માર્કેટિંગ કરીને ધૂમ કમાણી કરવા માગતા મિડિયોકર કામની આવરદા કેટલી? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : મંગળવાર, ૨૮ નવેમ્બર ૨૦૨૩)

માર્કેટિંગના જમાનામાં કેટલા લોકો આ વાત સાથે સહમત થશે કે કામને બોલવા દેવું, પોતે ચૂપ રહેવું? અત્યારનો વખત તો એવો છે કે ખુદ અમિતાભ બચ્ચન અને આમિર ખાને પણ પોતાની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે કપિલ શર્મા કે તારક મહેતાના શોમાં જઈને ફિલ્મની પબ્લિસિટી કરવી પડે છે.

હું એવું માનું છું કે જો તમારી પ્રોડક્ટ સારી હોય તો આફ્ટર અ સર્ટેન પોઈન્ટ તમારે એના માર્કેટિંગ માટે મહેનત કરવાની જરૂર રહેતી નથી. બેઝિકલી, એગ્રેસિવ માર્કેટિંગની જરૂર સેકન્ડ રેટ પ્રોડક્ટને વધારે હોય છે. જો દિખતા હૈ વો હી બિકતા હૈવાળો ફન્ડા ટૉપ ગ્રેડની વસ્તુને લાગુ પડતો નથી.

તમે સારું કામ કર્યું હોય તો પછી તમારે એ કામને લોકો સુધી પહોંચાડવા માટે બહુ ઉધામા કરવાની જરૂર રહેતી નથી. સારી ફિલ્મ બનાવી હોય, આયપોડ કે આયફોન બનાવ્યો હોય, સારી નવલકથા લખી હોય કે પછી સારું ખાવાનું બનાવ્યું હોય તો લોકો સુધી એની માહિતી પહોંચાડી દેવી પૂરતી છે, વારંવાર ગાઈબજાવીને, હૅમરિંગ કરીને કહેવાની જરૂર નથી કે તમારો માલ કેટલો સારો છે. વર્ડ ઑફ માઉથ સ્પ્રેડ થશે એટલે આપોઆપ એ લોકો સુધી પહોંચશે જ.

પણ અહીં સારું કામ કરનારાઓને પણ ઘણી વખત જાત પર, પોતાના કામ પર ભરોસો હોતો નથી. અથવા તો કહો કે એની આસપાસના લોકો પર એને વધારે ભરોસો હોય છે જે લોકો એને કહ્યા કરતા હોય છે કે આ જમાનો માર્કેટિંગનો છે, એગ્રેસિવ માર્કેટિંગનો છે, તમારી પ્રોડક્ટ ભલે સારી હોય પણ એને દાંત કચકચાવીને પુશ નહીં કરો તો તમારાથી નબળી પ્રોડક્ટ તમને પાછળ પાડી દેશે.

ભલે. આય વુડ સે. આ બાબતમાં હું બિલ વૉટર્સન જેવા ક્રિયેટિવ લોકોને અનુસરવાનું પસંદ કરું. તમે જાણો છો ‘કૅલ્વિન ઍન્ડ હોબ્સ’ની ચિત્રપટ્ટીના આ મહાન સર્જકને. તમને જ્યારે તમારા સર્જન પર ભરોસો હોય ત્યારે જ તમે માર્કેટિંગની ચુંગાલમાંથી બચી શકો. એક વખત જો તમે એ ચક્કરમાં ફસાઈ ગયા તો એમાંથી બહાર નીકળવું મુશ્કેલ. માર્કેટિંગ કરીને તમારી પ્રોડક્ટની ડિમાન્ડ વધારો, ડિમાન્ડ વધારો એટલે એને પહોંચી વળવા પ્રોડક્શન વધારો. પ્રોડક્શન વધારો એટલે ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઈઝ કરીને પણ શેડ્યુલ જાળવવું પડે. શાહરૂખ ખાન અને કરણ જોહરની પ્રોડક્શન કંપનીઓએ જ્યારથી વધારે ને વધારે માલ બનાવવાનું શરૂ કર્યું છે ત્યારથી એ ફિલ્મોની ક્વૉલિટી કેવી થતી ગઈ છે એ તમને ખબર છે. આવી ફિલ્મોના માર્કેટિંગ પાછળ જો કરોડો રૂપિયા ન ખર્ચાતા હોય તો એ ક્યારેય પ્રથમ વીકઍન્ડમાં સો કરોડ રૂપિયાનો દલ્લો ભેગો કરી શકતી ન હોત.

