પીઓકેના સરપંચને પાકિસ્તાન ‘આઝાદ કશ્મીર’નો વડો પ્રધાન ગણે છે!

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

બાવીસમી ઑક્ટોબરની તારીખ માત્ર જમ્મુ-કશ્મીરના જ નહીં, ભારતના ઈતિહાસ માટે અતિ મહત્ત્વની તિથિ છે. ર018ની રરમી ઑક્ટોબરે પાકિસ્તાનના કબાઈલીઓના વેશમાં આવેલા સૈનિક આક્રમણખોરોના હુમલાને 71 વર્ષ પૂરાં થશે. કબાઈલીઓ 1947ના વર્ષના એ દિવસે અબો-તાબાદના રસ્તે કશ્મીરમાં પ્રવેશ્યા હતા અને 48 કલાક કરતાં ઓછા સમયમાં શ્રીનગરથી માત્ર 40 કિલોમીટર દૂરના બારામુલ્લા ગામ સુધી આવી પહોંચ્યા હતા. ર4 ઑક્ટોબરે મહારાજા હરિ સિંહે ભારત સરકારને લશ્કર મોકલવાની અપીલ કરી. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારત તરફથી લશ્કર મોકલવા માટેની શરત રાજા હરિ સિંહને જણાવી. ભારત એ જ પ્રદેશની સુરક્ષા માટે પોતાનું લશ્કર મોકલી શકે જે પ્રદેશ ભારતનો હોય. સ્વાભાવિક અને સિમ્પલ વાત હતી. રાજા હરિ સિંહે પોતાના રાજ્યનું ભારત સાથે જોડાણ કરતા દસ્તાવેજો પર સહી કરી દીધી. ભારતીય લશ્કરે કબાઈલીઓને દૂર સુધી ખદેડી મૂકવા માટે જાનની બાજી લગાવી. હજુ આ બાબતે લશ્કરને સંપૂર્ણ સફળતા મળે તે પહેલાં, 1 જાન્યુઆરી 1948ના રોજ (અર્થાત્ હુમલાના માત્ર અઢી મહિનામાં જ) પંડિત નેહરુએ સરદાર પટેલના કર્યાકરાવ્યા પર પાણી ફેરવી દઈને આ મામલામાં સંયુક્ત રાષ્ટ્રસંઘને વચ્ચે પડવાનું કહ્યું. સરદાર નેહરુના આ પગલાંની સખત વિરુદ્ધ હતા. યશવંત દોશી (જેમના હાથ નીચે મેં 18 વર્ષની ઉંમરે પત્રકારત્વની કારકિર્દી શરૂ કરી તે ‘ગ્રંથ’ માસિકના તંત્રી) એ સરદાર પટેલની જીવનકથા લખી છે એ બાયોગ્રાફીમાં તેમ જ સરદારના પત્રોના સંકલનમાં તમને આ બાબતના ઐતિહાસિક પુરાવાઓ સાંપડશે. ગાંધીજીની પ્રકાશન સંસ્થા ‘નવજીવન’એ આ બેઉ મહામૂલાં પુસ્તકો પ્રગટ કર્યાં છે.

પંડિત નેહરુની ટૂંકી દૃષ્ટિને લીધે પાકિસ્તાનના કબાઈલીઓને પાછા પાકિસ્તાન ભેગા કરી દેવાની કવાયત અટકી ગઈ અને કબાઈલીઓએ જે પ્રદેશમાં ઘૂસણખોરી કરી લીધી હતી તેમાં ભારતીય લશ્કરને પ્રવેશવાની પાબંદી આવી ગઈ, યુદ્ધવિરામ થઈ ગયો જેને પરિણામે કાશ્મીરનો એ ઘણો મોટો હિસ્સો ભારતે ‘પાક ઑક્યુપાઈડ કશ્મીર’ (પી.ઓ.કે.) કે પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર તરીકે ઓળખવો પડે છે.

