લતા મંગેશકર ( ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯- ૬ ફેબ્રુઆરી ૨૦૨૨) : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: સોમવાર, મહા સુદ સાતમ, વિક્રમ સંવત ૨૦૭૮. ૭ ફેબ્રુઆરી ૨૦૨૨)

ગઈ કાલે સવારે આઠ વાગ્યાને બાર મિનિટે એમણે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પ્રાણ ત્યાગ કર્યો. વીજળીવેગે આખા શહેરમાં, દેશમાં અને દુનિયામાં આ શોક સમાચાર પ્રસરી ગયા. લગભગ એક મહિનો હૉસ્પિટલમાં રહ્યા.

સમાચાર મળ્યા પછી સ્વસ્થ થઈને સૌથી પહેલી જે અનુભૂતિ થઈ તે મેં આ શબ્દોમાં ટ્વિટર પર મૂકીઃ

‘જન્મ્યા ત્યારથી એમનો સ્વર રેડિયો વગેરે પર સાંભળ્યો. જીવનમાં દરેક તબક્કે એમનાં ગીતો આપણી ન લખાયેલી રોજનીશીનાં પાનાં બની જતાં. આજે જાણે સગી મા ગુમાવી દીધી હોય એવું લાગે છે.’

માબાપની તસવીરો ઘરની દીવાલો પર નથી લગાવી. લતા મંગેશકરની છે – મારી સ્ટડીમાં. મોટી તસવીર. (આર.ડી.બર્મનની ડ્રૉઇંગ રૂમમાં છે).

અમે જેમને સાક્ષાત સરસ્વતી કહેતા એ પરમ દિવસે છેલ્લું સરસ્વતી પૂજન જોઈને વિદાય થયાં.

બહુ ઓછા મહાનુભાવો આ દુનિયામાં હશે જેમણે વર્ષો પહેલાં કામ બંધ કરી દીધું હોય તે છતાં એમની ખ્યાતિ મૃત્યુ પર્યંત અકબંધ રહે એટલું જ નહીં નિવૃત્તિના બેએક દાયકા દરમ્યાન એમની આભા વધુને વધુ તેજસ્વી બનીને સૌને અજવાળતી રહે.

2004માં યશ ચોપડાની ‘વીરઝારા’ આવી. લતાજીએ બધાં ગીતો ગાયાં. એ એમનું છેલ્લું આલબમ. હજુ ય વારંવાર એ તમામ ગીતો સાંભળવા ગમે. (એ પછી 2006માં ‘રંગ દે બસંતી’માં રહેમાન માટે એક છુટક ગીત ગાયું કે 2018ની આસપાસ એક મરાઠી ગીત ગાયું. ગુલઝારે લખેલું અનરિલિઝ્ડ ગીત વિશાલ ભારદ્વાજે ગયા વર્ષે યુટ્યુબ પર મૂક્યું— આ બધું માત્ર રેકોર્ડ ખાતર નોંધી લઈએ પણ છેલ્લું આલબમ ‘વીરઝારા’. મદનમોહને ૧૯૭૫ પહેલાં રચેલી પણ ક્યારેય ન વપરાયેલી ધૂનોને લતાજીએ દિલ નીચોવીને ગાઈ છે).

લતા મંગેશકર વર્ષોથી મારી સ્ટડીમાં બિરાજમાન છે.

