લિક્ખે જો ખત તુઝે…તમે જે પત્રો લખ્યા તે હજારો રંગના નઝારા બની ગયાઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ ફાગણ સુદ ચોથ, વિક્રમ સંવત ૨૦૭૮ રવિવાર, ૬ માર્ચ ૨૦૨૨)

‘વિઘ્નો, પડકારો, મુસીબતો વિનાની જિંદગી ફિક્કી છે’ શીર્ષક હેઠળ ‘સંદેશ’ની બુધવારની પૂર્તિ માટેની મારી કૉલમ ‘લાઉડમાઉથ’માં એક લેખ લખ્યો જેમાં એક ખાસ વાત એ લખી કેઃ ‘એક પછી એક નવા પડકારો ઉપાડતા રહીએ છીએ ત્યારે આગળ વધીએ છીએ. જે ઘડીએ પડકારો ઉપાડવાનું બંધ કરીને, જે છે તેને સાચવીને બેસી રહેવાની માનસિકતા પ્રવેશશે, તે જ ઘડીએ આપણે કાળની ગર્તામાં ધકેલાઈ જશું. આ કુદરતી ન્યાય છે.’

અમિત દોશી નામના વાચકે પ્રતિભાવ આપ્યોઃ ‘છેલ્લા ઘણા દિવસથી આવું જ કંઈક વિચારતો હતો. તમારા લેખથી ઘણું બધું ક્લિયર થઈ ગયું.’

જય દેસાઈએ કહ્યું: ‘જિંદગી પ્રત્યેના અભિગમ વિશે નવી રીતે વિચારવાની દૃષ્ટિ. સંઘર્ષના દિવસો પછી મનગમતી પ્રવૃત્તિ કરી શકાય તો તે શાંતિ કરતાં વધારે આનંદદાયક છે. ખૂબ સુંદર લેખ.’

કમલ ઝવેરીએ કહ્યું, ‘બહુ જ હૃદયસ્પર્શી રીતે કહ્યું છે. મારા એક સંબંધી જે એક ડૉક્ટર છે, એ હંમેશાં કહ્યા કરે કે બસ હવે શાંતિથી બેસવું છે ત્યારે હું એનો વિરોધ કરતો હોઉં છું. પણ તમારા જેવી સચોટતાથી કહેવા જેટલી મા સરસ્વતીની કૃપા નથી. આ લેખ વંચાવવા એને ત્યાં જવાનો છું.’

મેં એમને લખ્યું : ‘મારી યાદ આપજો એમને!’

‘ક્યારેક રૂંવાડાં ઊભાં થઈ જાય છે. ક્યારેક આંખો દ્રવી જાય છે.’: તુષાર વારિયા

‘સંદેશ’માં જ રવિવારની પૂર્તિના પહેલા પાને પ્રગટ થતી મારી કૉલમ ‘તડકભડક’ માટે લખેલા લેખનું શીર્ષક હતું : ‘એક જ શબ્દથી આખી જિંદગી બદલાઈ જાય’. આ લેખમાં એકાગ્રતાના મહત્ત્વ વિશે લખ્યું : ‘લક્ષ્ય નક્કી હોય તો જ એકાગ્રતા આવે. ટીનએજમાં આખું જંગલ દેખાય તે સ્વાભાવિક છે પણ ધીમે ધીમે જંગલ દેખાતું બંધ થઈ જવું જોઈએ. માત્ર એક વૃક્ષ જ દેખાય. પછી એ વૃક્ષ પણ દેખાતું બંધ થઈ જાય. માત્ર એક ડાળ દેખાય. પછી ડાળ નહીં પણ ડાળ પર બેઠેલું પંખી જ દેખાય અને છેવટે પંખીની આંખ માત્ર દેખાય. આવી સૂઝ હોય તો જ લક્ષ્ય સાધી શકાય.’

ધ્રુવી પટેલે લખ્યું : ‘મને ખરેખર આ લેખ વાંચવામાં મઝા આવે જ છે. એકાગ્રતાની વાત છે એટલે એટલું નક્કી છે કે બીજે ક્યાંય કામ કરતાં મન કદાચ ભટકે પરંતુ આપના લેખ વાંચતાં 100 ટકા એકાગ્રતા રહે છે, એટલા ઊંડાણપૂર્વકના અને ઉચ્ચ વિચારો છે. લવ ટુ રીડ.’

