માણસ સફળતા માટે સંઘર્ષ કરતો હોય ત્યારે એના પરિવારે થોડો ઘણો ભોગ તો આપવો જ પડતો હોય છે: તુષાર હરકિસન મહેતા

(હરકિસન મહેતાના પરિવાર સાથે સૌરભ શાહની ગોષ્ઠિ: સ્મૃતિઓ વરસવા આતુર છે —ભાગ 2)

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: 30 મે 2020)

વજુ કોટકના મૃત્યુ પછી લગભગ છએક મહિને હરકિસન મહેતા ‘ચિત્રલેખા’માં પાછા જોડાયા. 1960ની એ વાત. મધુરીબહેન કોટક હરકિસન મહેતાને પાછા ફરવાનું સમજાવવા ‘વણિક નિવાસ’ આવ્યા ત્યારે કલાબહેન ભાવનગરથી નવજાત પ્રીતિને લઈ સાસરે આવી ગયાં હતાં. મધુબહેન કહેઃ અમે તમને માસિક પાંચસો રૂપિયાનો પગાર આપીશું, તમે આવી જાઓ. તે વખતે મહેતા પરિવાર માટે પાંચસો રૂપિયા બહુ મોટી રકમ હતી. હરકિસન મહેતાએ સંમતિસૂચક હા ભણી દીધી.

‘1966 કે 1967માં અમે ઘાટકોપરની ચાલી છોડીને જૂહુ સ્કીમના ‘મંગળા નિવાસ’માં રહેવા આવ્યાં,’ કલાબહેન હવે સ્થળાંતર પછીની વાત માંડે છે, ‘એક બેડરૂમ-હૉલ-કિચનનો તે ફ્લેટ મારા ભાઈઓએ અપાવ્યો હતો.’

’14,000 રૂપિયા અમે ડિપોઝિટ પેટે ભરેલા,’ હર્ષદભાઈ ઉમેરે છે, ‘તે જમાનામાં આ રકમ ઘણી મોટી ગણાતી…પણ આ ઘર હરકિસન મહેતાને ખૂબ ફળ્યું. અહીં રહેવા આવ્યા પછી એમનો સાચા અર્થમાં ઉદય થયો.’

હર્ષદભાઈ હરકિસન મહેતા કરતાં દોઢેક વર્ષ નાના. બંને વચ્ચે સાળા-બનેવી કરતાં દોસ્તીનો રંગ વધારે ગાઢ, જે મહેતાના નિધન સુધી અકબંધ રહ્યો. બે પાંદડે થયેલા હરકિસનભાઈએ એંશીના દાયકામાં જૂહુ સ્કીમના છઠ્ઠા રસ્તા પર વિશાળ આલિશાન ફ્લેટ ખરીદ્યો. ત્યારબાદ વરસોવામાં બંગલો અને પનવેલમાં ફાર્મ હાઉસ પણ ખરીદ્યાં.

જૂહુ સ્કીમમાં શિફ્ટ થયા પછી નેચરલી, ચારેય બાળકોની સ્કૂલ પણ બદલાઈ. તૃપ્તિ કહે છે, ‘ઘાટકોપરમાં અમે ફાતિમા હાઈસ્કૂલમાં ભણતાં હતાં. અગાઉ એકાદ-બે વર્ષ હું ચેમ્બુરની એલિઝાબેથ સ્કૂલમાં ભણી, પ્રીતિ ફાતિમામાં કેજીમાં હતી. સ્વાતિ હજુ ઘણી નાની હતી એટલે એ સ્કૂલમાં દાખલ નહોતી થઈ.’

તે વખતે ફી પણ કેટલી? પાંચ-પાંચ, છ-છ રૂપિયા.

‘મંગળા ભુવનમાં રહેવા આવ્યા પછી અમે ત્રણેય બહેનો અંધેરીની ભવન્સ સ્કૂલમાં દાખલ થઈ, જ્યારે તુષારભાઈએ પાર્લાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં એડમિશન લીધું.’ તૃપ્તિબહેન કહે છે, ‘એ છેક સુધી સેન્ટ ઝેવિયર્સમાં જ રહ્યા, પણ અમે ત્રણેય બહેનો પછી જમનાબાઈ સ્કૂલમાં શિફ્ટ થઈ ગઈ હતી.’

