થિન્ક બિગ, નહીં માફ નીચું નિશાન અને એવું બધું: સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 1 જાન્યુઆરી 2023)

આવતા 365 દિવસો માટે સંકલ્પ લેતાં પહેલાં એક આટલી વાત પર જરા વિચાર કરી જોજો.

બે વિદ્યાર્થીઓ ભણવામાં એકસરખા છે. એકસરખી અક્કલ અને એકસરખી મહેનત. એસએસસીની પરીક્ષામાં બેઉનું રિઝલ્ટ પણ એકસરખું આવે છે. પણ બેઉનાં રિએક્શન સાવ જુદા છે.

પહેલો વિદ્યાર્થી કહે છેઃ ‘બહુ સારું રિઝલ્ટ આવ્યું મારું. ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો. ધાર્યું પણ નહોતું કે આટલા સારા માર્ક્સ મારા જેવાને આવી શકે. લેટ્સ પાર્ટી’

બીજાએ કહ્યું, ‘આપઘાત કરવાનું મન થાય છે. કાંકરિયામાં ડૂબી જવાનું મન થાય છે. માત્ર 65 ટકા માર્ક્સ! મારી આખા વરસની મહેનત નકામી ગઈ!’

પહેલાએ ધાર્યું હતું કે એસએસસીમાં પચાસ-પંચાવન ટકા આવશે તો ગંગા નાહ્યા. બીજાએ કલ્પના કરી હતી કે અત્યાર સુધીનાં ધોરણોમાં જે રિઝલ્ટ આવ્યું તે,પણ એસએસસીમાં તો બોર્ડમાં નંબર લાવવાનો જ છે.

યાદ રાખો કે બેઉની ક્ષમતા એકસરખી છે, બુદ્ધિ એકસરખી છે અને મહેનત પણ એકસરખી જ છે. પણ બેઉની અપેક્ષાઓમાં ફરક છે. બીજા વિદ્યાર્થીને સમજાયું કે ના સમજાયું પણ તમને જરૂર સમજાઈ ગયું હશે કે ગજા કરતાં ઘણાં મોટાં સપનાંઓ સેવ્યા કરવાથી જિંદગીમાં અસંતોષ વધતો જાય છે, જિંદગી તૂરી બનતી જાય છે.

નહીં માફ નીચું નિશાન કે પછી થિન્ક બિગ જેવી શબ્દાવલિઓ સાંભળવામાં સુમધુર લાગે, થોડેક અંશે એની ઉપયોગિતા પણ ખરી – જો માણસના પગ ધરતી પર ખોડાયેલા રહે તો, જો માણસની પ્રકૃતિ પ્રેક્ટિકલ બનીને રહેવાની હોય તો.

પણ મોટાભાગના લોકો આ શબ્દાવલિને યથાતથ સ્વીકારીને પોતાનું ગજું જોયા વિના થિન્ક બિગ કરતા થઈ જતા હોય છે, ટાર્ગેટ પર તીર પહોંચે એ પહેલાં પોતે હજુ કેટલી મહેનત કરવાની છે તેનો અંદાજ કાઢ્યા વિના નહીં માફ નીચું નિશાનનાં મંજીરાં વગાડતાં થઈ જાય છે.

તમે જ્યારે તમારામાં રહેલી ક્ષમતાને માપતાં નથી શીખતા અને એ ક્ષમતાને ઉત્તરોત્તર વધારવા માટેની મહેનત કરવાની સૂઝ તમારામાં નથી હોતી ત્યારે તમે સ્વપ્નનગરીમાં વિહરતા થઈ જાઓ છો. આવા લોકો નાનપણથી ‘જો હું વડા પ્રધાન હોઉં તો’ વિષય પર નિબંધ લખીને પોતાને ખરેખર ભવિષ્યના પ્રાઈમ મિનિસ્ટર ગણતા થઈ જાય છે. વાસ્તવમાં 60-70 વર્ષે તેઓ કૉર્પોરેટર, નગરસેવક કે ગામના સરપંચ માંડમાંડ બની શકતા હોય છે જે અધરવાઈઝ કોઈના માટે મોટી અચીવમેન્ટ હોય પણ વડા પ્રધાન બનવાનાં શેખચલ્લી ખ્વાબ જોનારાને સરપંચ બનવાની સિદ્ધિ ચણામમરા જેવી લાગે.