નિષ્ઠા. લતા મંગેશકરના જીવનને કોઈ એક શબ્દમાં વર્ણવવાનું કહે તો આ જ વિશેષણ સૂઝે —નિષ્ઠા, ડેડિકેશન. આમ તો તેમનું જીવન વર્ણવવા હજારો-લાખો શબ્દો ઓછા પડે. પણ જો આ એક શબ્દ વાપરો તો તે પૂરતો છે. લતા મંગેશકરે જે નિષ્ઠાપૂર્વક સાઠ વર્ષ સુધી દિવસરાત કામ કર્યું એ જ રીતે બીજા કોઈ ગાયકે, કળાકારે કે કોઈએ પણ એ જ નિષ્ઠાથી કામ કર્યું હોય તો એ પણ લતાજીએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ સુધી પહોંચી શકે. પણ કામ પ્રત્યેની આટલી નિષ્ઠા જેમનામાં નથી કે જેણે બીજાઓમાં જોઈ પણ નથી એવા લોકો લતાજી તો મૉનોપોલી કરીને સંગીતકારોને- પ્રોડ્યુસર-ડાયરેક્ટરોને ધમકાવતા એવી વાતો ફેલાવતા હોય છે. એક વખત માની પણ લીધું કે લતાજી સંગીતકારોને બ્લેકમેલ કરીને બીજી ગાયિકોને આગળ વધવા નહોતા દેતા—જસ્ટ ધારી લઈએ કે એ વાત સાચી છે—તો સંગીતકારોએ શું કામ આવી જોહુકમી ચલાવી લીધી? ઓ.પી. નૈયરે જેમ લતાજી પાસે ક્યારેય ગવડાવ્યું નહીં છતાં એમની દુકાન સરસ રીતે ચાલી. કેમ બધા સંગીતકારો ઓ.પી.ના પગલે ચાલ્યા નહિ. એસ.ડી. બર્મને અને એ ઉપરાંતના કેટલાક સંગીતકારોએ થોડા વખત પૂરતું સુધા મલ્હોત્રા સહિતની ગાયિકાઓ પાસે કામ લીધું પણ ફરી પાછા લતાજીના શરણે ગયા. શું કામ? કારણ કે સૌને ખબર કે લતા મંગેશકર એકમેવ છે. એમના વિકલ્પે બીજા કોઈની પાસે ગવડાવીને ગાડું ગબડાવી શકાય પણ લાંબી રેસના તોખાર વિના ડર્બી ન જીતી શકાય.

લતાજીએ એકનિષ્ઠાએ કામ કર્યું, ભરપૂર કામ કર્યું. આળસ ત્યજીને નિયમિત કામ કર્યું. ફિલ્મી માહોલમાં રહેવા છતાં મોજશોખોમાં સરી પડ્યા વિના પોતાની કળાને જ જીવનના કેન્દ્રમાં રાખીને જીવ્યાં. ગ્લેમરને, ચમકદમકને માથે ચડી જતાં રોકી. જીવનમાં સંગીતને જ સર્વસ્વ ગણ્યું. પરિણામ સ્વરૂપે એમણે હિન્દી ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં પાંચ દાયકાથી વધુ સમયગાળા માટે એકચક્રી રાજ કર્યું. બદલામાં એમને ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાવંત કળાકારોનો સાથ મળ્યો, ખૂબ પ્રતિષ્ઠા મળી. પૈસા તો ખેર મળ્યા જ મળ્યા. એથી વધુ મુલ્યવાન, કરોડો શ્રોતાઓનો ક્યારેય ન ખૂટે એવો પ્રેમ મળ્યો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક પાર્શ્વગાયક માટે દેશનો રાષ્ટ્રધ્વજ બબ્બે દિવસ માટે અડધી કાઠીએ ઉતારી દેવામાં આવે, બબ્બે દિવસ સુધી સત્તાવાર રીતે રાષ્ટ્રવ્યાપી શોક પાળીને તમામ સરકારી તેમજ અન્ય કાર્યક્રમો બંધ રાખવામાં આવે એવું દુનિયાના કોઈ પણ દેશમાં બન્યું છે ક્યારેય? લતાજીના કામની આ ઊંચાઈ છે. એમના લાખો શ્રોતાઓએ સ્વજન ગુમાવી દીધાની વ્યથા અનુભવી. સમાચાર જાણીને સૌની આંખો સજળ થઈ. આવું કેમ થતું હશે? લતાજીનાં ગીતો તો બધે જ ઉપલબ્ધ છે. એમના જવાથી કંઈ આ ગીતો ભૂંસાઈ નથી જવાનાં અને સૌ કોઈને લગભગ બે દાયકાથી ખબર છે કે લતાજી હવે નવું નથી ગાવાનાં (કે જૂનાં ગીતો ગાવા માટે ફરી સ્ટેજ પર કૉન્સર્ટ નથી કરવાનાં). આમ છતાં સૌને લાગે છે કે અમે કંઈક ગુમાવ્યું છે. સૌ કોઈના માટે આ દિવસો અંગત શોકનો ગાળો છે.

