બીજાનું શોષણ કરીને ફરિયાદ એવી કરવી કે મને એક્સપ્લોઇટ કરવામાં આવે છે!

લાઉડમાઉથ

સૌરભ શાહ

મેં એમના માટે શું શું નથી કર્યું અને એનો બદલો જુઓ, એણે મને કેવો આપ્યો? આવી ફરિયાદ સાંભળીને તમારી તાત્કાલિક પ્રતિક્રિયા કેવી હોય? ઇન્સ્ટન્ટ સિમ્પથીની? હા. આ રીતે ઉઘરાવવામાં આવતી સહાનુભૂતિ માટે પેલી વ્યક્તિ લાયક છે કે નહીં એવો વિચાર આપણને ભાગ્યે જ આવે છે. મોટેભાગે એ વ્યક્તિ આપણી કે કોઈનીય સહાનુભૂતિને લાયક હોતી જ નથી. એક જ બાજુનું અને તે પણ તોડીમરોડી નાખેલું વિકૃત ડિસ્ટોર્ટેડ ચિત્ર એ આપણને દેખાડે છે. એનું જૂઠ સંપૂર્ણ જૂઠ નથી હોતું એટલે આપણે એના અર્ધસત્યને પૂર્ણ સત્ય માની બેસીએ છીએ.

આ રીતે સહાનુભૂતિ ઉઘરાવનારી વ્યક્તિ તમારી સાથેના કોઈપણ પ્રકારના સંબંધમાં મળી જાય. તમારા અંગતતમ સંબંધમાં, તમારા કુટુંબમાં, તમારા વિશાળ પરિવારજનોમાં, તમારા મિત્રવર્તુળમાં, તમારી આસપાસ રહેતા લોકોમાં, તમારા જ્ઞાતિજનોમાં, ઓફિસમાં ક્યાંની પણ દરેક કિસ્સામાં અલગ અલગ પરિસ્થિતિ હોવાની. એવી દરેક પરિસ્થિતિના ઉદાહરણો આપવા બેસીશું તો પાર નહીં આવે. માત્ર આવી એકાદ પરિસ્થિતિનું કલ્પિત ઉદાહરણ લઈએ.

ફરિયાદી વ્યક્તિ તમને એમ કહે કે પેલા છોકરાને મેં વર્ષો સુધી મારા ઘરે રાખ્યો, જમાડ્યો, ભણવાનો બધો ખર્ચ મારો અને ધંધામાં પણ સેટ કર્યો, પણ હવે જુઓ, આજે એ જ માણસ મારા પેટ પર લાત મારી રહ્યો છે. મારા બધા જ ક્લાયન્ટ્સને એ પડાવી જાય છે… આવી ફરિયાદ સાંભળીને આપણે ફરિયાદી માટે સહાનુભૂતિ ધરાવતા થઈ જવાના. બરાબર? પણ આપણને ખબર નથી કે જે છોકરાને એમણે પોતાના બંગલે રાખીને ભણાવ્યો તે છોકરો વાસ્તવમાં બંગલાના આઉટહાઉસમાં નોકરો-ચોકીદારોની ગંદી-સાંકડી ખોલીમાં રહેતો હતો અને ત્યાં જ જમતો હતો, પેલા ફરિયાદીની સાથે ડાઇનિંગ ટેબલ પર નહીં. હકીકતમાં એની લાયકાત ફરિયાદી સાથે બેસીને જમવાની હતી, બેનું બેકગ્રાઉન્ડ પણ એટલું ઉજળું હતું. એ છોકરાનો પિતા ગામનો નગરશેઠ કહેવાતો. પણ પછી નસીબનું ચક્કર ફરી ગયેલું. છોકરાએ ચૂપચાપ સહન કરી લીધેલું. બે ટંકના અધૂરા ભોજન તથા ફીના પૈસાના બદલામાં ફરિયાદીએ એની ચાહને શયતાનની જેમ ઘરનું કામ, ઓફિસના ધક્કાફેરા કરાવ્યા. ફરિયાદીના આખા કુટુંબે એને એ રીતે વાપર્યો. એ જેટલું કામ કરતો એટલું કામ કરવા માટે વધુ નોકરો રાખવા પડ્યા હોત અને એમનાં પગારો-સગવડોનો ખર્ચ છોકરાનાં ફી-ભોજન ખર્ચ કરતાં દસ ગણો આવત. ફરિયાદીએ છોકરા માટે જે કંઈ કર્યું તે પોતાના પૈસા બચાવા કર્યું, સેન્ટિમેન્ટ્સ કારણોસર નહીં, પરોપકાર તો બિલકુલ જ નહીં. ફરિયાદી આજે પોતે કરેલું શોષણ ઢાંકી દેવા માગે છે. છોકરો ધંધો શરૂ કરવા માગતો હતો ત્યારે ફરિયાદીએ કેવી કેવી રીતે એના માર્ગમાં વિઘ્નો ઊભાં કર્યાં તેની ખબર માત્ર પેલા છોકરાને જ છે. ફરિયાદીને જેવું લાગ્યું કે એ છોકરો ધંધો શરૂ કરીને જ રહેશે ત્યારે ફરિયાદીએ પલટી મારીને છોકરાની નવી ઓફિસના ઉદઘાટનમાં સૌથી વહેલા પહોંચીને સૌથી મોટો બુકે આપ્યો હતો. છોકરાના ઓફિસ ધક્કાફેરા દરમ્યાન એને બેચાર ક્લાયન્ટો ઓળખતા થયા હતા જે સામેની ફરિયાદોથી ત્રાસેલા હતા, અને વિકલ્પની શોધમાં હતા. એ ક્લાયન્ટ્સ દ્વારા છોકરાનો પાયો તૈયાર થયો અને એમાં બીજા ઉમેરાયા વધુ બીજા ઉમેરાયા અને એનું નસીબ આગળ ચાલ્યું.

