તમે પણ શુકન-અપશુકનમાં માનો છો? : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ . રવિવાર , ૬ નવેમ્બર ૨૦૨૨)

શુકન-અપશુકનમાં માનવાથી વ્યક્તિ અંધશ્રદ્ધાળુ કે જૂનવાણી થઈ જતી નથી અને ન માનવાથી મૉડર્ન બની જતી નથી. દરેકની પોતપોતાની માન્યતા હોવાની. ક્યારેક એવું પણ બને કે અમુક બાબતમાં તેઓ આવી માન્યતા રાખે, અમુકમાં ન રાખે. સચિન તેંડુલકર સહિતના અનેક ક્રિકેટરો પહેલાં કયા પગ પર પૅડ બાંધવું એની રસમને અનુસરતા હોય છે.

લતાજીએ બે સામસામા છેડાના કિસ્સા આ વિશે કહ્યા છે. એક વખત અમેરિકાની ટુર હતી. કુલ ૯ કન્સર્ટ કરવાની હતી. પહેલે દિવસે જે સાડી પહેરીને ગાયું એ શો સુપર હિટ થયો. એ પછીના આઠેય શોઝમાં લતાજીએ ડ્રાયક્લીન કરાવી કરાવીને એ જ સાડી પહેરીને ગાયું. બાકીની જેટલી સાડી લઈને અહીંથી ગયા હતા તે બધી ગડી ખોલ્યા વિના અકબંધ પાછી આવી. બે-ત્રણ કાર્યક્રમ પછી આયોજકોએ પૂછ્યું પણ ખરું કે તમે દર વખતે એકની એક સાડી કેમ પહેરો છો?

લતાજી કહેતાઃ ‘એનાથી પ્રોગ્રામ સારો થાય છે!’

આવું ઘણા લોકો કરતા હોય છે. લતાજી કહે છેઃ ‘હું પણ આમાંથી બાકાત નહોતી.’

પણ આના કરતાં એક તદ્દન સામા છેડાનો કિસ્સો જુઓ, જે લતાજીએ જ કહ્યો છે.

‘ચલી ચલી રે પતંગ’થી લઈને ‘તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો’ સુધીનાં અનેક હિટ ગીતો લતાજીએ જેમના માટે ગાયાં તે સંગીતકાર ચિત્રગુપ્ત સાથેનો આ કિસ્સો છે. (ચિત્રગુપ્તનાં સંતાનો આનંદ-મિલિન્દે ‘કયામત સે કયામત તક’ (પાપા કહતે હૈ બડા નામ કરેગા), ‘દિલ’ (મુઝે નીંદ ન આયે) અને ‘બેટા’ (ધક ધક કરને લગા) જેવું હિટ સંગીત સર્જ્યું હતું).

લતાજી એક વખત ચિત્રગુપ્ત માટે રેકૉર્ડિંગ કરવા ગયાં. જોયું કે ચિત્રગુપ્ત લંગડાઈને ચાલી રહ્યા હતા.

લતાજીએ પૂછ્યું કે, ‘શું થયું? કંઈ વાગ્યું?’

ચિત્રગુપ્તે કહ્યું, ‘કંઈ નથી થયું, લતા. મારી ચંપલની પટ્ટી તૂટી ગઈ છે અને હું ઘરેથી એ જ પહેરીને આવ્યો છું.’

આ સાંભળીને લતાજી કહે, ‘અરે, તમે તૂટેલી ચંપલ પહેરીને કેમ આવ્યા. ચાલો, પહેલાં નવાં ચંપલ ખરીદી લાવીએ.’

ચિત્રગુપ્ત જરા ઝંખવાણા પડી ગયા. બોલ્યા, ‘ એમાં એવું છે ને કે આ ચંપલ કોઈ મામૂલી નથી. એકદમ સ્પેશ્યલ ચંપલ છે. બહુ સંભાળીને હું રાખું છું. જે દિવસે પહેરું છું ત્યારે રેકૉર્ડિંગ સરસ થઈ જાય છે.’

હવે વારો લતાજીનો હતો! અમેરિકામાં નવે નવ કન્સર્ટમાં એક જ સાડી પહેરી હતી એ ભૂલી જઈને લતાજી કહેઃ ‘તમને ચંપલ પર આટલો વિશ્વાસ છે, મારા ગાવા પર નથી!’

અને બેઉ જણા હસી પડ્યા.

1947ના જાન્યુઆરી મહિનાની વાત. લતાજીએ માંડ માંડ પૈસા જમા કરીને મોંઘો રેડિયો ખરીદ્યો. દુકાનેથી નવો નક્કોર રેડિયો લઈને ઘરે આવીને ચટાઈ પાથરીને માથે ઓશિકું મૂકીને આડા પડ્યાં અને ત્યાં જ રેડિયો પર સમાચાર આવ્યા કે કુન્દનલાલ સહગલનું 43 વર્ષની ઉંમરે અવસાન થયું છે. લતાજીના એ સૌથી પ્રિય ગાયક. લતાજીને એમના માટે ખૂબ આદર. લતાજીને મોટો આઘાત લાગ્યો. આંખમાં આંસુ સાથે રેડિયો ઉપાડીને એ જ દુકાનમાં પાછા ગયાં અને સાવ સસ્તામાં વેચી દીધો. આવો અપશુકનિયાળ રેડિયો ઘરમાં નથી જોઈતો.