લતાજીના કામની, એમના જીવનની આ મહત્તા છે— જે લોકો ક્યારેય એમના રૂબરૂ સંપર્કમાં નથી આવ્યા, સંપર્કની વાત જવા દો- જે લોકોએ જિંદગીમાં ક્યારેય લતાજીને સદેહે જોયાં પણ નથી એવા લાખો-કરોડો લોકો આજે જીવનમાં ખાલીપો સર્જાવાની તીક્ષ્ણ વેદના અનુભવી રહ્યા છે.

ભારતની અને વિદેશોની લગભગ ત્રણ ડઝન ભાષામાં હજારો ગીતો ગાયા. ત્રીસ હજારનો આંકડો વારંવાર નોંધાયેલો છે. સંખ્યા મહત્ત્વની નથી. એ આંકડો જે હોય તે. એમના કામની ઇમ્પેક્ટ મહત્ત્વની છે. ભારતની એકતા, ભારતની વિવિધતા અને ભારતનાં મૂલ્યોનું પોતાની કળા દ્વારા જો એક વ્યક્તિએ પ્રતિનિધિત્વ કર્યું હોય તો તે લતા મંગેશકરે.

ભારતની પ્રજાએ, ભારતની સરકારે એમની વિશાળ પ્રતિભાને છાજે, એમના સ્ટેચરને શોભે એવા ભવ્ય બહુમાન સાથે એમને મુંબઈના શિવાજી પાર્કમાં અંતિમ વિદાય આપી.

મુંબઈના શિવાજી પાર્કમાં અંતિમ વિધિ વખતે વડા પ્રધાન દિલ્હીથી આશા ભોંસલે અને લતાજીનાં સ્વજનોને આશ્વાસન આપવા આવ્યા.

આજે હવે વધુ નહીં લખાય. કાલથી લતાજી વિશેની એક સિરીઝ લખવાનું મન છે. ત્યાં સુધી ત્રણ દાયકા પહેલાં ‘સમકાલીન’ની મારી દૈનિક કૉલમ ‘તારીખ અને તવારીખ’ માટે લખાયેલો આ લેખ ફરી એક વાર વાંચો. કૅસેટ્માંથી સીડીનો અને સીડીમાંથી પેન ડ્રાઈવનો અને સ્ટ્રિમિંગનો જમાનો આવી ગયો, બસ બાકી બધું એમનું એમ છે.

* * * * *

વો ભૂલી દાસ્તાં, લો, ફિર યાદ આ ગઈ

ઉનાળાની રજાઓમાં ગુજરાતના નાનકડા ગામમાં વિતાવેલી બળબળતી બપોરો યાદ છે? ટીન એજ શરૂ થવામાં હતી. જાહેર કૂવાનો પંપ અને એની બાજુમાં એક ઊંચા થાંભલા પર જાહેર રેડિયો સાથે જોડેલું શંકુ આકારનું સ્પીકર. આકરા તાપને સહ્ય બનાવતો અને કારણ વિના ઉદાસીની ટીસ જન્માવતો સ્વર આવે છે:

