આ જન્મે ભલે ન માનો, આવતા જન્મે માનશો કે પુનર્જન્મ છે? : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૪ જૂન ૨૦૨૩)

કેટલીક વાતો કોઈ પણ પુરાવા વિના માની લેવી ગમતી હોય છે. કલ્પનાને જચે એવી વાતો માન્યતા બની જતી હોય છે. પછી એને લગતા ‘પુરાવાઓ’ પણ મળી રહેતા હોય છે.

પુનર્જન્મ આવી જ એક કન્સેપ્ટ છે. કેટલાક લોકો માને છે કે અમારા ધર્મમાં કહ્યું છે એટલે પુનર્જન્મ છે. કેટલાકની પાસે પુનર્જન્મને લગતાં સંશોધનો અને વૈજ્ઞાનિક પુરાવાઓ છે. તો કેટલાક કલ્પનાવિહાર માટેના ઈન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ તરીકે રિઈન્કાર્નેશનના વિષયમાં ઊંડા ઊતરે છે.

‘જન્મોજનમ’ નવલકથા લખતી વખતે આજથી અઢી-ત્રણ દાયકા પહેલાં મેં આ વિશે ખૂબ વાંચ્યું હતું અને જાણ્યું હતું. હાલાંકિ, સંશોધન કરતાં પહેલાં જ મારા દિમાગની બારી બંધ રાખી હતી. તે વખતે હું પુનર્જન્મમાં માનતો નહોતો. અત્યારે પણ નથી માનતો (એ કોણ બોલ્યું કે: આવતા જનમમાં પણ નહીં માનો?) મારે તો મારી નવલકથાના પ્લૉટમાં જે સામગ્રી જોઈતી હતી તે શોધવા સંશોધન કરતો હતો.

જે કંઈ છે તે આ એક જ જિંદગી છે. આ જિંદગીમાં ખોટાં કામ કરતાં અટકીએ અને સારાં કામ કરતાં થઈએ એ માટે પાપ-પુણ્યનો હિસાબ અને એ હિસાબકિતાબ મુજબનો આવતો જન્મ એવું જોડી કઢાયું. આવી શ્રદ્ધાને કારણે લોકો પાપ ઓછાં અને પુણ્ય વધારે કરતાં થઈ જાય તો તો સારું જ છે.

આ જિંદગીની નિરાશાઓને અને સિદ્ધિઓને ગયા જન્મ સાથે જોડી લેવામાં આવી. મહેનત ર્ક્યા પછી પણ જોઈતું ફળ ન મળ્યું તો વાંક કોનો? ગયા જનમનો. કોઈ ‘રાતોરાત’ લખપતિ-કરોડપતિ થઈ ગયો તો એનો જશ કોને? ગયા ભવમાં કરેલાં પુણ્યોને. તમારી જિંદગીની હાલાકીને કે કોઈની સફળતાને સમજવાને, બદલવાને, એનાં કારણોમાં ઊંડા ઊતરવાને બદલે ગયા જન્મ પર આખી વાત ઢોળી દેવાથી ન તો પોતાની હાલાકીઓનો હલ મળે છે, ન તો બીજા જેવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની ચાવીઓ.

લતા મંગેશકરને એક જમાનામાં પૂછવામાં આવતું કે તમે નેક્સ્ટ જન્મમાં શું બનવાનું પસંદ કરો ત્યારે એ કહેતાં કે મારે હવે લતા મંગેશકર નથી બનવું! (કદાચ, એમને ખબર હશે કે એમને જોયા પછી બીજા હજારો જણ આવતા જનમમાં એમની કૉમ્પિટિશન કરવા આવી જશે. જોકે, હજારો નહીં, લાખો સ્પર્ધકો આવે તો પણ લતાજી ઈઝ અનબીટેબલ).

જોકે, પછી લતાજી કહેતાં કે મારે આવતો જનમ જોઈતો જ નથી. આ જન્મ બસ છે. નસરીન મુન્ની કબીર સાથેના ઈન્ટરવ્યૂમાં લતાજીએ આ કહ્યું. આ પ્રેક્ટિકલ વાત છે. ખરી વાત છે.