તુષાર વારિયાની કમેન્ટ છેઃ
‘ભાઈ, ભાઈ… લગે રહો. ક્યારેક રૂંવાડાં ઊભાં થઈ જાય છે. ક્યારેક આંખો દ્રવી જાય છે. અકથ્ય લાગણીઓનું વર્ણન શક્ય નથી. ચાલુ રાખો, સૌરભભાઈ, ચાલુ રાખો.’

‘ખરા સમયે પડખે ઊભો રહે તે જ સાચો સંબંધ’ શીર્ષક હેઠળનો લેખ સ્વામી સચ્ચિદાનંદનાં ત્રણ પુસ્તકો વિશેની સિરીઝનો આઠમો લેખ હતો. મીનાક્ષીએ લખ્યું : ‘આપના બધા જ લેખો ઉત્સાહ અને આનંદથી વાંચું છું. સ્વામી સચ્ચિદાનંદ વિશેના લેખો જાણે દિવસ બનાવી દે છે. એક અદ્‌ભુત વ્યક્તિત્વ એક અદ્‌ભુત લેખકની કલમે. વંદન.’

‘બેચાર સારાં કામ કરી લેવાથી કોઈ મહાન બની જતું નથી’ શીર્ષકથી લખાયેલો લેખ મને ખૂબ ગમ્યો. એમાંની વાતો ઘણાના જીવન માટે ગેમ ચેન્જર બની જશે એવું લખતાં લખતાં લાગ્યું હતું. મારા પોતાનામાં આ વિચાર ક્યાંથી, કેવી રીતે ઉગ્યો હશે તેની ખબર નથી-કદાચ આ વાતો મને પોતાને સંબોધીને જ મેં લખી હશેઃ ‘સતત જીવ નીચોવીને કામ કરતા રહો, નિષ્ફળતા આવે તો હાર્યા વિના કે માથે હાથ દઈને બેસી પડ્યા વિના, આગળ વધતા રહો – કામ ચાલ્યા કરતું હશે તો ક્યારેક એવા સંજોગો ઊભા થશે જ્યારે તમને પણ આશ્ચર્ય થાય એવી સફળતા મળશે. ક્યારે મળશે એ કોઈને ખબર નથી. તુલસીદાસ કહે છે એમ ‘જોગ, લગન, ગ્રહ, બાર, તિથિ’ આ બધું અનુકૂળ થાય ત્યારે આવી મેગા સફળતાની ઘડી સર્જાય.’

લેખમાં ટોટલ કેટલી કમેન્ટ આવી? રોકડી ત્રણ અને એ પણ અકેક-બબ્બે શબ્દની. મને હજુય લાગે છે કે આ લેખ વન ઑફ માય બેસ્ટ લેખ છે અને ભવિષ્યમાં મારા કોઈને કોઈ પુસ્તકમાં હું એને જરૂર લેવાનો. ત્રણ જ કમેન્ટ.

ખેર.

ધર્મેન્દ્ર ખખ્ખર કહેઃ ‘વાહ! આવા આર્ટિકલ્સથી જ તમે અમને પ્રિય છો.’

‘શું ત્રાજવાનાં બંને પલ્લાં સમતોલ રાખીને જીવવાનું’ લેખમાં મારી સેન્ટ્રલ થીમ એ હતી કેઃ ‘ગઈ કાલ કરતાં આજે અને આજના કરતાં આવતીકાલે મારે જિંદગીને, મારી આસપાસનાઓને, વધારે આપવું છે એવા નિશ્ચય સાથે રોજનું કામ શરૂ કરનારાઓ માટે ઈશ્વરના આશીર્વાદ ચોવીસે કલાક વરસતા રહે છે.’ આ લેખ પણ મને ખૂબ ગમ્યો. અને વાચકોને પણ. બેચાર નહીં, પૂરી વીસ કમેન્ટ્સ!

હીતેશ દીક્ષિતનો પ્રતિભાવઃ ‘ખૂબ જ સુંદર, સૌરભભાઈ. આટલો સરસ વિચાર અને તમે એને આટલી સરળ રીતે સમજાવ્યો…’

તેજસ લખેઃ ‘વાહ, સૌરભભાઈ! આ રીતે તો અમે ક્યારેય વિચારતા જ નથી. જિંદગી પ્રત્યેનો આવો દૃષ્ટિકોણ તો તમે જ આપી શકો. એક વાત ચોક્કસ છે કે આ લેખ વાંચ્યા પછી મારા અભિગમમાં ઘણો જ ફરક પડશે.’

