જિંદગીની ભેળપુરીઃ સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 26 માર્ચ 2023)

તમને જે જિંદગી મળી છે તે પહેલી અને છેલ્લી વારની છે. ફરીથી આવી કે બીજી કોઈ પણ પ્રકારની જિંદગી મળવાની નથી. જે કંઈ કરવાનું છે તે આ જિંદગી દરમ્યાન કરી લેવાનું છે. તમારાં તમામ સપનાં પૂરા કરવા માટે ભગવાને પૂરતો સમય ઓલરેડી તમને આપી દીધો છે. એક પછી એક અરમાન પૂરાં કરતાં જવાની જવાબદારી હવે તમારે નિભાવવાની છે.

સપનાં પૂરાં કરવાં માટે ક્યારેક કોઈકનું માર્ગદર્શન લેવું પડે, મદદ મેળવવી પડે. રાઇટ ટાઇમે રાઇટ માર્ગદર્શન મળી જાય એવું ઘણી વખત બનતું હોય છે. અણીના ટાંકણે કોઈકની મદદથી બેડો પાર થઈ જાય એવું પણ બનતું હોય છે.

પણ ક્યારેક નથી બનતું એવું. જે સમયે ગાઇડન્સની જરૂર હોય ત્યારે આસપાસ કોઈ નથી હોતું. ક્યારેક તો આપણને જ ખબર નથી હોતી કે આ બાબતમાં, આ નિર્ણય લેવામાં આપણને કોઈકના ગાઇડન્સની જરૂર છે કે નહીં. ક્યારેક કોઈકની મદદની રાહ જોઈને બેસી રહીએ પણ છેવટની ઘડી સુધી મદદ ન મળે તે ન જ મળે. ક્યારેક મનમાં એવો વિશ્વાસ હોય કે આ કામ તો કોઈનીય મદદ વિના પાર પડશે પણ એ વિશ્વાસ છેવટે ઓવર કોન્ફિડન્સ પુરવાર થાય. કામ નિષ્ફળ જાય ત્યારે ભોંઠા બનીને વિચારતા રહીએ કે એકલે હાથે આ કામ ઉપાડ્યું એના કરતાં કોઈની મદદ લઈને આગળ વધ્યા હોત તો સારું થાત.

ક્યારેક એવું પણ બને કે કોઈક કામ માટે બીજા કોઈનાય માર્ગદર્શનની જરૂર જ ન હોય છતાં આપણે ડાહ્યા થઈને કોઈકની સલાહ લેવા નીકળી પડીએ અને સલાહ આપનાર તમારા કામને કોઈ આડે પાટે ચડાવી દે. ક્યારેક કોઈનીય મદદની જરૂર ન હોય છતાં કોઈકની મદદ લઈએ અને તમારું કામ કોઈકની ‘મદદ’ને કારણે લંબાઈ જાય, ખોરવાઈ જાય અથવા તો તમે ધાર્યું હતું એના કરતાં તદ્દન ખોટી દિશાએ જતું રહે.

આનું જ નામ તો જિંદગી છે. જિંદગી જીવવાની કોઈ રેડીમેડ ફોર્મ્યુલા તો ભગવાને બનાવી નથી. જિંદગી જીવવાની કોઈ રેસિપી બુક પણ માણસોએ લખી નથી. દરેકે પોતપોતાના અનુભવ, સંજોગો, સપનાં અને વિચારોના પર્મ્યુટેશન કોમ્બિનેશનથી આગળ વધવાનું છે. પછડાટો ખાઈ ખાઈને આગળ વધવાનું છે, એક પછી એક શિખર સર કરતાં કરતાં આગળ વધવાનું છે.

અઢાર વર્ષની ઉંમરે કરેલી ભૂલો પાંત્રીસમા વર્ષે સુધારી શકાતી હોય છે. ચુમ્માળીસમા વર્ષે કરેલી ભૂલો ચોપ્પનમા વર્ષે સુધારી શકાતી હોય છે. ભૂલો કરતાં જવું અને એને સુધારતાં જવું એ પણ જિંદગીનો એક હિસ્સો છે.

પણ જિંદગીનો મોટો હિસ્સો આપણી ભૂલોનો સરવાળો નથી. મોટો હિસ્સો તો આપણી સિદ્ધિઓના સરવાળાનો હોય છે. એક વખત સ્કૂલની પરીક્ષામાં પંદરમો નંબર આવવાને બદલે બારમો આવ્યો હતો એ પણ એક સિદ્ધિ હતી. લોકો કહેતા હતા કે એસ.એસ.સી.ની પરીક્ષામાં ઓક્ટોબરમાં ફરી બેસવું પડશે પણ પહેલા જ ટ્રાયલે પાસ થઈ ગયા અને કૉલેજમાં પ્રવેશ પણ મળી ગયો. આ પણ એક સિદ્ધિ હતી. નોકરીના પહેલા પગારમાંથી મમ્મી માટે, પપ્પા માટે, બહેન માટે, ભાઈ માટે નાની નાની ભેટો ખરીદ્યા પછી જે પૈસા વધ્યા હતા એમાંથી સોસાયટીના વૉચમેનો માટે પેંડાંનાં પડીકાં ખરીદ્યાં એ પણ એક સિદ્ધિ હતી.