માણસ જે છે એના કરતાં પોતાની જાતને બહેતર બનાવવાનું વિચારે, એ પ્રમાણે મહેનત કરે, તમામ વિઘ્નોનો સામનો કરે એમાં જ એની અને દુનિયાની પ્રગતિનો પાયો સમાયેલો છે. પણ એ કામ એક એક ડગલું આગળ વધીને થઈ શકે. ફિલ્મ લાઈનમાં પગ મૂકતાંની સાથે જ તમને લતા મંગેશકર જેવું સ્ટેટસ મળી જશે એવું સપનું ના જોવાય, ભલે ને તમને કોઈએ કહી રાખ્યું હોય કેઃ ‘થિન્ક બિગ’! વર્ષોની આરાધના પછી, દિવસરાતની નિષ્ઠાભરી મહેનત પછી અને કુદરતે જો એવું ગળું આપ્યું હોય તો તમે કદાચ લતા મંગેશકર બની શકો. નહીં માફ નીચું નિશાનનો મતલબ એ કે તમારે લગ્ન સમારંભ કે પાર્ટીઓમાં કે ઑરકેસ્ટ્રાઓમાં ગાતા સિંગર બનીને સંતોષ નથી પામવાનો. તમારું ધ્યેય પ્લેબેક સિંગિંગ દ્વારા કે કૉન્સર્ટ્સ દ્વારા લાખો-કરોડો શ્રોતાઓના પ્રિય ગાયક બનવાનું હોવું જોઈએ. પણ તમે જો નાનપણથી જ અંબાણી બનવાનું સપનું જોતા રહેશો તો ભવિષ્યમાં તમે આનંદ મહિન્દ્ર કે શશી રૂઈયા કે રાહુલ બજાજ બનશો તોય સંતોષ નહીં મળે, મરતાં દમ સુધી ખટકો રહ્યા કરશે કે તમારી પાસે અંબાણી જેવો 27 માળનો મહેલ નથી. તમારો ભવ્ય બંગલો પણ તમને ઝૂંપડી જેવો તુચ્છ લાગતો રહેશે.

થિન્ક બિગ કે નહીં માફ નીચું નિશાન જેવાં ઉત્સાહવર્ધક શબ્દોનો ઉપયોગ કિક સ્ટાર્ટ માટે ઠીક છે. એક સ્પાર્ક તરીકે એને વાપરવાના હોય. અગ્નિ પ્રગટાવવાના તણખા પૂરતો જ એનો ઉપયોગ હોય. જો આ તણખાથી અગ્નિ ના પ્રગટ્યો તો એને પડતો મૂકીને આગળ વધી જવાનું કારણ કે વારંવાર જાતને ‘થિન્ક બિગ’, ‘થિન્ક બિગ’ કહ્યા કરવાથી તમે મોટાં કામ કરી શકવાના નથી. મોટું કામ કરવું છે એવું વિચારી લીધા પછી જ ખરી મહેનત શરૂ થતી હોય છે. ‘થિન્ક બિગ’ એટલે તમારે એવરેસ્ટ આરોહણ કરીને એના સર્વોચ્ચ શિખરે પહોંચવું છે એવો સંકલ્પ. માત્ર સંકલ્પ કરવાથી કે પછી તમારી જાતને હાથમાં તિરંગો લઈને એવરેસ્ટના શિખરે ફોટા પડાવતા હો એવું દ્રશ્ય દિવસરાત જોયા કરવાથી તમે એવરેસ્ટ વિજેતા નથી બની જતા. એના માટે તમારે ઓછામાં ઓછા બે વર્ષ સુધી પર્વતારોહણની પ્રેક્ટિસ કરવી પડે. નાનાં મોટાં અનેક પર્વતો ચડવા પડે. અને એવું ક્યારે થઈ શકે? તમારું શરીર સુદ્રઢ હોય ત્યારે. શરીરમાં કોઈ જોમ ન હોય, તમે માયકાંગલા હો તો ‘થિન્ક બિગ’ કહીને એવરેસ્ટ આરોહણનાં સપનાં ના જોઈ શકો.

