટની ડિમાન્ડ પૂરી કરું છું.
બચ્ચનજીની એક્ટિંગની રેન્જ તમે જુઓ આ ફિલ્મમાં. એક વખત કાર જર્ની દરમ્યાન બમનજી પોતાની પત્નીની હાજરીમાં સારિકાનાં વખાણ કરતાં એવું કંઈક કહે છે કે, ‘તમારી લખનવી નઝાકત અને નફાસતના આજે દીદાર થઈ ગયા.’
અને આ સાંભળીને નીના ગુપ્તા નક્કી કરે છે કે હવે તો મારે મારા પતિને આ સારિકાની સાથે એકલા મૂકવામાં જોખમ છે, હું પણ કાઠમંડુ જઈશ!
નીના ગુપ્તા જો કાઠમંડુ સુધી સાથે આવે તો ત્યાંથી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી જવાનો આખો પ્લાન ઉઘાડી પડી જાય અને પ્રોગ્રામ ચૌપટ થઈ જાય, કારણ કે નીનાજી બમનજીને આ ઉંમરે એટલી ઊંચાઈ સુધી ના જવા દે.
હવે કરવું શું? ત્રણેય મિત્રો ખાનગીમાં મસલત કરે છે. બમનજી બચ્ચનજીને કહે છે કે તમે લોકો કંઈક રસ્તો કાઢો આમાંથી. તે વખતે બચ્ચનજી બમન ઈરાનીએ સારિકાને કહેલા શબ્દોની મિમિક્રી કરતા હોય એમ, જાણે મોઢામાં પાન દબાવ્યું હોય એવા અંદાઝમાં બોલે છે, ‘નવાબસા’બ! તમે કર્યું છે તો ભોગવો હવે. શું બોલી ગયા પત્નીની હાજરીમાં? નઝાકત અને નફાસતના દીદાર થઈ ગયા!’
બચ્ચનજીએ જે રીતે આ આખો સીન હેન્ડલ કર્યો છે તે જોઈને તમે હસી હસીને પાગલ થઈ જાઓ. ધ્યાનથી જોજો. બચ્ચનજી રિયલ એલીમેન્ટમાં છે. જાણે 40-45 વરસ પહેલાંનો, ‘ચુપકે ચુપકે’ ‘અમર અકબર એન્થની’વાળો જમાનો પાછો આવ્યો હોય એવું લાગશે. આ ઉપરાંત બચ્ચનજી જ્યારે નીના ગુપ્તાને પટ્ટી પઢાવતા હોય કે, હાં ભાભીજી આમ ને હાં ભાભીજી તેમ… ત્યારે તમને ફરી ફરી ફરી એકવાર ખાતરી થાય કે બચ્ચનજી આવા હળવા કે પછી ભરપૂર કૉમેડીવાળા સીનમાં પણ કેટલા ખીલતા હોય છે.
આનાથી તદ્દન સામા છડે જઈને જુઓ. સેકન્ડ હાફમાં બચ્ચનજીનો એક અતિ ગહન સીન છે. એકોક્તિ-સોલિલોકી છે. એ દૃશ્યમાં બચ્ચનજીએ ચશ્માં નથી પહેર્યાં. ડૉક્ટર આવીને એમને તપાસે છે. એ વખતે બચ્ચનજીની ખોવાયેલી આંખો એમના ચહેરા પરના હાવભાવ-એમાં મેકઅપનો પણ પ્રભાવ હશે થોડોઘણો-પણ તમને ખબર છે કે 80 વર્ષની ઉંમર છે જ એમની, એમનો તૂટી જતો અવાજ છતાં એમાં જણાતી મક્કમતા કેઃ ‘મારે જવું જ છે એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી કારણ કે મારા દોસ્તની ઈચ્છા પૂરી કરવાની છે એટલું જ નહીં, મને મારી પોતાની જે કમજોરીઓ છે તેને હરાવવી છે, એક તક આપો મારી નબળાઈઓને પાર કરવાની…’
આ એકોક્તિ દરમ્યાન બચ્ચનજીને તમે જુઓ છો ત્યારે ફરી એકવાર સાબિત થઈ જાય કે બચ્ચનજી શું કામ બચ્ચનજી છે, એક મહાન અભિનેતા તરીકે આપણે એમને શું કામ પૂજીએ છીએ એનો વધુ એક પુરાવો તમને આ સીનમાં જોવા મળે. એક બાજુ, બમનજી સાથે ‘નવાબસા’બ’વાળી ધીંગામસ્તી અને બીજી બાજુ પોતાની નબળાઈઓને હરાવીને એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી જવા દેવા માટેની જીદ ગણો તો જીદ અને આજીજી ગણો તો આજીજી.