પપ્પા કંઈક જુદા પ્રકારના વ્યવસાયમાં છે કે એમનું કામ બીજા મિત્રોના પપ્પાઓ કરતાં અલગ છે એ પ્રકારની કોઈ સભાનતા બાળકોમાં નહોતી પ્રવેશી. તે એટલા માટે કે એમની માગણીઓ ઘણું કરીને સંતોષવામાં આવતી.

‘મંગળા ભુવન’માં રહેવા આવ્યા ત્યારે તુષાર તરુણાવસ્થામાં પ્રવેશી ચૂક્યા હતા. ‘હું નવ-દસ વર્ષનો હતો ત્યારે એકવાર મેં બેટ માટે ખૂબ ધમપછાડા કરેલા.’ તુષાર ઘાટકોપરવાળા દિવસો યાદ કરે છે, ‘પપ્પા કામમાં ગળાડૂબ એટલે બેટ લાવતાં ભૂલી જાય. એક દિવસ હું વીફર્યો. પપ્પાએ બહાનું ઘડી કાઢ્યું કે બેટા, તને કઈ સાઈઝનું બેટ માફક આવશે એ મને સમજાયું નહીં એટલે ન ખરીદ્યું. હું પાડોશમાં રહેતા મારા ફ્રેન્ડનું બેટ લઈ આવ્યો અને કહ્યુઃ ‘જુઓ, આવું.’ પપ્પા બીજા દિવસે યાદ કરીને મારા માટે એવું જ બેટ લેતા આવેલા.’

‘મને યાદ છે, એ બેટ પાંચ રૂપિયાનું આવેલું’ કલાબહેન ટાપશી પૂરે છે.

પપ્પા કંઈક જુદા પ્રકારના વ્યવસાયમાં છે કે એમનું કામ બીજા મિત્રોના પપ્પાઓ કરતાં અલગ છે એ પ્રકારની કોઈ સભાનતા બાળકોમાં નહોતી પ્રવેશી. તે એટલા માટે કે એમની માગણીઓ ઘણું કરીને સંતોષવામાં આવતી. પછી એ બેટ હોય કે ખાલી નાળિયેરમાં ભરવામાં આવતું માટલાનું પાણી હોય. ‘પપ્પાએ અમને કદી કોઈ વાતની અછત નથી વર્તાવા નહોતી દીધી.’ તુષાર કહે છે.

‘પણ મને ચોક્કસપણે ફીલ થઈ આવતું.’ સ્વાતિ બોલી ઊઠે છે. ઊંડો શ્વાસ લઈને કહે છે, ‘મને વણિક નિવાસનું ખાસ કશું યાદ નથી કારણકે હું ત્રણ-સાડા ત્રણ વર્ષની હતી ત્યારે અમે જૂહુ સ્કીમમાં રહેવા આવી ગયેલા. જૂહુ સ્કીમમાં નવી શરૂ થયેલી જમનાબાઈ નરસી સ્કૂલમાં ધનિક વર્ગના, ફિલ્મસ્ટારોનાં બાળકો ભણે. ત્યાં દેખાદેખીનું પ્રમાણ પણ ઘણું. પૈસાવાળાનાં બાળકોને જોઈને લઘુતાગ્રંથિ તો નહોતી થતી, પણ પપ્પા કામમાં વધુ પડતા ઓતપ્રોત રહેતા હોવાથી તેઓ જાણે અમારી અવગણના કરી રહ્યા છે એવું ચોક્કસપણે લાગતું. સ્કૂલનાં ફંક્શનોમાં હું નિયમિતપણે ભાગ લેતી, પણ પપ્પા ક્યારેય તે જોવા નથી આવ્યા. મને યાદ નથી આવતું કે પપ્પા ક્યારે અમારા ટીચર્સને મળવા સ્કૂલે આવ્યા હોય… હા મમ્મી ખૂબ કાળજી લેતી, પણ તે માંદી રહ્યા કરતી. અસ્થમાને કારણે ક્યારેક દિવસો સુધી પથારીમાં ઊભી ન શકે એવું ય બનતું. આવી સ્થિતિમાં ઓપન હાઉસમાં લાગ લેવા એ તુષારભાઈને મોકલી આપતી.’

દામુભાઈ સોની, હરીન્દ્ર દવે તથા ભારતીબહેન દવે સાથે. હરીન્દ્ર દવે પાસે ‘ચિત્રલેખામાં કેટલીક યાદગાર નવલકથાઓ હરકિસન મહેતાએ લખાવી.