હાઈપોથેટિકલી આવો પ્રશ્ર્ન પૂછવામાં કે એનો જવાબ આપવામાં મઝા આવે કે આવતા જન્મમાં તમે શું બનવા માગો છો. પુનર્જનમમાં ન માનતા હો તો પણ મઝા આવે.

જિંદગીમાં જ્યાંથી મળે ત્યાંથી એસ્કેપ્સ શોધતા ફરીએ છીએ. નાટક-સિનેમા-સર્કસમાં જઈને અઢી-ત્રણ કલાક માટે એસ્કેપ મેળવીએ ત્યાં સુધી સારું છે. પણ પોતાની ભૂલો કે પોતાની નિષ્ક્રિયતાથી સર્જાયેલાં પરિણામો માટે આપણને દોષી ઠેરવવાને બદલે ગયા જન્મ પર, બીજાઓ પર દોષનો ટોપલો ઢોળીએ અને આવતા જન્મ વિશે વિચારીને આશ્વાસન પામીએ ત્યારે નુકસાન આપણું પોતાનું જ થતું હોય છે. જિંદગી એવી જ બનતી હોય છે જેવી આપણે બનાવવા માગીએ છીએ, જિંદગીમાં આપણને એટલું જ મળતું હોય છે જેટલું મેળવવાની આપણી પાત્રતા-લાયકાત-હેસિયત-ઔકાત હોય છે. લાયકાત વગર જે કંઈ મળે છે તે વહેલુંમોડું છિનવાઈ જતું હોય છે. હું ધારું છું એવી જિંદગી મને ન મળતી હોય તો એનું કારણ હું જ છું. મેં નથી બનવા દીધી એવી જિંદગીને. આમાં ગયા જન્મનો કોઈ વાંક નથી.

રજનીશજીની એક વાત યાદ આવે છે. મિત્રો સાથે એ હિલ સ્ટેશન ગયા. એકો પોઈન્ટ પર જઈને મિત્રમંડળીમાંના એક જણે જોરથી કૂતરાની જેમ ભસવાનું શરૂ કર્યું. તરત જ ડઝનબંધ કૂતરાઓ ભસતાં હોય એવો શોર સંભળાયો. થોડી વાર રહીને બીજા એક મિત્રે બૌદ્ધ ધર્મના એક મંત્રનું મોટેથી ઉચ્ચારણ કર્યું. સમગ્ર વાતાવરણ એ પવિત્ર મંત્રથી ગુંજતું થઈ ગયું.

જે આપીએ છીએ તે જ પાછું મળતું હોય છે, રજનીશજીએ કહ્યું. સંબંધોમાં, વ્યવહારોમાં, જાહેર જીવનમાં બધે જ તમે જે કંઈ આપો છો એ જ તમને પાછું મળતું હોય છે. તમે જેવા છો એવી દુનિયા તમને દેખાવાની. પ્રસન્ન હશો તો દુનિયા પ્રસન્ન દેખાશે. જીવન જીવવા જેવું લાગશે. ઉદ્વિગ્ન હશો તો દુનિયા પણ કંકાસભરી લાગશે, આવામાં જીવીને શું કામ છે એવા વિચારો આવશે.

રજનીશજી કહે: જિંદગીને બદલવાની જરૂર નથી. તમે પોતે બદલાઓ, જિંદગી બદલાઈ જશે. તમારી અત્યારની જિંદગી જો તમને ગમતી ન હોય તો એનું કારણ તમે પોતે જ છો. તમે જ સર્જી છે આવી જિંદગી, તમારાં કાર્યોને કારણે – તમારા વિચારોને કારણે – તમારા સંબંધોને કારણે અત્યારે તમે જેવી જિંદગી જીવી રહ્યા છો એવી જિંદગી તમને મળી છે. નથી પસંદ તો બદલી નાખો – તમારાં કાર્યો, વિચારો, સંબંધોને.

આવતા જન્મ સુધી રાહ જોવાની કોઈ જરૂર નથી.

પાન બનારસવાલા

તું મારાથી ખૂબ દૂર દૂર છે એટલે અવારનવાર ફોન કરું છું. મેં તને પૂછયું કે ત્યાં વરસાદ છે કે નહીં અને તે માત્ર કહ્યું: હા, આંખોમાં.