બચ્ચનજી છે તો આ જગત સમૃદ્ધ છે. તેઓ સો વર્ષ પૂરાં કરીને આ દુનિયામાંથી વિદાય લેશે ત્યારે આ વિશ્વ થોડું ઓછું સમૃદ્ધ બની જશે. મારા ઘરમાં વર્ષોથી આર. ડી. બર્મન અને લતાજીનાં પોસ્ટર્સ લગાવેલાં છે. અચાનક મને વિચાર આવ્યો કે મેં કેમ અત્યાર સુધી અમિતાભ બચ્ચનનું પોસ્ટર રાખ્યું નથી. ‘ઊંચાઈ’ જોયા પછી તાબડતોબ ઑનલાઇન ખરીદી કરી લીધી.
નીના ગુપ્તા. સારાં અભિનેત્રી છે. ‘બધાઈ હો’માં સરસ કામ કર્યું છે. ગુલઝારની ‘ગાલિબ’ ટીવી સિરિયલમાં પણ નીના ગુપ્તાનો સરસ રોલ હતો. પણ નીનાજી જબરજસ્ત અભિનેત્રી છે એ મને ‘ઊંચાઈ’ જોઈને ખાતરી થઈ.
નીના ગુપ્તા પણ અનેક સંઘર્ષો વેઠીને, પોતાનામાં ધરબાયેલી આંતરિક શક્તિઓને બહાર લાવીને, પોતાની પરિસ્થિતિઓ સામે ઝઝૂમ્યાં છે. વિવિયન રિચર્ડ્સ. વેસ્ટ ઇન્ડીઝનો પ્રતાપી ક્રિકેટર. એની સાથેના પ્રેમસંબંધના પરિણામે, લગ્ન કર્યાં વિના, નીનાજીએ દીકરીને જન્મ આપ્યો. મસાબા. અપરિણિત માતા તરીકેની તમામ વિટંબણાઓને પાર કરીને જીવનમાં આગળ વધ્યાં. એ જમાનામાં એમણે આ બધું સાહસ કર્યું. હવે તો મસાબા પણ પોતાના ફેશન ડિઝાઇનિંગના વ્યવસાયમાં વેલ એસ્ટાબ્લિશ્ડ છે, નીનાજી પોતે પણ સરસ જીવન જીવી રહ્યાં છે. પેન્ડેમિક દરમ્યાન એમની આત્મકથા પણ પ્રગટ થઈ.
આ પિક્ચરમાં તમે નીના ગુપ્તાને બમન ઈરાનીનાં પત્ની શબીના સિદ્દીકીના રોલમાં જુઓ તો ખુશ થઈ જાઓ. એક વહાલસોયી પણ શંકાશીલ, એક કકળાટિયણ પણ ભારે પ્રેમાળ એવી પત્ની કેવી હોય એ જોવું હોય તો તમારે ‘ઊંચાઈ’માં નીના ગુપ્તાનાં દર્શન કરી લેવાનાં. આ ફિલ્મમાં એ હસમુખી પત્ની છે અને સાથે સાથે કાનપુરમાં દીકરી-જમાઈના ફાર્મહાઉસ પર બધાં ગયાં ત્યારે જે બન્યું તેનો ગમ પણ પોતાની અંદર ધરબાયેલો છે. નીનાજી આટલી સારી અભિનેત્રી હશે એનો, ફ્રેન્કલી, મને કોઈ અંદાજ જ નહોતો. આ વર્ષના બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસના તમામ અવૉર્ડ નીના ગુપ્તાને મળશે.
