મેકિંગ ઑફ ‘મહારાજ’ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, મંગળવાર, 18 જૂન 2024)

અબ્રાહમ લિન્કન, મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, સ્ટીવ જોબ્સ. દરેક યુગને, દરેક જમાનાને અને દરેક પ્રજાને એના હીરો મળે છે – એવા હીરો જે અંગત સ્વાર્થ બાજુએ મૂકી, કૌટુંબિક અને ભૌતિક સુખની પરવા કર્યા વિના સમાજ માટે જીવન ન્યોચ્છાવર કરી દે, જાતે ઘસાઈને પોતાના સમયની પ્રજાને અને આવનારી પેઢીઓને ઊજળી બનાવે, ઇન્સ્પાયર કરે.

ગુજરાતી પ્રજા માટે આવો જ એક મહાનાયક છે, કરસનદાસ મૂળજી. 28 વર્ષનો કપોળ યુવાન. મુંબઈમાં રહેતો. ’સત્યપ્રકાશ’ નામનું સાપ્તાહિક ચલાવતો. વૈષ્ણવ સંપ્રદાય પાળતા કુટુંબમાં એનો જન્મ. વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસ વિશે કરસનદાસ મૂળજીએ અંગ્રેજીમાં એક પુસ્તક પણ લખ્યું.

વાત આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાંની. 1860ની સાલમાં અઠ્યાવીસ વર્ષના આ સુધારાવાદી અને હિંમતબાજ પત્રકારે ’સત્યપ્રકાશ’માં સુરતની મોટી હવેલીના જદુનાથ મહારાજ નામના વૈષ્ણવ ધર્માચાર્યનાં કુકર્મો ખુલ્લાં પાડ્યાં. વૈષ્ણવોના મંદિરને હવેલી કહે અને આ મંદિરો મહારાજોની પર્સનલ માલિકીનાં હોય. વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્યજીના આ બધા વંશજો. વલ્લભાચાર્યજી મહાપ્રભુજી તરીકે ઓળખાય અને એમના વંશજો, વલ્લભકુળના તમામ બાલકો પણ વૈષ્ણવો માટે ઈશ્વર સમાન. મહારાજો તુલસીની કંઠી બાંધીને વૈષ્ણવોને બ્રહ્મસંબંધ અપાવે, સોર્ટ ઓફ જનોઈ આપવા જેવું, બાપ્ટિઝમ સમજોને.

જદુનાથ મહારાજે કરસનદાસ અને એના ચોપાનિયા ’સત્યપ્રકાશ’ સામે મુંબઈની સુપ્રીમ કોર્ટમાં આબરૂની નુકસાની પેટે રૂપિયા પચાસ હજારનો દાવો માંડ્યો, એ જમાનાના પચાસ હજાર, આજના હિસાબે નાખી દેતાં સાડા ચારથી પાંચ કરોડ રૂપિયા થાય.

બદનક્ષીને અંગ્રેજીમાં ડીફેમેશન ઉપરાંત કોર્ટની ભાષામાં લાયબલ પણ કહે. આ કેસ ઇતિહાસમાં ’મહારાજ લાયબલ કેસ’ તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામ્યો. મુંબઈ અને ગુજરાતના જ નહીં, દેશ-વિદેશના અખબારોમાં એની નોંધ લેવાઈ, વિગતે ચર્ચા પણ થઇ. વૈષ્ણવોમાં ખળભળાટ મચી ગયો. માણસને જ્યારે ખબર પડે કે પોતાની શ્રદ્ધા કેવી ગલત જગ્યાએ રોપવામાં આવી હતી ત્યારે એ આઘાતથી જડ અને મૂઢ બની જવાનો. કરસનદાસ મૂળજીને મહારાજોએ અને વૈષ્ણવોએ ખૂબ સતાવ્યા. પણ કવિ નર્મદ, શેઠ ગોકળદાસ તેજપાળ (મુંબઈ સ્થિત ગોવાલિયા ટેન્કના તેજપાલ હોલવાળા અને મુંબઈની સુપ્રસિદ્ધ જી. ટી. હાઈસ્કૂલવાળા ગોકળદાસ તેજપાળ) અને શેઠ લખમીદાસ ખીમજી સહિતના અનેક મિત્રો કરસનદાસની પડખે હતા. કરસનદાસ પોતે એક જમાનામાં જી.ટી. હાઇસ્કૂલના હેડમાસ્ટર હતા અને આ નવલકથા વાંચનાર મુંબઈગરાઓમાંથી ઘણા એ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાના. આવું વિચારીને દોઢસો વર્ષનો ઇતિહાસ સાવ નજીક આવી ગયો હોય એવું લાગે. ગોકળદાસ તેજપાળે અત્યારના તેજપાલ ઑડિટોરિયમની પડખે એક સુંદર મંદિર બંધાવ્યું. વૈષ્ણવ મહારાજો એ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી શકતા નહીં. સામાન્ય પ્રજાની જેમ ગભારામાં પગ મૂક્યા વિના કઠેડાની બહાર રહીને દર્શન કરવાનાં. ગોકળદાસ તેજપાળની ચોથી પેઢી સુધીર તેજપાલ અને શિશિર તેજપાલે આજે પણ એ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.