ધર્મેન્દ્ર ખખ્ખર કહેઃ ‘વાહ! આવા આર્ટિકલ્સથી જ તમે અમને પ્રિય છો.’

દીપક સોમૈયા અંગ્રેજીમાં લખેઃ ‘આય લાઇક્ડ. વિલ ટ્રાય ટુ ઇમ્પ્લીમેન્ટ. થૅન્ક્યુ, સર.’

બંસલ ભાલજાએ ‘સુપર! ઇટ હૅસ ઇવોક્ડ સો મૅની થૉટ્સ!’ એવું લખીને વિગતવાર પોતાની રીતે આ વિચારનું અર્થઘટન કરતી કમેન્ટ અંગ્રેજીમાં લખી છે. 17-02-2022ના રોજ પોસ્ટ થયેલા આ લેખની નીચે એ કમેન્ટ છે.

‘લેખકો અને સાહિત્યકારોની દુનિયા દૂરથી જ જોયેલી સારી બહુ નજીકથી જોવા જાવ તો મજા ન આવે’ શીર્ષકથી સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકો વિશેની શ્રેણીના નવમા લેખ વિશે કમેન્ટ કરતાં નિમીષા છેડા લખે છેઃ ‘રિયલી મોટિવેટિંગ, ટીચિંગ ધ વે ઑફ લાઇફ!’

‘…આપની આ લેખમાળામાં આપેલી લિન્કનો ઉપયોગ કરીને મેં ગુર્જર પ્રકાશનમાંથી તેમની દરેક ગુજરાતી બુક (123) ખરીદી અને વાંચવાનો આનંદ માણી રહ્યો છું…’: રસિકવન ગોસ્વામી

રસિકવન ગોસ્વામીએ જણાવ્યું : ‘સચ્ચિદાનંદ સ્વામીનો હું હંમેશાં પ્રશંસક રહ્યો છું. આપની આ લેખમાળામાં આપેલી લિન્કનો ઉપયોગ કરીને મેં ગુર્જર પ્રકાશનમાંથી તેમની દરેક ગુજરાતી બુક (123) ખરીદી અને વાંચવાનો આનંદ માણી રહ્યો છું. આપનો ખૂબ ખૂબ આભાર. આપની આવી માહિતી આપનારી લેખમાળાનો પ્રશંસક છું. સૌરભભાઈને ધન્યવાદ.’

જૈમિન શાહે લખ્યું : ‘હું આજ દિન સુધી કોઈ સ્વામી કે ધર્મગુરુને પગે નથી લાગ્યો કે નથી કોઈને મેં ગુરુ માન્યા. પણ ધન્ય છે સ્વામીજીને અને આભાર તમારો કે આવા દિવ્ય સ્વામીજી વિશે તમે અમને માહિતગાર કર્યા. સ્વામીજીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ.’

મૂકેશભાઈ સરધારા (મૂળ નવસારી, હાલ મોરબી) લખે છેઃ ‘…સ્વામીજી સાથે પચ્ચીસેક વરસની આત્મીયતા છે… આપ જૂનાં સ્મરણો તાજાં કરાવો છો. જય ગુરુદેવ, હરિ ઓમ.’

આવું કંઈક બને ત્યારે મને ખાતરી થાય છે કે લેખકનું સાચું ફૅમિલી એના વાચકોનું બનેલું હોય છે.

‘જિજ્ઞેશ જોષી, ગુસ્સો આવે છે’ લેખ નહોતો, મારી અંગત વ્યથાને એમાં શબ્દસ્થ કરી હતી.રાજને લખ્યું: ‘આવા મિત્રો માત્ર નસીબદારને જ મળે. એક જ લેખમાં તમે સંસ્મરણોની યાત્રા કરાવી દીધી. જાણે કે અમારો જ મિત્ર ગુમાવ્યો તેવું લાગ્યું…’

નીલેશ મહેતાએ પણ એ જ વાત લખીઃ ‘આપનો નહિ પણ અમારો જીગરજાન મિત્ર નથી રહ્યો એવું લાગે છે…’

ભરત વાઘાણીએ આશ્વાસન આપતાં કહ્યું : ‘સૌરભભાઈ, અમે પણ વરસોથી જિજ્ઞેશભાઈને ઓળખતા હોઈએ એવું લાગ્યું. આપને અને સુનીલભાઈને પરમ કૃપાળુ પરમાત્મા હિંમત આપે.’

