લાભ આપતી પાંચમ, જ્ઞાન આપતી પંચમીઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : શનિવાર, ૧૮ નવેમ્બર ૨૦૨૩)

લાભ માત્ર સ્થૂળ અર્થમાં જ થતો નથી. સુક્ષ્મ સ્વરૂપે જીવનમાં અનેક લાભ થતા રહે છે. ધંધામાં જે લાભ થાય તે બૅલેન્સ શીટમાં બતાવવો પડે અને એમાંથી સરકારને પણ ભાગે પડતો હિસ્સો આપવો પડે. સૂક્ષ્મ સ્વરૂપે થતા અગણિત લાભ વિશેની જાણકારી બીજા કોઈ સુધી પહોંચે કે ન પહોંચે એ તમામ લાભનો લાગતો-વળગતો હિસ્સો તમારે કુટુંબીઓ-મિત્રો-સમાજ સાથે વહેંચવો પડે.

જ્ઞાનપ્રાપ્તિથી થતો લાભ એટલે લાભનો સૌથી ઉચ્ચ પ્રકાર. જીવનમાં માહિતી કરતાં વધુ મહત્ત્વ જ્ઞાનનું છે. માહિતીના પાયા પર જ્ઞાનની ઈમારત ચણાતી હોય છે. માત્ર પાયા બાંધીને છોડી દીધેલી ઈમારત કેવી લાગે? જ્ઞાન ન હોય અને માત્ર માહિતી જ મગજમાં ઠાંસી દીધી હોય ત્યારે આપણું વ્યક્તિત્વ પણ એવું જ લાગે. ઈન્ફર્મેશન કરતાં નૉલેજનું મહત્ત્વ અનેકગણું.

સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે તો ગમે એવા કપરા કાળમાં કામ લાગશે, સમતા રાખવાની ક્ષમતા વધશે. કોઈપણ ક્ષેત્રમાં નક્કર આજીવિકા મેળવવી હશે, સમૃદ્ધ થવું હશે, યશ પ્રાપ્ત કરવો હશે કે પછી જીવન સાર્થક થયાનો સંતોષ મેળવવો હશે તો જ્ઞાન પ્રાપ્ત કરીને જ તે મળશે. લાભ અને જ્ઞાન એકમેકનાં પૂરક પણ છે અને જીવનમાં બેઉ અનિવાર્ય છે.

ગણેશજી વિશેની અનેક કથાઓ છે. એક કથા એવી છે કે રિદ્ધિ અને સિદ્ધિ થકી ગણેશજીને બે પુત્રો પ્રાપ્ત થયા – એકનું નામ શુભ અને બીજાનું નામ લાભ. (જોકે, અન્ય એક માન્યતા મુજબ ગણપતિ બ્રહ્મચારી હતા). શંકર-પાર્વતીને માત્ર બે પુત્રો જ નહોતા, બે પુત્રીઓ પણ હતી એવી પણ આસ્થા છે. કાર્તિકેય જેમને સાઉથમાં મુરુગન પણ કહે છે તે મોટા અને લઘુબંધુ ગણપતિ. બહેનો લક્ષ્મી અને સરસ્વતી. શુભ અને લાભ તેમ જ લક્ષ્મી તથા સરસ્વતી સાથે ગણેશજીને લોહીની સગાઈ છે એની કલ્પના કેટલી રોમાંચક છે.

ગણપતિના આશિષ સાથે જે શુભ કાર્યોનો આરંભ થાય છે તેનું પરિણામ લાભદાયી જ હોય. સરસ્વતીની આરાધના દ્વારા જે જ્ઞાનપ્રાપ્તિ થાય તેનું ફળ લક્ષ્મીરૂપે મળતું જ હોય છે. માતા પાર્વતી અને પિતા મહાદેવની છત્રછાયા હેઠળનો એમનો સમગ્ર પરિવાર આપણા જેવા કરોડોના કુટુંબોને સાચવે છે, ન્યાલ કરે છે, સુખથી તરબતર કરીને બેઉ કાંઠે છલકી જઈએ એ રીતે સમૃદ્ધ કરે છે.

