‘નયા દૌર’ના શૂટિંગ માટે મોટા ભાઈ બી.આર. ચોપરાના થર્ડ આસિસ્ટન્ટ યશ ચોપરા દિલીપકુમારના બંગલે લેવા ગયા ત્યારે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ: આષાઢ સુદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૨૧. મંગળવાર, ૧૩ જુલાઈ ૨૦૨૧)

ટ્રેજેડી કિંગનું બિરૂદ એમને આપવામાં જરા ઉતાવળ કરી નાખી—ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અને દિલીપકુમારના ચાહકોએ.

રાજ કપૂર અને દેવ આનંદ જેવા સમકાલીનો એટલા જ લોકપ્રિય હતા. પણ આ અભિનેતાઓ કરતાં દિલીપકુમારે ટ્રેજિક પાત્રો વધારે ભજવ્યા, રાજ-દેવ કરતાં વધુ ફિલ્મોમાં મોતને ભેટ્યા. કબૂલ. દુખી-નિઃસહાય-લાચાર અને વખાના માર્યા ઇન્સાન તરીકેનાં પાત્રો ભજવવામાં દિલીપકુમારનો જોટો ન જડે.પણ ‘ટ્રેજેડી કિંગ’નું બિરૂદ આપીને એમને બાંધી દઈએ તો એમની અભિનયક્ષમતાને બંધિયાર બનાવીને પ્રોજેક્ટ કરીએ છીએ એવું લાગે. દિલીપકુમારે ટ્રેજિક રોલ્સ જેટલી જ ખૂબીથી હળવી ક્ષણો સર્જતાં પાત્રો ભજવ્યાં, રોમેન્ટિક અંદાજમાં પણ તેઓ રાજ કપૂર અને દેવ આનંદની બરોબરી કરી શક્યા. ઍક્શન ફિલ્મોનો એ જમાનો નહોતો. ઍક્શનના નામે સ્ટંટ ફિલ્મો બનતી. પણ ઍક્શન સીન્સ જ્યાં જ્યાં કરવાના આવ્યા તે દ્રશ્યોમાં એમણે બને એટલી વાસ્તવિકતા ઉમેરી. ધીરગંભીર પાત્રો, મૅચ્યોર્ડ પાત્રો, ફિલ્મમાં હીરોના રોલ નહીં હોવા છતાં હીરોને ઝાંખો પાડી દે એવાં મુખ્ય પાત્રો એમણે ભજવ્યાં.

દિલીપકુમારની ટૉપ ટેન ફિલ્મોની યાદી બનાવીએ તો એમાં કઈ કઈ ફિલ્મો મૂકવી જોઈએ? ટૉપ ટેનના દરેક લિસ્ટ બનાવવાનું કામ કપરું જ હોવાનું અને બનાવ્યા પછી મનદુખ પણ રહી જવાનું કે મારી મનગમતી ફિલ્મ, પુસ્તક, જગ્યા, વ્યક્તિ વગેરે કેમ આ યાદીમાં નથી.

દિલીપકુમારની યાદગાર અથવા શ્રેષ્ઠ અથવા સુપરહિટ ફિલ્મોની યાદી બનાવવા બેસીએ તો મારે હિસાબે આ સાત ફિલ્મોનાં નામ તો તરત જ મોઢે ચડેઃ

1 મધુમતી
2 દેવદાસ
3 નયા દૌર
4 અંદાઝ
5 ગંગાજમુના
6 રામ ઔર શ્યામ
અને
7 મુગલ-એ-આઝમ.

ફિલ્મોનો ક્રમ કોઈ ચોક્કસ પદ્ધતિએ નથી આપ્યો – રિલીઝના વર્ષ કે કક્કાવારી પ્રમાણે પણ નથી આપ્યો કે એની શ્રેષ્ઠતા કે લોકપ્રિયતા કે બૉક્સ ઑફિસ કલેક્શનના આધારે પણ નથી આપ્યો. યાદ આવતી ગઈ એમ કાગળ પર ટપકાવતા ગયા.