દીપક વેદે લખ્યું : ‘કોઈના દોસ્તની વાતોમાં આપણને પોતીકાપણું લાગે, કોઈનું દુઃખ આપણું પોતાનું લાગે-ત્યારે લેખકના ધસમસતા મનોમંથનની અસર તો ખરી જ, પણ ઈશ્વરીય વરદાન જેવી ભાઈબંધીનો ફાળો એમાં નાનો અમથો ન હોય. હરિ ઓમ. આજની પ્રાર્થનામાં દોસ્તની પરમ શાંતિ અગ્રસર રહેશે.’

આવું કંઈક બને ત્યારે મને ખાતરી થાય છે કે લેખકનું સાચું ફૅમિલી એના વાચકોનું બનેલું હોય છે.

રવિવાર, 20 ફેબ્રુઆરીએ ‘સંદેશ’ની ‘તડકભડક’ કૉલમ માટે લખેલો લેખ માતૃભાષા દિન (21 ફેબ્રુઆરી) નિમિત્તે લખાયો. માતૃભાષાના મહત્ત્વ વિશે નૉર્મલી જે વિચારો પ્રગટ થતા આવ્યા છે તેના કરતાં કંઈક ફંટાઈને મેં લખ્યું. શીર્ષક હતું : ‘ગુજરાતીને સાચવવા અંગ્રેજીને સ્વીકારવી પડશે.’ લેખકની થીમ સાથે વાચકો સહમત થયા. ગોપાલ વર્ધને લખ્યું: ‘સરસ લેખ. સાચી સમજ સાથે અમલમાં મૂકવા જેવું છે.’ ગણપત સિંહ જાડેજાએ કહ્યું : ‘તમારી વાત બિલકુલ સાચી છે. ગુજરાતી ભાષાને સાચવવાની જરૂર છે પણ અંગ્રેજીના ભોગે નહીં. મારી દીકરી ગુજરાતી મીડિયમમાં ભણેલ પણ મેડિકલ લાઇનમાં ઘણી બધી તકલીફ થાય છે.’

રાજેશભાઈ લખે છેઃ ‘મારા અનુભવો તમારી સો પુસ્તકોવાળી યાદીમાં વાંચવા મળ્યું હતું. ધર્મને લગતી ઘણી માન્યતાઓ ધરમૂળથી બદલાઈ ગઈ

સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકો વિશેની શ્રેણીના દસમા અને અંતિમ લેખ પરની કમેન્ટમાં રાજેશ મછ્છરે યાદ દેવડાવ્યું કે કોઈ એક જમાનામાં (લગભગ 2002ની સાલમાં) મેં ગુજરાતીનાં સો વાંચવાં જેવાં પુસ્તકોની યાદીમાં ‘મારા અનુભવો’નો સમાવેશ કર્યો હતો. રાજેશભાઈ લખે છેઃ ‘મારા અનુભવો તમારી સો પુસ્તકોવાળી યાદીમાં વાંચવા મળ્યું હતું. ધર્મને લગતી ઘણી માન્યતાઓ ધરમૂળથી બદલાઈ ગઈ. સ્વામીજીના લેખો જ્યાં પણ વાંચવા મળે તે એક બેઠકે વાંચીને જ સંતોષ મળે. સમાજ છોડીને સમાજ માટે બોજારૂપ થવાને બદલે સમાજને સમર્પિત થવાની એમની ભાવના આધુનિક સંત તરીકે દાખલારૂપ છે.’

‘ભગવાન શ્રીકૃષ્ણ, મહાભારત, ભગવદ્‌ ગીતા અને શ્રીમદ્ ભાગવત વિશેનો ગૂંચવાડો દૂર કરવા સ્વામી સચ્ચિદાનંદની મુલાકાત લીધી ત્યારે’ શીર્ષકથી લખાયેલા લેખનો મૂળ ઉદ્દેશ આ મુલાકાતના આધારે લખાયેલા તેર (13) લેખોની લિન્ક એક જ પોસ્ટમાં મળે તે હતો.

