ભાવનગર ડાયરી : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ગુરુવાર , ૯ માર્ચ ૨૦૨૩)

૨૭મી ફેબ્રુઆરીથી બીજી માર્ચ. સળંગ ત્રણ દિવસ, ત્રણ રાત આત્મીયજનને ત્યાં કોઈ જ કારણ વિના મહેમાનગતિ માણવાના દિવસો બાળપણમાં વૅકેશન વખતે આવતા. મારા માટે આ બૌદ્ધિક, આધ્યાત્મિક અને ઈમોશનલ વૅકેશન હતું.

સંસ્કારી નગરી ભાવનગરના અતિ સમૃદ્ધ ઇલાકામાં જ્યાં શહેરના હુઝ હુ વસે છે એવા બહુમાળી મકાનમાં આ ત્રણ દિવસ રહેવાનું છે. ઉપરના વિશાળ એપાર્ટમેન્ટમાં પીએમ મોદી પોતાના જાહેર પ્રવચનમાં જેમને યાદ કરે છે તે દાસ પેંડાવાળાનું કુટુંબ રહે છે. મારો જ્યાં ઉતારો છે તે ઘરના માસ્ટર બેડરૂમમાં જેમનું રેખાચિત્ર છે એમના પૌત્ર-પૌત્રવધુ આ સગવડભર્યો ઓરડો એમના ગેસ્ટ માટે ખાલી કરીને પોતે ગેસ્ટરૂમમાં રહેવા જતા રહ્યા છે એ જાણીને મારું ઈમોશનલ વૅકેશન એ જ ઘડીથી શરૂ થઈ જાય છે. હું મારો સામાન ગોઠવતાં પેલા રેખાચિત્ર તરફ નજર કરતો રહું છું. શાળાજીવનના દસ વર્ષ દરમિયાન આ રેખાચિત્રમાંનો ચહેરો ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં દર વર્ષે અચુક જોવા મળતો. અને એ પાના પર વાંચવા મળતા આ શબ્દો:

ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે છે…

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે…

ચૌદ વરસની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણકન્યા…

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ…

ધણણણ ડુંગરા બોલે, શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે…

મારી મેંદીનો રંગ ઊડી જાય રે, સૂરજ ! ધીમા તપો, ધીમા તપો…

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ, સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણી. મહેન્દ્રભાઈએ આ જ ઘરમાં જીવનનાં અંતિમ વર્ષો પોતાના નાના પુત્ર ગોપાલ સાથે ગાળ્યાં અને ગયા વર્ષે ઑગસ્ટમાં વિદાય લીધી. એ પહેલાં જૂનમાં મહેન્દ્રભાઈએ ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો.

ગોપાલભાઈ અને રાજુબેન સાથે મારે સાડા ત્રણ દાયકાનો નાતો. ૧૯૮૭-૮૮ના ગાળામાં હું થોડા સમય માટે મુંબઈથી સુરત કામ કરવા આવ્યો હતો. એ જ ગાળામાં નાનપુરાની વિખ્યાત જીવનભારતી સ્કૂલમાં ( ગાંધી સ્મૃતિ ભવન પાસે, ટિમલિયાવાડ) ભાવનગરની લોકમિલાપ સંસ્થાનો પુસ્તકમેળો યોજાયો હતો. લગભગ રોજ સાંજે મેળામાં જઈએ, પુસ્તકો જોઈએ, બેચાર ખરીદીએ, પાછા બીજે દિવસે જઈએ, પુસ્તકો જોઈએ, બેચાર ખરીદીએ.

લોકમિલાપ નામ સાથે ૧૯૬૯માં પહેલો પરિચય. નવ વરસની ઉંમર. મુંબઈની અમારી પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં ગાંધી શતાબ્દી નિમિત્તે મહેન્દ્ર મેઘાણી વિદ્યાર્થીઓને આકર્ષે એવાં પુસ્તકો લઈને આવ્યા હતા. એ પછી લોકમિલાપ વતી આગોતરા ગ્રાહક યોજનામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં પુસ્તકો જોયાં. તદ્દન સોંઘી કિંમત અને અત્યંત સુઘડ પ્રોડક્શન. ૧૯૭૪ની આસપાસની વાત. ‘ સૉક્રેટિસ’, ‘ઝેર તો પીધાં…’, ‘દીપનિર્વાણ’ અને હજુ એક. એ પછી તો ‘કાવ્યકોડિયાં’ અને બીજી અનેક યોજનાઓ આવી. સંસ્કારી સાહિત્ય હજારો સ્કૂલો અને ઘરોમાં રાતોરાત પહોંચવા લાગ્યું. મહેન્દ્ર મેઘાણીની અથાગ મહેનત, લગન અને નિષ્ઠા. પુત્ર ગોપાલ મેઘાણીનો મૂંગો અડીખમ સાથ. રાજુબેન પણ દરેક કામમાં પડખે. ઘરકામમાંથી ઘડીક ફુરસદ મળી નથી ને તરત ટપાલનાં પાર્સલ બાંધવા બેસી જાય.

