શેખ અબદુલ્લા અને નેહરુ:કોણ કોને નચાવતું હતું

370મી કલમના સંદર્ભમાં જમ્મુ-કશ્મીરના ન્યાયતંત્ર વિશેની એક વાત ઝડપથી જાણી લેવી જોઈએ. જમ્મુ-કશ્મીરની હાઈ કોર્ટને ભારતની સુપ્રીમ કોર્ટ જેટલી જ સત્તા સંખ્યાબંધ કાનૂની બાબતોમાં આપવામાં આવી છે. ભારતીય બંધારણમાં ભારતીય નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારો-ફન્ડામેન્ટલ રાઈટ્સને લગતા પ્રશ્ર્નોની બાબતે જમ્મુ-કશ્મીરની હાઈ કોર્ટ દખલગીરી કરી શકતી નથી. આ અને આવા કેટલાક ટેક્નિકલ અપવાદોને બાદ કરતાં જે ઍન્ડ કે હાઈ કોર્ટની સત્તા ભારતની સુપ્રીમ કોર્ટ પાસે હોય એવી અને એટલી છે. ત્યાંની હાઈ કોર્ટના ન્યાયાધીશો તથા ચીફ જસ્ટિસની નિમણૂક, પસંદગી તેમ જ એમને પદચ્યુત (ઈમ્પીસ) કરવાના તમામ નિયમો એ જ છે જે ભારતની સુપ્રીમ માટે ઘડાયેલા છે. ભારતનો ઈન્ડિયન પીનલ કોડ/આઈપીસી ત્યાં લાગુ પડતો નથી. એના માટે અલાયદો રણબીર પીનલ કોડ છે.

સિવિલ તથા ક્રિમિનલ એવી અનેક બાબતોમાં બાકીના ભારતના નાગરિકો માટે ગેરવાજબી હોય અને સમાનતાના નિયમોનો ભંગ કરનારી હોય એવી જોગવાઈઓ જમ્મુ-કશ્મીરમાં 1957માં અમલમાં આવી એના 9 નવ વર્ષ પહેલાં, 1948થી આ પ્રકારની બંધારણીય સત્તાઓ મેળવવાની હિલચાલ જમ્મુ-કશ્મીરમાં શરૂ થઈ ચૂકી હતી. કશ્મીરે કબાઈલીઓના હુમલાથી ડરીને ભારત સાથેના જોડાણની સંધિ કરી એ પછી તરત જ રાજ્યમાં શેખ અબદુલ્લાના નેતૃત્વ હેઠળની ‘ઈમરજન્સી ઍડ્મિનિસ્ટ્રેશન’ ગણતી સરકાર રચાઈ. શેખ અબદુલ્લાએ પંડિત નેહરુનો પ્રેમ અને વિશ્ર્વાસ મેળવ્યો હતો. થિયોરેટિકલી નેહરુ માનતા કે દિલ્હી નચાવે તેમ અબદુલ્લા નાચશે. પ્રૅક્ટિકલી અબદુલ્લા પોતાના નૃત્યનો સમગ્ર પ્લાન નક્કી કરીને દિલ્હીને કહેતા કે હવે આ સ્ક્રિપ્ટ મુજબ તમે વર્તો અને મને નચાવવાનો શોખ પૂરો કરો. 