આશિષ સપરિયાએ કમેન્ટ કરીઃ ‘ખૂબ ખૂબ આભાર સર, આ આર્ટિકલ લખવા બદલ. તમામ 13 આર્ટિકલ એક જ બેઠકે વાંચી ગયો અને લાગતાવળગતાઓને મોકલ્યા પણ ખરા કે જેથી બીજાઓને પણ આ તર્કસંગત વાત અને સત્ય સમજાય. મારી દૃષ્ટિએ, વેદ અને પુરાણોની વચ્ચેનો જે તફાવત છે અથવા જે સમયગાળાનું અંતર છે તે હકીકત (વધુને વધુ) લોકો સુધી પહોંચાડવી જરૂરી છે જેથી આ ચર્ચા કે વિષય સરળ રીતે સમજી શકાય. બીજું કે આજની પેઢીમાં વાંચનનો અભાવ એ ગેરમાન્યતાઓનું મૂળ છે. ઑથેન્ટિક કહી શકાય તેવું વાંચન કરવાને બદલે લોકો લેભાગુ કથાકારોનું માનતા થાય એટલે એવો ગૂંચવાડો ઊભો થાય છે. એટલે આપના આર્ટિકલમાં આપેલા સંદર્ભ-રેફરન્સને લીધે વાત અસરકારક લાગે છે અને મને હંમેશાં વાંચન કરવાની પ્રેરણા મળે છે.’

પ્રણવે લખ્યું : ‘આ લેખ ખૂબ ઉપયોગી છે. મારી પણ આવી જ ટેવ હતી પણ હવે પછી હું ચોક્કસ આ આદતને બદલાવીશ.’

‘શ્રેષ્ઠતાની શોધમાં રખડવાને બદલે જે છે એને શ્રેષ્ઠ બનાવીએ એવું સદ્‌ગુરુ કહે છે’ શીર્ષક ધરાવતા લેખ માટે કમેન્ટ કરતાં ગિરીશ દામોદર મીતે લખ્યું : ‘જય દ્વારકાધીશ, આપશ્રીના લેખ વાંચતી વખતે તનમાં અને મનમાં એનર્જી ઉત્પન્ન થતી હોય એવી અનુભૂતિ થાય છે. આપશ્રીનો આભાર વ્યક્ત કરું છું.’

પ્રણવે લખ્યું : ‘આ લેખ ખૂબ ઉપયોગી છે. મારી પણ આવી જ ટેવ હતી પણ હવે પછી હું ચોક્કસ આ આદતને બદલાવીશ.’

રાજેન્દ્ર ભગતે નોંધ્યું, ‘તમારા લેખો હમણાંના રોજ આવતા થયા તે સારું થયું.’

સ્વામી સચ્ચિદાનંદ સાથે ચોવીસ કલાક શ્રેણીના પ્રથમ હપતા વિશે કમેન્ટ કરતાં મહેન્દ્ર બ્રહ્મભટ્ટે લખ્યું : ‘આજે જીવનના ધમપછાડામાં જે હંમેશાં ફરિયાદ કરે છે કે મરવાનો સમય નથી તેમની સામે પૂજ્ય સચ્ચિદાનંદજીનાં અમૂલ્ય પુસ્તકોનો સારાંશ ગાગરમાં સાગર ભરી, વર્તમાન ગુજરાતી યુવા સમાજને ભેટ ધરવાનો આપનો ભગીરથ પુરુષાર્થ વંદનને પાત્ર છે.’

બીજા ભાગ વિશેની કમેન્ટમાં કિરણ ઠાકરે લખ્યું : ‘ખરેખર, સ્વામીજી વિશે આટલું ઉંડાણથી અગાઉ વાંચવા મળ્યું નથી… એટલે આપને આ લેખ બદલ લાખ-લાખ અભિનંદન.’

ત્રીજા અને અંતિમ ભાગ વિશેની કમેન્ટમાં મનોજે લખ્યું : ‘સ્વામીજી સાથે તમને આનંદથી આટલો સમય ગાળવા મળ્યો એ જાણીને તમારી ઈર્ષ્યા થાય છે. તમે નસીબદાર છો.’