રોજબરોજની જિંદગીમાં અનેક નાનીમોટી નિષ્ફળતાઓ આવે છે, અનેક નાનીમોટી સિદ્ધિઓ આવે છે.

કેટલાક લોકો આત્મનિંદામાં રચ્યાપચ્યા રહે છે અને નિષ્ફળતાઓનાં રોદણાં રડ્યા કરતા હોય છે. કેટલાકને આત્મશ્લાઘામાં રાચવાની ટેવ હોય છે – તેઓ પોતાની સિદ્ધિઓને મેગ્નિફાઇંગ ગ્લાસ નીચે મૂકીને બીજા લોકોને બનાવતા ફરે છે. આ બેઉ પ્રકારના લોકોને જિંદગીનો ઓરિજિનલ સ્વાદ માણવા મળતો નથી.

જિંદગીનો અસલી સ્વાદ શું છે? દરેકની પાસે પોતપોતાનો જવાબ હોવાનો. મારા માટે જિંદગી સાત્વિક, રાજસી અને તામસિક સ્વાદોનું મિશ્રણ છે – ભેળપુરી જેવું. મમરા જેવા સાત્વિક સ્વાદમાં ખાટીમીઠીતીખી ચટણીઓ અને બીજી સામગ્રીઓ ભેળવીને જે સ્વાદ તૈયાર થાય તેને કયું નામ આપશો? જે નામ આપો તે. ઉંમર વધવાની સાથે કડક પુરીની બાદબાકી કરવી પડે કે દાંત અંબાઈ ન જાય એ માટે કાચી કેરી જતી કરવી પડે તો ઠીક છે. તીખી ચટણીનો વપરાશ ક્રમશઃ ઘટતો જાય તો ઘટતો જાય. ભલે.

જિંદગી કોઈ એક જ પ્રકારના અનુભવોથી બનતી નથી. જિંદગીમાં કોઈ એક જ રંગ સતત તમારા પર છવાયેલો રહે એવું પણ નથી. હા, જો તમે સંત હો, સાધુપુરુષ હો તો તમારા જીવનનો રંગ ત્યાગનો ભગવો કે સમર્પણનો સાત્વિક શ્વેત હોઈ શકે. પણ આપણે ન તો સંત છીએ, ન સાધુ છીએ, ન એવા થવું છે, ન એવા થવાની લાયકાત છે.
ઉમાશંકર જોશીના અંદાજમાં કહેવું હોય તો કહેવાનું કે હું સંસારી, સંસારી થાઉં તો ઘણું…

સૌ કોઈ ભગવાન પાસે માગે છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હાથપગ ચાલતા રહે એવું જીવન મળે, કોઈના પર અવલંબન રાખીને, પથારીવશ રહીને, પીડાથી કણસતાં કણસતાં જીવવું ન પડે એવી પ્રભુને પ્રાર્થના.

હું કહું છું કે ત્યારની વાત ત્યારે. અત્યારની વાત શું છે? અત્યારે તો હાથપગ ચાલે છે. નાનીમોટી શારીરિક તકલીફોને બાદ કરતાં ભરપૂર શારીરિક માનસિક એનર્જી છે. તો પછી એનો ઉપયોગ શું કરીએ છીએ? શરીરને અને મનને સો ટકા નિચોવીને વાપરીએ. ભેળપુરીમાં નાખવા માટે લીંબુ ખૂટી પડે ત્યારે છેલ્લું ટીપું નીચોવાઈ ન જાય ત્યાં સુધી એનો પીછો ન છોડીએ એ રીતે નીચોવી નાખીએ શરીરને-મનને. દરેક દિવસે. દરેક પળે.

પછી જિંદગીની છેલ્લી ક્ષણો તમને જોઈતી હતી એવી મળી તો ઠીક છે, ના મળી તોય શું? એવી કપરી પરિસ્થિતિમાં પણ ઝઝૂમીને જીવીશું, હસતાં રમતાં જીવીશું. એ રીતે જીવીને છેલ્લી ક્ષણ સુધી પહોંચતાં પહેલાં એ રીતે જીવવાની પ્રેક્ટિસ કરવી પડશે. એટલે જ આજે જ બધી કપરી પરિસ્થિતિઓ સામે ઝઝૂમીને હસતાં રમતાં જીવવાનું રાખીએ.

પાન બનારસવાલા

જિંદગીની શરૂઆતમાં મારે જે જોઈતું હતું તે મને ન મળ્યું એ ભગવાનનો ઉપકાર છે એવું હવે લાગી રહ્યું છે.
-અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. Fentastic!! આ લેખ માટે બીજો કોઈ શબ્દ અનુરૂપ નથી લાગતો હેટસ ઓફ 🙏 સૌરવભાઈ

  2. जिंदगी केसी यें पहेलीं हे
    क्भी यें हसाये क्भी ये रूलाये

  3. સરસ . સ્વચ્છ ભાષા . જિંદગી સરળતાથી જીવવી સહેલી નથી . વિવિધ સમસ્યાનો સામનો કરવો પડેજ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here