આપણા જેવાઓની જિંદગી ત્રણ સ્તરે જીવાતી હોય છે

લાઉડમાઉથ: સૌરભ શાહ                                                                           

(બુધવાર, ૫ ડિસેમ્બર ૨૦૧૮, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, ‘સંદેશ’)

જે મહાપુરુષો કશુંક પામી ગયા છે અથવા જેઓ અધ્યાત્મના સર્વોચ્ચ તબક્કા પર પહોંચી ગયા હોય એમની વાત જુદી છે. એમણે જિંદગી એક જ સ્તરે જીવવાની હોય. જે અંદર છે તે બહાર છે. અને એની સામે જેઓ ફિલ્મ-ક્રિકેટ વગેરેનાં ક્ષેત્રોની સેલિબ્રિટી હોય એમણે કદાચ ત્રણ કરતાં વધારે સ્તરે જિંદગી જીવવી પડે. અને શક્ય છે કે દેશના કે વિશ્વના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓએ આ સેલિબ્રિટીઓ જેટલા સ્તરોમાં જીવતી હોય છે એના કરતાં પણ વધારે સ્તરે પોતાની જિંદગી જીવવી પડતી હોય એવું બને. આપણને એમની ખબર નથી આપણી ખબર છે. આપણા જેવાઓની જિંદગી ત્રણ સ્તરે જીવાતી હોય છે. આ વિવિધ સ્તરની સભાનતા નથી હોતી એટલે ઘણી વખત જીવવામાં ગરબડ થઈ જતી હોય છે. એવી સભાનતા આવે ત્યારની વાત ત્યારે, અત્યારે એટલી જાણકારી તો મેળવી લઈએ કે એ ત્રણ ક્યાં ક્યાં હોય છે જેથી આપણામાં સમજણ આવે અને સમજણ આવશે તો સભાનતા પણ આવશે અને ક્યારેક તો આપણે ગરબડભર્યું જીવન સુધારી શકીશું.

પહેલું સ્તર છે આપણું જાહેર જીવન જેમાં અજાણ્યાઓ સાથે થતી વર્તણૂંકથી માંડીને પરિવારજનો સાથેના સંબંધો આવી ગયા. આમાં જેમની સાથે થોડો ઘણો પરિચય છે એવા લોકો અથવા જેમને એક્વેન્ટન્સ કહીએ એ લોકો આવી ગયા. આ ઓળખીતાપાળખીતા ઉપરાંત ઑફિસના કલીગ્સ, મિત્રો, ધંધાદારી સંબંધો, જ્ઞાતિજનો, અડોશપડોશમાં રહેતા લોકો, કાકામામાફુવા અને કઝિન, સેકન્ડ કઝિન જેવાં સગાંવહાલાં તથા નજીકના પરિવારજનો – માતાપિતા – સાસુસસરા – ભાઈબહેન આ બધાં જ આવી ગયાં. જાહેરજીવનના સ્તરનો વ્યાપ ખૂબ જ મોટો હોય છે પણ એ વ્યાપમાં આવરી લેવાતી વ્યક્તિઓ સાથેની આપણી વર્તણૂક, એમની આગળ વ્યક્ત થતા આપણા વિચારો – આ બધું જ ઘણું મર્યાદિત હોવાનું. અહીં સાહજિકતા કરતાં સભાનતા વધારે અગત્યની. ક્યાંક કંઈક આડુંઅવળું બોલાઈ જાય તો ભારે પડે. ગેરસમજણને કારણે કોઈ ગાંઠ બંધાઈ ગઈ તો ઉકેલતાં વખત લાગી જાય. જાહેર જીવનના આ સ્તરમાં કેવી રીતે જીવવું એ આપણને કોઈએ શીખવાડવું નથી પડતું. આપોઆપ આવડી જતું હોય છે. જે કંઈ ભૂલો થતી હોય તે બીજાઓનું નિરીક્ષણ કરીને કે પડીઆખડીને સુધરી જતી હોય છે.