દિલીપસા’બના નિધન પછી મેં મારા કેટલાક મિત્રોને તેમજ ‘ન્યુઝપ્રેમી’ના વાચકોને પોતાની પસંદગીની ટૉપ ટેન ફિલ્મોની યાદી બનાવવાનું કહ્યું.બહુ ઇટરેસ્ટિંગ નામો આવ્યાં અને કેટલીક ચોંકાવનારી વાતો પણ મળી.

મનોરંજનની દુનિયા સાથે સંગકળાયેલા મારા એક હમઉમ્ર મિત્રે લખ્યું કે ‘મને દિલીપકુમારની એક પણ ફિલ્મ નથી ગમી’. એક મિત્રે ફિલ્મોનાં નામ મોકલીને લખ્યું કે ‘…પણ મુગલ-એ-આઝમમાં મને દિલીપકુમારનો અભિનય બિલકુલ નથી ગમ્યો!’
આવા અપવાદો પણ હોય છે જેને સ્વીકારી લેવાના હોય. પસંદ અપની અપની.

બાકીનાં જે નામો આવ્યાં એમાં મોર ઓર લેસ ઉપરની સાત ફિલ્મો કૉમન હતી. મઝાની વાત એ કે આ સાત ઉપરાંતની અનેક ફિલ્મોને સૌએ પોતપોતાની ટૉપટેન યાદીમાં મૂકી છે.

દિલીપસા’બની કારકિર્દીના છેલ્લા દાયકા દરમ્યાન આવેલી આ ફિલ્મો પણ ઘણા મિત્રો-વાચક મિત્રોને ગમી છેઃ

1 શક્તિ
2 સૌદાગર
3 મશાલ
4 વિધાતા
5 ક્રાન્તિ
6 કર્મા
અને
7 મઝદૂર

બહુ બધા લોકોએ જેનાં નામ નથી લખ્યાં પણ કોઈક કોઈકને ગમી હોય, યાદ હોય અને દિલીપકુમારની ટૉપ ટેન ફિલ્મોમાં સમાવેશ કરવાની જરૂરિયાત પણ લાગતી હોય એવી છએક ફિલ્મોનાં નામ આવ્યાં છે જેમાંની મોટાભાગની એમની કારકિર્દીની શરૂઆતની ફિલ્મો છેઃ

1 તરાના
2 ફૂટપાથ
3 દીદાર
4 અનોખા પ્યાર
5 ફિર કબ મિલોગી (ગેસ્ટરોલ)
6 મિલન (જૂની).

દિલીપકુમારની સેકન્ડ ઇનિંગ્સની (કારકિર્દીના છેલ્લા દાયકાની ફિલ્મો) અને ફર્સ્ટ ઇનિંગ્સની ફિલ્મો વચ્ચેના સંધિકાળમાં આવેલી પાંચેક ફિલ્મોને પણ ઘણાએ યાદ કરીઃ

1 બૈરાગ
2 સગીના
3 ગોપી
4 સંઘર્ષ
અને
5 દાસ્તાન.

દિલીપકુમારની ટૉપ ટેન ફિલ્મોમાં ગણાવા માટે ધક્કામુક્કી કરતી હોય એવી 14 ફિલ્મોનાં નામ લખીને આ યાદી પૂરી કરીએઃ

1 દિલ દિયા,દર્દ લિયા
2 લીડર
3 આદમી 4 યહૂદી
5 કોહીનૂર
6 આન
7 બાબુલ
8 દાગ
9 આઝાદ
10 મેલા
11 ઉડન ખટોલા
12 પૈગામ
13 અમર
અને
14 મુસાફિર

કુલ કેટલી ફિલ્મો થઈ?

7+7+6+5+14=39.

