પર્સેપ્શનની વૉરમાં કોઠાસૂઝ પર આધાર રાખવાનો હોય : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૪ જુલાઈ ૨૦૨૨)

વાતાવરણ જયારે ડહોળાયેલું હોય (એક્ચ્યુલી તો ડહોળી નાખવામાં આવ્યું હોય જેથી આપણે સ્પષ્ટ પરિસ્થિતિ જોઈ ન શકીએ) અને ચારેકોર કન્ફયુઝન જ કન્ફયુઝન હોય (એ પણ જાણી જોઈને ઊભું કરવામાં આવેલું હોય અધર વાઈઝ બધું જ સ્પષ્ટ હોય પણ આપણે નિર્ણય ન લઈ શકીએ તે માટે આપણને ગૂંચવી નાખવામાં આવ્યા હોય) અને નિર્ણય લેવો જ પડે એમ હોય, પાછો ઠેલી શકાય એમ ન હોય, ત્યારે તમે શું કરો?

જિંદગીની આવી અનેક નાનીમોટી પરિસ્થિતિઓ વખતે તમે નિર્ણયો લીધા જ છે એટલે તમને – અનુભવીને કોઈ સલાહની જરૂર જ નથી. તમે આવા સમયે તમારી કોઠાસૂઝ મુજબ નિર્ણયો લીધા છે. તમારી ગટ ફીલિંગ્સના આધારે નિર્ણયો લીધા છે. તમે તમારા અંતરાત્માના અવાજને માન આપ્યું છે.

તમને તમારા દોસ્તાર પર ભરોસો હોય તો કોઈ કંઈ પણ કહે તમે વિચલિત નહીં થાઓ. શું કામ? તમને તમારા જીવનસાથી પર ભરોસો હોય તો એના વિશે કોઈ ગમે તે કહી જાય તમારો વિશ્ર્વાસ નહીં તૂટે. શું કામ? કારણ કે તમને તમારા મિત્ર પર, તમારા સ્પાઉઝ પર શ્રદ્ધા છે. એવી શ્રદ્ધા કે એ તમારું કંઈ નહીં બગાડે. એવી શ્રદ્ધા કે ક્યારેક તમને ન સમજાય એવું પગલું પણ એ ભરશે તો એ તમારા ભલા માટે જ હશે. એવી શ્રદ્ધા કે ક્યારેક એ કોઈ ભૂલ કરશે તો એની દાનત ખરાબ નહીં હોય અને પોતાનાથી થયેલી ભૂલ બદલ એ બહાનાંબાજી નહીં કરે પણ તમારી સમક્ષ એ ભૂલની કબૂલાત કરીને એનાથી થયેલું નુકસાન મિટાવવાની નિષ્ઠાભરી કોશિશ કરશે.

તમને શું એમ લાગે છે કે હું ફરીવાર અહીં સંબંધોના મૅનેજમેન્ટ વિશે લખવા ધારું છું. ના. એ વિષય પર ખૂબ લખ્યું અને હજુય ઘણું લખવાનું બાકી છે. પણ આજનો મારો લેખ પોલિટિકલ એનેલિસિસનો છે, કરન્ટ ટૉપિકને લગતો છે. લેખના ઉપરના ફકરા ફરીથી વાંચો, પહેલા વાક્યથી શરૂ કરો, પછી પાછા અહીં આવી જાઓ.

આગામી સમયમાં રાજકીય ક્ષેત્રે પર્સેપ્શનની વૉર લડાવાની છે. પર્સેપ્શન એટલે નજરિયો. આપણી જોવાની દૃષ્ટિ. વર્ષો પહેલાં એક અંગ્રેજી ન્યુઝ મૅગેઝિનની એડમાં અડધા ભરેલા પાણીના ગ્લાસમાં મૂકેલી ચમચી દેખાડાતી. અમુક એન્ગલથી જુઓ ત્યારે એ ચમચી વાંકી દેખાતી. એ લોકોની બીજી એક એડમાં જૂની ને જાણીતી વાત હતી: અડધા ભરેલા પાણીના ગ્લાસને તમે અડધો ખાલી કહો છો કે અડધો ભરેલો એ તમારી જોવાની દૃષ્ટિ પર આધાર રાખે છે. તમારા પર્સેપ્શન પર આધાર રાખે છે.

