દુનિયા દર પાંચ વર્ષે બદલાઈ જાય છે અને આપણે? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૮ ઑક્ટોબર, ૨૦૨૧)

લેટેસ્ટ સમાચારો અને લેટેસ્ટ મૉડેલના મોબાઈલ ફોનની સાથે લેટેસ્ટ ફૅશનનાં કપડાં તો આપણને જોઈએ જ છે, સાથોસાથ લેટેસ્ટ વિચારો પણ જોઈએ છે, કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ જોઈએ છે, જૂનું કશું જોઈતું નથી. જૂનવાણી વિચારો છોડી દેવા છે. નવા જમાનાની સાથે ચાલવું છે. થિયોરેટિકલી આ બધી વાતો સારી છે અને ફૉલો કરવા જેવી છે. કોલસાથી ચાલતા એન્જિનવાળી ટ્રેનને પકડી રાખીશું તો ક્યારેય ડિઝલથી, ઈલેક્‌ટ્રિકથી કે મેગ્નેટથી ચાલતી ટ્રેનો નહીં આવે. બાપુની ગાડીને વળગી રહીશું તો બુલેટ ટ્રેનનો જમાનો નહીં આવે. કબૂલ.

પણ આવી કબૂલાત કર્યા પછી સહેજ રોકાઈને વિચારવું જોઈએ કે કઈ કઈ બાબતોમાં લેટેસ્ટ રહેવું છે, કઈ બાબતમાં છીએ ત્યાંના ત્યાં રહેવું છે અને કઈ બાબતમાં પાછળ જવું છે, જૂનવાણી બનવું છે. સુતરાઉ ન હોય એવા કાપડમાંથી બનેલા સૂટ પહેરીને, ઠંડી ન હોય એવી સિઝનમાં ગળે ટાઈ બાંધીને ફરવાનું આપણા દેશમાં જો ફૅશનેબલ ગણાતું હોય તો મારે નથી થવું ફૅશનેબલ. ખુલતાં કૉટન(કે લિનન) શર્ટ કે ઝભ્ભા આ દેશની આબોહવાને અનુકૂળ છે. ઠંડીના દિવસો આવે ત્યારની વાત ત્યારે. ગરમ કે સમશિતોષ્ણ આબોહવામાં યુરોપિયન પોશાકની નકલ કરીને, વધારે પૈસા ખર્ચીને અને અપાર અગવડો ભોગવીને જો ફૅશનેબલ ગણાવાનું હોય તો મારે નથી ગણાવું ફૅશનેબલ. આ બાબતમાં કોઈ મને જૂનવાણી કહી જશે તો ચાલશે.

બીજી એક બાબતમાં પણ ફરી જૂનવાણી બની જવું છે. ખાવાની બાબતમાં. સિનેમાના ઈન્ટરવલમાં પિત્ઝા-પૉપકૉર્ન નથી ખાવાં મારે. માઈક્રોવેવમાં રિ-ગરમ કરેલા વાસી સમોસાં અને સૅન્ડવિચ પણ નથી જોઈતી. એક જમાનામાં તાજા ગરમાગરમ સમોસાં ઈન્ટરવલના સમયે આવી જતાં. વેફરનાં નાનાં પડીકાં મળતાં. ઘરે કે બહાર હૉટેલમાં ફ્યુઝનના નામે ચાલતી ધતિંગ વાનગીઓ નથી આરોગવી. અસલ સ્વાદવાળા વડાપાંઉ કે પાંઉભાજી જોઈએ છે – ચીઝ વિનાનાં, ડ્રાયફ્રૂટ્‌સ ઉમેર્યા વિનાનાં. શુદ્ધ ગુજરાતી જમણમાં પંજાબી શાક નથી જોઈતું. ભલે જૂનવાણી ગણાઈએ.

કપડાં અને ભોજન ઉપરાંત બીજી ઘણી બાબતો છે જેમાં લેટેસ્ટ મટીને જૂનવાણી બની જવું જોઈએ.