કરસનદાસને ન્યાત બહાર મૂકવા સુધીની ધમકીઓ અપાઈ અને છેવટે મૂકાયા પણ ખરા. એ જમાનામાં ન્યાત બહાર મુકાવું એટલે જીવતે જીવ મરી જવું. દરેક સુધારકે અને કાંતિકારી વિચારકે આ બધામાંથી પસાર થવું જ પડતું હોય છે.

1996-97ના ગાળામાં ’મહારાજ લાયબલ કેસ’ની કાર્યવાહીનો સંપૂર્ણ દસ્તાવેજ મેં મુંબઈની સુપ્રીમ કોર્ટના (હવે એ હાઈકોર્ટ તરીકે ઓળખાય છે) આર્કાઈવ્ઝમાંથી મેળવ્યો. એ કાર્યવાહીનો ગુજરાતી અનુવાદ મારા જૈન વાચકમિત્રો પાસેથી મળ્યો. આ કાર્યવાહીમાં ’સત્યપ્રકાશ’માં છપાયેલા ’બદનક્ષીભર્યા લેખોનાં પુનર્મુદ્રણો તો મળી ગયાં. પણ મારે ઓરિજિનલ ’સત્યપ્રકાશ’ની ફાઇલો જોવી હતી. હું માનતો હતો કે એ બધી ફાઇલો તે વખતના વૈષ્ણવોએ દરેક જગ્યાએથી શોધીને નષ્ટ કરી દીધી છે, પણ હું ખોટો હતો. ’સત્યપ્રકાશ’ની એક ફાઇલ હજુ સચવયેલી હતી, કામા લાઇબ્રેરીમાં.

મુંબઈમાં રિગલ સિનેમાથી ’મુંબઈ સમાચાર’ના કાર્યાલય તરફ ચાલતાં આવો તો એશિયાટિક લાઇબ્રેરી પહેલાં લાયન ગેટની સામે 1916માં સ્થપાયેલી ’ધ કે. આર. કામા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ આવે. તે વખતની મુંબઈની સુપ્રીમ કોર્ટ એની બાજુમાં જ. અત્યારે કોર્ટનું એ મકાન ‘ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગ’ તરીકે ઓળખાય છે. કામા ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટીઓની ભલામણ હતી એટલે લાઇબ્રેરીના સિનિયર સ્ટાફથી માંડીને પટાવાળા સુધીના સૌ કોઈ તહેનાતમાં લાગી ગયા. હું એ ભવ્ય લાઇબ્રેરીમાં માત્ર ’સત્યપ્રકાશ’ની ફાઇલો માટે આવ્યો હતો પણ મને ત્યાં દાદાભાઈ નવરોજીના ’રાસ્તગોફ્તાર’થી માંડીને એ જમાનામાં બ્લેકમેલિંગ માટે જાણીતા એવા ’મુંબઈનાં ચાબુક’ સામયિકની ફાઇલો પણ મળી. આ ઉપરાંત ’બુદ્ધિપ્રકાશ’ના અંકો તેમ જ કેટલાંક દુર્લભ પુસ્તકો પણ રેફરન્સ માટે મળ્યાં.