છેલ્લાં 71 વર્ષથી ભારતના નકશામાં રાજસ્થાની પાઘડીના આકાર જેવા દેખાતા કશ્મીરનો ઘણો મોટો પશ્ર્ચિમોત્તર હિસ્સો ભારતના કબજા હેઠળ નથી. અત્યાર સુધી દુનિયાના કોઈ મહત્ત્વના દેશો એટલા એ પ્રદેશને ભારતની ભૂમિ ગણતા જ નહોતા અને એવી જ ભૌગોલિક પરિસ્થિતિ દર્શાવતા નકશા છાપતા. આવા કોઈ પણ નકશા, પા ઘડીના ડાબા ઉપલા છેડાને કાપી નખાયેલા નકશા, ભારતમાં આવતાં વિદેશી મૅગેઝિનોમાં પ્રગટ થતા ત્યારે એની દરેક નકલ પર ભારત સરકાર લાંબા રબર સ્ટેમ્પ મારીને અત્યાર સુધી ખુલાસો કરતી. ર014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી આ રબર સ્ટેમ્પવાળી હાસ્યાસ્પદ મજૂરી બંધ થઈ, હવે આવું કરવું ફોજદારી ગુનો ગણાય છે. આવા નકશા છાપવા ભારતના કાનૂન મુજબ આકરી સજા થઈ શકે છે. હવે એ લોકો સીધા થઈને ભારત સરકાર જે માન્ય રાખે છે તેવા નકશા છાપતા થઈ ગયા છે. કૉન્ગ્રેસ સરકાર આટલુંય નહોતી કરી શકતી.

ભારત જે પ્રદેશને પી.ઓ.કે. ગણે છે તેને પાકિસ્તાન ‘આઝાદ કશ્મીર’ ગણાવે છે. એટલું જ નહીં એ પ્રદેશના સરપંચ જેટલી સત્તા ભોગવનાર પદાધિકારીને આઝાદ કશ્મીરના ‘વડા પ્રધાન’ ગણાવે છે!

શેખ અબદુલ્લાની નૅશનલ કૉન્ફરન્સ, મહારાજા હરિ સિંહ અને પંડિત નેહરુની તે વખતની સરકાર-આ ત્રણ પક્ષોએ ભેગા મળીને જે ખીચડી પકવીને ચૂંથી નાખેલા જમ્મુ-કશ્મીરના મસલાનું આખરી સ્વરૂપ છે ભારતીય સંવિધાનની 370મી કલમ જે આજે ગળામાં ઘંટીના પડની જેમ ભારતીય નાગરિકોના માથે મોટી જવાબદારી સમી બની ગઈ છે.

પંડિત નેહરુના દબાણ હેઠળ ભારતના બંધારણના ઘડવૈયાઓએ જમ્મુ-કશ્મીર રાજ્યને પોતાનું અલગ બંધારણ (સંવિધાન, કૉન્સ્ટિટ્યુશન) ઘડવાની કલમ 370 હેઠળ આપી. આ સત્તા હેઠળ 1951માં કશ્મીરમાં બંધારણીય સભા (કૉન્સ્ટિટ્યૂન્ટ એસેમ્બલી) રચાઈ અને 1952માં એણે ડોગરાઓના વંશ પરંપરાગત શાસનનો અંત લાવતો ઠરાવ પસાર કર્યો. 19પ4માં રાજ્યની બંધારણીય સભાએ ડ્રાફટિંગ સમિતિ રચીને બંધારણનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કર્યો. એમાં થયેલા સુધારાવધારા પછી રાજ્યની બંધારણીય સભાએ 17 નવેમ્બર 19પ6ના રોજ આ સંવિધાનનો સ્વીકાર કર્યો અને ર6 જાન્યુઆરી, 1957ના દિવસથી, ભારતના સંવિધાનના અમલીકરણના બરાબર સાત વર્ષ બાદ, જમ્મુ-કશ્મીરના સ્વતંત્ર બંધારણના અમલીકરણનો આરંભ થયો.

આજનો વિચાર

મૂર્ખાઓની સાથે તમે અક્કલવાળી વાત કહેશો તો એ તમને મૂરખ કહેશે.

– આફ્રિકન કહેવત

એક મિનિટ!

102 વર્ષે નોટઆઉટ રહેલા બકાના દાદા નટુકાકાને પત્રકારે પૂછ્યું: ‘તમારા દીર્ઘાયુષ્યનું રહસ્ય શું?’

નટુકાકા: ક્યારેય દલીલ ન કરવી.

પત્રકાર: મને નથી લાગતું કે આટલું પૂરતું છે. કસરત, પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ. આ બધાં કારણો પણ હોવા જોઈએ.

નટુકાકા: તો એમ હશે…

10 COMMENTS

  1. શુ નજીકના ભવિષ્યમાં 370 ની કલમ નાબૂદ થઈ શકે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here