આજકાલ બજારમાં શું ચાલે છે? : સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૨૦ જાન્યુઆરી ૨૦૨૧)

ફ્રાન્સના ફૅશન ડિઝાઇનર પિયર કારદાંનું ગયા વર્ષના અંતિમ દિવસોમાં 98 વર્ષની ઉંમરે અવસાન થયું. જગતભરમાં એમના નામે જાણીતી થયેલી બ્રાન્ડમાંથી અબજો રૂપિયાનો ધંધો એમણે વિકસાવ્યો. પિયર કારદાંનું એક ક્વૉટ ઘણું જાણીતું છેઃ `હું કંઈ પૈસા બનાવવાનાં સપનાં નથી જોતો. પણ હું જ્યારે સપનાં જોતો હોઉં છું ત્યારે પૈસા બનાવતો હોઉં છું.’

આ વાતનો ગૂઢ અર્થ સમજીએ. માણસે લાખો-કરોડો રૂપિયા રળવાનાં સપનાં જોવાને બદલે પોતાના ક્ષેત્રમાં જે કામ કરવાનાં સપનાં જોયાં છે તે સપનાં સાકાર કરવા માટે દિવસરાત મચી પડવાનું હોય. તમારા કામ માટેના આ સપનાં સાકર કરતા જાઓ, પૈસો આપોઆપ એની પાછળ દોડતો આવશે.’

બહુ સરસ વાત છે. પિયર કાર્ડિન કહેતા કેઃ `મેં હંમેશાં માટે જે કરવું છે તે જ કર્યું છે. મારે કંઈક જુદું કરવું હતું કર્યું. લોકોને ગમે કે ન ગમે મેં કર્યું.’

કોઈપણ સર્જકમાં આ ખુમારી હોવી જોઈએ. તમે સંગીતકાર હો, ફિલ્મકાર હો, સાહિત્યકાર હો કે પછી ફૅશન ડિઝાઈનર. સર્જનનું ક્ષેત્ર અન્ય ક્ષેત્રો કરતાં જુદું પડે છે તે આ જ કારણે. બીજાં ક્ષેત્રોમાં તમારે જોવું પડે કે આજકાલ માર્કેટમાં શેની ડિમાન્ડ છે? ચાલો, એ પ્રોડક્ટ બનાવીએ કે વેચીએ.

સર્જકો જ્યારે માર્કેટની ડિમાન્ડ પ્રમાણે સપ્લાય કરવા જાય છે ત્યારે મા સરસ્વતિના આશીર્વાદ ગુમાવી બેસતા હોય છે. વેપારીઓ માટે, ઉદ્યોગપતિઓ માટે ધંધો કરનારાઓ માટે બજારની માંગ મુજબ પુરવઠો આપવાની ફરજ છે. પણ સર્જક જ્યારે બજારમાં પ્રવેશીને ધંધો કરવાની કોશિશ કરે છે ત્યારે એની સર્જકતા નામશેષ થતી જાય છે.

સર્જક માટે પૈસો જરૂરી નથી કે રૂપિયો અગત્યનો નથી એવું નથી. રૂપિયાની જરૂર તો સંન્યાસીને પણ હોવાની એક યા બીજા સ્વરૂપે, પોતાની માલિકીનો નહીં તો બીજાની માલિકીના એવા લોકો જેઓ સંન્યાસીની જરૂરિયાતો આવશ્યકતાઓ અને ઈચ્છાઓ પૂરી કરી શકે. પણ જેમ સંન્યાસીઓ માટે રૂપિયાની પ્રાયોરિટી પ્રાથમિક નથી, સેકન્ડરી છે એમ સર્જક માટે પણ એની સર્જકતા પ્રાથમિક છે, રૂપિયા-પૈસો-સગવડો-સાધનો બધું સેકન્ડરી છે.