સારિકા. એમનો રોલ ફિલ્મમાં ઘણો નાનો છે. મીના ત્રિવેદીનું પાત્ર એ ભજવે છે. ‘ઊંચાઈ’ની વાર્તા સાથે અને બીજાં પાત્રો સાથે મીનાજી કેવી રીતે સંકળાયેલાં છે એ વિશે ફોડ પાડીને કહેવા જઈશું તો સસ્પેન્સની મઝા ખુલી જશે. સ્પોઇલર્સ આપ્યા વિના વાત કરીએ. સારિકાની પણ એક એકોક્તિ છે જે બચ્ચનજી, બમન ઈરાની અને અનુપમ ખેરની હાજરીમાં બોલાય છે. ત્યારે તમને ખબર પડે છે કે આ પાત્રનું મહત્ત્વ શું છે. આ સીન દરમ્યાન સારિકાની જે કન્ટ્રોલ્ડ છતાં ભાવવાહી એક્ટિંગ છે તે જોઈને ખ્યાલ આવે કે એ ખરેખર એક સારી અભિનેત્રી છે.
બાળકળાકાર તરીકે હિન્દી ફિલ્મ જગતમાં સારિકાએ પ્રવેશ કર્યો. ઘણી સારી ફિલ્મો કરી. એ પછી ‘ગીત ગાતા ચલ’ (1975)માં પંદર વર્ષની ઉંમરે સચિનની સામે હીરોઇનનો રોલ કર્યો. રાજશ્રીની એ ફિલ્મ ખૂબ ચાલી. એ પછી સંજીવકુમાર સાથે પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું જેમાંની બાસુ ભટ્ટાચાર્યવાળી ‘ગૃહપ્રવેશ’ (1979) નોંધપાત્ર ગણાય, એક દૃશ્યને લીધે એ ફિલ્મ ચર્ચાસ્પદ પણ પુરવાર થઈ. અઠ્યાવીસ વર્ષની ઉંમરે સારિકાએ કમલ હાસન સાથે લગ્ન કર્યાં. લગ્ન કરતાં પહેલાં, બે દીકરીઓ જન્મ. સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન હતું. કમલ હાસન પોતે ખૂબ મોટા ગજાના અભિનેતા. એમના રાજકીય વિચારોને કચરાની ટોટલીમાં નાખીને એમની અભિનયક્ષમતાને માણવાની હોય. પંદરેક વર્ષના દાંપત્યજીવન પછી સારિકા અને કમલહાસન છુટાં પડ્યાં. સારિકા આ સંઘર્ષ સહન કરીને જીવનમાં આગળ વધે છે. ફિલ્મો કરતાં રહ્યાં. યશ ચોપડાની ‘જબ તક હૈ જાન’માં એમનો નોંધપાત્ર રોલ હતો. રાજશ્રીનાં હીરોઈન અને સૂરજ બડજાત્યા એમને ‘ઊંચાઈ’માં પાછાં લઈ આવ્યા.
આંખોના હાવભાવ, બે શબ્દો વચ્ચેના પૉઝીસ કૅરેક્ટરને ઊંડે સુધી ઉતારીને, આત્મસ્થ કહીને કહેવાતી વાત અપીલિંગ છે. બહુ ઓછી મિનિટમાં ‘ઊંચાઈ’ની વાર્તાને એક નવો આયામ સારિકાના પાત્ર દ્વારા મળે છે. તમને ખાતરી થાય કે સારિકા એક સજ્જડ અભિનેત્રી છે. ‘ઊંચાઈ’ના આ પાંચેય ઍક્ટર્સ – અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બમન ઈરાની અને નીના ગુપ્તા તથા સારિકા – આ કળાકારોએ ‘ઊંચાઈ’માં ઘણી બધી સમૃદ્ધિ ઊમેરી છે. ‘ઊંચાઈ’ના ગુજરાતી વાર્તાકાર સુનીલ ગાંધી તથા દિગ્દર્શક સૂરજ બડજાત્યા તેમજ પટકથા-સંવાદ લેખક અભિષેક દીક્ષિતની તો આ ફિલ્મ છે જ, આ પાંચેપાંચ એક્ટરોએ પણ ‘ઊંચાઈ’માં ખૂબ બધું ઉમેર્યું છે.