લાભ પાંચમને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિક્રમના નવા વર્ષનો આરંભ થયા પછી પ્રથમ સંકલ્પ લેવાનો હોય પુરુષાર્થ કરવાનો. દિવાળી શા માટે આપણો સૌથી મહત્ત્વનો તહેવાર છે એ વિશે વાત કરતાં આપણે પુરુષાર્થ થકી પ્રાપ્ત થતી લક્ષ્મીની વાત કરી. બેસતા વર્ષે બીજો કોઈ સંકલ્પ લઈએ કે ન લઈએ, પુરુષાર્થ કરવાનો અને પુરુષાર્થમાં સાતત્ય રાખવાનો સંકલ્પ લઈએ એટલું પૂરતું છે. આમેય કોઈપણ સંકલ્પ સિદ્ધ કરવા માટે પુરુષાર્થ તો કરવો જ પડશે. રોજ વહેલા ઊઠીને ભણવાનો સંકલ્પ કરીએ, વજન ઘટાડવાનો, ડાયટિંગ કરવાનો, કોઈના પર ગુસ્સે ન થવાનો, પ્રિયજનો સાથે આત્મીયતાથી જ વર્તવાનો, પૈસા કમાવાનો, નવું ઘર, નવું વાહન લેવાનો, પરદેશ જવાનો — કોઈ પણ સંકલ્પ સાકાર કરવા માટે પુરુષાર્થ પહેલો જોઈએ. પુરુષાર્થ હશે તો જ એ સંકલ્પ સિદ્ધ થવા માટેની બાકીની સામગ્રી ક્રમશઃ પ્રાપ્ત થતી જશે.

પુરુષાર્થ થકી જે લાભ થાય છે તે માત્ર તમારા જ નહીં, આસપાસના પરિચિતોનાં અને દૂરદૂરના અજાણ્યાઓનાં પણ જીવનને ઉજાળે છે. સૌ કોઈને તમારા પુરુષાર્થનો લાભ મળતો રહે છે. તમે અંબાણી હો તો તમારી નજીકના પરિચિતોને કે દૂરદૂરનાં અજાણ્યાઓને તમારા પુરુષાર્થ થકી આર્થિક લાભ થશે. તમે સ્વામી રામદેવ હશો તો તમારા પુરુષાર્થ થકી સૌને સ્વાસ્થ્ય સંબંધી લાભ થશે, તમે સદગુરુ જગ્ગી વાસુદેવ હો તો સૌ કોઈને તમારા પુરુષાર્થ થકી અધ્યાત્મિક લાભ થશે. તમારો કોઈ પણ બાબતનો પુરુષાર્થ માત્ર તમારા માટે જ નહીં બીજા કેટલાય માટે લાભદાયી પુરવાર થતો હોય છે.

લાભ પાંચમના પવિત્ર અવસરે હિસાબના ચોપડામાં થતા લાભ ઉપરાંત તમારા પુરુષાર્થના પરિણામે આ રીતે થનાર કયા કયા લાભ તમારા ઉપરાંત બીજા કોના કોના સુધી પહોંચીને એમનું જીવન ઉજાળવાના છે એ વિશે ચિંતન કરવું.

જ્ઞાનને તમારી પાસેથી કોઈ ઝૂંટવી શકતું નથી. જ્ઞાન દ્વારા તમે જીવનને સાર્થક કરતી પ્રવૃત્તિઓ કરતાં થાઓ છો. જીવનમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે સઘળીના પાયામાં તમારું જ્ઞાન છે. લક્ષ્મીની પ્રાપ્તિ પણ જ્ઞાન દ્વારા થાય છે. તમારી પાસેની લક્ષ્મી જેમ સમાજમાં તમારું સ્થાન નક્કી કરે છે એમ તમારું જ્ઞાન પણ તમને સમાજમાં મોભાના સ્થાને બેસાડે છે., જ્ઞાન પંચમીના દિવસે, આ જ્ઞાન જેને કારણે પ્રાપ્ત થાય છે તે સરસ્વતીની પણ પૂજા કરવી.

તમે જોયું? વસંત પંચમીએ પણ સરસ્વતીની પૂજા થાય, વાક્ બારસે પણ અને જ્ઞાન પંચમી એટલે કે કારતક સુદ પાંચમે પણ સરસ્વતીનું પૂજન કરવાનું.

બેસતા વરસ પછી આગામી બાર મહિના સુધી થાક્યા વિના પુરુષાર્થ કરતાં રહેવાનું જોશ ક્યારેય ન ઓસરે એ માટે લાભ પાંચમ અને જ્ઞાન પંચમીનું આટલું મહાત્મ્ય સમજી લેવું.

ફરી એકવાર સાલ મુબારક.

આજનો વિચાર

કોઈ પણ દેશનો સાંસ્કૃતિક વારસો કેટલો સમૃદ્ધ છે તે જાણવા માટે એ દેશની પ્રજાનાં તહેવારો અને ઉત્સવોની પરંપરા કેવી છે, કેટલી જૂની છે અને તેની ઉજવણી કેવી રીતે થાય છે તે જાણવું જરૂરી છે.

-અજ્ઞાત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. 🙏Tamara purusharthney karney amaru ghnay khubaj vadhe chhe ,please keep it up,we really like your all round articles, Dilsey

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here