‘નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ એવું કવિ બળવંતરાય ક. ઠાકોરે કહ્યું ત્યારે એમણે માની લીધેલું કે જેના વડે નિશાન તાકવાનું છે તે ધનુષ્ય-બાણ કે પછી રાયફલ જેવાં હથિયારો/સાધનો તમારી પાસે છે અને એને ચલાવતાં તમને આવડે છે.

તમે આખો વખત ગાયા કરશો કે ‘નહીં માફ નીચું નિશાન’ અને તમારી પાસે એ નિશાન તાકવા માટેનું જરૂરી સાધન જ નહીં હોય તો આ પંક્તિનું ગાન શું કામનું? અને જો સાધન હશે પણ એને ચલાવવાની આવડત નહીં હોય તો પણ આ પંક્તિ તમારા માટે નકામી.

પહેલાં સાધન પ્રાપ્ત કરો અને તે પછી એને ચલાવવાની હથોટી મેળવો, નિપૂણતા પ્રાપ્ત કરો પછી ગાવાનું શરૂ કરો કે ‘નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન’. અને એ ઊંચું નિશાન પણ તમે ત્યારે જ તાકી શકશો જ્યારે એના કરતાં આસાન હોય એવાં ઘણાં બધાં નિશાનો પર પ્ર્કેટિસ કરીને એને સર કરી ચૂક્યા હશો. બેતાળીસ કિલોમીટરની મેરેથોન દોડવા માટે તમે તમારું નામ ત્યારે જ નોંધાવશો જ્યારે અનેક હાફ-મેરેથોન, અનેક ડ્રીમ રન્સ અને અનેક નાનીમોટી દોડનો તમને અનુભવ હોય. આવા કોઈ અનુભવ વગર જો તમે એક દિવસ પથારીમાંથી ઊભા થઈને ‘નહીં માફ નીચું નિશાન’ ગાતાં ગાતાં અને ‘થિન્ક બિગ’ના નારા બોલતાં બોલતાં ટીશર્ટ પર બિબ પહેરીને ફુલ મેરેથોન દોડવા નીકળી પડો તો શું થશે તમારું, ખબર છે?

એટલે જ. નવા વર્ષના સંકલ્પો લેતાં પહેલાં જરા બેવાર વિચારજો અને પછી આગળ વધજો. વિશ યુ અ વેરી હૅપી ટ્વેન્ટી ટ્વેન્ટીથ્રી!

પાન બનારસવાલા

કશું જ અશક્ય નથી.
અને
બધું જ શક્ય હોય એવું પણ નથી.
-અજ્ઞાન

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. Google maps kahe chhe ke tamara ma fakt half mile chalavavani takat hoy toh bakina rasta hun kadhish. Aa actually ‘think small’ chhe. There is a term called ‘motivational porn’ and an entire industry catering to it. It is good for a temporary high.

  2. As always, an excellent article. A similar view-point ,,,,,
    When someone says, “I want to be Vice President – XYZ” by the time I am forty, he is focusing on the position, perks, corner office and such.
    Instead, youngsters must learn to say, “I want to do better in the foreseeable horizon and gain more experience, to eventually take on more responsibilities.”
    Replace “To Be” with “To Do’.
    Hope you like this.

    May Newpremi scale greater heights in 2023. Best wishes.

  3. Loved the article. You’re right, without having commitment to put efforts to rise to a level where one can aim for Gala goal, mere dream about it is never suffice. Perfect start to Sunday.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here