મામાઓના લાડથી કંઈક અંશે પિતાની ગેરહાજરી સરભર થઈ જતી. ‘તે વખતે મોસાળમાં જોઈન્ટ ફેમિલી હતું.’ સ્વાતિ વાતોનો તંતુ સાધે છે, ‘મામાઓ દર વર્ષે પિકનિક ગોઠવે ત્યારે અમને સાથે લઈ જાય. બધી બહેનોનાં બધાં બાળકોને એકસાથે લઈ જવાનું શક્ય ન બને એટલે અમે વારા કાઢતા, પણ તોય મને ફરિયાદ રહેતી કે તૃપ્તિને કેમ સૌથી વધારે ચાન્સ મળે છે? બહુ મજા આવતી એ પિકનિક્સમાં. ખરેખર મામાઓએ અમારું બહું ધ્યાન રાખ્યું છે… પણ પપ્પા અમને નિગ્લેક્ટ કરી રહ્યા છે એવી ફીલિંગ તો સતત રહેતી જ. એ જે કંઈ કરી રહ્યા છે તે અમારા માટે કરી રહ્યા છે અને એમનું આ જ કામ ભવિષ્યમાં અમને ખૂબ ગર્વનો અનુભવ કરાવવાનું છે એવી સમજણ તો મોડેથી આવી. મોટા થયા પછી સમજણ આવી કે માણસ સફળતા માટે સંઘર્ષ કરતો હોય ત્યારે એના પરિવારે થોડોઘણો ભોગ તો આપવો જ પડતો હોય છે.’

ઉંમરમાં નવ વર્ષનો ફર્ક ધરાવતા તુષાર અને સ્વાતિના ઉછેરમાં કલ્ચરલ ડિફરન્સ સંપૂર્ણ હતો. તુષાર ઘાટકોપરની ચાલીમાં ઉછર્યા અને સ્વાતિ વૈભવી જૂહુ સ્કીમમાં.

ચારેય ભાઈબહેનોમાંથી એકેયનું કૉલેજ એડમિશન લેતી વખતે પપ્પા હાજર નહોતા.

‘એટલે જ મને ક્યારેય પૈસાની ઓછપ વર્તાઈ નથી,’ તુષાર કહે છે, ‘વણિક નિવાસનો માહોલ જ અલગ હતો. હું ચાલીના મારા ભાઈબંધોમાં ને ખેલકૂદમાં રચ્યોપચ્યો રહેતો. સવારે ઊઠીને જાતે ચા બનાવી લેવાની. પાણી ગરમ કરી લેવાનું. મને યાદ છે, અમે આઠ-દસ દોસ્તારો સાથે દળણું દળાવવા જતા. જૂહુ રહેવા આવ્યા પછી હું પાર્લાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં દાખલ થયો, જેનું વાતાવરણ જમનાબાઈના વૈભવી માહોલ કરતાં જુદું, તદ્દન મધ્યમવર્ગીય હતું. એટલે સ્વાતિ જેવું ઓછાપણું મેં કદી નથી અનુભવ્યું.’

પપ્પા જેવા જ કદાવર કદ-કાઠી ધરાવતા તુષારને પિતાની ઓથની ખરેખરી ખોટ કૉલેજમાં એડમિશન લેતી વખતે અને કારકિર્દીના પ્રારંભબિંદુએ સાલી. ‘એમણે મને કદી પૂછ્યું સુદ્ધાં નહોતું કે તું કયા ક્ષેત્રમાં કરિયર બનાવવા ઇચ્છે છે,’ તુષારભાઈ કહે છે, ‘1971માં એસએસસી બહુ ઓછા માર્ક્સ સાથે પાસ કર્યું. પપ્પાએ ન તો કોઈ ઉત્સાહ બતાવેલો કે ન આઉટ-ઑફ-ધ-વે જઈને મને સારી કોલેજમાં એડમિશન અપાવવાની વાત કરી. નોકરીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરીને નાઇટ કૉલેજમાં એડમિશન મેં જાતે જ લીધેલું. બીજે વર્ષે જો કે, મને મારી મેરિટ્સના આધારે એન.એમ. કૉલેજમાં એડમિશન મળી ગયું હતું. ચારેય ભાઈબહેનોમાંથી એકેયનું કૉલેજ એડમિશન લેતી વખતે પપ્પા હાજર નહોતા.’

પ્રવાસે જતાં રસ્તામાં રોકાણ. હરકિસન મહેતા અને ગિજુભાઈ વ્યાસની વચ્ચે તારક મહેતા.