જીવવાનો બીજો સ્તર છે અંગત જિંદગીનો. જાહેર જીવનમાં ગણાવ્યા એમાંના કેટલાક ગણ્યાગાઠ્યા લોકો સાથે આપણને અંગત સંબંધ હોય છે. દરેકની સાથે નહીં. મા-બાપ સાથે અંગત સંબંધ ન હોય પણ કૌટુંબિક સંબંધ જ હોય એ શક્ય છે. ભાઈ-બહેન સાથેનો સંબંધ પરિવાર પૂરતો સીમિત ન હોય પણ એકદમ પર્સનલમાં પલટાઈ જાય એવું બને. ક્યારેક દૂરના કાકા-મામા સાથે પણ અંગત સંબંધ હોઈ શકે. એવા કોઈ એકાદબે મિત્રો કે ઑફિસ કલીગ પણ હોઈ શકે. પતિ કે પત્ની કે પ્રેમી કે પ્રેમિકા કે દિકરા-દિકરી પણ અંગત સંબંધમાં ઉમેરાઈ શકે. અંગત સંબંધો આંગળીના વેઢે ગણાય એટલા જ હોઈ શકે. કહેવા ખાતર આપણે કોઈની ઓળખાણ આપવા માટે આ તો પર્સનલ ફ્રેન્ડ છે એવું કહીએ કે પછી બડાશ હાંકવા કહેતા ફરીએ કે એમની સાથે તો મારે ફેમિલી રિલેશન્સ છે એ જુદી વાત છે. બાકી અંગત સંબંધ જીવનમાં હોય તો બહુ બહુ તો સિંગલ ડિજિટમાં હોય. ૯ થી વધારે ૧૦મો અંગત સંબંધ ન હોઈ શકે. ૯ પણ એક લિમિટમાં બાંધવા માટે. બાકી જીવનમાં બે-ચાર જ અંગત સંબંધ હોય. એટલા પણ જેન્યુઈન અંગત સંબંધ હોય તોય જીવન ભર્યુંભર્યું થઈ જાય.

આ અંગત સંબંધોમાં તમે તમારી જાત જેવી હોય એવી ખુલ્લી મૂકી દો છો એવું તમે માનતા હો છો. ઘણે બધે અંશે વાત સાચી પણ હશે પરંતુ હન્ડ્રેડ પર્સેન્ટ સાચી નથી. કોઈકને માઠું ન લાગે એ માટે તમે એમને અમુક વાત નથી કહેતા. ન જ કહેવી જોઈએ. કોઈકને સારું લાગે એ માટે તમે એમની સાથે અમુક રીતે વર્તો છો. એ જ રીતે વર્તવું જોઈએ. પણ એવું કરતી વખતે તમારે સભાન રહેવું જોઈએ કે આ તમારી વાણી – તમારી વર્તણૂક સામેની વ્યક્તિને સાચવી લેવા માટેનાં છે, એમની ખુશી માટેનાં છે. અંગત સંબંધોમાં આપણે દિલ ખોલીને વાત કરી શકતા હોઈએ છીએ, મોકળા મને વર્તી શકતા હોઈએ છીએ. પણ આ મોકળાપણું જાહેર કે સામાજિક સંબંધોની સરખામણીએ ફીલ થતું મોકળાપણું છે. જાહેર કે સામાજિક જીવનમાં જે અમુક બંધનો નડે છે તે અંગત સંબંધોમાં નથી હોતાં એટલે અહીં આપણને જીવવાની વધુ મોકળાશ છે એવું લાગે છે. જાહેર-જીવનનાં સ્તરને એના પોતાના નીતિ-નિયમો છે જે આપણે અનુસરવા પડે છે. અંગત જીવનમાં પણ અમુક ડુઝ અને ડોન્ટસ હોય છે જેને આપણે ક્રોસ નથી કરી શકતા.