વો ભૂલી દાસ્તાં,
લો, ફિર યાદ આ ગઈ,
નઝર કે સામને ઘટા સી છા ગઈ…

મુગ્ધાવસ્થાની તદ્દન શરૂઆતમાં ગમતાં એ ફિલ્મી ગીતોના સંગીતકાર મદનમોહન હતા એ વાતની ખબર તો બહુ મોડેથી પડી. મદનમોહનના સંગીતનો એ જમાનો હિન્દી ફિલ્મસંગીતનો સોનાનો જમાનો હતો. લતા મંગેશકરની ભવ્ય કારકિર્દીનાં ઉત્તમ ગીતો મદનમોહનની બંદિશોમાં સાંભળવા મળે છે. એચએમવીએ લતા-મદનમોહનનાં ગીતોનું આલબમ બહાર પાડ્યું છે. ટી સિરીઝે અ ટ્રિબ્યુટ ટુ મદનમોહન નામની સીડી રજૂ કરી છે. તમામ ગીતો ઓરિજિનલ રેકોર્ડિંગને બદલે અનુરાધા પૌડવાલના વર્ઝનમાં ગવાયાં છે. આ બન્ને ગાયિકાઓની તુલના જ ન થઈ શકે અને લતાના અવાજનું મિસ્ટિક તત્ત્વ આ સીડીમાં ખૂટતું જરૂર જણાય, પણ અહીં મઝા મદનમોહનના ટોપ ફોર્ટીન ગીતોની છે. એકસાથે એક જ જગ્યાએ વારાફરતી આ ગીતો સાંભળ્યા પછી એક જ લાગણી થાય — પરમ તૃપ્તિની લાગણી.

મદનમોહનની બંદિશો સાથે સંકળાયેલી એ ભૂલી દાસ્તાન ફરીથી યાદ આવી જાય છે.

મિલનના સંજોગો ક્યારેક વિરહ કરતાં પણ દુઃખદાયક હોય છે. નસીબમાં ફરી એ મિલનની રાત આવે કે ન પણ આવે. આંખોમાંથી પ્રેમની એ વર્ષા ફરી વહે કે ન પણ વહે. એટલે જ:

લગ જા ગલે કે ફિર યે હસીં રાત હો ન હો,
શાયદ ફિર ઈસ જનમ મેં મુલાકાત હો ન હો…

આ રીતે થતું મિલન નસીબદારોને મળે કે કમનસીબોને એવા સવાલનો જવાબ મેળવવો કષ્ટદાયક છે. મન એકાંગી બની જાય છે. અર્જુનને જેમ પંખીની આંખ સિવાય બીજું કશું જ દેખાતું નથી. આખી દુનિયા બસ, એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ ગઈ છે:

તેરી આંખોં કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ,
ઠોકર જહાં મૈંને ખાઈ ઈન્હોંને પુકારા મુઝે,
યે હમસફર હૈ તો કાફી હૈ ઈનકા સહારા મુઝે…

કોઈના ગયા પછી ભણકારાના સહારે પણ જિંદગી વીતી શકતી હોય છે. આંગણાંમાં કોઈનાં પગલાં સંભળાય કે કોઈ પરિચિત અવાજથી ગૂંજતી હવા લહેરાય ત્યારે કવિ શોભિત દેસાઈના શબ્દો યાદ આવે: ‘કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે’ અને મદનમોહનની તર્જ સંભળાય:

ઝરા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ,
કહીં યે વો તો નહીં, કહીં યે વો તો નહીં…

પણ આહટ હમેશાં છેતરામણી હોય છે. કોઈ આવતું નથી એટલે મન એની યાદની પાછળ પાછળ દોડી જાય:

તુ જહાં જહાં ચલેગા,
મેરા સાયા સાથ હોગા…

અતીતનો બોજ ખભા પર નાખીને આગળ ચાલતા રહેવાનું છે. રાત્રે મકાનની અગાશી પરથી જે ચંદ્ર દેખાય છે એ જ ચંદ્ર એના શયનખંડની સળિયાવાળી બારીમાંથી એને પણ દેખાવાનો છે. મન જ્યારે ઉદાસ થઈ જશે ત્યારે એ જ્યાં હશે ત્યાં; ઉદાસી એને પણ ઘેરી વળવાની છે. છૂટા પડી ગયા પછી, બસ આ જ એક સાંત્વન હોય છે. વર્ષો વીતી ગયા પછી એ પણ નથી હોતું.
યૌવનમાં કરેલાં ‘સૈફ’ પાલનપુરીવાળાં રેશમી સાહસો બદલ કેવાં ઈનામો મળ્યાં છે એ વાત કોઈને કહેવાની ન હોય:

ઘર સે ચલે થે હમ ખુશી કી તલાશ મેં
ગમ રાહ મેં ખડે થે વહી સાથે હો લિયે,
ખુદ દિલ સે દિલ કી બાત કહી ઔર રો લિયે,
યું હસરતોં કે દાગ…

ફૂલ કરમાઈ ગયા પછી પણ ફૂલ જ રહે છે. ફરક માત્ર એટલો પડે છે કે સુગંધને બદલે એ ફૂલને હવે કાંટા સાથે તોળાવું પડે છે.