સુરતના પુસ્તકમેળામાં રાજુબેન-ગોપાલભાઈ સાથે પરિચય થયો, પ્રેમ થયો. અમારા ખૂબ આગ્રહ પછી એક સાંજે ઘોડદોડ રોડ પરના ઘરે જમવા ભેગા થયા. બસ, ત્યારની ઘડી ને આજનો દિ. અમારી મૈત્રીનો વિસ્તાર વધતો ગયો.

વીતેલાં વરસોમાં ખૂબ વાંચ્યું, થોડું લખ્યું પણ ખરું. પણ રઈશ મણિયાર કહે છે એમ:

“આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’ !
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.”

* * * * *

એક નર્મદે લખ્યું, એક મેઘાણીએ લખ્યું , એક પન્નાલાલે લખ્યું, એક બક્ષીએ લખ્યું…આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે.

પન્નાલાલ પટેલની અમર નવલકથાનાં યાદગાર નાયક-નાયિકા કાળુ અને રાજુ. ગોપાલભાઈના સસરાનું ફેવરિટ પાત્ર રાજુ એટલે દીકરીનું નામ પણ એ જ — રાજુ ( રાજુલ નહીં, રાજુ). ગોપાલભાઈ ચંદ્રકાંત બક્ષીના ચાહક. ‘આકાર’ એમની ફેવરિટ નવલકથા એટલે એના હીરો યશ શાહ પરથી પોતાના એકમાત્ર સંતાનનું નામ રાખ્યું—યશ. આમ તો દીકરાનું નામ યશ શાહ જ રાખવાનું વિચારેલું પણ સ્કૂલમાં દાખલો કરાવતી વખતે યશ મેઘાણી લખવું પડ્યું એટલે મનની મુરાદ પૂરી કરવા શાહ અટકવાળો દોસ્તાર ગોતી લીધો.

આજે ૯મી માર્ચ. ઝવેરચંદ મેઘાણીની પુણ્ય તિથિ. ભાવનગર ડાયરીમાં હજુ ઘણી નોંધ કરવાની છે. તે આવતી કાલે. આજે મેઘાણીએ તથાકથિત લેખકોની જમાત વિશે શું કહ્યું હતું તે વિશે જરા જાણી લઈએ. લેખક બનવા માગતા કે પછી સારા વાચક બનવા માગતા કોઈપણ ગુજરાતીને મેઘાણી પાસે ગયા વિના નહીં ચાલે.

આજના તમામ નામી, પ્રતિષ્ઠિત અને ઈનામઅકરામથી લદાયેલા ગુજરાતી સાહિત્યકારોને ગાલ પર જોરદાર થપ્પડ વાગે એવું ઝવેરચંદ મેઘાણી દાયકાઓ પહેલાં લખી ગયા:

‘સહેલાઈથી સાહિત્ય સર્જાવી નાખવામાં મેં માન્યું નથી, અને એવા સતત પરિશ્રમની વચ્ચે મેં કોઈ પણ બાહ્ય પ્રલોભનને આવવા દીધું નથી. સભાઓનાં પ્રમુખસ્થાનો, જાહેર ચર્ચાઓની વાંઝણી કડાકૂટ, મોખરે સ્થાન મેળવવાની મહત્ત્વાકાંક્ષા, બંધારણોના ઝઘડા – એ બધી સાહિત્યના તપોવન પર ત્રાટકનારી અપ્સરાઓનાં રૂપોમાં હું અંજાયો નથી. એને મેં સાહિત્યકારની તપશ્ર્ચર્યાને ધૂળમાં મેળવનાર ગણી છે… પરિષદો, સંમેલનો અને સંવત્સરીઓ એ બધાં આજકાલની સાહિત્યની દુનિયાનાં ગણાતાં અંગોમાં અમને બહુ રસ નથી. ત્યાં સમુદાયના ઘોંઘાટ સિવાય બીજો નાદ બહુ અલ્પ છે.’