વચગાળાની આ સરકાર વિશેની કેટલીક જોગવાઈઓ જે ભારત સરકારે મહારાજા હરિ સિંહના કહેવાથી આમેજ કરી હતી તે શેખ અબદુલ્લાની તબિયતને માફક નહોતી આવતી. આ ટેમ્પરરી વ્યવસ્થામાં મહારાજા હરિ સિંહને ભાગે પણ સારી એવી સત્તાઓ આવતી હતી. મહારાજાએ ભારત સાથેના જોડાણની જે સંધિ કરી હતી એમાંના ચાર મુદ્દા અહીં નોંધવા જેવા છે: 1. ભારત સરકાર કશ્મીરને સંપૂર્ણ લશ્કરી સંરક્ષણ છત્ર પૂરું પાડવાની જવાબદારી લેશે. ર. પરદેશની અવરજવર માટેના જે કાનૂનો ભારતીય નાગરિકોને લાગુ પડે છે તે જ કશ્મીરના નાગરિકોને લાગુ પડશે. 3. સંદેશવ્યવહારનાં સાધનો અર્થાત્ તાર, ટપાલ, રેડિયો, રેલવે, ટેલિફોન, હવાઈમથક વગેરેનું માળખું એકસમાન રહેશે. 4. કશ્મીરની રાજ્ય સરકારની ચૂંટણી વ્યવસ્થા તથા એનું ન્યાયતંત્ર. આ ચોથા મુદ્દા વિશે વિગતવાર વિચાર કરવાની તક સંધિ પર સહીઓ કરતી વખતે બેમાંથી એકેય પક્ષને પ્રાપ્ત થઈ નહીં. જમ્મુ-કશ્મીરને કેટલીક વિશેષ સવલતો ભારતના બંધારણમાં અપાઈ તેનાથી તે યુવરાજ કરણસિંહ ખુશ હતા, પણ બીજા અનેકને નારાજગી હતી. આ નારાજગી 1950ની છવ્વીસમી જાન્યુઆરીએ સ્વતંત્ર ભારતનું સંવિધાન અમલમાં આવ્યું તે પછી વધુ પ્રગટપણે જમ્મુ-કશ્મીરમાં દેખાવા લાગી. શેખ અબદુલ્લા હેઠળનું કશ્મીર જાણી ગયું કે પંડિત નેહરુનું કાંડું આમળીને જે કંઈ જોઈતું હશે તે મેળવી લેવાશે. અને 370મી કલમ દ્વારા નેહરુએ અબદુલ્લાને જોઈતું હતું તે બધું જ આપી દીધું. ભારતીય સંવિધાનની કેટલીક કલમો જમ્મુ-કશ્મીરને લાગુ પડતી નથી. ભારતનું બંધારણ આ દેશના તમામ નાગરિકોને દેશના કોઈ પણ ખૂણે વસવાનો હક્ક આપે છે. 370મી કલમ ભારતીય નાગરિકનો આ હક્ક જમ્મુ-કશ્મીર પૂરતો છીનવી લઈને કહે છે કે જમ્મુ-કશ્મીરની મૂળ વતની ન હોય એવી કોઈ પણ વ્યક્તિ એ રાજ્યમાં જમીન-ઘરની માલિકી ધરાવી શકે નહીં. એ વ્યક્તિ પાક્કી હિન્દુસ્તાની હોય તો પણ નહીં, એના સગા બાપદાદા ભારતની આઝાદીના જંગમાં કે ઈવન કશ્મીરને કબાઈલીઓથી બચાવવાની લડતમાં માર્યા ગયા હોય તો પણ નહીં. 

આની સામે જમ્મુ-કશ્મીરની વતની એવી કોઈ પણ વ્યક્તિ બાકીના ભારતમાં કોઈ પણ સ્થળે જમીન-ઘરની માલિકી ધરાવીને જલસાથી વસી શકે છે, નિશ્ર્ચિંત બનીને પોતાના ધંધાપાણી કરી શકે છે.

આજનો વિચાર

પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.

છે ખિન્ન સૂત્રધાર અને આંગળીઓ છિન્ન છે,
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત

– મકરન્દ દવે

એક મિનિટ!

બકાનો બાબો: પપ્પા, આવતી કાલે સ્કૂલમાં એક નાનકડું ગેટ ટુ ગેધર છે. તમને આમંત્રણ છે.

બકો: નાનકડું એટલે?

બકાનો બાબો: હું, તમે ને પ્રિન્સિપાલ.

6 COMMENTS

  1. We have lost Beloved Sardar Vallabhbhai Patel because of Mr Nehru ,we have lost dearest Shri Shatriji because of Shri Indiraji now to whom we should lost ???

    • ..with a present government’s political will & an appropriate timings(Readiness to face ‘sold Media’ by absolutely prepared-જડબેસલાખ-nationwide answering), section-370 is Not a Big issue..
      ‘એક થઈએ, એક્ટીવ થઈએ !’
      હાં?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here