આ ઉપરાંત ‘ઊંચાઈ’નું એક ખૂબ મોટું પાસું છે એનાં ગીતો. ઇર્શાદ કામિલના શબ્દો તથા અમિત ત્રિવેદીના સંગીતને કારણે ‘કેટિ કો’ તો લોકપ્રિય બન્યું જ છે, ‘અરે, ઓ અંકલ’ પણ મઝાનું ગીત છે. આ ઉપરાંત બીજાં ત્રણ ગીતો છે. ‘ઊંચાઈ’ની ગીતસમૃદ્ધિ વિશે હવે પછી. આ ગીતો પહેલી વાર સાંભળીને કદાચ તમારા કાને નહીં ચડે. એમ તો હમ આપ કે હૈ કૌનનું ‘જૂતે દે દો’વાળું ગીત પહેલીવાર સાંતાક્રુઝ સ્ટેશનની બહાર કેસેટની દુકાને મોટે અવાજે વાગતું હતું ત્યારે પણ લાગતું હતું કે ‘મૈને પ્યાર કિયા’વાળા આવું ગીત બનાવે!
‘ઊંચાઈ’ના ગીતો જો મગજ પર ચડી ગયા તો આખો દિવસ ગણગણ્યા કરશો. ગીતો સાંભળવા માટે લેખની નીચે લિન્ક છે. હવે પછી આ તમામ જબરજસ્ત ગીતો વિશે વાત કરીશું.
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Sorry now I recollect tv serial saans title song was sung by hariharan. Kindly excuse for error
નીનાજી ગુપ્તાની સાંસ TV serial જેણે જોઈ હશે , એમની acting capabilities માટે કોઈજ શંકા નહી હોય. કદાચ utube પર સાંસ serial ના episodes હશે. ગુલઝારજી એ લખેલ title song ” સાંસે સદા નહી ચલતી, કભી કભી થમ જાતી હૈ , કભી કભી જી ઉઠતી હૈ ” out of this world. If I am not mistaken jagjitji એ ગાયુ છે. ઊચાઈ is a tribute for all our legends of film industry of bygone golden era. ધન્યવાદ સૌરભભાઈ
ઊંચાઈ પીકચરમા બોમન ઈરાનીએ જે underlay performance આપ્યો છે , hats off to him. કોઈ કોઈ વખત જેમ ક્રિકેટ ટુર્નામેન્ટમા underdog team કપ ટ્રોફી જીતી ને મહારથી ટીમને માત કરી જાય. અમિતાભજી- રીશીજી ની ” 102 not out ” movie આવેલી. એ પીકચરમાં મારા મતે રીશી કપુરજી ની acting એક વેંત ઊપર હતી, rather ” 102 not out” પોતાના ખભે ઉંચકી લીધેલી. થોઙા બીજા ઉદાહરણ આ ટાઈપના performance માટે – 1) Bobby માં પ્રેમ નાથ સાહેબ 2) યાદે ( subhash ghai) માં જેકી શ્રોફ
મને લાગે છે કે ઊંચાઈ ની વાતો કરતાં, વાંચતાં, સંભાળતા આપણે બહુ ઊંડા ઉતરી ગયા. આની કરતાં Drishyam-2 વધારે સારું છે.
Watch original Drishyam 2. Mohanlal is thousand times better than Hindi actor.
Have you seen Uunchai?
ઉંચાઇ પિક્ચરનું રીવ્યુ ખરેખર લાજવાબ છે
અમિતાભ sir, બમન ઈરાની અને અનુપમ ખેર એકદમ સુંદર સચોટ અભિનય નીનાજી નો અભિનય કયાં જાણે ભી દો યારો ની નીના ગુપ્તા કયાં બધાઈ હો બધાઈ અને ઉંચાઇ નો અભિનય.
ઉમેરવાનું કે સારીકા નું club 60 movie એટલું જ સરસ હતું
Bhai,
સૌરભ શાહ
પાસે થોડી ઊંચાઈ ની અપેક્ષા હોય છે …….ઊંચાઈ ની એટલી બાધી ઊંડાઈ ??