સોશિયલ મીડિયાના આગમન પછી ગુજરાતી ભાષામાં પણ ‘લેખકો’ અને ‘કવિ’ઓનો રાફડો ફાટી નીકળ્યો છે. સારું છે. પણ આમાંથી ઘણાને પોતાની ‘ચોપડી’ છપાવવાની ચળ ઊપડે છે. પછી તેઓ આ ચોપડીઓ લાગતાવળગતાને માથે ઠોકે છે. આ નવોદિતોએ મેઘાણીનું મંથન પચાવવાની કોશિશ કરવી જોઈએ. લેખક બનવા નીકળી પડેલા તમામ પ્રકારના લોકોને મેઘાણી કહે છે:

‘આપણે લખનારાઓ આપણી જાતને તેમ જ બીજાઓને છેતરીએ છીએ; એ છેતરપિંડીનું સ્વરૂપ સૂક્ષ્મ હોય છે. કોઈ પુસ્તકની પ્રસ્તાવનામાં લખશે: ‘કલાબલાની મને પરવા નથી, પાંચ-પચાસ સાક્ષરોને છો આમાં અણઘડપણું દેખાય. હું તો લાખોનાં જીવનમંથનોને ઉચ્ચારણ આપી રહ્યો છું.’ તો કોઈ થોથાં ને થોથાં લખીને બચાવ કરે છે: ‘હું કંઈ વિદ્વાન નથી!’ … આવા બચાવોમાં છલ રહેલું છે. વિદ્વાન હોવાના ઈનકાર માત્રથી ચાહે તેવાં રસહીન – કલાહીન લખાણો લોકોની પાસે મૂકવાનો હક્ક આપણને સાંપડતો નથી… કોઈ કહે છે: ‘આ તો ભાઈ, મારાં કાલાંઘેલાં છે. હૃદયમાં જે ઊભરા આવી ગયા ને, ભાઈ, તે મેં તો ઠાલવી નાખ્યા છે. આ તો મેં કેવળ નિજાનંદને ખાતર લખ્યું છે: આ મારું પુસ્તક સાહિત્યમાં ભલે અમર ન રહે, મેં તો ગૂર્જરી માતને ચરણે ધરી દીધું છે.’ … પોતાની કૃતિની સજાવટમાં રહેતી કચાશ પર આવાં ઢાંકણો ઢાંકવાનો કોઈ પણ લેખકને હક નથી. લખો છો તો ખરાને? નિજાનંદ ખાતર લખતા હો તો પછી છપાવો છો શા માટે? ઊભરા ઠાલવવા હોય તો એકાન્તે જઈને કાં ઠાલવી કાઢતા નથી? કલા ખાતર નથી લખતા, તો શું કઢંગાઈ માટે લખો છો? તમે જો વિદ્વાન નથી, એટલે કે જે કાંઈ લખો છો તેના જ્ઞાતા નથી, તો પછી દુનિયાને શું તમારું અજ્ઞાન આપવા નીકળ્યા છો?’

આટલું કહીને મેઘાણી માસ્ટર સ્ટ્રોક મારે છે:

‘છટકી ન જઈએ, સીધી વાત સમજી લઈએ: આપણું લખ્યું આપણે અન્યને, હજારો-લાખોને, વંચાવવું છે, તેમના દિલ હરવાં છે, ધારી અસર નિપજાવવી છે. વધુમાં વધુ સચોટ અસર નિપજાવવાની કોઈ પણ પ્રવૃત્તિ કલાવિધાન માગે છે કે નહીં? લક્ષ્યવેેધી તીરંદાજની કમાનને બેવડ વળી જવું પડે છે કે નહીં? દેવની મૂર્તિ છે માટે એનું શિલ્પવિધાન ગધેડાને મળતું હશે તો ચાલશે, એમ નથી કહી શકાતું.’