‘મંગળા ભુવન’માં આવ્યા પછી હરકિસન મહેતાનો પગાર વધીને પંદરસો રૂપિયા થયો. આ પગારવધારામાં વજનદાર પથ્થર વડે નિર્દોષ ફૂટપાથવાસીઓની હત્યા કરનારા સિરિયલ કિલર રામન રાઘવનનો મોટો ફાળો. 1967-68ની વાત.‘ચિત્રલેખા’માં આ ચકચાર જગાવનારા હત્યારાનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત હરકિસન મહેતાએ રામન રાઘવન વિશે પુસ્તિકા પણ લખી જે સુપરહિટ થઈ ગઈ. 14 ભાષાઓમાં એના અનુવાદો થયા. પુસ્તિકાઓના વેચાણના હક્કો ‘ચિત્રલેખા’ને આપી દેવાની વાત આવી ત્યારે કલાબહેન ભડકી ઊઠ્યા હતાઃ ‘મહેતા, મહેનત તમે કરો અને એનો ફાયદો બધો માત્ર સંસ્થાને જ મળે તે કેમ ચાલે?’ હરકિસન મહેતાની આવી નિસ્પૃહતા કલાબહેનને ખૂબ જ ખટકી. ‘તે વખતે અમારા દામ્પત્યજીવનનો સૌથી મોટો ઝઘડો થયો હતો’ આ વાત યાદ કરતી વખતે કલાબહેન હવે જો કે મલકી ઊઠે છે.

‘એ લખતા હોય ત્યારે નજીક પણ નહીં જવાનું. ડિસ્ટર્બ તો બિલકુલ ન કરાય. નવલકથાના હપ્તાની હસ્તપ્રત વાંચવા તો શું, જોવાય મળતી નહીં.’

ચંદુભાઈ લાખાણી હરકિસન મહેતાની નિકટ રામન રાઘવનના કિસ્સા દરમ્યાન જ આવ્યા. ‘આમ તો ‘ચિત્રલેખા’માં મારો આવરોજાવરો 1958-59ના સમયથી,’ ચંદુભાઈ કહે છે, ‘હું સોશ્યલ વર્કર હતો અને પલટન રોડ પોલીસ સ્ટેશનમાં મારા બે ઇન્સપેક્ટર મિત્રો હતા- દૂધાત અને સહસ્ત્રબુદ્ધે. રામન રાઘવન પકડાયો પછી એને ક્રાઈમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો ત્યારે આ બન્નેની બદલી એ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી. રામન રાઘવને જે કેફિયત આપી હતી એની રેકોર્ડેડ ટેપ આ મિત્રો દ્વારા મારી પાસે આવી. મેં હરકિસનભાઈને તેના વિશે વાત કરી. ‘ચિત્રલેખા’એ બે હપ્તામાં રામન રાઘવન વિશેનો રિપોર્ટ છાપી દીધેલો. પણ આ ટેપ હાથ લાગતાં હરકિસનભાઈએ તેના પરથી પુસ્તિકા તૈયાર કરી. આ પુસ્તિકા જબરદસ્ત પૉપ્યુલર થઈ. પછી તો ‘ચિત્રલેખા’ની પૉપ્યુલારિટી પણ કૂદકે ને ભૂસકે વધતી ગઈ.’

જોકે, રામન રાઘવનની પુસ્તિકા આવી તે પહેલાં હરકિસન મહેતાની સર્વપ્રથમ ધારાવાહિક નવલકથા ‘જગ્ગા ડાકુના વેરનાં વળામણાં’ છપાઈ ચૂકી હતી. વિગતોના સંશોધન માટે તેઓ એક-બે વાર પંજાબ પણ જઈ આવેલા. ‘નવલકથા વિશેની કોઈપણ પ્રકારની ચર્ચા તેઓ મારી સાથે નહોતા કરતા,’ કલાબહેન કહે છે, ‘એ લખતા હોય ત્યારે નજીક પણ નહીં જવાનું. ડિસ્ટર્બ તો બિલકુલ ન કરાય. નવલકથાના હપ્તાની હસ્તપ્રત વાંચવા તો શું, જોવાય મળતી નહીં.’

‘એમનું નામ થાય, ‘ચિત્રલેખા’નું વેચાણ વધે, પણ ખિસ્સાં તો ખાલી ને ખાલી જ.’

‘જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં’ ‘ચિત્રલેખા’માં બે વર્ષ ચાલી તે દરમ્યાન ‘ચિત્રલેખા’નો ફેલાવો ખૂબ વધ્યો અને હરકિસન મહેતાને લેખક તરીકે કીર્તિ મળવાની શરૂ થઈ ગઈ હતી. આ કીર્તિની અસર કલાબહેને અનુભવેલી ખરી?

