અમિતાભ બચ્ચન અને સમરસેટ મૉમ જેટલા પૈસા અને પ્રસિદ્ધિ મળ્યા પછી શું? : સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૮ માર્ચ ૨૦૨૩)

રજનીશજીની આંગળી પકડીને પૈસો અને પ્રસિદ્ધિની વાત ચાલી રહી છે. રજનીશ પૈસા કે પ્રસિદ્ધિના વિરોધી નથી. રજનીશ પૈસા કે પ્રસિદ્ધિની તરફદારી પણ નથી કરતા. રજનીશ કહે છે કે જે થાય છે તેને આપમેળે થવા દો. સ્પૃહા રાખ્યા વિના તમે તમારું કામ કરો – જે થવાનું હશે તે થશે. આ વાત તો ગીતાએ પણ કહી. કર્મણ્યે વાધિકારસ્તે દ્વારા.

રજનીશ એક સ્ટેપ આગળ જાય છે. કહે છે કે કંઈક બનવાની, કંઈક થવાની ઈચ્છા હંમેશાં નિરાશામાં જ પરિણમે છે. તમને થશે કે પૈસાદાર બનવાની કે પ્રસિદ્ધ થવાની ઈચ્છા ફળીભૂત થાય તો વળી નિરાશા કેવી?

ધીરજ રાખીએ. આ લાંબી દાઢીવાળો બાવો છુપો રુસ્તમ છે અને મારા તમારા કરતાં ઘણું ડહાપણ છે એમનામાં. તમે સફળ બનવા માગો છો અને બાય ચાન્સ બની પણ ગયા તોય તમે ધરાવાના નથી. એક વખત બૅન્કમાં એક કરોડ આવી ગયા પછી તમને બીજા એક કરોડની ઈચ્છા થવાની છે. થવાની જ છે. તમારો પોતાનો જ દાખલો તમારી સામે છે. ચાલીમાં રહેતા હતા ત્યારે એક બેડરૂમના ફ્લૅટની ઈચ્છા હતી. એ મળી ગયા પછી બાજુવાળાનો ફ્લૅટ પણ ખરીદી લઈએ તો કાયમની નિરાંત એવું વિચાર્યું હતું. એ પણ લેવાઈ ગયો અને હવે કોઈ સારા એરિયામાં જઈને રહીએ જેથી બાળકોને સારી સ્કૂલમાં મૂકીએ, અડોશપડોશ બહેતર હોય. માની લો કે તમે બચ્ચનની બાજુના જ મકાનમાં રહેવા આવી ગયા તો એ જ મકાનના ડુપ્લેક્સની ઈચ્છા થતી રહેવાની. ડુપ્લેક્સ પણ થઈ ગયો તો એની અગાસીમાંથી દેખાતા બચ્ચનના બંગલા જેવું ઘર સપનામાં આવ્યા કરશે. અને ભગવાનના આશિર્વાદથી બચ્ચને એ બંગલો તમને વેચી પણ દીધો તો એના માસ્ટર બેડરૂમમાં સૂતાં સૂતાં એટલે કે આખી રાત જાગતાં જાગતાં તમે વિચાર્યા કરશો કે આજે તમારી પાસે ગાડીઓ છે, બંગલો પણ બચ્ચન જેવી લોકપ્રિયતા નથી, પ્રસિદ્ધિ નથી. બંગલાના ઉપલા માળની બાલકનીમાં ઊભેલા અગાઉના માલિકનાં દસ મિનિટ માટે દર્શન કરવા રવિવારે સેંકડોની ભીડ જમા થતી. તમે કલાકો સુધી તમારી બાલકનીમાં ધામા નાખીને પડ્યા રહો છો તોય કોઈ કૂતરુંય તમને પૂછવા નથી આવતું. જિંદગી ધૂણધાણી થઈ ગઈ ને. ઈચ્છાઓ પૂરી થાય છે, થતી જ રહે છે છતાં સંતોષ નામની ચીજ તમારા હાથમાં ક્યારેય નથી આવતી.

માટે જ રજનીશ કહે છે કે સફળતાની ઈચ્છા રાખ્યા પછી તમે સફળ થયા પણ, તોય તમારી એ સફળતા નિષ્ફળતા બરાબર છે. અને જે સફળતાથી તમે ધરાવાના ન હો એ સફળતા તમારા માટે શું કામની?