જે ફિલ્મ સ્ટારે પોતાની પાંચ-સાડા પાંચ દાયકાની કારકિર્દીમાં કુલ માત્ર 60 (સાઠ) જ ફિલ્મો કરી હોય એમની 40 જેટલી (ટુ થર્ડ જેટલી) ફિલ્મોને એમના ચાહકો આજે પણ યાદ કરતા હોય તો વિચાર કરો કે આ ૪૦ ફિલ્મોમાં એમણે કેવું મોટું કામ કર્યું હશે. દિલીપકુમાર શા માટે દિલીપકુમાર છે એનો આ પુરાવો છે. દિલીપકુમારના નિધનથી એમના નામનો એક આખો યુગ પૂરો થયો એની આ સાબિતી છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કાળ બે ભાગમાં વહેંચાઈ ગયો છે – એક દિલીપકુમાર પહેલાંનો ગાળો અને બીજો દિલીપકુમાર પછીનો ગાળો એવું જે કહેવાય છે તે સાચું જ છે એની ખાતરી આ હકીકત પરથી થઈ જશે કે 1944થી 1997 સુધીના પાંચેક દાયકામાં 60 જ ફિલ્મો કરી જેમાંની 40 હજુય લોકો યાદ કરે છે.

બાકીની વીસેક ફિલ્મોમાંથી એક ‘સગીના માહતો’નું મૂળ બંગાળી વર્ઝન છે. એક બીજી બંગાળી ફિલ્મ ‘પારી’ જેમાં અતિથિ કલાકારની ભૂમિકા હતી. બે ફિલ્મો ‘સાધુ ઔર શૈતાન’ અને ‘કોશિશ’માં એમણે કેમિયો કર્યો – દિલીપકુમાર તરીકે જ એક-એક નાનકડા દ્રશ્યમાં દેખા દીધી. આ ફિલ્મોને બાદ કરીએ તો બચે પંદરેક ફિલ્મો જેમાંની કેટલીક એમની સેકન્ડ ઇનિંગ્સમાં આવેલી ઇન્સિગ્નિફિકન્ટ ફિલ્મો છે. પછી બચી જાય ડઝનેક ફિલ્મો જેમાંની કેટલીક કારકિર્દીની શરૂઆતની ફિલ્મો છે – જે વખતે પોતે સ્ટ્રગલર હતા, લાઈનમાં નવાસવા હતા એટલે પસંદગીનો અવકાશ ઓછો હોય તે સ્વાભાવિક છે. ફિલ્મોમાં કામ કરવા મળે એ જ મોટી વાત હતી કારણ કે કામ હશે તો પોતાની ટેલેન્ટ દેખાડી શકાશે, ફિલ્મ જેવી બને તેવી. વિચાર કરો કે દિલીપકુમારે એક વખત એસ્ટાબ્લિશ થઈ ગયા પછી પાંચ-દસ જ ફિલ્મો એવી કરી છે જે એમના ચાહકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગઈ હોય.

દિલીપકુમાર એક સાથે બેથી વધુ ફિલ્મો સાઇન કરતા નહીં. ત્રીજી ફિલ્મનો રોલ, ફી ગમે એટલાં લોભામણા હોય તો પણ ના એટલે ના. અને કોઈપણ ફિલ્મ સાઇન કરતાં પહેલાં ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ ત્રણે વાતોની કુંડળી જામે પછી જ ફિલ્મ સાઇન કરવાની. એક–કોણ પ્રોડ્યુસ કરે છે, પ્રોડક્શન હાઉસની રેપ્યુટેશન કેવી છે, નિર્માતાની શાખ કેવી છે. બે- દિગ્દર્શક કોણ છે. ત્રણ – રોલ કેવો છે. આ ત્રણેય ગળણે ગાળ્યા પછી જ કૉન્ટ્રાક્ટ પર સહીસિક્કા થાય. ફિલ્મ સાઇન કર્યા પછી એમનું ઇન્વોલ્વમેન્ટ દરેક વાતમાં રહે – વાર્તા અને પટકથા અને સંવાદમાં, સાથી કલાકારો જે પાત્રો ભજવે છે તે પાત્રોને અન્યાય ન થાય—વધારે સશક્ત બને એની ખાસ કાળજી લેતા અને સાથી કલાકારોની પસંદગીમાં તથા ગીત-સંગીતમાં પણ કાળજી રાખતા. કોઈને આ દખલગીરી લાગે પણ દિલીપકુમાર પોતાની સૂઝબૂઝથી જે સૂચનો કરતા અને જેવી રીતે કરતા એને કારણે ફિલ્મની વેલ્યૂ વધી જતી.