બજારમાં આઝકાલ હ્યુમર ચાલે છે એટલે ચાલો કંઈક હસવાવાળું કરીએ, માર્કેટમાં ગઝલનો ભાવ બોલાય છે તો ચાલો શેરોશાયરી કરીએ. માર્કેટમાં સોફ્ટ પૉર્નની બોલબોલા છે? તો ચાલો એવું કંઈક લઈ આવીએ. માર્કેટમાં પરિવાર પ્રત્યેના પ્રેમ વિશેની વાતોની ડિમાન્ડ છે તો ચાલો એક ઘાણ એનો ઉતારી લઈએઃ સિનેમાવાળા, નાટકવાળા, લખવાવાળા – જ્યારે જ્યારે આવું વિચારીને મંડીની ડિમાન્ડ મુજબનો માલ ઠાલવતા રહે છે ત્યારે સર્જકતા ભરબજારે લોહીલુહાણ થઈને તરફડતી થઈ જાય છે.

સર્જકે બહારની નહીં, આંતરિક જરૂરિયાતને સંતોષવાની હોય. પોતાનામાં રહેલી પૅશનને અનુસરીને કળાનાં સ્વરૂપો ખેડવાનાં હોય. આજકાલનાં મોટાભાગનાં પિક્ચરો, ટીવી સિરિયલો, વેબસિરીઝો કેમ તમને ગમતાં નથી. હિન્દી ફિલ્મોનાં ગીતોમાં હવે કેમ કોઈ ગણગણવું ગમે એવું આવતું નથી. શું કામ મોટાભાગના ગુજરાતી નાટકો-ફિલ્મોમાં કે સિરિયલોમાં કોઈ ભલીવાર હોતો નથી. ગુજરાતી કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ કે કૉલમ આ ક્ષેત્રે કેમ તમને ગણ્યાગાંઠ્યા જ નિષ્ઠાવાન સર્જકો દેખાય છે? શા માટે માથે ઊંચકીને નાચવાનું મન થાય એવાં ગુજરાતી પુસ્તકો ભાગ્યે જ પ્રગટ થાય છે?

કારણ કે સર્જકો પોતાની જાતને પૂછતા થઈ ગયા છે કે આજકાલ બજારમાં શું ચાલે છે? એમને પોતાની સર્જકતા પર ભરોસો નથીરહ્યો. હું જેનું સર્જન કરીશ તેની બજારમાં ડિમાન્ડ ઊભી થવાની જ છે એવા આત્મવિશ્વાસના અભાવે તેઓ બજારની રૂખ પ્રમાણે સર્જનકરતા થઈ ગયા છે. મારી પૅશન મુજબનું સર્જન બજારમાં રિજેક્ટ થઈ જશે તો વેચાયા વિનાનો માલ મારા માથે પડશે એવા ભયને લીધે એમણે પોતાની અંદરનો અવાજ સાંભળવાનું બંધ કરી નાખ્યું છે અને એટલે જ આજે તમને ફિલ્મોમાં, સંગીતમાં, નાટકમાં, લેખનમાં કચરપટ્ટી બજારુ માલનો ભરાવો થયેલો જોવા મળે છે.

પણ ભાવક મૂર્ખ નથી. વાચક, શ્રોતા, દર્શક કંઈ ભોટ નથી. ઉપભોક્તામાં અક્કલ છે. એ થોડોક સમય ધીરજ ધરી શકે છે- એ આશાએ કે આજે નહીં તો આવતીકાલે કંઈક સારો માલબજારમાં આવશે ત્યાં સુધી રાહ જોઈએ. ભાવકની આ આશા પૂરી નથી થતી ત્યારે એ તકલાદી માલથી દૂર જતો રહે છે. ગયું વર્ષે મનોરંજન ક્ષેત્ર માટે ઘણું માઠું રહ્યું. થિયેટરો-સભાગ્રહો ઓડિટોરિયમો બંધ હતા એટલે જ ફિલ્મોવાળાનો નાટકોવાળાનો ધંધો પડી ભાગ્યો એવું નથી. નેટફ્લિક્સ કે પ્રાઇમ સહિતનાં ડઝનબંધ ઓટીટી પ્લેટફોર્મ્સ રિલીઝ થયેલી અનેક બકવાસ ફિલ્મો-વેબ સિરીઝો કોઈએ ન જોઈ. ઘરે બેસીને પણ ન જોઈ. કોઈ મ્યુઝિક આલ્બમ હિટ ન ગયું. ઑનલાઇન વેચાતાં પુસ્તકોમાં પણ આંગળીને વેઢે ગણાય એટલાં સત્વશીલ પુસ્તકોની જ ડિમાન્ડ રહી. સરકારી તંત્રો અને લાયબ્રેરીઓમાં ઠલવાતાં પુસ્તકોની ડિમાન્ડ ઘટી જવાથી પ્રકાશન વ્યવસાય તમ્મર ખાઈને પડી ભાંગ્યો. પ્રવચનકારો અને મોટિવેશનકારો બેકાર થઈને ઘરમાં બેસીને વેબિનાર કરવામાં વ્યસ્ત થઈ ગયા અને પણ ત્યાં પાઈની પેદાશ નહીં અને ઘડીને નવરાશ નહીં જેવો ઘાટ થઈ ગયો. કેટલાકને ખાવાના સાંસાં થઈ ગયા અને કેટલાકને ઈએમઆઈ ભરવાનાં ફાંફાં પડવા લાગ્યા.