લાઇબ્રેરીમાં એક મઝાની વાત બની. ’સત્યપ્રકાશ’ના 1860ના અંકની ફાઇલમાં હું કરસનદાસ મૂળજીના પેલા બે ’બદનક્ષીભર્યા’ લેખો જેમાં છપાયેલા તે બે અંક શોધતો હતો. આખી ફાઇલ અકબંધ હતી પણ એ બે અંક જડે નહીં. મેં એકવાર જોયું, બીજી વાર ધીરજથી પાનાં ફેરવ્યાં. અંક ન મળે. ત્રીજી વાર કન્ફર્મ કર્યું અને મને પરસેવો વળી ગયો. એ લેખોનાં પુનર્મુદ્રણ તો મારી પાસે હતાં. પરસેવો એટલા માટે વળી ગયો કે કામા લાઇબ્રેરીમાં સૌ કોઈને ખબર કે હું અહીં ’મહારાજ લાયબલ કેસ’ વિશે સંશોધન કરવા આવ્યો છું અને ’સત્યપ્રકાશ’ની ફાઇલમાં એ કેસને લગતા જ બે અંક મિસિંગ હોય તો ડાઉટ કોના પર આવે?

હું અલમોસ્ટ દોડતો લાઇબ્રેરિયન પાસે ગયો અને મેં કહ્યું કે સાહેબ, એક લોચો છે. પછી આખી વાત સમજાવી. ભલા લાઇબ્રેરિયને મને ધરપત આપી : અમને ખબર છે, તે વખતે વૈષ્ણવોએ બધે ફરી વળીને ‘સત્યપ્રકાશ’ના એ અંકોનો નાશ કર્યો હતો એટલે ફાઇલમાં તમને એ અંક ના મળે એ નેચરલ છે!

મને હાશ થઈ અને અફસોસ પણ થયો. પછી સમજાયું કે ‘મહારાજ લાયબલ કેસ’નો રેકર્ડ ધરાવતાં પુસ્તકો અને બીજું સાહિત્ય મને જૈન વાચકમિત્રો પાસેથી કેમ મળ્યું. વેષ્ણવ સમાજમાં ચાલતા લોચાલાપસીનાં રેકર્ડ જૈન સંશોધકો તો સંઘરી જ રાખે.

કરસનદાસ મૂળજીના પક્ષે જે કંઈ જાણવા જેવું હતું તે બધું જ રિસર્ચ થઈ ગયું. માત્ર હું એમના વતને નહીં જઈ શક્યો. મોરારિબાપુવાળા મહુવાની નજીકનું વડાળ ગામ. પણ એ સિવાયનાં મોટાભાગનાં લોકેશન્સ અને લખાણોની દળદાર નોંધ મારી પાસે આવી ગઈ હતી.

હવે બાકી કામ હતું જદુનાથજી મહારાજના પોઇન્ટ ઑફ વ્યૂને લગતી રિસર્ચ કરવાનું. વલ્લભાચાર્યજીની બારમી પેઢીના વંશજ જદુનાથજી મૂળ સુરતના. ચૌટા પુલ પાસેની એમની હવેલી મોટા મંદિર તરીકે ઓળખાય. એંસીના દાયકામાં હું થોડાંક વર્ષ માટે સુરતના ’ગુજરાતમિત્ર’ દૈનિકમાં અને ત્યાર બાદ ’ઉત્સવ’ નામના માસિકમાં નોકરી કરતો ત્યારે ચૌટા પુલ પાસેની મઝદા બેકરી અને હીરાકાશી ભજિયાવાલાની ફેમસ ફરસાણની દુકાનનો પરિચય ખરો પણ મોટા મંદિરનો નહીં. 1997ની સાલમાં ’મહારાજ’ માટે હું જદુનાથજીની પાંચમી પેઢીના વંશજ બાલકૃષ્ણલાલજી મહારાજને મળવા મોટા મંદિરે ગયો. વૈષ્ણવોમાં તેઓ બાલુ મહારાજના હુલામણા નામે જાણીતા હતા. મારે રાજભોગનાં દર્શન કરવાં હતાં. અડધો કલાક પહેલાં જ દર્શન બંધ થઈ ગયાં હતાં. નીચે કોઈકને પૂછ્યું, ’મહારાજશ્રી છે?’ ’હા, જાઓને. શું કામ છે?’ ’દર્શન કરવાં છે.’