દરેક ફિલ્મ કલાકારના જીવનમાં બનવાનું કે એણે કોઈ ફિલ્મ સાઇન કરી હોય પણ એ ફિલ્મ બની જ ન હોય કે બન્યા પછી રિલીઝ ન થઈ હોય. અભરાઈએ ચડી ગયેલા કે ચડાવી દેવા પડ્યા હોય એવા પ્રોજેક્ટ્સ ફિલ્મ લાઈનમાં જ નહીં, દરેક ક્ષેત્રમાં હોવાના. તમારા માટે છેવટે તો મહત્વ પૂરા થયેલા પ્રોજેક્ટ્સનું જ હોય છે. ટીકાકારો ભલે તમારી અધૂરા કે નિષ્ફળ ગયેલી યોજનાઓ યાદ કરે.

દિલીપકુમારની એવી ડઝનેક ફિલ્મો છે જે કોઈને કોઈ તબક્કે અભરાઈએ ચડાવી દેવામાં આવી હોય. મદનમોહનના સંગીતવાળી જેમાં મીનાકુમારી હીરોઈન હતી તે ‘બૅન્ક મેનેજર’ ફિલ્મનો પ્રોજેક્ટ આગળ વધ્યો નહીં. ‘મુગલ-એ-આઝમ’ના દિગ્દર્શક કે. આસિફે દિલીપકુમાર સાથે ‘તાજ મહલ’ અને ‘આખરી મુગલ’ બે ફિલ્મો પ્લાન કરી હતી. બેઉનું નિર્માણ પણ કે. આસિફ પોતે જ કરવાના હતા. બેઉ ફિલ્મો ન બની. બી.આર. ચોપરાના દિગ્દર્શનમાં ‘ચાણક્ય ચંદ્રગુપ્ત’ બનવાની હતી જે ન બની. એ પ્રોજેક્ટ પર ખાસ્સું એવું કામ થયું હતું. દિલીપકુમારની સાથે ધર્મેન્દ્ર, હેમા માલિની, પરવીન બાબી અને હેલનને સાઇન કરવામાં આવ્યાં હતાં.

1950ની સાલમાં મહેશ કૌલ દિગ્દર્શિત ‘હાર-સિંગાર’ની થોડીક રિલનું શૂટિંગ થયા પછી એને અભરાઈપર ચડાવી દેવામાં આવી. એમાં મધુબાલા હીરોઈન હતી. કે. આસિફે પોતાના પ્રોડક્શનમાં ‘જાનવર’ ફિલ્મ દિલીપકુમાર, સુરૈયાને લઈને શરૂ કરી, થોડીક રીલ શૂટ કર્યા પછી બંધ કરી દીધી.

એ જ રીતે નૂતન સાથેની ‘શિકવા ’ અને અન્ય હીરોઇનો સાથેની ‘મેરા વતન’ તથા ‘સમંદર’ પણ અધૂરી છોડી દેવામાં આવી. રમેશ સહગલે પોતાના પ્રોડક્શનમાં દિલીપકુમારને હીરો અને સહદિગ્દર્શક તરીકે સાઇન કરીને ‘કાલા આદમી’ પર ખૂબ પેપરવર્ક – રિસર્ચ કર્યું પણ ફિલ્મ ન બની. નિર્માતા નાસિરહુસેને દિલીપકુમાર – આશા પારેખને લઈને એક ફિલ્મનું મુહૂર્ત કર્યું પણ ફિલ્મ એ પછી આગળ વધી નહીં. દિલીપકુમારે પોતે ‘ગંગા જમુના’ની જેમ પ્રોડ્યુસ કરેલી બીજી ફિલ્મ હતી —’કલિંગ’ (1995) જેનું દિગ્દર્શન પણ એમણે પોતે જ કર્યું. રાજ બબ્બર, અમજદ ખાન અને મીનાક્ષી શેષાદ્રી એમના સહકલાકારોહતા. ફિલ્મ અધૂરી રહી ગઈ.