કિનારે પાછા આવી ગયા પછી હોઠ સીવી લીધા છે. મઝધારે શું બની ગયું એનો દોષ કોઈના પર ઢોળી દેવામાં રસ નથી. આમ છતાં દુનિયા જીદ કરે છે, ખુલાસાઓ અને સ્પષ્ટતા માગે છે. લોકોને ફરિયાદ સાંભળવાની આશા છે. નિંદા સાંભળવાની લાલચ છે. પણ આપણને હકીકતની ખબર છે. પુખ્ત સમજ જમાનાને ખુશ કરવાથી દૂર રહે છે અને બસ, એટલું જ કહે છે:

ન તુમ બેવફા હો ન હમ બેવફા હૈ,
મગર ક્યા કરેં અપની રાહેં જુદા હૈ..

જમાનો પોતાની વાસ્તવિકતાની રાહો પર ચાલવા બોલાવે છે અને એ પોતાની મોહબ્બતની બાહોંમાં સમાઈ જવાનું આમંત્રણ આપે છે. બેમાંથી એક વિકલ્પ પસંદ કર્યો જેમાં મજબૂરી સિવાય બીજું જ નહોતું.

કેસેટની એક સાઇડ પૂરી થયા પછી બીજી સાઇડ શરૂ થાય છે. જિંદગીની પણ.

આંખોમાં વર્ષોની પ્યાસ એકઠી થઈ છે. એ દિવસોની સ્મૃતિ સતત સામે આવતી રહે છે. જે વાત આદરી હતી તે અધૂરી રહી ગઈ. ક્યારેક એવો પણ તદ્દન બિનવ્યવહારુ વિચાર આવી જાય છે કે હજુય એ વાત પૂરી થઈ શકે તો કેવું. હથેળી પર લાગેલી મહેંદીની સુવાસ જેના શ્વાસમાં ભળી જવાની છે એનો આ સુગંધ પર કોઈ હક્ક નથી એની તમને ખબર છે. એટલે જ દિલ પોકારી ઊઠે છે:

અધૂરા હું મૈં અફસાના, જો યાદ આઉં ચલે આના,
મેરા જો હાલ હૈ તુઝ બિન વો આ કર દેખ કે જાના…
ખોઈ ખોઈ આંખેં હૈ ઉદાસ,નૈના બરસે રિમઝિમ રિમઝિમ…

એ કહે છે કે તમારી પાસે તો માત્ર શબ્દો જ છે અને શબ્દો પર હવે ભરોસો રહ્યો નથી. પણ એમની મુસીબત એ છે કે ચૂપ રહીએ તો મૌન પણ એમને અકળાવનારું લાગે છે. કહે છે:

વો ચૂપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈ,
જો બાત કર લો બૂઝતે ચરાગ જલતે હૈ…

ખૂબ રડી લીધું. હવે વધારે નથી રડવું. તમારા માટે તો નહીં જ. પણ એક વાત પૂછું? મારા દુઃખની વાત સાંભળીને તમારી આંખમાં આંસુ કેમ!

જો હમને દાસ્તાં અપની સુનાઈ આપ ક્યોં રોયે?
તબાહી તો હમારે દિલ પે આઈ, આપ ક્યોં રોયે?

હા, એક જમાનો હતો જ્યારે લાગતું હતું કે અમે ખુશનસીબ છીએ, તમારે કારણે અમે ઝળહળ ઝળહળ છીએ. લાગતું હતું કે જાણે મંઝિલ મળી ગઈ અને આ હ્રદયના ધબકારા થંભી જાય તો પણ કોઈ ગમ નથી:

