પ્રસન્નતાને ગિરવે રાખીને કમાણી થતી રહે ત્યારેઃ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિનાં વચનો

ગુડ મૉર્નિંગ એક્સ્ક્લુઝિવ: સૌરભ શાહ

(મંગળવાર, ૯ ઑક્ટોબર ૨૦૧૮)

(આ લેખશ્રેણીનો અગાઉનો હપ્તો વાંચવા અહીં ક્લિક કરો)

આજના સમયના સૌથી ખરાબ બે શબ્દો ક્યા? ‘કોઈપણ ભોગે.’ આ શબ્દો જ્યારે જ્યારે મનમાં ઘર કરી જાય છે ત્યારે વહેલો કે મોડો વિનાશ સર્જાયા વિના રહેતો નથી. ‘કોઈપણ ભોગે’ નો અર્થ એ છે કે આપણને કુદરતે આપણા માટે નક્કી કરેલું પરિણામ સ્વીકાર્ય નથી, આપણે કુદરતી કે સાહજિક બનવાને બદલે જ્યારે પોતાની જીદ પર અડી જઈએ છીએ ત્યારે ભગવાનને થાય છે કે ચાલ, આ માણસને પરચો બતાવી દઉં. ‘કોઈપણ ભોગે’ની માનસિકતા જેનામાં ઘર કરી જાય છે એ અકડ તોડવા માટે, એનો અહમ્ ચુરચુર કરવા માટે ભગવાન પાસે ઘણા રસ્તા છે. આમાંના કોઈ એક માર્ગે એ આપણી જીદ છોડાવે જ છે, આપણને એનાં શરણે લાવે જ છે.

‘કોઈપણ ભોગે’ પૈસાદાર બનવાનાં સપનાં જોનારાઓને લાલબત્તી ધરતો આ પ્રશ્ન છેઃ ‘પ્રસન્નતાના બલિદાન પર અમીર ન જ બનવું?’ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબે ‘વન મિનિટ પ્લીઝ’ પુસ્તકમાં આ સવાલોનો એક વાક્યમાં સચોટ જવાબ આપ્યો છેઃ ‘આંખના બલિદાન પર ચશ્માંનો સોદો કરવા જેવો ખરો?’

પૈસા કમાવાનો હેતુ પ્રસન્નતાપૂર્વક જીવનનિર્વાહ ચલાવવાનો છે. તમારી પાસે ખૂબ ધન હોય, અને ઉત્તરોત્તર એમાં વધારો પણ થતો હોય, તમે ધારો તે ખરીદી શકો એમ હો, ધારો ત્યાં ફરવા જઈ શકો એમ હો, ધારો એને મદદ કરી શકો એમ હો, ચિક્કર દાન-ધર્માદા પણ કરી શકો એમ હો, સારામાં સારી લાઈફસ્ટાઈલ રાખીને જીવી શકો એમ હો, સૌથી રૂપાળી સ્ત્રીને પરણી શકો એમ હો, સૌથી મોંઘી ગાડી ખરીદીને શહેરના સારામાં સારા લત્તામાં વૈભવી નિવાસસ્થાનના માલિક બની શકો એમ હો પણ જો તમે પ્રસન્ન નહીં હો તો એ ધન શું કામનું? જો તમારો સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો, જો તમે સતત સંતાપથી પીડાતા હશો તો આ શ્રીમંતાઈ શું કામની. જે ધન કમાવવા જતાં ક્લેશ,કંકાસ અને કજિયો વધી જાય અને નૈસર્ગિક પ્રસન્નતા હણાઈ જાય એ ધન ઘરમાં કે બેન્કમાં પડ્યું હશે તો તમને એનો ભાર જ લાગવાનો છે.