હવે છીએ ત્યાંના ત્યાં રહેવા માટેના વિષયો જોઈએ: લેન્ડલાઈન છોડીને મોબાઈલ લઈ લીધો. સારું થયું. લેવો જ જોઈએ. પણ હવે મોબાઈલના લેટેસ્ટ મૉડેલની પળોજણમાં પડવાનું રહેવા દો. ફોન સાવ નકામો થઈ ગયો એટલે કે તૂટીફૂટી ગયો કે ખોવાઈ ગયો તો પણ નવો ફોન લેટેસ્ટ મૉડેલનો લેવાની જરૂર નથી. ફોનમાં કૅમેરાનો લૅન્સ વધુ સારો હશે તો હશે. બીજી ચાર તથાકથિત નવી સગવડો હશે તો હશે. આપણને એની જરૂર છે? ના નથી. સ્કૂટર, બાઈક કે કારનાં નીતનવાં મૉડેલો તો આવતાં જ રહેવાનાં છે. એ બધું આપણા કામનું નથી. આપણું કામ જે ગાડીથી ચાલે છે એને સાચવીને વાપરીએ, રિપેરિંગ કરાવીએ, નિયમિત સર્વિસ કરાવીએ – એ જ આપણું કામ છે. જાહેરખબરો અને માર્કેટિંગના ખોટા હાઈપમાં તણાઈ જવાની જરૂર નથી.

આધુનિકતા સાથે કદમ મિલાવવા માટે ટેક્‌નોલૉજિ સાથે તાલ મિલાવવાની માનસિકતા કેળવવી જોઈએ. અને આ ટેક્‌નોલૉજિના દુરુપયોગથી પણ બચવું જોઈએ. ટીવી સારું છે પણ કલાકો સુધી ચેનલ સર્ફિંગ કરવું ખોટું છે. મોબાઈલ સારો છે પણ આખો દિવસ સોશ્યલ મીડિયાની ઍપ્સ મચડમચડ કરવી તે ખોટું છે. ચેક લખવાનું છોડીને નેટ બૅન્કિંગ કરતાં થઈ જઈએ કે પછી ઉબર-ઓલા-મેરુની ઍપ વાપરતાં શીખી જઈએ કે પછી ઑનલાઈન ટિકિટ બુકિંગ/શૉપિંગ કરતાં શીખીએ તે જરૂરી છે. આપણો જ સમય બચવાનો છે, આપણી જ સુવિધા વધવાની છે એમાં.

આ બધી તો ભૌતિક સુવિધાઓની વાત થઈ. તમારે જો આ દુનિયામાં રિલેવન્ટ રહેવું હોય, આઉટડેટેડ ન બનવું હોય તો તમારી, માનસિકતાને સતત ફાઈન ટ્યુન કરવી પડે. તમારા આદર્શો અને સિદ્ધાંતો જે છે તે ટાઈમલેસ છે. સતત કામ કરવાનો આદર્શ કોઈ પણ જમાના માટે રિલેવન્ટ હોવાનો. પ્રામાણિકતાના સિદ્ધાંતને ક્યારેય કાટ નથી લાગવાનો. પણ આદર્શો-સિદ્ધાંતો સિવાયની બાબતોમાં તમારે તમારી જાતને સતત અપડેટ કરવી પડે. તમારી કામ કરવાની પદ્ધતિથી માંડીને તમારા કામ કરવાના ક્ષેત્રમાં દેશમાં અને પરદેશમાં શું શું નવું થઈ રહ્યું છે એની રજેરજની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. તમે જે ક્ષેત્રમાં કામ કરો છો એ ક્ષેત્રથી જેમને લાભ થાય છે એમની બદલાતી જતી અપેક્ષાઓને તમારે જાણવી પડે.

આ દુનિયાને ૨૫ વર્ષના યુથની એનર્જીની જેટલી જરૂર છે એટલી જ જરૂર ૪૫ કે ૫૫ કે ૬૫ કે ૭૫ વર્ષની અનુભવી વ્યક્તિની છે. એનર્જી અને અનુભવ વિના જગત આગળ વધવાનું નથી. ૨૫ વર્ષના યુથમાં જો એનર્જી નહીં હોય તો દુનિયાને એનું કશું કામ નથી. ૭૫ કે ૮૫ વર્ષની વ્યક્તિ પાસે વિશાળ દ્રષ્ટિવાળા અનુભવોનો ખજાનો નહીં હોય તો એ પણ દુનિયા માટે રિડન્ડન્ટ બની જશે.