આ ઉપરાંત 1995માં જ ‘આગ કા દરિયા’ બની. દિલીપકુમારની સાથે રેખા, રાજીવ અને પદ્મિની કોલ્હાપુરે હતાં. ફિલ્મ આખી બની, સેન્સરનું સર્ટિફિકેટ પણ લઈ લીધું. પણ રિલીઝ ન થઈ. ડબ્બામાં જ પડી રહી.

2001માં એક ગુજરાતી પ્રોડ્યુસર દિનેશ પટેલે અરુણા ઇરાનીના પતિ કુકુ કોહલીના દિગ્દર્શનમાં દિલીપકુમાર, અજય દેવગન અને પ્રિયંકા ચોપરાને સાઇન કરીને નદીમ-શ્રવણના સંગીતમાં ‘અસર’ નામની ફિલ્મ બનાવવા નક્કી કર્યું. મુહૂર્ત થયું, થોડું શૂટિંગ પણ થયું પણ ફિલ્મ બંધ થઈ ગઈ. આ જ નિર્માતા-દિગ્દર્શક- સંગીતકારની ત્રિપુટીએ એના દસ વર્ષ પહેલાં, 1991માં ‘ફૂલ ઔર કાંટે’ બનાવી હતી જે અજય દેવગણની પહેલી ફિલ્મ હતી અને જેનાં ગીતો આજે પણ અનેક ફિલ્મ રસિકોના નોસ્ટેલ્જિયાનો ભાગ છેઃ તુમસે મિલને કો દિલ કરતા હૈ, ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, મૈંને પ્યાર તુમ્હી સે કિયા હૈ… ‘અસર’ બની હોત તો કદાચ એ દિલીપકુમારની છેલ્લી ફિલ્મ તરીકે સૌ કોઈને યાદ રહી ગઈ હોત.

દિલીપકુમારની ફિલ્મો વિશે હવે પછીના હપતાઓમાં વાતો થતી રહેશે. એમની ભરપૂર જીવાયેલી જિંદગીના ઓછા જાણીતા કિસ્સાઓ પણ જાણતા રહીશું. આજે ‘નયા દૌર’ વખતની એક વાત શેર કરું જે ઓછી જાણીતી છે. ‘નયા દૌર’ વખતે મધુબાલા અને એના પિતા સામે બી.આર.ચોપરાએ કોર્ટમાં કેસ કર્યો હતો એ તો બહુ જાણીતી વાત છે અને છતાં એ વિશે જાણવું હોય તો એ પણ જણાવીશું પણ અત્યારે નહીં.

અત્યારે એક ઓછી જાણીતી વાત જે દિલીપકુમારના ખાનદાની, સંસ્કારી અને ઉમદા સ્વભાવનો પરિચય આપે છે. ‘નયા દૌર’ના પ્રોડ્યુસર અને ડિરેક્ટર બી.આર.ચોપરાના નાના ભાઈ યશ ચોપરા યુનિટમાં થર્ડ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અનુભવ મેળવે. પૂનામાં ‘નયા દૌર’નું શૂટિંગ શરૂ થયું. શૂટિંગના દિવસે દિલીપકુમારને એમના પાલીહિલ, બ્રાન્દ્રાના બંગલેથી પૂના લઈ જવા માટે બી.આર.ચોપરાએ લાંબી ઇમ્પોર્ટેડ કાર મોકલી અને સાથે નાની ગાડીમાં યશ ચોપરાને મોકલ્યા જે ગાડી દિલીપસા’બ માટેની લિમુસિનની પાછળ પાછળ આવે એવું આયોજન હતું. યશજી દિલીપસા’બ ને તેડવા પહોંચી ગયા. બંગલાની બહાર બે ગાડી ઊભી હતી. દિલીપકુમાર સમજી ગયા. કંઈ પણ બોલ્યા કર્યા વિના તેઓ યશ ચોપરાની નાની ગાડીનો દરવાજો ખોલીને પાછલી સીટ પર બેસી ગયા અને પચ્ચીસ વર્ષના યશ ચોપરાને ઑલરેડી સુપરસ્ટાર બની ચૂકેલા દિલીપકુમારે કહ્યું : મારી સાથે બેસી જા.