કોઈ પણ રાજકારણીએ અત્યાર સુધીનાં વર્ષોમાં કેટલાં નક્કર કામ કર્યાં છે તેનો હિસાબ, એનું ટોટલ તમારા પર્સેપ્શન પર આધાર રાખે છે. અને તમારું પર્સેપ્શન જે હોય તેને સલામ છે. પણ ધ્યાન એ રાખવાનું કે તમારા ખભા પરના બકરાને કોઈ કૂતરું ગણાવીને પડાવી લીધા પછી કસાઈવાડે ન લઈ જાય.

તમારા ઘર પાસેની ફૂટપાથ પરનું ગટરનું ઢાંકણું તૂટી ગયું હોય અને અંધારામાં તમે એના પર ચાલવા ગયા ત્યારે તમારા પગનું હાડકું તડાક દઈને તૂટી ગયું હોય તો તમને લાગવાનું જ છે કે આ શહેરની મ્યુનિસિપાલિટી લબાડ છે, બધા કોર્પોરેટરો ચોર છે, તમામ મ્યુનિસિપલ કર્મચારીઓ કરપ્ટ છે. કોઈ તમને સમજાવવા જશે તો પણ તમારા ભેજામાં નહીં ઊતરે કે આટલા મોટા શહેરમાં રોજનો ટનબંધ કચરાનો તમને નડ્યા વિના જે નિકાલ કરે છે, તમારા ઘરે કંઈ કેટલાય કિલોમીટર દૂરથી જે પાણી પહોંચાડે છે અને તમારું વેહિકલ ચાલી શકે એ માટે સતત નવા નવા રસ્તા – ફલાયઓવર્સ બનાવે છે, મેટ્રો રેલની તમને સુવિધા આપવા એ લોકો સાથે દિવસરાત કોઓર્ડિનેટ કરે છે, તમારા ઘર સુધી વીજળીના કેબલ પહોંચાડી આપે છે, તમારા શહેરનાં ગરીબ બાળકો માટે મફત શાળાઓ ચલાવે છે, લાયબ્રેરીઓ ચલાવે છે, ફેરિયાઓને નિયંત્રણમાં રાખે છે અને એમના માટે હૉકિંગ ઝોનની સુવિધા ઊભી કરે છે, સરકારી દવાખાનાં અને હૉસ્પિટલો ચલાવે છે – આ અને આવાં હજાર નાનાંમોટાં કામ જે કરે છે તે મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સંસ્થા તમારા માટે લબાડ, કામચોર કે કરપ્ટ છે. શું કામ? તમારો પગ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડીને તૂટી ગયો એટલે. તમારી પર્સનલ પીડાને તમે નૅશનલ ઈશ્યુ બનાવી દીધો છે. જસ્ટ કલ્પના કરો કે આ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ સાગમટે રજા લઈને એક મહિના માટે પોતપોતાના વતનમાં વૅકેશન ગાળવા ઊપડી જાય તો? તમે ઘરમાં જે એંઠવાડ ચોવીસ કલાક દરમ્યાન ઊભો કરો છો તેનો નિકાલ કરવા ક્યાં જશો. તમારા ઘરમાં વીજળી અને બાથરૂમમાં પાણી ક્યાંથી આવવાનું છે? તમારી શૌચક્રિયાના કચરાની નિકાલ વ્યવસ્થા તમે જાતે કરી શકવાના છો? વાત કરો છો…