રજનીશ કહે છે કે તમે જે છો એ જ રહો, બીજા કોઈ બનવાની કોશિશ ન કરો. તમે ઑર્ડિનરી આદમી છો તો એ જ રહો, એમાં જ તમારી સફળતા છે. (અહીં રજનીશ તમને તમારી પ્રતિભાઓને સામાન્ય કે સાધારણ રાખવાની સલાહ નથી આપતા. તમારા વ્યક્તિત્વને સાદું, ઑર્ડિનરી રાખવાની વાત કરે છે). સફળ એ છે જે નોબડી છે, રજનીશ કહે છે! અબ્રાહમ લિન્કન કે એડોલ્ફ હિટલર બનવાની કોઈ જરૂર નથી. ઑર્ડિનરી રહો, નોબડી બનો અને જિંદગી તમારા માટે છલોછલ આનંદથી ભરાઈ જશે. બસ સીધાસાદા રહો. કોઈ મોટી મોટી વાતો નહીં, કોઈ ગૂંચવણો નહીં, આંટીઘૂંટી નહીં, કોઈ માગણી નહીં, ઈચ્છા નહીં. જે આપમેળે આવતું રહે એને સોગાદ માનીને સ્વીકારી લો અને ભરપેટ એને માણો. લાખો આવી સોગાદો આવતી રહેતી હોય છે જીવનમાં , પણ સતત ઈચ્છાઓમાં અટવાતું મન એને જોયા વિના જ આગળ દોડી જતું હોય છે. સકસેસ મેળવવામાં એટલા મશગૂલ થઈ ગયા છીએ કે તમને અડકીને બેઠેલી આ બધી આનંદની અપ્સરાઓની હાજરીનું ભાન પણ થતું નથી તમને.

રજનીશ માટે ઑર્ડિનરી હોવું એટલે જ એક્સ્ટ્રાઑર્ડિનરી હોવું. પણ આપણે સૌ ઑર્ડિનરી શબ્દ સાંભળીને કતરાઈએ છીએ. હું અને ઑર્ડિનરી? બીજું કોઈ હશે, મારી આસપાસના બધા જ હશે ઑર્ડિનરી. હું તો સ્પેશ્યલ છું. આ ગાંડપણનું ભૂસું આપણા સૌના મનમાં ઠાંસી ઠાંસીને ભરેલું છે.

એક આરબ જોક રજનીશ ક્વોટ કરે છે કે એ લોકોમાં એમ કહેવાય છે અલ્લા દરેક આદમીનું સર્જન થયા પછી એના કાનમાં ખાનગીમાં કહે છે: ‘મેં તારા જેવો બીજો કોઈ મનુષ્ય બનાવ્યો નથી. તું ખાસ છે. બાકીના બધા જ સામાન્ય છે.’

ઉપરવાળો આ જોક બધાની સાથે કરતો રહે છે. દરેક જણ માનતું રહે છે કે મને તો ભગવાને કહ્યું છે કે તું સ્પેશ્યલ છે, અલગ છે, યુનિક છે, બધાથી જુદો છે.

ઑર્ડિનરી થવામાં કોઈ સ્ટ્રગલ કરવી પડતી નથી. અને બધા સંઘર્ષો સમાપ્ત થઈ ગયા પછી તમામ ઉધામા શાંત થઈ જાય છે. જિંદગીનાં પાનાં જેમ જેમ ખૂલતાં જાય તેમ એને વાંચીને એનો આનંદ મેળવતા રહો. તમારા બાળપણને માણો, યુવાનીને માણો, તમારી પાછલી ઉંમરને માણો, જિંદગીને માણો અને તો જ મૃત્યુને પણ માણી શકશો. વરસની દરેક ઋતુનો આનંદ લો. દરેક સીઝનને એનું આગવું સૌંદર્ય છે. જિંદગીના દરેક તબક્કાની એની પોતાની મઝાઓ છે. જિંદગી આખી સંઘર્ષોમાં, ઉધામા કરતાં કરતાં વિતાવી હશે તો અંતિમ ઘડીઓ કેવી હશે?