ચાલ્યું તે એવું ચાલ્યું કે આજે ફરિયાદી તમારી સમક્ષ તો તે શોષક હતો એ વાત છુપાવીને પોતાનું શોષણ થયું છે એવું જતાવીને સહાનુભૂતિ ઉઘરાવવાની કોશિશ કરી રહ્યો છે જેમાં એ મોટેભાગે કામિયાબ જશે કારણકે તમે માત્ર એની જ વાત સાંભળવાના છો. વાતની બીજી બાજુ કઈ છે એ જાણવાની તમને દરકાર નથી. એ જાણવી જરૂરી છે એટલીય સભાનતા કે સમજ નથી. અને એક પક્ષી વાત સાંભળીને તમે મનોમન ન્યાય તોળીને એમાં મીઠુંમરચું ભભરાવીને કાલે ચાર જણાને કહી, એ માટે જ આઠ આઠને કહેશે કે જોયું, પેલા ફરિયાદીએ છોકરા માટે કેટકેટલું કર્યું છતાં એને કેવો બદલો આપવામાં આવ્યો, છોકરો તો સાવ નગુણો નીકળ્યો.

લગ્નજીવનમાં તિરાડ પડે છે ત્યારે પતિ કે પત્ની પોતપોતાના સર્કલમાં આ જ રીતે ફરિયાદો કરતા હોય છે. પોતે શોષણ કર્યું હોય છતાં ચિત્ર એવું ઊભું કહે કે શોષણ થઈ ગયું. નોકરી-ધંધામાં દોસ્તી મૈત્રીમાં, પ્રેમમાં, રાજકારણમાં, સમાજના દરેક સ્તરમાં આવા અનેક દાખલા જોવા મળે. શોષણ કરનારાઓ જ વખત જતાં ફરિયાદ કરતા થઈ જાય કે મારું શોષણ થયું છે. આ મુદ્દો સહેજ વિગતે ડિસ્કસ કરવો છે એટલે વધુ આવતા અઠવાડિયે.

સાયલન્સ પ્લીઝ!

આપણી શિક્ષણપ્રથા આપણા સંસ્કારો અને આપણી આસપાસના લોકો આપણને નાનપણથી શીખવાડતા રહે છે કે આપણે બીજાઓનું શોષણ કરવું અને ફરિયાદ એવી કરવી કે આપણું શોષણ થયું છે.

-જિદ્દુ કૃષ્ણમૂર્તિ

સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ, 21 ફેબ્રુઆરી, 2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here