‘ના રે ના’, કલાબહેન નિખાલસપણે કહે છે, ‘એમનું નામ થાય, ‘ચિત્રલેખા’નું વેચાણ વધે, પણ ખિસ્સાં તો ખાલી ને ખાલી જ. ‘જગ્ગા ડાકુ…’ વખતે નવલકથાકાર તરીકેની કારકિર્દીની ફક્ત શરૂઆત થયેલી. એમને ખરેખરી ખ્યાતિ ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ વખતે મળી. પછી તો એમણે ‘તરસ્યો સંગમ’ અને ‘જોગ-સંજોગ’ જેવી સામાજિક નવલકથાઓ લખી ત્યારે ખૂબ લોકપ્રિય થયા.’

કલાબહેને મહેતા માટે સર્વપ્રથમ વખત હ્રદયપૂર્વક ગૌરવ ક્યારે અનુભવ્યું?

‘ઓહ, એ તો બહુ જ મોડેથી…’ કલાબહેન હસી પડે છે, ‘લગભગ… કહો ને કે… તૃપ્તિના લગ્ન વખતે મેં પહેલીવાર મહેતાના કામ માટે સંતોષ અનુભવ્યો. મને થયું કે ના, મહેતા જે મહેનત કરતા હતા એ બરાબર હતી…’ 1980માં તૃપ્તિના લગ્ન વખતે હરકિસનભાઈને ‘ચિત્રલેખા’માં પાર્ટનર બન્યે છ-બાર મહિના થઈ ગયા હતા.

‘તે ઘોડાગાડીવાળો હંમેશા મારી બાને કહ્યા કરે કે બહેન, તમારી આ છોકરી ભારે નસીબદાર છે…પરણીને હું સાસરે ગઈ ત્યારે પરિસ્થિતિ એવી કંગાળ કે મને આવી ભવિષ્યવાણી ભાખનારાઓ પરથી વિશ્વાસ ઊઠી ગયેલો…’

‘મમ્મી નાનાં હતાં ત્યારે એમને કોઈએ કહેલું કે તારાં લગ્ન કોઈ મહાન માણસ સાથે થશે.’ તુષાર મમ્મી સામે જોઈને પૂછે છે, ‘એ શું હતું, મમ્મી?’

‘અમે ઘાટકોપરની ચાલીમાં રહેતા હતા ત્યારે એક મહારાજ ત્યાં આવતા’, કલાબહેન જણાવે છે, ‘એકવાર એ મારી સામે જોયા જ કરે અને પછી કહેઃ બહેન, તમે બહુ નસીબદાર છો. તમે બહુ વૈભવી જીવન જીવવાના છો… આ સાંભળીને મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું કે મહારાજ, ઘરમાં તો કશાં ઠેકાણાં નથી, તમે કયા વૈભવની વાત કરો છો?’

‘ના તે નહીં, હું તમારા નાનપણની વાત કરું છું, મમ્મી…’ તુષારભાઈ યાદ અપાવવાનો પ્રયાસ કરે છે.

‘અરે હા’, કલાબહેન સ્મૃતિસંધાન કરે છે, ‘અમારા ગામમાં એક ઘોડાગાડીવાળો આવતો… તમને યાદ છે, હસુભાઈ?’

‘હા…’ હર્ષદભાઈ તરત કહે છે, ‘દરબાર હતો એ… 1945-46ની સાલની એ વાત છે.’

‘હા એ જ. તે ઘોડાગાડીવાળો હંમેશા મારી બાને કહ્યા કરે કે બહેન, તમારી આ છોકરી ભારે નસીબદાર છે…પરણીને હું સાસરે ગઈ ત્યારે પરિસ્થિતિ એવી કંગાળ કે મને આવી ભવિષ્યવાણી ભાખનારાઓ પરથી વિશ્વાસ ઊઠી ગયેલો…’

‘મમ્મીનો એક ફેવરિટ ડાયલોગ હતો’, સ્વાતિના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે, ‘રોજ કમ સે કમ એકવાર તો અમારે એ સાંભળવો જ પડતો. કોઈ વસ્તુ અપાવવાની જીદ કરીએ એટલે મમ્મી અચૂક બોલેઃ ‘બાપાનું વહાણ પણ બેસવાની તાણ!’

