હિંમત કલ્પનાઓ કરવાથી નહીં આવે : સૌરભ શાહ

(લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ . ૧૮ જાન્યુઆરી ૨૦૨૩)

આને તમે મુસીબત ગણો તો મુસીબત અને અનિવાર્ય ન્યુસન્સ ગણો તો તે, એ છે કે જેમની વર્તણૂક તમને ન ગમતી હોય કે જેમના વિચારોની વિકૃતિ તમને અશાંત બનાવી દેતી હોય એવી આસપાસની કેટલીય વ્યક્તિઓ સાથે તમારે રોજબરોજનો નાતો રાખવો પડતો હોય છે. આવા લોકોની સાથે નિયમિતરૂપે પનારો પડતો હોય ત્યારે તમારે એમની સાથે જીવતાં શીખી લેવું પડે. અન્યથા રોજ અને કાયમી ધોરણે એમની સાથે સંઘર્ષમાં ઊતરવું પડે. આપણી પોતાની જાત સાથે પણ ઘસાયા કરવું પડે અને અંતે બાકીના આખા જગત સાથે દુશ્મની વહોરી લેવી પડે.

મોટેભાગે આપણે આવા લોકોની પજવણી આપણા સુધી ન પહોંચે એ માટે આપણા ફરતી એક વાડ ઊભી કરી દેતા હોઈએ છીએ. બીજાઓને દૂર રાખવા, એમની ખરાબીઓથી બચવા આપણી પોતાની સુરક્ષા માટે એક દીવાલ ચણી દેતા હોઈએ છીએ ત્યારે એક વાત આપણી તદ્દન ધ્યાનબહાર જતી રહે છે કે સુરક્ષા માટેની વાડ ઊભી કરીને આપણે આપણી પોતાની જાતને જ બંધિયાર બનાવી દઈએ છીએ. બીજાની ખરાબીઓથી બચવા આપણે આપણી સારપનો વિકાસ રુંધી નાખીએ છીએ, વાડ બાંધીને કે દીવાલ ઊભી કરીને.

પોતાની નાનપ છુપાવવા તમારી મોટાઈ તરફ થૂંકનારા લોકો અનેક હોય છે આ દુનિયામાં. તમે સારું કરશો તો તેઓ ઈર્ષ્યાથી બળી મરશે અને તમારા પર પોતાનામાં રહેલી ગંદકી ફેંકશે અને ક્યાંક નાનીસરખી પણ ભૂલ થઈ તો તો આવી બન્યું જ તમારું. રાઈનો એવરેસ્ટ બનાવીને ખૂંદી કાઢશે તમારી પ્રતિમાને. દુનિયામાં આવા લોકો સાથે તમારે રહેવાનું છે અને સહન કરવાના જ છે એમને, કારણ કે આ દુનિયા તમારા એકલાના પિતાની નથી, એમના પિતાની પણ છે. અને અસ્તિત્વ ધરાવવાનો હક્ક તમારા જેટલો જ એમને પણ છે. એ હક્કનો તેઓ દુરુપયોગ કરતા હોય છે એ વાત જુદી. એ હક્ક વડે તેઓ તમારું અસ્તિત્વ મિટાવી દેવા માગતા હોય છે એ પણ ખરું, પરંતુ તમે એમનો એ હક્ક છિનવી શકતા નથી. એમની પજવણીઓથીય છુટકારો મેળવી શકતા નથી.

આ લોકો તમારી નિર્ણયશક્તિ ખોરવી નાખવામાં પાવરધા હોય છે. તેઓ શું કહેશે એવું વિચારીને તમે તમારાં કામ પડતાં મૂકવાનું નક્કી કરી નાખો છો, કારણ કે તમને ખબર છે કે તમારા કોઈ પણ સારા કામની પણ તેઓ હાંસી જ ઉડાવવાના છે. એમના વિશેનું આવું કલ્પનાચિત્ર તમને ભીરુ બનાવી દે છે અને પછી તેઓ જ તમને કહે છે કે તમે ડરપોક છો.

તમારા દરેક કામ માટે સર્વસંમતિ અનિવાર્ય નથી હોતી. દરેક નિર્ણય માટે અનંત સુધી થોભવાની જરૂર નથી હોતી. સર્વસંમતિ કે બહુમતી નિર્ણયમાં માનનારા મોટાભાગના લોકો તો પોતાના પર આવી પડનારી જવાબદારીમાંથી છટકી શકાય એટલા માટે બીજાનો સાથ લેતા હોય છે. સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ એવી ડાહીડમરી વાતો કરનારાઓ પોતે ઉતાવળિયો નિર્ણય લેવા નથી માગતા એટલા માટે રાહુ જુએ છે એવો માત્ર દેખાવ જ કરતા હોય છે. વાસ્તવમાં તેમની પાસે સમજવાની શક્તિનો અને વિચારવાની શક્તિનો પાયામાંથી જ અભાવ હોય છે. લેવો પણ હોય તો ક્યાંથી નિર્ણય લેવાના તેઓ?