એક માણસ મને મહારાજના આવાસની અટપટી ઓસરીઓમાં થઈ દીવાનખાનામાં લઇ આવ્યો. જિંદગીમાં પહેલી વાર હું અહીં પગ મૂકતો હતો છતાં દીવાનખંડ જોઈને દંગ થઈ ગયો. ’મહારાજ’ નવલકથાનું જે પ્રકરણ પ્રગટ થઈ ચૂક્યું હતું તેમાં મેં જે વર્ણન કર્યું હતું તેને આબેહૂબ મળતું આવતું વાતાવરણ. દીવાનખંડને ત્રણ દિશામાં છ બારણાં છે એવું મેં લખ્યું હતું. અહીં ત્રણ હતાં. ખંડમાં બેસવા માટે એકમાત્ર હીંચકો છે એવું લખ્યું હતું, અહીં હીંચકા ઉપરાંત લાંબી ગાદી તથા તકિયાવાળી પાટ હતી જે મહારાજશ્રીના બેસવા માટેની હતી. મને જમીન પર બેસવાનું કહેવામાં આવ્યું, નવલકથામાં કરસનદાસ મૂળજીના મિત્ર શેઠ લખમીદાસ ખીમજીને સુરતમાં જદુનાથ મહારાજની આ જ હવેલીમાં કહેવાયું એ જ રીતે. ફરક માત્ર એટલો જ હતો કે લખમીદાસ લક્ષ્મીપતિ હતા એટલે લેખકે એમને માન આપવા માટે નવલકથાના એ દૃશ્યમાં આસનિયાની ગોઠવણ કરી. અહીં મુફલિસ સરસ્વતીપુત્ર માટે એવી કોઈ જોગવાઈ નહોતી.

મહારાજશ્રી આવ્યા. મેં એમને જય જય કર્યું, મારું નામ એમને કહેવામાં આવ્યું હતું પણ એમણે ફરીથી પૂછ્યું એટલે મેં નામ કહીને મુંબઈથી આવું છું અને લેખન- પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાવેલો છૂટક તથા ઉધડું કામ કરનારો ફ્રીલાન્સર છું એવી માહિતી આપી.
એમણે પૂછ્યું, ‘તમે જ રોજ ‘ગુડ મોર્નિંગ’ લખો છો?’

‘જી.’ મેં જવાબ આપ્યો.
તે વખતે મારી એ કૉલમની ફર્સ્ટ સીઝન પૂરબહારમાં ચાલતી હતી.

‘ખૂબ સરસ લખો છો. હું નિયમિત વાંચું છું, ઘણી જાણકારી મળે છે.’ કહીને એમણે બાજુમાં જ ગોઠવાયેલી તે દિવસની ’મુંબઈ સમાચાર’ની નકલ મને બતાવી. પછી કહ્યું, ‘મેં અમુકભાઈ દ્વારા તમને સંદેશો મોકલેલો તે તમને મળ્યો?’

મેં કહ્યું, ‘હું અમુકભાઈને ઓળખતો હોઉં એવું યાદ આવતું નથી અને એ સંદેશો હજુ મારા સુધી પહોંચ્યો નથી, શું સંદેશો હતો?’

‘બસ, એ જ કે લાયબલ કેસવાળી વાતને હવે ઉખેળીને કશો ફાયદો નથી. જે વીતી ગયું તેને ત્યાં જ રહેવા દઈએ તો સારું.’ એમણે કહ્યું.

મેં કહ્યું, ‘મેં પ્રથમ પ્રકરણ સાથે લખેલી પ્રસ્તાવના તમે વાંચી નથી. એમાં મેં મારા આ નવલકથા લખવાના ઉદ્દેશ વિશે વિગતે સ્પષ્ટતા કરી છે.’

પછી જદુનાથજી વિશે વાત નીકળી. મને કુતૂહલ હતું કે જદુનાથ મહારાજ સાથે એમની એક્ઝેટ શું સગાઈ હશે. એમણે કહ્યું કે ‘જદુનાથજીના બે દીકરા હતા. એમાંના મોટા વહેલી વયે ગુજરી ગયા એટલે નાના દીકરા મગનલાલજી મહારાજ બન્યા. એમના પુત્ર વૃજરતનરાયજી જે મારા દાદા થાય.’