સ્વાતિ ઔર એક ભવિષ્યવેત્તાની વાત ઉખેળે છે, ‘મમ્મી, માથેરાનમાં પણ એક જ્યોતિષે તમને આવું જ કહેલું…’

‘હા…હા… એણે કહેલું કે તમારો સિતારો બહુ જ ચમકવાનો છે. અમારી ચાલીમાં એક ડોસીમા પારકાં કામ કરવા આવતાં. એમણે ય મને આવું જ કશુંક કહેલું. આ બધા માત્ર મારું કપાળ જોઈને ભવિષ્યકથન કરતા હતા…’

સંઘર્ષના દિવસોમાં કલાબહેન અકળાઈ જતાં ત્યારે એમણે કલ્પ્યું નહોતું કે મહેતાની મહેનત, પ્રતિભા અને નિષ્ઠા આ તમામ ભવિષ્યવેત્તાઓના કથનને સાચી પાડવાની છે.

‘અમારા ઘરમાં બનેલા કેટલાય પ્રસંગો પપ્પાએ એમની નવલકથાઓમાં વણી લીધા છે’

શિરડીથી આવેલાં પ્રીતિ અને દીપકકુમાર પણ આસનસ્થ થઈ ચૂક્યાં છે. સાથે બન્ને બાળકો ચિરાગ અને પ્રાચી પણ છે.

‘પપ્પાએ અમારા માટે ક્યારેય લાગવગ નથી લગાડી’, તૃપ્તિ કહે છે, ‘હું નિર્મલા નિકેતનમાં એડમિશન લેવા ગઈ ત્યારે મારી સાથે મમ્મી હતી, પપ્પા નહીં. સ્વાતિ અને પ્રીતિએ જયહિન્દ કૉલેજમાં એડમિશન લીધું હતું. પપ્પા ક્યારેય અમારી સાથે ન આવતા.’

‘એડમિશન મળી જાય એટલે પપ્પાને ફોન પર જાણ કરી દેવાની’, તૃપ્તિની વાતને સ્વાતિ પુષ્ટિ આપે છે, ‘પપ્પાને ખબર પડે એટલે તેઓ ખુશાલી વ્યક્ત કરી દે, બસ, પત્યું.’

સ્વાતિએ કૉલેજમાં પ્રવેશ 1979માં મેળવ્યો. એ ગાળો હરકિસન મહેતા માટે સંઘર્ષનો ગાળો હતો. ના, ઘર ચલાવવા માટે બે છેડા ભેગા કરવાનો સંઘર્ષ નહીં, પણ ‘ચિત્રલેખા’ના નોકરિયાતમાંથી એના પાર્ટનર બનવાનો સંઘર્ષ. બધાં સ્મરણો પ્રિય જ હોય એ કંઈ જરૂરી નથી.

‘અમારા ઘરમાં બનેલા કેટલાય પ્રસંગો પપ્પાએ એમની નવલકથાઓમાં વણી લીધા છે’, પ્રીતિ કહે છે, ‘મને નાનપણથી જ મીઠાઈઓ ખૂબ ભાવે. મમ્મીએ એકવાર દૂધીનો હલવો બનાવ્યો હતો. હું એ ખાઈને સૂઈ ગઈ અને પછી બીજા દિવસે ધમાલ મચાવીઃ મારા ભાગનો હલવો ક્યાં? મમ્મીએ ખૂબ સમજાવ્યું કે બેટા, તારો ભાગ તો તને કાલે જ મળી ગયો હતો. હું તે માનવા તૈયાર જ નહોતી. પપ્પાએ આ કિસ્સો એમની એક વાર્તામાં ટાંક્યો છે.’

પપ્પા સેલિબ્રિટી સ્ટેટસ ધરાવે છે એની પ્રતીતિ તૃપ્તિને સૌથી પહેલી વાર ક્યારે થઈ?

‘મારાં લગ્ન વખતે.’ તૃપ્તિ તરત જવાબ આપે છે.

‘મેં તમને કહ્યું ને કે તૃપ્તિનાં લગ્ન વખતે અમને બધાંને લગભગ એક સાથે આ વાત સમજાઈ ગઈ હતી.’ કલાબહેન કહે છે, ‘મારા પિયરિયાઓને, મારા સાસરિયાઓને પણ… બહુ ધામધૂમથી મહેતાએ લગ્નનું આયોજન કર્યું હતું. શહેરના કેટકેટલા જાણીતા લોકો લગ્નમાં આવેલા.’

