વિઘ્નો વિનાની, વિટંબણાઓ વિનાની, કોઈ ડર વિનાની જિંદગી હોઈ શકે?

લાઉડ માઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯)

આપણે જો એમ માનીને ચાલતાં હોઈએ કે જિંદગીમાં બધું જ સમુંસૂતરું પાર ઉતરવાનું છે તો આપણે ભૂલ કરીએ છીએ. આ વાત સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવે એમના પોતાના શબ્દોમાં આ રીતે કહી છેઃ જે લોકો એમ માને છે કે અમારી સાથે બધું સારુંસારું જ થવું જોઈએ એ લોકો આ જિંદગી જીવવાને લાયક નથી. તમારા સંઘર્ષકાળ દરમ્યાન, તમારી કસોટીની ઘડીઓ દરમ્યાન જો તમને પ્રસન્નચિત્તે અને જલસા કરતાં કરતાં જીવતાં નહીં આવડતું હોય તો તમે જિંદગીમાં ભરી પડેલી અનેક શક્યતાઓને તાગવાનું ચૂકી જશો.

જિંદગીની કિતાબ પર સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવા આ શબ્દો છે.

બે વાત છે આમાં.

એક તો, જિંદગીમાં ક્યારેય ઊબડખાબડ રસ્તાઓ, વિઘ્નો અને નિરાશાઓનો સામનો નહી કરવો પડે એવું માનવું ભૂલ ભરેલું છે. સૂરજ જેવો સૂરજ પણ ક્યારેક કાળાં વાદળોથી ઢંકાઈ જાય છે. સૂર્યદેવતા જે કામ કરવા ધારે છે તે કામ એ કરી શકતા નથી – આ કાળાં વાદળોને કારણે. પૃથ્વી પર સૂર્યકિરણો પહોંચાડીને એને જીવતી રાખવાનું કામ સૂરજનું છે. આવા ઉમદા કાર્યમાં પણ જો કુદરતી બાધા આવી શકતી હોય તો આપણે – દુન્યવી જીવોએ – હાથમાં લીધેલાં કામમાં ક્યારેક ને ક્યારેક તો વિઘ્નો આવવાનાં જ છે.

આપણે જો માની લીધું હોય કે આપણું દરેક કામ સહેલાઈથી સફળ થઈ જશે તો તે આપણી ભૂલ છે. એવું ક્યારેય બનતું નથી, બનવાનું પણ નથી. કોઈનીય સાથે નથી બન્યું. આપણને જે સૌથી સફળ વ્યક્તિઓ લાગે છે એમની સાથે પણ નહીં. જગત આખામાં સક્‌સેસસ્ટોરી તરીકે ઓળખાતા મહાનુભાવો કે એમના કામધંધા સાથે પણ આવું નથી બન્યું. દરેક વ્યક્તિએ, દરેક ધંધા-નોકરી-વ્યવસાયમાં વિઘ્નો, નિષ્ફળતાઓ અને હતાશાઓનો સામનો કર્યો જ છે. તમે અપવાદ નહીં હો એની તૈયારી રાખજો. આનો અર્થ એ નથી કે તમે ભગવાનના લાડલા નથી. છો. બાકીના બધાની જેમ તમે પણ લાડલા જ છો. પણ ભગવાન તમારું ટિમ્બર ચકાસવા, તમારી લાયકાત માપવા, તમારી દાનતની કસોટી કરવા અને તમારું ગજું કેટલું છે એની પરીક્ષા કરવા વારંવાર તમારી સરપ્રાઈઝ ટેસ્ટ લેવાનો જ છે. ક્યાંક એવું ના બને કે ભગવાન તમને અંબાણી જેટલું આપી દે પણ તમારા ખોબામાં એ માય જ નહીં, વેડફાઈ જાય, ઢોળાઈ જાય. એવું થાય તો ભગવાનની મહેનત નકામી જાય. ક્યાંક એવું ના બને કે સફળતા પામીને તમારા દિમાગ પર એટલી બધી રાઈ ચઢી જાય કે તમારો અહંકાર તમને રાવણ જેવાં કાર્યો કરવા માટે પ્રેરે. આવું થયું તોય ભગવાનની મહેનત નકામી જવાની. એટલે જ ભગવાન તમારી હેસિયત અને તમારી દાનત ચકાસવા વિઘ્નો મોકલતો રહે છે. રાતોરાત તમને કશું નથી આપતો. તમને સો ગળણે ગાળ્યા પછી જ એ નક્કી કરે છે કે તમને શું, કેટલું, ક્યારે આપવાનું છે.