જદુનાથજીના પિતાનું નામ વૃજરતનરાયજી હતું એ મને ખબર હતી, પણ એમના પૌત્રનું નામ એ જ હશે એની કલ્પના નહોતી. બાલકૃષ્ણલાલજીના પિતા ગોવિંદરાયજી. બાલુરાજા તે વખતે ખાસ્સી નાજૂક તબિયત ધરાવતા હતા. એમણે મને કહ્યું કે વર્ષો પહેલાં એમના પર ઓપરેશન કરીને શરીરમાંથી સાત પાંસળીઓ તથા એક ફેફસું કાઢી લેવામાં આવ્યાં હતાં. તે પછી દાક્તરોએ એમને બહુ વખત સુધી બોલવાની કે પ્રવચનો આપવાની મના ફરમાવી હતી. આમ છતાં એમણે લગભગ ચાળીસથી પિસ્તાળીસ મિનિટ સુધી મારી સાથે વાર્તાલાપ કર્યો જેમાંથી સૌથી ઉપયોગી વાત મને એ જાણવા મળી કે જદુનાથ મહારાજે શરૂ કરેલા ’સ્વધર્મવર્ધક અને સંશયછેદક’ નામના માસિકની એ જમાનાની એટલે કે લગભગ દોઢસો વર્ષ અગાઉની ફાઇલો એમની પાસે છે.

મેં કહ્યું કે ‘મને ’સ્વધર્મવર્ધક…’ની ફાઇલો જોવા માટે મળી શકે?’ મહારાજશ્રીએ તરત સંમતિ બતાવીને કહ્યું કે ‘જરૂર, તમને એમાંથી જદુનાથ મહારાજનો પક્ષ સારો એવો જાણવા મળશે.’ આ ઉપરાંત બાલુરાજાએ મને ’મહારાજ લાયબલ કેસ’ના ઉત્તરાર્ધ સમી, કદીય ખાસ બહાર ન આવેલી હકીકતો પણ મોકલવાનું વચન આપ્યું, એમના કહેવા મુજબ ત્યારના કેટલાક મહારાજો એવું વર્તન કરતા હતા જેને કારણે વૈષ્ણવોમાં ચડભડાટ થતો. એને રોકવા જ જદુનાથજીએ તમામ આક્ષેપો પોતાના માથે લઈને કરસનદાસ મૂળજી પર કેસ કર્યો જેથી સંપ્રદાયમાં વ્યાપેલી નાની સરખી બદી દૂર થઈ જાય.

આ દલીલ જોકે, કોને ગળે ઊતરશે એ એક સવાલ છે, પણ આ સંશય મેં એમની આગળ રજૂ કર્યો નહીં, કારણ કે ગાંધીજીના પૌત્રો કે એમનાય પુત્રો વિચારથી કે કર્મથી ગાંધીજી જેવા જ હોય એવું માની લેવું જરૂરી નથી. એ જ રીતે જદુનાથજીના પૌત્રના પૌત્ર પોતાના પૂર્વજ જેવા જ વિચારો ધરાવતા હશે કે એવાં કર્મો કરતાં હશે એવું માની લેવું નકરી બાલિશતા ગણાય. જોકે, એટલું ખરું કે બાલુરાજાની ઇમેજ જેટલી ચોખ્ખી છે એટલી દોષરહિત છાપ બહારગામોમાં રહેતા એમના કેટલાક દૂર-દૂરના સંબંધીઓની નથી, તેમ જ એમના કેટલાક પૂર્વજોની પણ નહોતી. જોકે, ‘મહારાજ’ નવલકથામાં મને જદુનાથ મહારાજ સાથે જ નિસ્બત છે અને ‘મહારાજ લાયબલ કેસ’ની જુબાનીઓ દ્વારા ઉખેળાયેલાં એમનાં કર્મો પૂરતી જ વાત મારે કરવાની છે. બાલુરાજાએ મને જણાવ્યું કે કેટલાક વૈષ્ણવો એમની પાસે ‘મહારાજ’ નવલકથાની વાત લઈને આવ્યા હતા અને એનો વિરોધ કરવાનું એમણે સૂચવ્યું હતું. પણ બાલુરાજાએ મને એમને એવું કહ્યું હોવાનું જણાવ્યું કે ‘વિરોધ કરશો તો વધારે છાંટા ઊડશે માટે ચૂપ રહો એમાં જ ભલીવાર છે.’ સેવકોને આવી વ્યવહારુ સલાહ આપવા બદલ મારે મહારાજશ્રીનો આભાર માનવો જોઈએ.