આ જે કંઈ થતું તે બધાના સારા માટે થયું, સૌની સાન ઠેકાણે આવે. કોરોનાના સમયમાં સર્જનના ક્ષેત્રે પણ ઘણો બધો કચરો સાફ થઈ ગયો.બજારની ડિમાન્ડ મુજબ ફેક્ટરીની એસેમ્બલી લાઈનમાં બનતાં ફિલ્મો, નાટકો, મ્યુઝિક આલ્બમો, પુસ્તકો વગેરે પર હવે ક્વૉલિટી કન્ટ્રોલ આવશે એવી આશા રાખીએ. હમ ભી ડિચ કહીને કૂદી પડેલા સર્જકોના વેશમાં આવેલા ધંધો કરનારાઓ સર્જનનું ક્ષેત્ર છોડીને બીજો કોઈ ધંધો કે નોકરી-વ્યવસાય શોધી લેશે. આપણી શુભેચ્છાઓ એમને.

સર્જનના ક્ષેત્રમાં બનાવટી લોકોને ક્યાં સુધી ચલાવી લઈશું. આ બનાવટીઓ એવા વહેમમાં હોય છે કે પોતે કળાકાર છે અને એમની જિંદગી કળાને સમર્પિત છે. જુઠ્ઠાડાઓ છે. તેઓ ભલે પોતાને કળાના પૂજારી ગણાવતા હોય અને રંગદેવતાની કે મા સરસ્વતિની પૂજા કરતાહોય પણ એમનામાં અને સાચા સર્જકમાં એટલો ફરક છે જેટલો જાલી ચલણી નોટો છાપનારાઓમાં અને રિઝર્વ બેન્કમાં છે. રિઝર્વ બૅન્ક જ્યારે ચલણી નોટો છાપે છે ત્યારે દેશની આર્થિક તંદુરસ્તી જળવાય છે. બનાવટી ચલણી નોટો છાપનારો જ્યારે એમ કહે કે હુંપણ તો રિઝર્વ બેન્ક જેવી જ નોટો છાપું છું તો શું હું દેશની આર્થિક સમૃદ્ધિ માટે કાર્ય નથી કરતો? ના. તું હરામખોરી કરે છે. બજારમાં શું ચાલશે એવું વિચારીને ફિલ્મો બનાવતો, નાટકો બનાવતો, સંગીતનાં આલ્બમો બનાવતો, કૉલમ લખતો, પુસ્તકો લખતો દરેક જણ આવી જ હરામખોરી કરે છે. એને સર્જક કહીશું તો સર્જકતાનું અપમાન થાય, રંગદેવતાનું અને મા સરસ્વતિનું અપમાન થાય.

સાયલન્સ પ્લીઝ!

તમે જ્યારે તમારી જાતને ઓળખી શકતા નથી ત્યારે બીજાઓ તમારા વિશે શું કહે છે એ તમારા માટે અગત્યનું બની જાય છે.

– સદગુરુ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. Saurabhbhai , you have truly expressed present life’s reality. Apparantly looks like large section of our society is not bothered also with. I wish I am wrong.

  2. કંઈક નવુ, ટોપિક બદલાવો ને યાર.
    મુંબઇ નું સ્ટ્રીટ ફુડ
    નૌતમલાલ
    આર. ડી. બમૅન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here