‘મને યાદ છે ત્યાં સુધી મેં સૌથી પહેલી ‘જોગ સંજોગ’ વાંચી હતી- ધારાવાહિક સ્વરૂપે’, તૃપ્તિ કહે છે, ‘પપ્પા ઘરે ‘ચિત્રલેખા’ લાવતા ત્યારે તુષાર અને હું ખેંચાખેંચ કરી મૂકતાં.’

‘સ્કૂલમાં ગુજરાતીના ટીચર્સ ક્યારેક અમને કહેતા કે હરકિસન મહેતાના સંતાન હોવા છતાંય તમારું ગુજરાતી કેમ મજબૂત નથી?’ પ્રીતિ સ્મિત કરે છે, ‘ક્યારેક એવું ય બનતું કે સરસ નિબંધ લખીને જઈએ તો ટીચર તરત શંકા ઉઠાવે: પપ્પાએ મદદ કરી છે? હરકિસન મહેતાના સંતાન હોવાના ફાયદા-ગેરફાયદા બંને હતા. ક્યારેક ફ્રેન્ડની ઘરે જઈએ અને એના ઘરનાઓને ખબર પડે તો તેઓ કહે કે તમે જાણો છો, તમારા પપ્પા કેટલું સરસ લખે છે! અંગ્રેજી મિડિયમમાં ભણીએ એટલે ગુજરાતી વાંચવાની આળસ. નાઈન્થ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મેં પહેલી વાર પપ્પાની ‘પીળા રૂમાલની ગાંઠ’ વાંચી. વાંચવામાં હું ધીમી હતી પણ છતાંય મને સમજાઈ ગયું કે લોકો શા માટે એવું કહે છે કે હરકિસન મહેતાની ચોપડી એકવાર હાથમાં લઈએ પછી નીચે મૂકવાનું મન ન થાય.’

દીપકકુમાર સાથે પ્રીતિની સગાઈ થઈ ત્યારે હરકિસન મહેતાએ જમાઈને પોતાનાં પુસ્તકોનો સેટ ભેટમાં આપ્યો હતો. દીપકકુમારને વાંચવાનો ખૂબ શોખ, પણ એમનું વાચન સંપૂર્ણપણે અંગ્રેજીમાં. પૂર્વગ્રહયુક્ત મન સાથે એમણે એકાદ નવલકથા વાંચી. પછી તો એવો નાદ લાગ્યો કે આખેઆખો સેટ વાંચી ગયા. ‘ભેદભરમ’ અને અમુક અન્ય ફેવરિટ નોવેલ્સ તો તેમણે બે વાર વાંચી નાખી.

‘ઈન ફેક્ટ, એમણે જ મને સૌથી પહેલાં ‘ભેદ ભરમ’ વાંચવા માટે સજેસ્ટ કરેલી.’ દીપકકુમાર ઉમેરે છે.

‘મને યાદ છે ત્યાં સુધી મેં સૌથી પહેલી ‘જોગ સંજોગ’ વાંચી હતી- ધારાવાહિક સ્વરૂપે’, તૃપ્તિ કહે છે, ‘પપ્પા ઘરે ‘ચિત્રલેખા’ લાવતા ત્યારે તુષાર અને હું ખેંચાખેંચ કરી મૂકતાં.’

લોનાવલામાં પુત્ર તુષારે પાડેલી તસવીર. મુંબઈમાં બેઉ છેડે મીણબત્તી બાળ્યા પછી ઘડીભર મંદ રફ્તારની સફર.

સ્વાતિની ફેવરિટ નવલકથા ‘જડ ચેતન’ હોવાનું નક્કર કારણ છે. કહે છે, ‘કેઈએમ હૉસ્પિટલની અરુણા શાનબાગ નામની નર્સ પર બળાત્કારનો પ્રયાસ થવાથી એ કોમામાં જતી રહેલી તે ઘટના પરથી પપ્પાએ ‘જડ ચેતન’ લખી. મારાં બિંદુભાભી કેઈએમમાં જોબ કરતાં હતાં. એમણે પપ્પાને અરુણા શાનબાગની વાત કરેલી. પપ્પાએ હૉસ્પિટલના કેટલાક ડૉક્ટરોને મળીને માહિતી મેળવી હતી. તે દિવસે બન્યું એવું કે એમનો ડ્રાઇવર નહોતો આવ્યો. આથી પપ્પા મને સાથે લઈ ગયેલા. આમેય મેં પપ્પાની ડ્રાઇવરગિરી ખૂબ કરી છે! માંડ ત્રણ-ચાર ડોક્ટરો સાથે એમણે વાત કરી હતી અને તે વખતે હું એમની સાથે હતી. મને કુતૂહલ એ વાતનું હતું કે આ વાતોના આધારે પપ્પા શી રીતે આખી નવલકથા લખશે. ‘જડ-ચેતન’ છપાતી ગઈ તેમ તેમ હું વાંચતી ગઈ. પપ્પાએ જે રીતે એક ઘટનાની આસપાસ તાણાવાણા ગૂંથ્યા છે એનાથી હું બહુ જ પ્રભાવિત થઈ હતી.’