અનિર્ણીત મનોદશામાં રહેવા કરતાં નિર્ણય લઈ લેવો સારો. સાચો કે ખોટો. ગાંભીર્ય અને ઠાવકાઈનો ઈજારો લઈને બેઠેલા લોકો અંદરથી ભારે ડિસ્ટર્બ્ડ હોય છે. પોતાની ઝાંખીપાંખી તેજસ્વિતાનું ઓજસ બૂઝું બૂઝું થઈ રહ્યું છે એનું એમને ભાન હોય છે. એટલે જ, પોતાના દીવડામાં નવું તેલ પૂરવાને બદલે તેઓ બીજાના કોડિયામાંથી દિવેટ ખેંચી કાઢે છે, એમનું તેલ ઢોળી નાખે છે, પછી જાહેર કરે છે કે આ દુનિયામાં જે કંઈ પ્રકાશ છે તે એમને કારણે જ છે.

જિંદગીમાં કશું જ અકારણ નથી બનતું. મનમાં ઉદ્ભવતા દરેક નવા વિચારના સર્જન પાછળ કુદરતનો કોઈક હેતુ હોય છે. એ નવા વિચારને તપાસ્યા વિના ફગાવી દેવો, તમને ફાડી ખાવા માટે તત્પર એવા લોકો શું કહેશે એવા ભયથી એને ત્યજી દેવો એટલે કુદરતે તમારા પર મૂકેલા વિશ્ર્વાસનો ભંગ કરવો. તમારી માનસિક ભૂમિમાં એ વિચાર પાંગરી શકશે એવું માનીને જ સ્તો કુદરતે તમને એ વિચારની ભેટ આપી હતી. પણ તમે એ વિકસે એ પહેલાં જ એને ઉખાડી નાખ્યો, પેલા લોકોથી બી જઈને. માણસ પોતાનામાંના નવા વિચારોને ઉછેરે અને એને વિકસાવે, એને ભવ્યતા બક્ષે, બીજાઓની અવગણના કરીને પણ એ વિચારનું લાલનપાલન કરે એમાં બહુ મોટી હિંમતની જરૂર જ નથી. પોતાને જે સાચું લાગ્યું તેનો અમલ કરવામાં ટનબંધ હિંમત જોઈએ એવી મિથ પેલા લોકોએ જ ઊભી કરી છે જેથી જેનામાં ટનમાં સોએક ગ્રામ જેટલી હિંમત પણ ઓછી હોય તો તે આગળ પગલું ન ભરે. નવા વિચારને, પોતાને ગમતા વિચારને અમલમાં મૂકવાનું નક્કી કર્યું એટલે માની લેવાનું કે જરૂરી હિંમત આવી જ ગઈ. હિંમત ક્યારેય કલ્પનાઓ કર્યા કરવાથી નથી આવતી. વધુ પડતી કલ્પનાઓ તો ઊલટાની ડરાવે છે તમને. જે કંઈ કરવું છે તેના અમલનો આરંભ કરી દેવાથી હિંમત આવે. એક એક ડગલું ભરતા જવાથી હિંમત આવતી જાય.

આસપાસના લોકોની સતામણીથી બચવા પોતાના ફરતે વધુ ને વધુ ઊંચી વાડ બનાવીને જાતને એકલવાયી બનાવી દેવાને બદલે પોતાનામાં મગ્ન બની જવાની શક્તિ ખીલવવી. પીક ઑફિસ અવર્સના રશમાં ચર્ચગેટ કે સી.એસ.ટી.ની ભીડમાં પોતાની ધૂનમાં મસ્ત ચાલ્યા જતા હિમાલયના કોઈ યોગી જેવી મસ્તફકીરીમાં ચાલ્યા જતા મુંબઈગરાની એકાગ્રતાનો અંદાજ તમે બાંધ્યો છે ક્યારેય? જંગલી પ્રાણીઓથી બચવા માટે પોતાના પિંજરામાં પુરાઈ જવાનો વિકલ્પ લેવાનો તો સવાલ જ નથી આવતો. એમનો શિકાર કરવા જઈશું તો સવાલ એ ઊભો થશે કે રોજ કેટલાનો શિકાર કરીશું, એ સિવાય પણ જીવનમાં બીજાં કરવાં જેવાં કામ હોય કે નહીં? તો કરવું શું? કંઈ નહીં, કરવાં જેવાં કામ કર્યા કરવાનાં, બસ!

સાયલન્સ પ્લીઝ

અબ યે નેકી ભી હમેં જુર્મ નઝર આતી હૈ,

સબ કે ઐબોં કો છુપાયા હૈ બહોત દિન હમને

– જાં નિસાર અખ્તર

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. સર, ખૂબ ખૂબ આભાર આ લેખ માટે. હું આવી પરિસ્થિતિઓનો વારંવાર ભોગ બનું છું અને દુઃખી થાઉં છું. અત્યંત ભાવુક છું એટલે કદાચ. આજના આ લેખે હવે મને રસ્તો ચીંધ્યો છે. ફરી એકવાર આભાર 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here