આ બે સ્તર ઉપરાંતનું જે સ્તર છે તેની વાત આપણને હજુ કોઈએ કરી નથી અને તે છે આપણા આંતરિક જગતનું સ્તર. આપણું મનોજગત. આપણામાં રહેલી, બીજી અંગતમાં અંગત વ્યક્તિથી પણ ખનગી રહેતી, આપણા વિચારોની દુનિયા. જીવવામાં આપણી ગરબડ એ થાય છે કે આપણે માની લીધું છે કે આપણા આ આંતરિક જગતનો દરવાજો આપણે આપણી અંગત વ્યક્તિઓ આગળ ખુલ્લો મુકી દેવાનો છે. એ જરૂરી નથી. બંધ રાખી શકાય છે. બીજી ભૂલ એવું માની લેવાની થાય છે કે અંગત જીવનમાં આપણે જે રીતે વ્યક્ત થઈએ છીએ એવા જ આપણે આંતરિક જગતમાં પણ છીએ. સમજવું જરાક કૉમ્પ્લિકેટેડ છે એટલે એક તદ્દન સ્થુળ અને ક્ષુલ્લક ઉદાહરણ દ્વારા સમજીએ. જમવામાં તમને સહેજ કડક રોટલી ભાવે છે એવું માની લઈએ (કવિ ઉમાશંકર જોશી કોઈને ત્યાં જમવા જતા ત્યારે ‘લગીર કડક’ રોટલી બનાવવાની સૂચના યજમાનનાં પત્નીને આપી દેતા એવું ક્યાંક વાંચ્યું છે). જમતી વખતે તમારાં પત્નીએ બનાવેલી રોટલી તમારા દાવની નથી. શું કરશો તમે? રસોઈમાં ઉન્નીસબીસ હોય તો આપણે ચલાવી લઈએ છીએ. આ ચલાવી લેવાનો મતલબ એ નથી કે આપણે આપણા આંતરિક જગતમાં આપણી પોતાની સાથે જીવાતા જીવનમાં પણ ઉન્નીસબીસ ચલાવી લેવાનું. ’લગીર કડક’ રોટલી તો ક્ષુલ્લક અને સ્થુળ ઉદાહરણ છે – માત્ર મુદ્દો સમજવા માટેનો દાખલો છે. જેમ જાહેર કે સામાજિક જીવનમાં આપણે આપણા અમુક આગ્રહો જતા કરીએ છીએ અને એ જ આગ્રહોને અંગત જીવનમાં સહેલાઈથી અમલમાં મૂકી શકીએ છીએ એ જ રીતે અંગત જીવનમાં પણ આપણે ઘણાબધા કૉંમ્પ્રોમાઈઝ કરીએ છીએ – કેટલાક રાજીખુશીથી તો કેટલાક કરવા પડતા હોય છે એટલે કરીએ છીએ, સામેની વ્યક્તિને રાજી રાખવા કરતા હોઈએ છીએ. પણ જે સમાધાનો અંગત જીવનમાં થતા હોય છે તે આંતરિક જીવનમાં કરવાની જરૂર નથી હોતી. એવું ક્યારેય નહીં માનવાનું કે અંગત જીવનમાં જે આગ્રહો જતા કર્યા છે તેવા જ તમે છો. તમે એ આગ્રહોને આંતરિક જીવનમાં સાચવી શકો છો. એ જ ખરા તમે છો. એ આંતરિક જીવન જ તમારા જીવનનાં દિશાદોર નક્કી કરશે. તમારી કોઈ અંગત વ્યક્તિના આગ્રહોને કારણે એની સાથે ગોવા કે બહામાના બીચ પર વૅકેશન લીધું તો લીધું. તમારી પસંદગી ઊંચાઈના સ્થળની હતી જે આગ્રહ તમે જતો કર્યો એનો અર્થ એ નથી કે તમે હવે ક્યારેય જિંદગીમાં લેહ-લદ્દાખ નહીં