યશ ચોપરાએ આનાકાની કરી, મોટી ગાડી તમારા માટે છે એવું પણ કહ્યું અને છેવટે ડર દેખાડ્યો કે ભાઈસાહેબને ખબર પડશે કે હું તમને નાની ગાડીમાં પૂના સુધી લઈ આવ્યાં છું અને તમારી સાથે એક સીટ પર બેઠો છું તો મારી હાલત ખરાબ કરી નાખશે.

દિલીપકુમારે શાંતિથી કહ્યું : હું એમને સંભાળી લઇશ, આપણે તારી જ ગાડીમાં પૂના સુધી જઇએ – લાંબી ગાડી ભલે આપણી પાછળ પાછળ ખાલી આવતી!

દિલીપકુમારને લગતા આવા તો અનેક કિસ્સાઓ છે. આ કિસ્સાઓ કોઈએ ઉપજાવી કાઢેલા નથી કે ફિલ્મસ્ટારના પબ્લિક રિલેશન્સ મૅનેજરના તુક્કા નથી. આ પર્ટિક્યુલર કિસ્સો ખુદ યશ ચોપરાએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ગ્રુપના ફિલ્મવીકલી ‘સ્ક્રીન’ના ભૂતપૂર્વ તંત્રી ઉદયતારા નાયરને કહ્યો હતો.

જતાં જતાં દિલીપકુમારને ટ્રેજેડી કિંગના બિરૂદથી શા માટે બાંધી દેવા ન જોઈએ એનો એક ઉત્તમ દાખલો જોતા જઇએ. 1974ની ‘સગીના’ ફિલ્મની વાતથી આપણે દિલીપકુમારને અંજલિ આપવાની શરૂઆત કરી હતી જેમાં એ ફિલ્મનું ખૂબ જાણીતું થયેલું ગીત ‘સાલા, મૈં તો સાહબ બન ગયા’ ઉલ્લેખ પામેલું. આ તોફાની ગીત સચિન દેવ બર્મને કંપોઝ કર્યું અને મજરૂહ સુલતાનપુરીએ એના મસ્તીભર્યા શબ્દો લખ્યા. ગીત પોતે જ મઝાનું છે. કિશોરકુમારે જબરી એનર્જીથી ગાયું છે. દિલીપકુમારને પ્લેબેક આપ્યું હોય એવું કિશોરદાનું આ પહેલું ગીત. આ ગીતને પડદા પર જોવાની મઝા જ કંઇક અલગ છે. દિલીપકુમારની એકેએક હરકત તમને મઝા કરાવશે. વચ્ચે વચ્ચે આવતા ઓમ પ્રકાશ સાથેની એમની જુગલબંધી બોનસ છે. આખું ગીત તમને યુ ટ્યુબ પર જોવા મળશે. ગીત જોયા પછી તમે કહેશો કે કૉમેડી કિંગનું બિરૂદ પણ દિલીપસાહેબ ને આપવું પડે. ‘દેવદાસ’થી લઇને ‘શક્તિ’માટે બેસ્ટ એક્ટર તરીકેના ફુલ આઠ ફિલ્મફેર એવોર્ડના વિજેતા પોતાની ધીરગંભીર ઇમેજને તોડીને જે ગીત પડદા પર ગાય છે. ગીતના ધમાલ શબ્દો સાથે આજનો એપિસોડ પૂરો કરીએ :

સાલા, મૈં તો સાહબ બન ગયા,
સાહબ બન કે કૈસા તન ગયા,
યે સૂટ મેરા દેખો, બૂટ મેરા દેખો જૈસે ગોરા કોઈ લંઢન કા…

(વાહ ફકીરે, સૂટ પહન કર કૈસા કૂદે–ફાંદે,કૌવા જૈસે પંખ મયૂર કે અપની દુમ મેં બાંધે)

અપની દુમ મેં બાંધે?
અરે, ક્યા જાનો હમ ઇસ ભેજા મેં
ક્યા ક્યા નકસા ખીંચા,
લીડર લોગ કી ઊંચીબાતેં,
ક્યા સમઝે તુમ નીચા, મેરા વો સબ જાહિલપન ગયા…
સાલા, મૈં તો
સાહબ બન ગયા