મેઘાણીને રંજ છે કે આવા લેખકો ‘પોતાની કંગાલ કૃતિઓનાં અવલોકન ન લેવાય તેની રાવ કરવામાં સમય ગુમાવે છે. તેમને નથી ભાસતો એક ફક્ત પોતાનો દોષ. તેમને પોતાની કલમ પરિપક્વ થઈ ગઈ જણાય છે. તેમની ખૂબીઓ કોઈના ખ્યાલમાં વસતી નથી, આવો ખીજવાટ તેમની અભ્યાસવૃત્તિને આવરી બેસે છે.’

આ લેખકોને માર્ગદર્શન આપવાની ફરજ નિભાવતાં મેઘાણી દાખલો આપે છે કે એક વિદ્યાર્થીને મેટ્રિક થતાં સાત વર્ષ લાગે છે, ગ્રેજ્યુએટ બનતાં ચાર વરસ લાગે છે. આવી કોઈ પણ પૂર્વતૈયારી લેખનના ધંધામાં થવી જોઈએ એટલી વાતને લેખનનો ઉમેદવાર માત્ર સાહિત્યક્ષેત્રમાં જ સ્વીકારવા તૈયાર નથી… એક કૃતિનું બે કે ત્રણ વાર પુનર્લેખન કરવાનું એ જરૂરી ગણતો નથી. જગતસાહિત્યના ઉત્કૃષ્ટ ગ્રંથોને કે એના થોડા ખંડોને, કેવળ હથોટી બેસારવા માટે ગુજરાતીમાં ઉતારી પછી ફાડી નાખવા એ તૈયાર નથી. પોતાનું લખેલું તદ્દન માલ વિનાનું છે, એવું એને મોંયે ચડીને કહેવામાં આવે છે છતાં એ કોઈ પણ હિસાબે એક વાર, બસ, પુસ્તકરૂપ ધરે એવી કંગાલ ખ્વાએશને સંતોષવા માટે એ પ્રકાશકોની લાચારી કરે છે.

મેઘાણીએ માત્ર નવોદિત લેખકોની કે લેખક બનવા માગનારાઓની જ ટીકા નથી કરી. એક વાર લખીને ફરી વાંચ્યા વિના, મઠાર્યા વિના, રિ-રાઈટ કર્યા વિના પોતાના લેખોને કે સર્જનને પુસ્તકરૂપે છપાવી દેતા એસ્ટાબ્લિશ્ડ સાહિત્યકારોને પણ લપડાક મારી છે:

‘મુદ્રણ શુદ્ધિને માટે ગ્રંથકારો કેટલી કેટલી સંભાળ રાખે છે તે જુઓ: વિક્ટર હ્યુગો પોતાની કૃતિઓનાં પ્રૂફ બાર-બાર વાર તપાસવા માગતા ને છેલ્લાં પાંચ-છ પ્રૂફોમાં તો એ અલ્પવિરામ ને પૂર્ણવિરામની જ ભૂલો સુધારતા… લેખકે પોતાની કૃતિઓનું પ્રૂફવાચન પોતે જ કરવું જોઈએ, કેમકે પ્રત્યેક પ્રૂફવાચન અક્કેક નવી આવૃત્તિ જેટલું મહત્ત્વ ધરાવે છે. કેટલીક ખૂબીઓ તો પ્રૂફ તપાસતી વેળાએ જ સ્ફૂરે છે અને કેટલાક વિચારદોષો પણ પ્રૂફવાચન વખતે પકડાઈને દૂર થઈ શકે છે. હાથનું લખેલું લખાણ તમે ત્રણ વાર છેકભૂંસ કરીને તૈયાર કરશો તો પણ તેમાં અમુક શૈથિલ્ય રહી જશે. પછી એનાં પ્રૂફ તમારી સામે રજૂ થશે ત્યારે જાણે તમે કોઈક બીજાની કૃતિ વાંચતા હો તેવી તટસ્થતાવાળી સમીક્ષકવૃત્તિ તમારામાં જન્મ પામશે.’