જાઓ. અંગત જિંદગીનાં સમીકરણો પણ બદલાઈ શકતાં હોય છે. આંતરિક જિંદગીમાં એ આગ્રહોથી દોરવાઈને ફેરફારો કરવા જરૂરી નથી. એવું કરીશું તો આપણું વ્યક્તિત્વ ભૂંસાતું જશે. આપણા આગ્રહોને કારણે આપણે ન કરેલાં સમાધાનોને કારણે, આપણી મક્કમતા અને કેટલીક જિદને કારણે આપણે જે છીએ તે છીએ. આ આગ્રહો-મક્કમતા વગેરેનો ક્યારેક અંગત જીવનમાં ભોગ આપવો પડે તો આપીએ, જરૂર આપીએ, ખુશીખુશીથી આપીએ કારણ કે એ જરૂરી હોય છે, ક્યારેક અનિવાર્ય પણ હોય છે. પરંતુ સભાનતા એ રાખીએ કે આપણા આંતરિક જગત સાથેનું એ સમાધાન છે. અને આવાં સમાધાનો કરવાને લીધે આપણે આંતરિક જગતમાં આપણે આંતરિક જગતમાં, આપણા મનોવ્યાપારમાં બદલાઈ જતા નથી. ત્યાં તો એવાને એવા જ રહીએ છીએ. આપણું મન આપણે જેવા રહેવાનું કહે એવાને એવા આપણે રહીએ માટે ત્રણ સ્તરે જીવાતી જિંદગી વિશેની જાણકારી મેળવી લેવી જરૂરી છે. જિંદગીનો અલ્ટિમેટ ગોલ એક જ છે ઃ આપણે જેવા રહેવું છે એવા ને એવા રહીએ. કોઈના કહેવાથી કે સંજોગોના દબાણને કારણે આપણે જે નથી તેવા છીએ એવું દેખાડીએ ભલે પણ એવા બની ન જઈએ. ભગવાન સતત આપણને યાદ અપાવ્યા કરે છે કે મેં તને શા માટે ઘડ્યો, શા માટે આ પૃથ્વી પર મોકલ્યો, ભગવાનની આ સતત યાદ અપાવવાની પ્રક્રિયાને સિક્સ્થ સેન્સ કહેવાય છે ગુજરાતીમાં એને કોઠાસૂઝ કહીએ – આજુબાજુ ગમે એટલો કોલાહલ સર્જાયો હોય પણ મન જે કામ કરવાનું તિવ્રપણે આપણને કહ્યા કરતું હોય તેને આપણા આંતરિક જગતમાં સાચવી રાખવાનું. કારણ કે જાહેર કે સામાજિક જીવનમાં સમાધાનો કરવાના હોય, અંગત જીવનમાં આગ્રહો જતા કરવાના હોય, પણ આપણા આંતરિક જગતની વિશુધ્ધિ સાથે ક્યારેય ખિલવાડ કરવાનો ન હોય. એ છે તો આપણે છીએ. એવા આપણે જેવા ભગવાન આપણને બનાવવા માગે છે.

સાયલન્સ પ્લીઝ

આપણે જે છીએ તે જ બની રહેવાની હિંમત રાખવી જોઈએ – ભલે પછી એમાં આપણને ડર લાગતો હોય કે બીજાઓને આપણે વિચિત્ર લાગતા હોઈએ.
-અજ્ઞાત

3 COMMENTS

  1. આપણા અંગત જીવનમાં જાળવવા જેવી જરૂરી સમજણનુ ઝીણવટભરેલ ખૂબ સરસ વિશ્લેષણ.

  2. સૌરભભાઈ અદભુત લેખ. સાહજીકતા, સંભાવના અને સમજણ સાથે સંજોગો અને સંબંધોમાં જીવવાની કળા શીખવાડી જતો લેખ. Thanks Boss.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here