મોંઘામાં મોંઘી ફ્રેમનાં અને સારામાં સારા કાચનાં ચશ્માં પહેરવાનો શોખ હોય અને એવો શોખ પોસાતો પણ હોય તો એના માટેની પ્રાથમિક જરૂરિયાત કઈ? તમારી અંખો. જો કોઈ કહે કે તમે એ દાનમાં આપી દો કે ફોડી નાખો તો ગમે એટલી મોંઘી હોય એવી કાર્ટિયરની ફ્રેમ કે પ્રાડાનાં સન ગ્લાસીસ શું કામનાં? આંખ હોય તો આ બધું કામનું છે. મહારાજ સાહેબે એક સાદું ઉદાહરણ આપીને ઘણી મોટી વાત સમજાવી છે. સમજીશું ખરા?
આપણા ટૂંકા સ્વાર્થને લઈને આપણે ઘણી વખત એવા લોકોની પ્રશંસા કરતાં થઈ જઈએ છીએ જેમનામાં કશું સત્વ ન હોય. આપણને ખબર છે આ વાતની, છતાંય એમની પાસે કામ કઢાવવા, એમની ગુડ બુક્સમાં રહેવા આવી હરકત કરી બેસતા હોઈએ છીએ. અને આવું કરવામાં આપણે યોગ્ય વ્યક્તિની કદર કરવાનું ચૂકી જઈએ છીએ, એની અવગણના કરીએ છીએ, એની સામે તોછડાઈથી વર્તીએ છીએ, એનું અવમૂલ્યન કરી બેસીએ છીએ. ‘કળિયુગમાં ધ્યાનમાં રાખવા જેવી કોઈ ચીજ?’ એવા પ્રશ્નના જવાબમાં ગુરુદેવ આદેશ આપે છેઃ ‘ખોટો પૂજાય નહીં, સાચો મૂંઝાય નહીં એનું ધ્યાન રાખવું.’

કેટલીક વાતો એવી હોય છે કે જે એક વિચારના રૂપે હોય, કન્સેપ્ટના રૂપે હોય. એનું કોઈ સ્થુળ સ્વરૂપ હોતું નથી જેને આપણે સ્પર્શી શકીએ કે જોઈ શકીએ, સાંભળી શકીએ.જીવન અને પ્રેમ આવી જ કન્સેપ્ટ્સ છે. ‘જીવન પર પ્રેમ છે એની ખાતરી?’ આ સવાલના જવાબમાં કોઈ ધારે તો એવી એવી હવાઈ વાતો કરી શકે જેનાથી સંભળનાર પ્રભાવિત થઈ જાય પણ એનામાં કોઈ સમજણ ન પ્રગટે. ગુરુદેવ પ્રેક્ટિકલ છે. તેઓ તમને ગૂંચવી નાખવા માગતા નથી. ન સમજાય એવી અગડંબગડં વાતો કરવાથી પોતાની વિદ્વતાનો પ્રભાવ પડશે એવું માનનારાઓમાંના તેઓ નથી. તેઓ પોતે સરળ છે એટલે એમની પાસેની પ્રચંડ પ્રજ્ઞા પણ એટલી જ સહજતાથી પ્રગટે છે. ઉત્તર આપતાં તેઓ કહે છેઃ ‘સમય પર પ્રેમ હોય એ.’
તમે તમારો સમય કેવી રીતે વાપરો છો તેનાથી નક્કી થશે કે તમને જીવન માટે કેટલો પ્રેમ છે. તમારા સમયનું તમે શું કરો છો તેનાથી નક્કી થશે કે તમને જીવનનું કેટલું મૂલ્ય છે.

તમે ગપ્પાં મારવામાં સમય વાપરો છો, કૂથલી કરવામાં, ફાંફાં મારવામાં કે પછી તમને મળેલી એક એક ક્ષણને, કંજૂસ જેમ પોતાનો પૈસો વાપરે એવી સાવધાનીથી, વાપરો છો? ભગવાને આપણને જે કંઈ કામ સોંપ્યું છે તે કામ સિવાયની બાબતોમાં સમય વાપરવો એટલે ભગવાનનું કહ્યું ન માનવું, એમની સામે થવું. ઉપરવાળાએ તમને આ પૃથ્વી પર ખેતી કરવા મોકલ્યા, રિક્શા ચલાવવા મોકલ્યા, મકાનો બાંધવા મોકલ્યા, લોકોની સમસ્યાઓનો ઉકેલ શોધવા મોકલ્યા કે પછી સંગીત સર્જવા મોકલ્યા. એક પણ સેકન્ડ બગાડ્યા વિના તમારે તમારા ક્ષેત્રનું કામ કરવામાં સમય ગાળવો. સાથોસાથ તમારા પોતાના સંતોષ માટે, પરિવાર-મિત્રોના સંતોષ માટે જે કંઈ થોડોઘણો સમય આપવો પડે તે પણ આપવો. પણ ક્યારેય વિચારોમાં ખોવાઈ જઈને, દિવસે નિદ્રાધીન થઈને, પડ્યા રહીને, હવાઈ કિલ્લાઓ ચણતાં રહીને કે ગામગપાટા લગાવતાં લગાવતાં વ્યસનોમાં રત રહીને સમયનો વેડફાટ કરવો નહીં. જીવનને ચાહતા હોઈએ તો આપણી પાસે રોજરોજ આવતા ચોવીસ કલાકની દરેક ક્ષણને ચાહીએ, એનો અનાદર ના કરીએ.