દુનિયા માટે આપણે રિલેવન્ટ રહીએ એ જરૂરી છે. તો જ જિંદગી જીવવાની મઝા આવે કારણ કે તમે આ દુનિયાને માથે પડ્યા છો એવી ફીલિંગથી જીવવાની મઝા આવવાની નથી. પણ લેટેસ્ટ કે ફૅશનેબલ જિંદગી જીવવાનાં નૉર્મ્સ કે સ્ટાન્ડર્ડસ તમારે તમારાં પોતાનાં રાખવા પડશે. ગાડરિયા પ્રવાહમાં તણાઈને સાધનો વાપરનારા પાસે પોતાના કાર્યક્ષેત્રમાં બનતી લેટેસ્ટ ચહલપહલના પ્રવાહની જાણકારી નહીં હોય તો ભલે એ પોતાની જાતને ફૅશનેબલમાં ખપાવે, હશે એ પાક્કો જૂનવાણી.

પણ ૭૫ વર્ષે પણ કૉટનનો લેંઘો-ઝભ્ભો પહેરીને રોજ સવારે પોતાની ઑફિસે પહોંચી જનારાને પોતાના કાર્યક્ષેત્રમાં બનતી દુનિયાભરની માહિતી હોય તો એનું જીવન આ દુનિયા માટે રિલેવન્ટ છે. આવા લોકો ક્યારેય આઉટ ઑફ ડૅટ થવાના નથી.

દુનિયા દર પાંચ વર્ષે બદલાઈ જાય છે અને
આપણે દર દસ વર્ષે બદલાઈએ છીએ અને તે પણ માંડ માંડ, પરાણે. એટલે જ આપણે દુનિયા સાથે તાલ મિલાવી શકતા નથી. દર વખતે પાંચ-પાંચ વર્ષ પાછળ રહી જઈએ છીએ. અને એક તબક્કે તો આપણી અને દુનિયા વચ્ચેનો ફાસલો બે-ત્રણ-ચાર દાયકા જેટલો થઈ ગયો હોય છે.

તમે આઠ-દસ વર્ષના હતા ત્યારે તમારાં પેરન્ટ્‌સ રેડિયો પર ‘ભૂલે બીસરે ગીત’ સાંભળતા હતા અને તમને ટોકતા હતાઃ આ શું ધમાલિયા ગીતો સાંભળ્યા કરવાના. પેરન્ટ્‌સનાં મિત્રો ઘરે મહેફિલ જમાવતા ત્યારે સાયગલ, સી.એચ.આત્મા કે જગમોહનનાં ગીતો પર તેઓ મોજ કરતાઃ દિલ કો હૈ તુમ સે પ્યાર ક્યોં, યે ના બતા સકુંગા મૈં… અથવા એવરગ્રીનઃ એક બંગલા બને ન્યારા… જબ દિલ હી ટૂટ ગયા.

તમને થતું કે આ શું બાબા આદમના જમાનાના લોકોની મહેફિલ ચાલી રહી છે.

તમને ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે આજે તમે જ્યારે હમ કિસી સે કમ નહીં, સત્તે પે સત્તા, આશિકી કે ઈવન ડીડીએલજેનાં ગીતોની મહેફિલ સજાવીને બેઠા હો છો ત્યારે તમારાં ટીન એજ સંતાનો તમારાં વિશે શું વિચારતા હશે?

લેટેસ્ટ સાધનો વાપરવાથી આપણે મૉડર્ન બની જતા નથી. લેટેસ્ટ ઍપ્સ વાપરવાથી કે ટીન એજર્સની જેમ સોશ્યલ મીડિયા પર ઍક્‌ટિવ થઈ જવાથી આપણે ‘જૂના જમાના’ના નહીં કહેવાઈએ એવું નથી.

બદલાવું એટલે ભીતરથી બદલાવું. બદલાવું કરતાં પણ બેટર શબ્દ છે સુધરવું, જાતને અપડેટ કરવી. કપડાં કે ભોજનની ટેવોમાં મૉડર્ન બનો કે ન બનો એ તમારા વ્યક્તિગત ટેસ્ટ પર આધાર રાખે છે. પણ થિન્કિંગમાં, આજુબાજુના વાતાવરણને – આખા જગતને – ઍબ્સોર્બ કરવાની બાબતમાં સુધરતા જઈએ.