હરકિસન મહેતાની પહેલી કાર 1975માં આવી. બ્લૂ રંગની ફિયાટ હતી. ‘કેકે’ (કૃષ્ણકાંત-ડાકુરાણી ગંગા’ના દિગ્દર્શક) અંકલે એમને ગાઈડ કરેલા, પ્રીતિ કહે છે, ‘તે વખતે અમારામાંથી કોઈનેય ક્યાં ડ્રાઇવિંગ આવડતું હતું?’ મુંબઈની શરૂઆતની મારુતિ ગાડીઓમાંની એક ગાડી હરકિસન મહેતાની. ‘એ કારનો નંબર 30 હતો.’ તુષાર કહે છે, ‘અમે આગોતરી ગાડી નોંધાવી દીધેલી.’ બહેરામ કૉન્ટ્રેક્ટર ઉર્ફે બીઝીબીએ ‘આફ્ટરનૂન’માં હરકિસન મહેતાની એ લાલ મારુતિમાં બેઠા પછી એ વિશે એક યાદગાર પીસ લખેલો.

સ્મરણયાત્રા વણથંભી ચાલુ છે. કેટલી બધી વાતો, કેટલી બધી યાદો.

( આવતી કાલે પૂરું)

3 COMMENTS

  1. આખી સિરીઝ, ઈન્ટરવ્યૂ તેમ જ પરિવારના સંસ્મરણો વાંચવાની બહુ મજા પડી ગઈ, Nostalgic memories તાજી થઈ ગઈ. હરકિસન મહેતા પછી બીજા કોઇએ વાંચન નો આવો અનુભવ કરાવ્યો નથી.તમારી ભાષા અને શૈલી જોઇને એમ થાય છે કે ન્યૂઝ પ્રેમી માં ત્રણ લેખો સાથે એક હપ્તાવાર નવલકથા આપો તો અમારા જેવા વાચકો ને બત્રીસ કોઠે દીવા થ ઇ જાય ??

  2. વાહ સૌરભ ભાઈ.. આ લોકડાઉંન ના વખત માં આવી પ્રેરણાત્મક લેખો… રાતે સાહેબ સ્વપ્ના માં પૂજ્ય મોરારી બાપુ કાંતો..હરકિશન મહેતા શું સાહેબ??. બનારસ ની ગલી… સાહેબ મનોબળ મજબુત બન્યું…આતો આખેઆખી ગુજરાતી સાહિત્ય ની ગંગા વહી …ખુબ ખુબ આભાર સાહેબ.. સાથે ખુબ ધન્યવાદ આપના ?. મોજ પડી ગઈ સાહેબ…આપનો વાચક મિત્ર..

  3. સેલિબ્રિટીની સ્મૃતિઓ વાંખવાની મજા, એમની નવલકથાઓ કરતાં વધારે આવે. સૌરભભાઇ, ગુજરાતી અન્ય કલાકારો (સાહિત્યિકારો પણ કલાકારોમાં જ આવે) ની પણ આવી યાદદાસ્તો શબ્દસ્થ કરવાનો પ્રોજેક્ટ હાથમાં લેવાનું વિચારશો… મારા ફોર્ટના વસવાટ દરમ્યાન મને હરકિસનભાઇને મળવાનું મન થયેલું…. શબ્કદેહે તો જોયા જ હતા પણ સદેહે જોવાની ઇચ્છા હતી.. શ્રી હરકિસન મહેતાના મિત્ર શ્રી ચંદુભાઈ લાખાણીએ એ મુલાકાત કરાવી આપી હતી. આજે પણ શ્રીમતી કોકીલાબેન ચંદુભાઈ લાખાણી મળે ત્યારે ચિત્રલેખાની જૂની વાતો યાદ કરીએ. મને યાદ છે ત્યાં સુધી આપે પણ સસ્પેન્સ નવલિકાઓ લખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here