આપ કી નઝરોં ને સમઝા પ્યાર કે કાબિલ મુઝે,
દિલકી અય ધડકન ઠહર જા મિલ ગઈ મંઝિલ મુઝે…

કોઈ માગે છે આર્થિક સલામતી તો કોઈ સામાજિક સ્વીકાર ઈચ્છે છે. કોઈને કવિ કિસન સોસાવાળી ક્ષણ નહિ, પણ સદી જોઈએ છે, રણ નહિ પણ નદી જોઇએ છે. ભૌતિકતાઓમાં અટવાતા સંબંધોની સફરમાં ભાગ્યે જ કોઈ એવું કહેવાવાળું મળે છે કે, ‘લાવો, તમારો ભાર હું ઊંચકી લઉં’:

અગર મુઝ સે મોહબ્બત હૈ,મુઝે સબ અપને ગમ દે દો;
ઈન આંખો કા હર એક આંસુ, મુઝે-મેરી કસમ દે દો…

કશુંક ગુમાવીને ઘણું વધારે મેળવવાનું જોખમ ખેડવાની હિંમત બહુ ઓછાની ચાલતી હોય છે. એણે આપેલી ઉદાસી પણ પ્રિય છે, કારણ કે એના તરફથી મળતી દરેક ચીજ પ્રિય છે. એ ભલે ગમે એટલો અન્યાય કરે, જુલમ અને જફા કરે, પણ એને આપણા તરફથી સતત પ્રેમ મળતો રહે એમાં જ તો સંબંધોનું ગૌરવ છે:

હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ,
વો જફા કરે મૈં વફા કરું…

પણ છેવટે એમણે જતા રહેવાનું જ નક્કી કર્યું. લાખ વિનંતીઓ કરી, લાલચો આપી, કાલાવાલા કર્યા, પણ એમણે પાછા વળીને જોયું પણ નહીં. રસ્તા પર ઊડેલી ધૂળ પણ શમીને પાછી બેસી ગઈ. એક સન્નાટાને તાકી રહ્યા છીએ. ગયા પછી સમજાય છે કે એમણે તો નક્કી કરી જ નાખ્યું હતું જવાનું. દૂર જવાનું તો બસ કોઈ બહાનું જ એમને જોઈતું હતું. શક્ય છે કે તમારી સાથે હત ત્યારે જ એમને કોઈ નવું સરનામું મળી ગયું હોય:

જાના થા હમ સે દૂર બહાને બના લિયે,
અબ તુમને કિતને દૂર ઠિકાને બના લિયે…

ઊનાળાની સન્નાટાસભર બપોર હજુય દર વર્ષે સતાવવા આવી જાય છે.

• • •

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. I met Latadidi Ji once at her place Prabhukunj Mumbai in 1971 She was pleased to know that I am a son of Snehrashmi As everyone knows that mother was Gujarati she listen my song Puchho na Kaise and liked my song during 1963 my father was invited by Marathi Sahitya Parishad at Pune At that time Lataji was also invited and she met my father Snehrashmi

    • Lucky you!
      Both the ways.
      Meeting Lataji at her home.
      As well as being the son of a great poet and educationist.

      My first editor Yashwant Doshi ( as well as Vadilal Dagli) were students of Jhinabhai Desai ‘Snehrashmi’ at C. N. Vidyalay. Your father’s autobiography ‘SaphalyaTanu’ was reviewed by Yashwantbhai in Granth and i remember that it was a cover story!

  2. Lataji was not an Individual but an Institution. She was the only one singer who has sung songs for three plus generation of actresses. Her Song ” Ye mere vatan ke logo jara aankh mein bhar lo pani” will be remembered for thousands of years. She completed her journey on earth & is n Heaven now.

  3. વાહ, ખુબ સુંદર સુરીલી ગીતાંજલિ. એક લતા એ એકલતા સુરીલી બનાવી દીધી. એમના ગીતો સદીઓ સુધી ગુંજશે. પ્રણામ.

  4. Saurabhji aapne lataji ke bareme bataya bahut acchha laga mene bhi apna priya swajan khoya he lekin aapka varan padh keep dil ko bahot sukun mila me aapka sab lekh padhti hu aapka dil se dhanyvad karti hu thanks

  5. ખરેખર લતાજી આપણાં થી physically દૂર ગયા છે,પણ આપણાં સ્વજન કરતાં પણ વધારે આપણાં જીવનમાં કાયમ એમનું અસતીત્વ રહેવાનું સૌરભભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here