દીપક વેદે ટિપ્પણ કરીઃ ‘સંસાર છોડીને પાછા ફરવાની ઇચ્છા હોવા છતાં લોકકલ્યાણ માટે લોક-માન્યતા જરૂરી છે એ વિચાર માત્ર સ્વામી મહારાજની મહાનતા દર્શાવે છે.’

મહેન્દ્ર બ્રહ્મભટ્ટે લખ્યુંઃ ‘સ્વામીજીનાં બધાં જ પુસ્તકો વસાવેલાં અને વાંચેલાં. આમ છતાં, આપના આજના સ્વામીજી સાથેના ચોવીસ કલાક (ભાગ-3) લેખની અમુક વાતો પહેલીવાર જાણવા મળી…’

મહેન્દ્ર બ્રહ્મભટ્ટે લખ્યુંઃ ‘પૂ. સ્વામીજી અમેરિકા આવતા ત્યારે ચારવાર અમારે ત્યાં આવેલા. સ્વામીજીની મોટાભાગની ઑડિયો કેસેટો મેં વસાવેલી અને સાંભળેલી અને સ્વામીજીનાં બધાં જ પુસ્તકો વસાવેલાં અને વાંચેલાં. આમ છતાં, આપના આજના સ્વામીજી સાથેના ચોવીસ કલાક (ભાગ-3) લેખની અમુક વાતો પહેલીવાર જાણવા મળી…’

‘સત્યાવીસમી ફેબ્રુઆરી-આજની અને વીસ વર્ષ પહેલાંની’ લેખમાં અનેક આકરી હકીકતોનો ઉલ્લેખ કરીને 2014 પછી બદલાયેલા માહોલ વિશે અને તે પહેલાંના દેશના વાતાવરણ વિશે એકદમ નિખાલસ અને સ્પષ્ટ વાતો કરી. સંજય દેસાઈએ યાદ કર્યુઃ ‘હું ત્યારે પણ હાજર હતો જ્યારે આ જ વિષય અને આ જ શબ્દો સાથે સૌરભભાઈ બિરલા સભાગૃહ (બૉમ્બે હૉસ્પિટલની બાજુમાં આવેલા)ની સભામાં બોલ્યા હતા. સૌરભભાઈ, ઉંમર થતાં માણસ ઋજુ થાય પણ એ જ વીસ વરસ પહેલાં જોયેલા-સાંભળેલા સૌરભભાઈને આજે એ જ માનસિકતા (કઠોર) સાથે વાંચવાની મઝા આવે છે. બ્રાવો, સૌરભભાઈ. કીપ ઇટ અપ.’

સંજય દેસાઈ જે સભાની વાત કરી રહ્યા છે તે 14 માર્ચ 2003ના રોજ પાટકર હૉલ (મરીન લાઇન્સ)માં મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ના લોકાર્પણ સમારંભની વાત છે. આદરણીય ડૉ.પ્રવીણભાઈ તોગડિયા સાહેબના પ્રમુખપદે યોજાયેલી આ યાદગાર સભામાં ગજબનો માહોલ હતો. મારું પ્રવચન પણ સારું ગયું હતું.

આ 27મીએ રવિવાર હતો એટલે ‘તડકભડક’નો લેખ પણ પોસ્ટ કર્યોઃ ‘રજનીશ કહી ગયા કે તમારું જીવન જ તમારા માટે પરમાત્મા છે.’ રજનીશજીના જીવનના પર્ટિક્યુલર સમયગાળાની વાત વિશેની ત્રણ હપતાની શ્રેણીનો આ પહેલો ભાગ હતો.

તેજસે લખ્યું: ‘સૌરભભાઈ, ‘જીયો ઔર જાગતે હુએ’ આ સૂત્રે મને ઘણીવાર પડતો બચાવી લીધો છે. ‘તૈરો મત, બહો’ એ સૂત્રે જીવન સરળતાથી જીવવું શીખવી દીધું છે! આ લેખ બદલ ખૂબ ખૂબ આભાર.’

પરેશ સુખડિયાએ રજનીશ વિશેની લેખમાળા શરૂ કરવા બદલ આભાર માનતાં લખ્યું કે 35 વર્ષ પહેલાં પોતે કેનેડાની રિફાઇનરીમાં જૉબ કરીને ઘરે પાછા ફરતી વખતે રજનીશજીનાં હિન્દી પ્રવચનો સાંભળતા.

આવતી કાલે પૂરું કરીએ.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here