(સૂરત હૈ બંદર કી ફિર ભી
લગતી હૈ અલબેલી, કૈસા
રાજા ભોજ બના હૈ મેરા
ગંગુ તેલી…)

ક્યા? ગંગુ તેલી!
તુમ લંગોટીવાલા ન બદલા હૈ ન બદલેગા,
તુમ સબ કાલા લોગ કા
કિસ્મત હમ સાલા બદલેગા,
હમ સાલા બદલેગા,
સીના
દેખો કૈસા તન ગયા….
સાલા, મૈં તો સાહબ બન ગયા…

વધુ આવતી કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

12 COMMENTS

  1. લંઢન કા ઊચ્ચારણ આ ગીત નો USP છે. દીલીપસાબ સાથે ઓમપ્રકાશજી એ તાલમા તાલ મેળવ્યો છે. દિલીપસાબ જેવા દિગ્ગજ કલાકાર વિશેની સીરીઝ અંતહીન હોય એવી મહેચ્છા.

  2. સગીના મહાતો અદભૂત ચલચિત્ર અને કઠિન પાત્ર ને સંપૂર્ણ ન્યાય દિલિપ કુમારે આપ્યો હતો..નક્સલવાદી પરંપરા ના વિષચક્ર માં ફસાયેલા સામાન્ય ગરીબ માનવી ને ખૂબ ન્યાય આપ્યો …ફિલ્મ નક્ષલવાદ ના દંભી વલણ અને ખુદ નક્સલવાદી શોષણ પરંપરા ને ઉજાગર કરે છે…કોઈપણ મેલોડ્રામા વગરની આ ફિલ્મ જોતા જોતા વિચાર કરતા થઈ જઈએ અને સામ્યવાદી હિંસક વિચારધારા ને કોઈપણ મારધાડ વીના લેદિગ્દર્શિકા એ દિલિપ કુમારના સશક્ત અભિનયના બળે ઉજાગરા કરી છે…સંઘર્ષ અને શક્તિ પણ જોરદાર…..વંદેમાતરમ ગાવા નો વિરોધ પણ કરેલ…રાજકુમાર સાથે બે ફિલ્મોમાં જોરદાર જુગલબંધી….

  3. …..
    આપની કોલમના મારા સૌ મિત્રો કાયલ છીએ.
    મુ.સ. ના કટીગની પુસ્તક જેમ ફાઈલ બનાવતા

    ફકત તરૂણ

  4. Sau thi upar Bhool thi Vikram Samvat 2021 lakhayun chhe. 2077 ne badale.

    “Sala mai to saab ban gaya…..” paheli var joyun. DK nu kaam gamyun.

  5. Shah Saheb,
    You have had paid a rich tribute to DK, more than he deserved. So many writers have written so many things about him in past 2/3 days. You are requested to proceed now with other pressing topics of country. About DK enough is enough.

    • If you feel that it is a waste of time for you to read about one of the greatest actors of Indian cinema please DON’T read my articles about him. Have you been forced by anyone that you must read it. Just keep away from it. It will be yours loss, not mine.

  6. From last two days I was looking cuttings of “good morning” than I recollects I had given to my friend.
    And surprise to see WhatsApp today.
    Very old memories of સૌરભ ભાઇ તાજી થઈ ગઈ છે.

  7. નયાદૌર ના શંકરનું પાત્ર દિલીપકુમારે ભજવ્યું..
    ઘોડાગાડી વાળો શંકર…
    એ શંકર જાળીવાળી સફેદ વાડકા ટોપી ( મુસ્લિમ ટોપી) કેમ પહેરે… ??
    જવાબદારી કોની..??
    કોણ નક્કી કરે…??
    ફિલ્મલાઈન ના આવા હિન્દૂ વિરોધી ગતકડાં શોધીને તેના વિશે યોગ્ય લેખ લખવા વિનંતી…

    • તમે એ ફિલ્મ જોઈ છે? ક્યારે જોઈ? નયા દૌરમાં દિલીપકુમારની ટોપી સિવાય તમને બીજું કંઈ જ ન દેખાયું ત્રણ કલાક દરમ્યાન!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here