રજનીશે વિલિયમ સમરસેટ મૉમ નામના બહુ મોટા બ્રિટિશ નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર વિશેના પુસ્તકની વાત કરી છે. એમના જમાનાના એ સૌથી લોકપ્રિય અને લેખનમાંથી સૌથી વધુ કમાતા લેખક હતા. ૧૯૬૫માં ૯૧ વર્ષની ઉંમરે એ ગુજરી ગયા. સમરસેટ મૉમના ભત્રીજા રૉબિન મૉમે ‘કન્વર્સેશન્સ વિથ વિલી’ નામના પુસ્તકમાં લખ્યું છે:

‘એ સૌથી ફેમસ ઑથર હતા અને સૌથી દુ:ખી પણ. એક વખત, ૯૧ની ઉંમરે એમણે મને કહ્યું હતું કે હવે હું મરી જવાનો. મને મરવાનું ગમતું નથી…’

ભત્રીજાએ પૂછ્યું કે, ‘તમારી સૌથી સુખી સ્મૃતિઓ કઈ?’ ત્યારે સમરસેટકાકાએ કહ્યું: ‘કોઈ નહીં. જિંદગીને એક ક્ષણની પણ સુખદ સ્મૃતિ નથી.’ ભત્રીજો લખે છે કે મેં એમના ડ્રોઈંગરૂમમાં નજર ફેરવી. મોંઘું ફર્નિચર, સુંદર પેઈન્ટિંગ્સ, કળાની અદ્ભુત ચીજવસ્તુઓ. એમનો એ બંગલો પણ કેવો ભવ્ય અને રમણીય હતો. મોટો બગીચો, મેડિટરેનિયન સમુદ્રના કિનારે, છ લાખ પાઉન્ડની કિંમત, તહેનાતમાં અગિયાર-અગિયાર નોકરોનો તો સ્ટાફ હતો. છતાં એ હૅપિ નહોતા.

‘આમાંથી એક ટેબલ પણ હું મારી સાથે લઈ શકવાનો નથી’, સમરસેટ મૉમ બોલ્યા હતા, ‘મારી આખી જિંદગી નિષ્ફળ ગઈ. મારે એક શબ્દ લખવો જોઈતો નહોતો. શું મળ્યું મને એમાંથી? જિંદગીમાં મને નિષ્ફળતા સિવાય કશું નથી મળ્યું પણ હવે શું થાય? કશું પણ બદલવા જેટલો સમય ક્યાં બચ્યો છે?’

સમરસેટ મૉમને જિંદગી નિષ્ફળ લાગી કારણ કે એમની પાસે બધું જ હતું, સંતોષ નહોતો. એ સંતોષ જે પૈસાથી નથી મળતો, એ સંતોષ જે પ્રસિદ્ધિથી નથી મળતો. આવતા બુધવારે પૂરું કરીએ.

સાયલન્સ પ્લીઝ

સવાલ એ નથી કે કેટલું શીખી શકાય છે, સવાલ એ છે કે કેટલું ભૂલી શાય છે.

—રજનીશ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

10 COMMENTS

  1. સૌરભભાઈ,
    આપને વાંચવા સહેલા છે પણ આપના લખાણને સમજવું અઘરું છે, કારણ આપ હ્રદયના ઊંડાણથી અને ઉર્મિઓને છલકાવી દો છો,
    આપનાં વક્તવ્યના વીડિયો પણ ઘણું બધું કહી જાય છે.

  2. આ લેખ પ્રાસંગિક છે.. આજની સ્પર્ધાત્મક યુગની ભાગદોડમાં અસંતોષ ઘર કરી ગયો છે… બધું પ્રાપ્ત હોવાં છતાં લગભગ મનુષ્ય વધુ મેળવવાંની અપેક્ષાએ જીવનનાં અંતિમ શ્વાસ આંધળી દોડ દોડતો રહે છે. મરણપથારીએ પહોંચે ત્યારે જીવન જીવવાનું રહી ગયાનું ભાન થાય છે…
    આંખો ઊઘાડનારો લેખ… 👌💐

  3. અતિ સુંદર…… ખૂબ જ વાસ્તવવાદી લખાણ હોય છે આપનું………!!!! મજ્જા પડી જાય છે માણવાની….!

  4. 90s ના સમયગાળા મા sprite cold drink ની advt. આવતી TV પર , બે મિત્રો બેઠા છે, એક શાંતીથી બેસીને sprite ગટગટાવતો chill કરતો હોય છે, બીજો એને કહે છે આમ કર ,તેમ કર life enjoy કર. પહેલો કહે હુ એજ કરી રહો છુ અને બાકી બોટલ ગટગટાવા લાગે છે. ખોટી હાયવોય કરીને part of rat race મા દોઙવામા કોઈ મજા નથી. Be ordinary but give your best whatever u do.

  5. આ આટઈકલ ખુબ જ સરસ છે તે જીંદગીમાં જીવન હકારાત્મક વિચારો વલણ અને સંતોષી વસ્તુ થઈ જીંદગી જીવી જાણો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here