– સુરેશ દલાલ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

14 COMMENTS

  1. ડો. વર્તકનું ‘પુનર્જન્મ’ પુસ્તક ખાસ વાંચવા જેવું છે જેમાં એમને વિજ્ઞાનની દર્ષ્ટિ વડે પુનર્જન્મ સમજાવ્યો છે.

  2. સૌરભભાઈ, પુનર્જન્મ જરૂર હશેજ. પણ તકલીફ એક જ છે કે આ જન્મમાં જે તકલીફ ભોગવીએ છીએ તેનું કારણ ગયા જન્મમાં શું હતું તે કોઈ પણ ઉપાયે જાણી શકાતું નથી..

  3. પરમેશ્વર દરરોજ બધા ને પુનર્જન્મ આપે છે કે માણસ સુધરી ને સારા કર્મો કરે ઍ સિવાય ના બધા જ પુનર્જન્મ ની કોઇ હકીકત નરી શ્રધ્ધા સિવાય કશુ નથી. દુનિયામાં સારા કર્મો કરીને મરી જતા એને સ્વર્ગ મળે છે જે લગભગ દરેક ધર્મ મા કહ્યુ છે..હવે જો એને સ્વર્ગ મળી ગયું તો એને ફરી દુન્યા મા મોકલવાનું શું કારણ? શું પરમેશ્વર પાસે લિમિટેડ પાવર છે કે ઍ અન્ય માણસ ને પેદા નથી કરી શક્તો.એક જ માણસ ને ઘડી ઘડી મોકલે રાખે અને તો પછી ઍ પરમેશ્વર કઈ રીતે? એટલે ઍ વાત તદ્દન તથ્ય હીન અને તર્ક સંગત નથી.. અને બીજી વાત કે જે વ્યકિત ને આ જન્મ મા ન્યાય જ નથી મળતો કે જે આપણે જોઇ જ રહ્યા છીએ કે સત્તા અને લોભ ,લાલચ થી દરેક જગ્યા ઍ લોકો ઘોર અન્યાય અન્ય લોકો સાથે કરી રહ્યા છે અને આજીવન એમને આ દુન્યા મા ન્યાય નથી મળતો. હવે જો આ થિયરી ને માનીએ કે લોકો ઍ આ જન્મ ના કર્યા અહી જ ભોગવવા પડે છે તો આપણે જોઇ ઍ છીએ કે ઘણા લોકો અન્યાય ઝુલ્મ કરી ને જાહોજલાલી સાથે મરે છે તો આમા અન્ય લોકો ને ન્યાય ક્યાથી મલ્યો???? અને માની પણ લઈએ કે આ જન્મ મા એવા લોકો ને તકલીફ મા પછી નુ જીવન ગુજાર્યુ.તો એનાથી અન્ય લોકો નો ન્યાય તો બાકી જ રહ્યો. એને સંતોષ કેમ મલે કે એના સાથેજે અન્યાય થયો એનો ન્યાય શું? અને એટલે જ પરમેશ્વર/ અલ્લાહ/ ગોડ ઍ હિસાબ કિતાબ નો પુનર્જન્મ આપશે અને ત્યા ન્યાય તોલાશે અને પરમેશ્વર નુ એલાન થશે કે અહી બધા સાથે ન્યાય થાશે અને આ જીવન મા જેણે જોર જૂલમ કર્યો અને દુન્યા મા ન્યાય ના મલ્યો એને અહી સંપુર્ણ ન્યાય મળશે અને રતિભાર પણ ઝુલ્મ નહી થાય…. આ વ્યવસ્થામા માણસ કોઇ.પણ પાપ કે ઝુલ્મ કરતા 100 વાર વિચારશે. અને પાપ ઓછુ થાસે અને ભલાઈ ના કાર્યો વધુ થાશે

  4. સાચી વાત. પુનર્જન્મ તો છે જ. આપણે થોડા મુલ્લાં કે ખ્રિસ્તી ની જેમ મર્યા પછી લટકવાના છીએ કબર માં, એ લોકોનો કોન્સેપ્ટ જ હમ્બગ છે.