લતાજી કહે છે કે આમ તો પોતે શુકન-અપશુકનમાં માને નહીં પણ જો કોઈ દિવસ પહેલી જ વાર નવી સાડી પહેરીને કે નવું પર્સ લઈને કે નવું ઘરેણું પહેરીને રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં ગયાં હોય અને જો કામ બરાબર ન થયું હોય તો મનમાં વહેમ ભરાઈ જાય અને ફરી ક્યારેય એ સાડી, પર્સ કે ઘરેણું વપરાય નહીં!

લતાજીની જેમ આપણે પણ ઘણીવાર આવું બધું કરતાં હોઈશું. પણ એને કારણે આપણે લતાજી બની શકવાના નથી. શુકન-અપશુકનને બાજુએ રાખીએ. છેવટે તો માણસમાં રહેલી પ્રતિભા, એનો રિયાઝ, એની એકાગ્રતા તથા તે વખતે ઊભા થયેલા સંજોગો જ સારું કે ખરાબ પરિણામ લાવતાં હોય છે.

પોતાના આગ્રહો સાચવીને પણ ખૂબ મોટી ઊંચાઈએ પહોંચી શકાતું હોય છે. પણ એ આગ્રહો ઇગોને કારણે કે ઘમંડને કારણે સર્જાયેલા ન હોવા જોઈએ. તમારી કળાના કે પછી કોઈ પણ ક્ષેત્રના તમારા કામ માટે તમે નક્કી કરેલા આદર્શો સાથે તમે બાંધછોડ નથી કરવા માગતા ત્યારે તમારી સાથે કામ કરતા લોકો સાથે તમને સંઘર્ષ થતો હોય છે. થવાનો જ છે. પણ એવા વખતે તમારું બાકીનું કામ અટકી ન જવું જોઈએ – તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ, તમારી ગાડી પાટા પરથી ખડી ન પડે એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. બીજું ધ્યાન એ રાખવાનું કે જેની સાથે જે મુદ્દા પર બહસ થઈ હોય એ સિવાયના બીજા કોઈ જ મુદ્દાઓ તમારા ચિત્તમાં ઉભરવા ન જોઈએ. એટલું જ નહીં, તમારા મતભેદની વાતો તમારી ઑફિસમાં કે તમારા ફિલ્ડમાં થતી હશે, લોકો તમારા પર કાદવ ઉછાળવાની કોશિશ કરશે —આવો ડર રાખીને તમે જ્યાં ને ત્યાં ખુલાસાઓ કરીને પેલી વ્યક્તિની બુરાઈ કરવામાં લાગી જશો તો લાંબા ગાળે તમારું જ નુકસાન થવાનું છે. કોઈકની સાથે કોઈક બાબતે અણબનાવ થયો? નથી સૉલ્વ થતો? આગળ વધી જાઓ. દુનિયા ખૂબ મોટી છે. આવાં વિઘ્નોને કારણે કામમાં એક દિવસ પણ ખલેલ પડવી ન જોઈએ.

આ વાત લતા મંગેશકરે કોઈ જગ્યાએ કહી નથી. પણ લતાજી અને એમની કક્ષાના વિવિધ ક્ષેત્રના અન્ય મહાનુભાવોના જીવન પરથી જે શીખ્યો છું તેનો નીચોડ ઉપર લખ્યો છે.

પાન બનારસવાલા

કામ કરતાં કરતાં થાકી જાઓ ત્યારે થોડો આરામ કરી લેવાનો હોય, કામ છોડી દેવાનું ના હોય.
— અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. શુકન – અપ્શુકન , એ તો મનનું જ કારણ છે. જે થવાનું છે, તે જ થાય છે.
    આભાર .

  2. શુકન-અપશુકનમાં હું ખાસ માનતી નથી. બિલાડી જો રસ્તામાં આડી ઉતરે તો થાય કે જોઉં, આજે શું થાય છે મારી સાથે…. સારૂ કે ખરાબ અને પછી તો યાદ પણ ના રહે કે બિલાડી આડી ઉતરેલી.
    એક વખત મારી એક આંખ બહુ જ ફરકતી હતી. મેં મારા સાસુને આ વાત કરીને પૂછ્યું કે શું થશે હવે – સારૂ કે ખરાબ. તો મારા સાસુ, ઠંડે કલેજે, બોલ્યા કે “અજમો ચાવી લે. તને ગેસ થઈ ગયો છે.”
    શુકન – અપશુકન એ લગભગ તો કાગનું બેસવું અને ડાળનું પડવું જેવી વાત છે. અનાયાસે સાચુ પડી જતું હોય છે.

    • શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી રેખા છે..
      જે અંતરાત્મા સ્વીકારે એ જ સાચું..
      એ સાચી વાત જગતના લોકો સ્વીકારે કે ના સ્વીકારે એ મહત્વનું નથી..

  3. શુકન અપશુકન જેવું કંઈ જ નથી જીવન માં જે બનવાનું છે.એ બને જ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here