તમે માર્ક કર્યું હોય તો અમુક ઉંમર પછી આપણામાં રિજિડિટી પ્રવેશતી જતી હોય છે. જડતા. પંદર કે પચ્ચીસ વર્ષે તમે જેટલા ફ્‌લેક્‌સિબલ હતા, નવું નવું સ્વીકારવા માટે, બધું જ ઍબ્સોર્બ કરીને પોતાનામાં સમાવી લઈને પોતાને વધુ સમૃદ્ધ કરવા માટે, એટલા ફ્‌લેક્‌સિબલ આપણે પાંત્રીસ કે પિસ્તાલીસની ઉંમરે નથી રહેતા. નથી રહી શકતા. પંચાવન કે પાંસઠની ઉંમરે તો અલમૉસ્ટ સાવ જ ડકબૅકના રેઈનકોટ જેવા થઈ જઈએ છીએ. ગમે એટલો ધોધમાર વરસાદ પડે પણ આપણે પલળીએ જ નહીં.

પાંત્રીસ, પિસ્તાલીસ, પંચાવન કે પાંસઠ-પંચોતેર તો એ ઉંમર છે જ્યારે આપણામાં અનુભવો ઉમેરાયા હોય. પંદર-પચ્ચીસની જનરેશનની સરખામણીએ આ તમારો પ્લસ પૉઈન્ટ છે. બદલાતી દુનિયાના તમે સાક્ષી રહી ચૂક્યા છો. બહુ મોટી વાત છે આ. દર વર્ષે પૂરા ૩૬૫ દિવસ જીવ્યા વિના આ અનુભવ આવતો નથી. બજારમાં જઈને ગમે એટલા પૈસા ઑફર કરો તમને જાતઅનુભવ મળવાનો નથી ને પારકાનો અનુભવ દર વખતે કામ લાગવાનો નથી.

બદલાતી દુનિયાના જો તમે માત્ર સાક્ષી હશો તો અનુભવવાળો આ પ્લસ પૉઈન્ટ તમારા કશા કામનો નથી. કદાચ તમારા માટે બોજારૂપ પણ બની જાય. બદલાતી દુનિયાની સાથે તમે પણ એ જ ગતિએ બદલાયા તો જ તમારો આ અનુભવ તમારા માટે બર્ડનસમ બનવાને બદલે તમારો પ્લસ પૉઈન્ટ બની જશે. પણ એવું બનતું નથી.

તો કરવું શું?

એક્‌સપોઝર વધારીએ. એના એ જ વાતાવરણમાં અને એની એ જ કંપનીમાં( એટલે કે મિત્રો-પડોશીઓ-ક્‌લબના મિત્રો વગેરેની કંપનીમાં) પડ્યા પાથર્યા ન રહીએ. જૂનાનું મૂલ્ય ઘટાડ્યા વિના નવી દુનિયાને એક્‌સપ્લૉર કરીએ. ભીતરની બારીઓ ઉઘાડી નાખવાથી, બહારની તાજી આધુનિક હવાને તમારાં ફેફસાં સુધી, મનમસ્તિષ્ક સુધી પહોંચવાની સવલત કરી આપવાથી જગત આખાનાં વહેણને તમે સ્પર્શી શકો છો.

દેશમાં કે દુનિયામાં વિવિધ સ્થળોના પ્રવાસનું મહત્વ ઓછું નથી. પણ ક્યાંય ગયા વિના જગત આખાની ચેતનાને પોતાનામાં સમાવી લેવાનું મહત્વ પણ એટલું જ છે. આપણે ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કો-ડી-ગામા કે હ્યુ-એન-ત્સંગને જરૂર બિરદાવીએ. દુનિયા ખૂંદી વળ્યા તેઓ. આની સામે ભારતના અસંખ્ય ગુમનામ ૠષિઓએ વેદો રચ્યાં, મહાકાવ્યો રચ્યાં, માણસના મનની ભીતરની વાતો વિશે લખ્યું, આજે જેની બોલબાલા છે એ મોટિવેશનલ સામગ્રીને તો હજારો વર્ષ પહેલાં ગીતામાં ઠાંસી ઠાંસીને એમણે ભરી. ક્યાંય ગયા વિના. જંગલમાં રહીને. એકાંતમાં પર્ણકુટિર જ એમનું જગત. દુનિયા સાથે કોઈ કમ્યુનિકેશન નહીં. છતાં આખી દુનિયાનો ઉદ્ધાર કરી શકે એવા ગ્રંથો રચ્યા.

ચૉઈસ તમારી છે. તમારી પ્રકૃતિને જે અનુકૂળ આવે તે. ઘર કે બહાર. તમને જ્યાં ગમે તે. પણ ખુલ્લા દિમાગ સાથે જીવવું.