છૂટા પડતી વખતે મહારાજશ્રીએ હવેલીમાં સેવા માટે આવતા એક યુવાન કલ્પેશ રજનીકાંત દેસાઈને કહીને મારા માટે પ્રસાદ મગાવ્યો અને મને આપ્યો. પાનનાં બીડાંનોપડિયો, ઠોર અને બુંદીનો લાડવો. મંદિરનું મફત ન ખવાય એવા વૈષ્ણવ સંસ્કારને અનુસરીને મેં નીચે ઊતરીને મારા ગજા મુજબ એકાવન રૂપિયાની ભેટ લખાવી. પાછળથી મને જાણવા મળ્યું કે બાલુરાજા કેન્સરની બીમારીમાં શ્રીજીચરણ પામ્યા. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

ઈ.સ. 1860-62 દરમિયાનના વિખ્યાત ’મહારાજ લાયબલ કેસ’ પર આધારિત ‘મહારાજ’ નતલકથામાં વેષ્ણવ મહારાજોનાં કૃત્યો વિશે એ જ વાતો છે, જે આ કોર્ટ કેસની કાર્યવાહીમાં ઉલ્લેખ પામેલી છે. નવલકથામાં મહારાજોનું એક પણ કૃત્ય એવું વાંચવા નહીં મળે જેનો સંદર્ભ અદાલતી કાર્યવાહીના રેકર્ડેડ અહેવાલમાં તમને ના મળે. આ મર્યાદા પહેલેથી જ સ્વીકારીને મેં ’મહારાજ’ નવલકથા લખવાનો આરંભ કર્યો છે.

’ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ મહીપતરામ નીલકંઠના પિતા મહીપતરામ રૂપરામે પોતાના સમકાલીન લેખક વિશે પુસ્તક લખ્યું છે : ’ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર.’ આ ઉપરાંત કરસનદાસ મૂળજીની જન્મ શતાબ્દી નિમિત્તે કૃષ્ણકાન્ત ઝવેરીએ અંગ્રેજીમાં કરસનદાસ વિશે એક ગ્રંથ લખ્યો હતો. આ જીવનચરિત્રોમાં ખૂટતી કડીઓ મેં કલ્પનાથી ઉમેરેલી છે. આમ કરતી વખતે મૂળ વ્યક્તિનાં સારાં-નરસાં પાસાંની હકીકતો સાથે સહેજ પણ ચેડાં ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખી છે.
નવલકથાના સ્વરૂપને ધ્યાનમાં રાખીને વાર્તાપ્રિવાહના વેગને પુષ્ટિ આપે એવાં કેટલાંક પાત્રો કલ્પનાથી ઉમેર્યાં છે. એ ગૌણ પાત્રોને હકીકતની જિંદગી સાથે કોઈ લેવાદેવા નથી. નવલકથામાં આવતાં જે જે નામ ઇતિહાસ સાથે સંકળાયેલાં છે તે તમામ નામ, ‘મહારાજ લાયબલ કેસ’ સાથે અને એટલે કરસનદાસ મૂળજીના જીવનના એ ગાળા સાથે સંકળાયેલાં હતાં એટલે, અહીં ઉલ્લેખ પામ્યાં છે. 1997માં આ નવલકથાનાં શરૂઆતનાં કેટલાંક પ્રકરણો અમદાવાદથી પ્રગટ થતા અને બંધ પડી ગયેલા ‘નેટવર્ક’ નામના સાપ્તાહિકમાં છપાયાં. સંપૂર્ણ નવલકથા 2013માં લખાઈ અને ’મુંબઈ સમાચાર’માં દૈનિક ધારાવાહિક રૂપે પ્રગટ થઈ.