લેખક નવો હોય કે જૂનો, ઓછો જાણીતો હોય કે લોકપ્રિય – મહેનત કરવી પડે, સખત મજૂરી કરવી પડે. દિવસરાત પરિશ્રમ કરવો પડે. આ નોટ સાથે મેઘાણીની વાત પૂરી કરતાં પહેલાં એમનો આ વિચાર મનમાં સંઘરી લઈએ:

‘પરિશ્રમ મને પ્રિય છે. પરસેવો પાડીને મેળવેલું પરિણામ જે આવે તે મીઠું લાગે છે. હું એક કામ પૂરું કરું ત્યારે મારો સંતોષ એ હોય છે કે મારી શક્તિની સમગ્ર મર્યાદા આવી રહ્યા સુધી મેં મહેનત કરી છે; આથી વધુ સારું હું ન જ કરી શક્યો હોત. પણ હું મારી જાતને કદી એમ સમજાવી લેતો નથી કે મારી જે પ્રતિષ્ઠા થઈ ગઈ છે તેને આધારે હું જે કાંઈ ઘસડીને ફગાવીશ તે લોકો ચલાવી લેશે. અગાઉ તમે ખૂબ અચ્છી કૃતિઓ આપી છે એટલે એકાદ નબળી લોકો નિભાવી લેશે, એમ કદી ગણશો નહીં. એથી ઊલટું, અગાઉ તમે લોકોને જે આસ્વાદ કરાવ્યો હશે તેથી વધુ ઉમદા વાચનની લોકો તમારી તરફથી અપેક્ષા રાખીને બેસશે. માટે બહેતર છે કે કંઈ વધુ ન આપો, પણ જે કાંઈ આપો તે તમારા સો ટકા શ્રમનું જ પરિણામ હોવું જોઈએ. પછી શક્તિ જે નવા સીમાડા સર નથી કરી શકતી તે માટે વલખાં પણ શાં?’

મેઘાણી આઝાદી મળે એના પાંચેક મહિના પહેલાં, ૯ માર્ચ ૧૯૪૭ના રોજ અવસાન પામ્યા. ઘણી નાની ઉંમરમાં કદાવર કામ કરી ગયા. 28 ઑગસ્ટ ૧૮૯૬માં એમનો જન્મ. ૫૦ વર્ષની આયુમાં ગુજરાતી સાહિત્યના રસિકોની સાત પેઢી વાંચે તો ય ના ધરાય એટલું બધું લખ્યું. મહેન્દ્ર મેઘાણી એમના પુત્ર, ગોપાલ પૌત્ર, યશ પ્રપૌત્ર અને રેહાન પ્રપ્રપૌત્ર. દરેક પેઢીએ પોતાના અવિનાશી પૂર્વજનો અમર વારસો જાળવવાની સાથે વધુ સમૃદ્ધ પણ કર્યો છે. યશ મેઘાણીએ ‘લોકમિલાપ’ દ્વારા મેઘાણીએ લખેલાં પુસ્તકોની અત્યંત કિફાયત યોજનાઓ તૈયાર કરી છે. જેટલું વસાવાય એટલું વસાવી લેજો. ‘લોકમિલાપ’ના વૉટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે 8734918888 પર મેસેજ મોકલશો તો યશ તમને બધી માહિતી મોકલ્યા કરશે. ૫૦ વર્ષે આયુષ્ય સંકેલી લેનારા મેઘાણી ખરેખર નસીબદાર કહેવાય. જીવતે જીવ મા સરસ્વતીના અઢળક આશીર્વાદ પામ્યા. અક્ષરલોક પામ્યા પછી વારસદારોની ૪-૪ પેઢી એવી મળી જે એમના સંસ્કારોને ઉજાળતી રહી, દરેક નવા ગુજરાતી વાચકને ન્યાલ કરતી રહી.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. અમારા શ્રેષ્ઠ સાહિત્ય ના જન્મદાતા વિષે વાંચીને ખૂબ આનંદ થાય. મારા પિતા અને હું પણ તે વાંચન ના આગળ છીયે.

  2. આપના લેખ વર્ષો થી વાંચું છું, વાંચવા ગમે છે સચોટ વાતો હોય છે. ભાવનગરી છું, અને ગોપાલભાઈ ના લોકમિલાપ મા , નવું વાંચવાનું મન થાય, એટલે ત્યાં મુલાકાત લેવાની.. જૂની યાદો આપના લેખ પછી તાજી થઈ. આભાર

  3. હું લોકમિલાપમાંથી ઘણીવાર પુસ્તકો મંગાવું છું. હમણાં જ બે દિવસ પહેલાં સૌરભ શાહ લિખિત ત્રણ પુસ્તકોનો સંપુટ અને મહારાજ નવલકથા મંગાવી છે. 👍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here