આપણાં સૌમાં આમ તો ડહાપણનો ભંડાર હોય છે. જેને ને તેને એનો લાભ આપવાની લાલચ આપણે રોકી શકતા નથી. આટઆટલું ડહાપણ હોવા છતાં આપણે સુખી કેમ નથી, સંતોષી અને પ્રસન્ન કેમ નથી? પ્રશ્ન છેઃ ‘જીવનની બહુ મોટી કરુણતા કઈ?’ ઉત્તરઃ ‘સત્ય સમજાય છે, પણ સાચા સમયે નથી સમજાતું.’ આપણામાં જે ડહાપણ આવે છે તે જો યોગ્ય સમયે આવી ગયું હોત તો અત્યારે જે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે તેમાંથી મુક્તિ મળી જાત. સાધુસંતોને સાચા સમયે સત્ય સમજાઈ જાય છે. આપણે સત્ય સમજવામાં તેમજ સત્યની એ સમજણને સ્વીકારવામાં વિલંબ કરીએ છીએ એ જ આપણી સૌથી મોટી તકલીફ છે. રહેવાની. કારણ કે જો સાચા સમયે સત્ય સમજાઈ જતું હોત તો આપણેય અત્યારે સંત ના બની ગયા હોત!
આપણું મનોબળ કેવી રીતે સર્જાય છે? કઈ સમજણ આપણી માનસિક તાકાત વધારે છે? પ્રશ્ન એવો છે કેઃ ‘આપણી બહુ મોટી તાકાત કઈ?’ જેના જવાબમાં ગુરુદેવ કહે છેઃ ‘અંતઃકરણને પ્રમાણિક રહેવું.’ આ ત્રણ શબ્દોનો અર્થ શું? મન જેની ના પાડે તે કામ કરવું નહીં. અંદરથી ડંખતું લાગે ત્યારે અટકી જવું. પોતાની જાતને છેતરવી નહીં. હ્યદયને સાંભળવું. કોઠાસૂઝને અનુસરવું. બહારની પરિસ્થિતિનો તકાદો ગમે તે હોય, અંતઃકરણની પ્રામાણિકતા અખંડ રાખવી.

પ્રશ્નઃ ચિંતા અને ચિંતન વચ્ચે તફાવત ક્યો?
ઉત્તરઃ ‘શું થશે?’ એ ચિંતા અને ‘શું કરી શકાય છે?’ એ ચિંતન.

આપણે સૌ ચિંતા કરનારા છીએ અને ચિંતાનો ઉકેલ શોધનારાઓ ચિંતક છે.

એક બારીક વાત હવેના પ્રશ્નમાં આવે છે. વિપુલતાને આપણે સફળતા ગણી લઈએ છીએ. જેમાં ખુબ બધું હોય ત્યાં સફળતા હોવાની એવું આપણે માની લીધું છે- દેશ માટે, સમાજ માટે, પરિવાર માટે, આપણા પોતાના માટે.

પણ ક્યાંક આપણી ભૂલ થતી હોય એવું લાગે છે. એક બારીકી સમજવાની રહી જાય છે. ગુરુદેવ આ પ્રશ્નોત્તર થકી એ સમજણ આપે છેઃ

પ્રઃ વૃધ્ધિ અને વિકાસ વચ્ચે કોઈ તફાવત ખરો?
ઉઃ ઘાસ મોટું થાય એ વૃધ્ધિ અને બગીચાનું સર્જન થાય એ વિકાસ.

આવી તો અનેક સમજણો આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબે ‘વન મિનિટ, પ્લીઝ’ પુસ્તકમાં પ્રગટાવી છે. વધુ આવતીકાલે.

આજનો વિચાર

પ્રઃ જીવનમાં સો ટકા નિષ્ફળ કોણ?
ઉઃ કોઈનુંય ન સાંભળે અને બધાયનું સાંભળે એ.

_આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
(‘વન મિનિટ, પ્લીઝ’માં)

5 COMMENTS

  1. સવારે દેવાનંદ ની‌ ઞાઇડ..
    સાંજે જીવન ની ગાઇડ..
    કમાલ છે આ લેખકની.. અદભુત..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here