આ દુનિયામાં રોજ કંઈક નવું ને નવું શોધાતું જ રહે છે, બદલાતું જ રહે છે. જૂના વિચારો બેબુનિયાદ પુરવાર થાય, જૂની ચીજવસ્તુઓ ભંગારમાં આપી દેવી પડે એવી નવી નવી શોધખોળો થતી રહે છે. તમારી અગાઉની માન્યતાઓ પર ચોકડી મૂકાઈ જાય એવા નવા વિચારો, નવી લાઈફસ્ટાઈલ, નવી જીવનરીતિ દુનિયા અપનાવતી જાય અને તમે પોતાને લેફ્‌ટઆઉટ ફીલ કરો એવું બને.

આમાંથી શું સ્વીકારવું, કેટલું સ્વીકારવું, ક્યારે સ્વીકારવું-આ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે મેળવવાના છે. બદલાઈ રહેલું બધું જ કામનું છે એવું નથી, બધું જ નકામું છે એવું પણ નથી. બદલાઈ રહેલું બધું જ તાબડતોબ અપનાવી લેવું પડે એવું પણ નથી. ટેક યૉર ટાઈમ ઍન્ડ બી કમ્ફર્ટેબલ. તેલ જુઓ, તેલની ધાર જુઓ. આજે ને આજે જ બધું અપનાવી લેવું જરૂરી નથી. કોઈકનું ગાઈડન્સ લઈએ, જ્યાં ટ્રેનિંગની જરૂર હોય ત્યાં ટ્રેનિંગ લઈએ અને જ્યાં આપણી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ વધારવાની જરૂર હોય ત્યાં એ વધારીએ. પણ સભાન રહીએ. જાગ્રત રહીએ કે આપણે આપણી જાતને અપગ્રેડ કર્યા વિના ચાલવાનું નથી. નવું શિખ્યા વિના, નવા ઉકેલો શોધ્યા વિના, નવી રીતે કામ કર્યા વિના, નવા શોખ કેળવ્યા વિના, નવા, નવા લોકોને મળ્યા વિના, નવા સાધનો વસાવ્યા વિના અને જૂનું સતત થોડુંઘણું ખંખેરીને ત્યજ્યા વિના ચાલવાનું નથી.

દુનિયા કરતાં આગળ રહેવું હશે તો દુનિયા કરતાં વધારે ઝડપથી અપડેટ થઈ જવું પડશે. દુનિયા જો દર પાંચ વર્ષે બદલાતી હોય અને હું દર દસ વર્ષે બદલાતો હોઉં તો એ હવે નહીં ચાલે. હું પાંચ વર્ષે બદલાઈશ તો માંડ માંડ દુનિયા સાથે તાલ મેળવી શકીશ. મારે મારી જાતને દર ચાર વર્ષે અને બને તો દર બે-ત્રણ વર્ષે બદલવી પડશે. તો જ હું દુનિયાથી બે કદમ આગળ રહીને ટ્રેન્ડ સેટર બની શકીશ. અને જો અત્યાર સુધીની આળસને કારણે તમે દુનિયાથી દસ-વીસ કે ત્રીસ વર્ષ પાછળ ફેંકાઈ ગયા છો એવું જો તમને લાગતું હોય તો હજુ પણ કંઈ મોડું થયું નથી. આવતા પાંચ વર્ષમાં તમે ધારો તો ૨૦૨૬માં જીવતા થઈ શકો છો. તૈયારી આજથી કરવી પડે. નવું સ્વીકારવાની, નવું શોધવાની અને તમારી વિવેકબુદ્ધિ, તમારી કોઠાસૂઝ અને તમારી પ્રકૃતિનો આદર કરતાં કરતાં આગળ વધવાની તૈયારી હશે તો શક્ય છે કે ૨૦૨૬ની સાલમાં તમે ૨૦૩૬નો જમાનો કેવો હશે એની કલ્પના કરીને, એ રીતે જીવવાની તૈયારી કરતા થઈ ગયા હશો.

આજનો વિચાર

તંદુરસ્તીભર્યું – ચુસ્ત શરીર એ જ બેસ્ટ ફૅશન સ્ટેટમેન્ટ છે.

— જેસી સી. સ્કૉટ (૩૪ વર્ષની બ્લૉગર અને ઑથર)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. Everyone, young or old has to change to cooperate in the protection of environment.

    Scientists / futurists say : Population explosion is a time bomb. Most of the problems faced today are ultimately related to this situation.

    “aap muva, pichhey doob gayi duniya” would be an unhealthy attitude.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here