સફળ ગણાતા લોકોની નિષ્ફળતાઓનો અંદાજ આપણને નથી. એમણે ભોગવેલી ઘોર યાતનાઓ, ચિંતાઓ, વિટંબણાઓની વિગતવાર વાતો આપણા સુધી પહોંચી જ નથી હોતી. સ્ટ્રગલની જે કંઈ થોડીઘણી વાતો પહોંચતી હોય છે એ બધી રોમેન્ટિસાઈઝડ્‌ હોય છે, સોફ્‌ટ ફોકસ લેન્સથી એની તસવીરો લેવાઈ હોય છેઃ મ્યુનિસિપાલિટીના દીવા નીચે ફૂટપાથ પર બેસીને અભ્યાસ કર્યો, બે જ જોડી કપડાં – એક પહેર્યાં હોય બીજાં ધોઈને સૂકાતાં હોય, ઉઘાડા પગે ધોમધખતા તડકામાં શાળાએ જવું પડતું, મુંબઈ આવીને રેલવે પ્લેટફોર્મ પર સૂઈને રાતો ગુજારી વગેરે. આ બધી વાતો જરૂર સાચી હશે પણ આ સિવાયની ઘોર સંઘર્ષની કેટકેટલીય વાતો એમણે આપણા સુધી નહીં પહોંચાડી હોય અથવા એમનાથી નહીં પહોંચી શકી હોય. સંઘર્ષના એ કાળમાં કેટલાકે એમના પગ તળેથી જાજમ ખસેડી દીધી હશે, કેટલાકે દગોફટકો કર્યો હશે, કેટલાકની સાથે એમણે પોતે દગો કર્યો હશે. સફળ પુરુષોની નિષ્ફળતાઓની ગાથા ધરાવતું કોઈ પુસ્તક બહાર પડે તો જ આ બધી વાતોની ખબર પડે. પણ કોઈ કરતાં કોઈ સક્‌સેસફૂલ વ્યક્તિ સફળ થયા પછી તદ્‌ન નિખાલસ બનીને પોતાના ખરાબ પિરિયડ વખતની પોતાની માનસિકતા વિશે વાત કરતી જ નથી, કરી શકે પણ નહીં કારણ કે પૂરી સચ્ચાઈથી એવું કરવા જાય તો એમની ઈમેજમાં ગાબડાં પડે, એમની સફળતામાં છુપાઈ ગયેલા એમના વ્યક્તિત્વના ડાઘ ઉઘાડા પડી જાય.

ડાઘ તો દરેક વ્યક્તિના સ્વભાવમાં, વિચારોમાં, વર્તનમાં, વ્યવહારમાં રહેવાના, રહેવાના ને રહેવાના જ. સફળ બન્યા પછી એને છુપાવી શકાય છે, સંઘર્ષ દરમ્યાન એને ઢાંકવાના પ્રયાસો નિષ્ફળ જતા હોય છે.

ખરાબ સમયમાં આપણને જે કંઈ માઠા અનુભવો થતા હોય છે એના કરતાં પણ અનેકગણા કપરા સંજોગોમાંથી સફળ માણસો પસાર થયા હોય છે એવું દ્રઢતાપૂર્વક માની લેવું.
આ સફળ લોકોએ પોતાનો કપરો કાળ કેવી રીતે વીતાવ્યો હશે? ફરિયાદો કરીને, બીજાઓને બ્લેમ કરીને, કચકચ કરીને, કામ અધવચ્ચે છોડી દઈને, વ્યસનોનો આશરો લઈને કે પછી નસીબનો વાંક કાઢીને?

ના. આમાંનું કશુંય એમણે કર્યું નહીં હોય.

હવે અહીં સદ્‌ગુરુની બીજી વાત આવે છે. સંઘર્ષકાળ દરમ્યાન જૉયફુલ રહેવું, હસતાં રહેવું, આનંદ-કિલ્લોલ કરતાં રહેવું. ટેન્શનની વાતો ઘરમાં કે આજુબાજુની વ્યક્તિઓમાં શૅર કરી-કરીને વાતાવરણ ભારેખમ ન બનાવી દેવું. તમારા કાલ્પનિક ભયને મગજ પર સવાર ન થવા દેવા. પ્રસન્ન રહેવું. એકાગ્રતાપૂર્વક કામ કરીએ ત્યારે આપોઆપ ચિત્ત પ્રસન્ન થઈ જતું હોય છે. ધ્યાનની અવસ્થા આ જ તો છે. હિમાલય જઈને ગુફામાં બેસીને સાધના કરવી એ જ માત્ર ધ્યાન નથી. એ તો ધ્યાન છે જ. તમે તમારા ભાગે આવેલું દરેક કામ ઓતપ્રોત થઈને, આજુબાજુની દરેક ચિંતાઓ ભૂલીને, તમારા ગજા-તમારી મતિ મુજબ શ્રેષ્ઠતમ તરીકાથી કર્યા કરો એ પણ ધ્યાન જ છે.

સંઘર્ષકાળ આવવાનો જ છે અને એ કામ દરમ્યાન પ્રસન્ન રહેવાનું છે. સદ્‌ગુરુની આ વાત જો બરાબર સમજાઈ જાય તો ન તમારે આવું બધું વાંચવાની જરૂર પડે, ન અમારે આવું બધું લખવાની.

સાયલન્સ પ્લીઝ

ભય જન્મે છે કારણ કે તમે વાસ્તવિક જિંદગી જીવવાને બદલે કલ્પનાઓ કરી-કરીને જીવતા થઈ ગયા છો.

_સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવ

7 COMMENTS

  1. ખૂબજ સરસ સંદેશ અમારું આખું કુટુંબ ખૂબજ કપરાં સમય માં થી પસાર થઇ રહ્યું છે ત્યારે આ લેખ ખુબ જ ઉપયોગી છે
    કિશોર અઢિયા
    Very much timely message
    Thanks

  2. ખુબજ સરસ જિંદગી જીવવાની એક સરસ કળા

  3. Thanks.
    Ame gujrat chhodi RAIPUR .Chhattisgarh ma vasvat kariye
    Chhiye.
    Jo aapna lekh HINDI ma pan aave to Gujrat ni suvas india
    Ma felashe.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here