  5. પુનર્જન્મ વિશે ભગવદ્ગીતાએ સમર્થન કર્યું છે. શાસ્ત્રો પણ સંમત છે. શા કારણે? તમેં વર્ણવ્યું તે ઉપરાંત…..
    – મૃત્યુનો ડર ઓછો રહે અને કર્તવ્યપથથી વિચલિત ન થઈએ.
    – સ્વજનોની વિદાય સહજતાથી ખમી શકીયે.
    મનુષ્યોની વસ્તી વધારો થતો જોઈ વિચાર આવે કે પુનર્જન્મ હોય ત્યારે કેવી રીતે ? શું ઈતર યોનીઓમાંથી કે વિશ્વના અન્ય સ્થાનોથી ?
    બધી વાતોનો મૂળ હેતુ માનવ વસ્તી હળીભળી (સખણા ) રહે,
    તે માટે આપણા પૂર્વજોએ વિચાર્યું હોય તે લાગે છે.

  6. વિચારવા જેવી વાત કહી છે તમે, સર. જોકે આ કળીયુગ છે. કહે છે કે આ યુગમાં તમે જે પાપકર્મ કરશો એનું ફળ આ ભવે જ ભોગવીને જવું પડશે. અને એ પણ એટલું જ સાચું છે કે પુનર્જન્મના નામે લોકો સૌનું ભલું કરતા રહે, કોઈને નડે નહીં, કંઈક ખરાબ કાર્ય કરતાં અટકતા હોય તો એ concept ખોટો પણ નથી જ.

  7. હા મજા પડી પણ એક વિનંતી કે આવા આપના આર્ટિકલ અમારા મેગેજીનમાં લેખ રૂપે પ્રગટ કરીયે.
    નવુ 34પાનાનું છે તેમાં સઁસ્કાર સઁસ્કૃતિ શિક્ષણ ધર્મ આધ્યાતમ વિષયક લેખો પ્રકાશિત થાય છે.
    હેમાંગિની જાઈ, ભાણદેવ, પ્રો અશ્વિન મહેતા,, dr. હર્ષદેવ માધવ., આચાર્ય ઈશ્વર પુરોહિત આવા લેખકો છે.મહેમદાબાદ ગુજરાતથી પ્રકાશિત ત્રિમાસિક છે.. તમારા લેખ ઉત્તમ અને સોલિડ હોય che.
    1100. Rs. માનધન હોય છે. સેવાર્થે લોક જાગૃત્તિ અર્થે છે. લવાજમ મૂક્યું છે વાર્ષિક 300₹. પણ ધરાર 10થી વધારે નથી 20000%printing ખર્ચ 300ને શુભેચક મોફતીયા મોકલીએ છીએ. જે 2000ખર્ચ આબે છે.

    બસ અલગારી બાબાની જજેમ સિદ્ધિવિનાયક દેવસ્થાન સેવા આપે છે..
    જો હા to will come નહીં તો ભગવાન સૌનું ભલું કરે 🙏🌹🙏
    ઈશ્વર પુરોહિત વન્દના 🌹🙏🌹

    • આપની લાગણી સરઆંખો પર, સાહેબ પણ આ બાબતે કોઈને પણ માનધન સાથે કે માનધન વગર અનુમતિ આપી શકાતી નથી તો ક્ષમા કરશો.

  8. Very true…. જે છે એ આજ જન્મ છે . અને પુનર્જન્મ હોય કે ન હોય શું ફરક પડે છે? યાદ થોડી રહેવાનુ કે અત્યાર નો જન્મ કેવો હતો ને કેવો નહી.
    કાર્યો અને વિચારો તો બદલી શકાય પણ સંબંધો કેવી રીતે બદલાય? 🤔🤔

  9. Be good and do good that’s what Vivekanandji had said . Even if one follows this one principle , you are done for the life

    • Correctly said, what you do,think, next birth in the form of new body as clothes rebirth is there
      We now see in the world different types of people,bad or good that is the proof of birth according to Karma of previous birth
      In bhagavs Gita Lord Krishna says means it is truth & nothing but the truth

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here