જેમ ભારતીય હોવાનું, હિંદુ હોવાનું, ગુજરાતી હોવાનું અને માણસ હોવાનું મને ગૌરવ છે એટલું જ ગૌરવ મને વૈષ્ણવ હોવાનું પણ છે. વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાથી હું વાકેફ છું. આ નવલકથા કોઈ એક સંપ્રદાયને વગોવવાના કે કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભવવાના આશયથી લખાઇ નથી. એવું કરવાનો વિચાર સુધ્ધાં જિંદગીમાં ક્યારેય નથી આવ્યો. વૈષ્ણવ પરંપરામાં એક જમાનામાં રહેલા એક વરવા પાસા પર પ્રકાશ ફેંકવાનો આ પ્રયાસ છે જેથી સજાગ વૈષ્ણવો ચેતે અને જો આ જમાનામાં ક્યાંક આવી કે કોઈપણ પ્રકારની બદીઓ હોય અને તે જુએ તો તેઓ કરસનદાસ મૂળજી બનીને ત્યાં પહોંચી જાય અને એને અટકાવે. ફરી યાદ અપાવું કે કરસનદાસ મૂળજી પોતે વૈષ્ણવ હતા. કપોળ હતા.

કોઈ પણ ધર્મ તથા સંપ્રદાયમાં સો ટકા નૈતિક સ્વચ્છતા તથા પારદર્શકતા અનિવાર્ય છે કારણ કે એ ડહોળાય છે ત્યારે લાખો વ્યક્તિઓની શ્રદ્ધા સામે જોખમ ઊભું થાય છે. આશા રાખું છું કે ’મહારાજ’ નવલકથા લખવા પાછળનો મારો શુભાશય સૌ કોઈ ધ્યાનમાં રાખશે અને વાર્તાપ્રવાહને માણશે.
દરેક સમાજે પોતાની ખરાબીઓ જોવી જોઈએ, એ વિના એની પ્રગતિ (સમાજની, ખરાબીઓની નહીં ) શક્ય નથી. ધર્મના, દરેક ધર્મના મૂળ હેતુઓ ઉમદા હોય છે. અનેક ક્ષેત્રોની જેમ ધર્મના ક્ષેત્રમાં પણ કેટલાક લેભાગુઓ પેસી જતા હોય છે. આ લેભાગુઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર ધર્મની બાબતોને વિકૃત સ્વરૂપ આપતા હોય છે, દરેક વાતનું વિશ્લેષણ પોતાને મનફાવે તે રીતે કરીને અનુયાયીઓ વધારતા હોય છે અને આ અનુયાયીઓનાં તન-મન-ધન પર કબજો જમાવવાની કોશિશ કરતા હોય છે. એમાં મોટેભાગે સફળ પણ રહેતા હોય છે.

વૈષ્ણવ સંપ્રદાય બીજા અનેક સંપ્રદાયોની જેમ ઉત્તમ આદર્શોનો બનેલો છે. પરંતુ આ આદર્શોને આચરણમાં મૂકી, બીજાઓ પાસે એનો અમલ કરાવવાની જેમના પર જવાબદારી છે તેવા વૈષ્ણવ મહારાજોમાંથી કેટલાકનું આચરણ અત્યંત શિથિલ હતું એવું આજથી દોઢસો વર્ષ પહેલાંના ઇતિહાસે નોંધ્યું છે.

‘મહારાજ લાયબલ કેસ’ની રેકર્ડેડ કાર્યવાહીમાં અનેક સાક્ષીઓની ઊલટતપાસ લેવાઈ. વાદી અર્થાત્ મહારાજ જદુનાથ અને પ્રતિવાદી કરસનદાસ મૂળજીની જુબાનીઓ પણ નામદાર ન્યાયમૂર્તિઓ સર મેથ્યુ સોઝ તથા સર જોસેફ આર્નોલ્ડે નોંધી. મહિનાઓ સુધી કેસ ચાલ્યા બાદ ચુકાદો આપવામાં આવ્યો. ચુકાદો આપતાં પહેલાં અદાલતે જે જુબાનીઓ નોંધી એમાંની એક સેમ્પલ તરીકે વાચકો સમક્ષ પેશ કરું છું:

“લક્ષ્મીદાસ ખીમજી : હું ભાટિયા—કાપડનો વેપારી છું. મહાજનના બાર શેઠમાંનો એક છું. દસ-અગિવાર વર્ષથી જદુનાથને ઓળખું છું…લક્ષ્મીજીના મંદિરમાં મૂર્તિ પર ગુલાલ નાખ્યા પછી બહારના લોકો પર વાદીએ ગુલાલ નાખ્યો. ગુલાલના ઊડવાના ધુમ્મસમાં તેણે એક 14 વર્ષની છોકરી પર હાથ નાખ્યો, તે હસી પડી… જે ઘરમાં વાદી ઊતર્યો હતો ત્યાં હું રોજ તેનાં દર્શને જતો. એક વાર બપોરના એક વાગે મારા મામા દામોદર દેવજી સાથે વાદીનાં દર્શને ગયો. પા કલાક પછી ઉપર જણાવેલ ભાટિયાની (14 વર્ષની) યુવાન છોકરી એક વિધવા સાથે આવી. તે વિધવાએ વાદીના કાનમાં કાંઈ કહ્યું. તેથી વાદીએ અમોને બહાર જવા કહ્યું. અમો બહાર નીકળ્યા. અને વિધવા પણ બહાર આવીને પાછી અંદર ગઈ. પેલી છોકરી વાદીના ઓરડામાં જ હતી. મારા મામાએ મને તે બાબતની મતલબ સમજાવી. તે વિધવાએ બહાર આવીને બારણું બંધ કર્યું. સાંકળ દઈને તે પોતાના હાથમાં પકડી રાખી. તે બધો વખત પેલી છોકરી અંદર જ હતી. મામાએ કહ્યું કે તારે રાસલીલાનાં દર્શન કરવાં છે? મેં હા પાડી. તેથી મામાએ તે વિધવાને કહ્યું ને તેણે સાંકળ ખોલી અમને અંદર જવા દીધા. ત્યાં વાદી તે છોકરી સાથે જાર કર્મ (અર્થાત્ સેક્સ) કરતો હતો તે જેયું, અમુક ભાવિક સેવકો (ભક્તો) આવાં દર્શન કરવા આતુર હોય છે. વાદીએ ( મહારાજ જદુનાથે ) મારા મામાને પૂછ્યું કે, ’આ દર્શન કરાવવા બદલ તમે મને કેટલી ભેટ આપવાના છો?’ મામાએ કહ્યું કે, ‘સારી એવી ભેટ આપીશ’… તે વખતે મારી ઉંમર 18-19 વર્ષની હતી.”

આટલી વાત કહેતાં સાક્ષી લક્ષ્મીદાસ ખીમજી સંકોચ પામી જાય છે ત્યારે નામદાર ન્યાયમૂર્તિ સર જોસેફ આર્નોલ્ડ કહે છે : ’ઇન્સાફના દરબારમાં ખરી વાત કહેતાં શરમાવવું જોઈએ નહીં.’

ભગવાનમાં મને શ્રદ્ધા છે અને અંધશ્રદ્ધા નિર્મૂલન માટે સાચી રીતે કામ કરતા મિત્રો માટે મને આદર છે. શ્રીજીબાવાની કૃપામાં હું માનું છું. પણ આવી કૃપા થશે એવી વાતમાં અંધશ્રદ્ધા રાખીને અત્યારે કામ કર્યા વિના હાથ પર હાથ રાખીને બેસી રહેવામાં હું માનતો નથી.

આટલી પશ્ચાદ્ ભૂમિકા બાંધીને ઇન્સાફ્ના દરબારમાં કહેવાયેલી ખરી વાતો પરથી ઘડાયેલી ’મહારાજ લાયબલ કેસ’ની કાર્યવાહી પર આધારિત નવલકથા ’મહારાજ’ પુસ્તકરૂપે મારા વાચકો સમક્ષ મેં મૂકી છે. ’મહારાજ’નું વાચન તમે શરૂ કરો તે પહેલાં મારે આટલું જ કહેવાનું છે. બાકીની વાત તમે નવલકથા વાંચી લો પછી. જય શ્રીકૃષ્ણ.

૨૮ ઓગસ્ટ, ૨૦૧૩
જન્માષ્ટમી

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here