પરફેક્ટ તો યાર, તમારી પોતાની જિંદગી પણ નથી અને પોલિટિશ્યનો જે કંઈ કરે એમાં તમને પરફેક્શન જોઈએ છે. આપણામાંથી જ તો એ બધા આવ્યા છે. જે માણસ ઓછામાં ઓછો કરપ્ટ હોય, જે માણસ બને એટલું વધારે કામ કરતો હોય અને જે માણસ પબ્લિક ફિગર તરીકે બને એટલો વધારે પરફેક્ટ બનવાની જેન્યુઈન કોશિશ કરતો હોય તે માણસ પોલિટિશ્યન તરીકે તમારા માટે કામનો છે – એ તમારે તમારા પર્સેપ્શનના આધારે નક્કી કરવાનું છે, તમારે તમારી શ્રદ્ધા કોનામાં આરોપવી છે એના આધારે નક્કી કરવાનું છે. તમારે તમારી ગટ ફીલિંગ્સના આધારે જ આ નક્કી કરવું પડશે, તમારા અંતરાત્માના અવાજને જ અનુસરવું પડશે. કારણ કે મીડિયાની અને સોશ્યલ મીડિયાની વાતોમાં તમે જેટલા ઘસડાશો એટલા વધારે ને વધારે કન્ફયુઝ થતા જશો. મીડિયાનો ઘણો મોટો હિસ્સો ‘આ વખતે કોને જીતાડવો છે અને કોને પછાડવા છે’ની ફિરાકમાં છે. મીડિયાનું આ કામ જ નથી. મીડિયાનું કામ તમારા સુધી સમાચારો પહોંચાડવાનું છે અને એ સમાચારોનું ભગવાન દ્વારા અપાયેલી સદ્બુદ્ધિ દ્વારા વિશ્ર્લેષણ કરવાનું છે, એનું અર્થઘટન કરવાનું છે. એને બદલે અનેક પ્રિન્ટ-ટીવી મીડિયા તેમ જ ઈન્ટરનેટ પર શરૂ થયેલાં ન્યુઝ પોર્ટલ્સ દલાલીનો વ્યવસાય કરવામાં પડ્યા છે.

સોશ્યલ મીડિયા ફેક ન્યુઝને વાઈરલ કરવાનું માધ્યમ બની ગયું છે. રોજે રોજ કમ સે કમ અડધો ડઝન અજાણ્યા વાચકો મારા વૉટ્સએપ પર ફોરવર્ડિયાઓ મોકલીને સલાહ માગે છે કે શું આ સાચું છે? પહેલાં હું એમને જવાબ આપતો હતો. ઘણી મહેનત કરીને એમને જણાવતો હતો કે શા માટે આ ન્યુઝ ફેક છે, એના પર ભરોસો ન કરી શકાય.

હવે હું થાક્યો છું, કંટાળ્યો છું. આટઆટલા વખત પછી પણ જો તમને કોઈ અડબંગ સમાચાર પર ભરોસો મૂકવાનું મન થાય તો તમે સોશ્યલ મીડિયામાં રહેવાને લાયક નથી. હવે તો તમારામાં નીરક્ષીર વિવેક આવી જ જવો જોઈએ. હવે તો તમારે જ નક્કી કરી લેવાનું હોય કે જે સમાચાર (ટીવી પરના, છાપાના કે સોશ્યલ મીડિયામાં ફરતા હોય એવા સમાચાર) માટે તમને શંકા જાય કે શું આ સાચા છે કે ખોટા, તે ખોટા જ હોવાના. પૂર્ણવિરામ. વધારે કંઈ વિચારવાનું જ નહીં. વિચારીએ છીએ એટલે ફેક ન્યુઝ (કે ફેક પર્સેપ્શન) ક્રિયેટ કરનારાઓને બેસવાની ડાળ મળી જાય છે. તમે તો તથ્યોની ચકાસણી કરવા જવાનાં નથી. જે લોકો તથ્યોની ચકાસણી કરવાની લાયકાત ધરાવે છે એમને પણ ભૂલાવામાં નાખી દે એવી બનાવટી વિગતોનો મારો ચારેકોરથી થઈ રહ્યો છે. આવા સંજોગોમાં તમારે એ જ કરવાનું છે જે તમે તમારા દોસ્તાર માટે કે તમારા સ્પાઉઝ માટે કરતા હો. કોઈ કંઈ પણ કહે તમને જેમનામાં ભરોસો છે એમના પ્રત્યેની શ્રદ્ધા અકબંધ રાખવી. કેટલાક રાજકારણીઓ તમારા ભરોસાને લાયક હોય છે, કેટલાક નથી હોતા. આ બેઉ પ્રકારો માટેની તમારી શ્રદ્ધા અને અશ્રદ્ધા અકબંધ રાખવા માટે કોઠાસૂઝ સિવાય તમને બીજું કશું ય કામ લાગવાનું નથી.

પાન બનાર્સવાલા

હું જે કંઈ જાણું છું તે બધું મીડિયામાં વાંચેલું કે જોયેલું-સાંભળેલું છે. મારા અજ્ઞાનનો આટલો પુરાવો પૂરતો છે!

— વિલ રૉજર્સ (અમેરિકન અભિનેતા અને હાસ્યકાર)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here