માર્કેટિંગ દ્વારા મૅગી નૂડલ્સથી માંડીને કોલા-શૅમ્પૂ વગેરે જેવી કેટલીય બિનજરૂરી ચીજોનું હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર થતું રહે છે. આવી ડઝનબંધ ચીજોનો ટીવી-છાપાંની ઍડ દ્વારા હાઈ્પ ઊભો ન થતો હોત, પાનના ગલ્લે-ગલ્લે એ વેચાતી ન હોત, તો આપણા જીવનમાં એ બધા કચરાને સ્થાન પણ ન હોત. ચીજ જેટલી મીડિયોકર એટલું એનું માર્કેટિંગ જોરદાર.

સારા સિંગરે જ્યાં ને ત્યાં કહેવાની જરૂર પડતી નથી કે હું કેટલું સારું ગાઉં છું. લતા મંગેશકરને, એમની દીર્ઘ કારકિર્દીમાં તમે એક પણ વાર આવું કહેતાં સાંભળ્યાં? અમિતાભ બચ્ચને કે નસીરુદ્દીન શાહે કયે દહાડે પોતાના મોઢે કહેવું પડ્યું કે હું સારો ઍકટર છું. યશ ચોપરાએ ક્યારે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મેં બેસ્ટ ફિલ્મો બનાવી છે? આ અને આવા અનેક લોકોનું કામ બોલે છે, તેઓ પોતે બોલતા નથી.

આની સામે મીડિયોકર ગાયકો/અભિનેતાઓ/ ફિલ્મસર્જકો/ રાઇટરો પૈસા આપીને પોતાના ઈન્ટરવ્યૂઝ લેવડાવે છે અને પોતે કેટલા મહાન છે એવું પોતાના મોઢે જ બોલે છે, અને પોતાના બિઝનેસ પાર્ટનર્સ – ગોઠિયાઓ પાસે બોલાવડાવે છે.

સારું કામ, કોઈ વખાણ કરે કે ના કરે, સારું જ રહેતું હોય છે. સેકન્ડ રેટ કામ, કોઈ ગમે એટલાં વખાણ કરે એ પછી પણ, સેકન્ડ રેટ જ રહેતું હોય છે. આ બાબતમાં મને આમ આદમી પર પાક્કો ભરોસો છે. પ્રજાને, જનતાને, સામાન્ય દર્શકો – વાચકો – શ્રોતાઓને – ઉપભોકતાઓને આજે નહીં તો કાલે ખબર પડી જતી હોય છે કે સારું શું છે, ખરાબ શું છે. આમાંથી મેજોરિટી લોકો વોકલ નહીં હોય. તેઓ વખત જતાં ચૂપચાપ સેકન્ડ રેટ વર્કને રિજેક્ટ કરી નાખશે અને બહુ હોહા કર્યા વિના લાંબા ગાળે સુંદર કામને જ ચીરસ્થાયી બનાવશે.

ધસ ફાર ઍન્ડ નો ફર્ધર. પ્રસિદ્ધિ, પૈસા અને બીજી ભૌતિક પ્રાપ્તિઓની બાબતમાં આ સૂત્રને અનુસરવું અત્યારના જમાનામાં અશક્ય જણાય પણ એવું નથી. બિલ વૉટર્સન આજના જમાનાનો જ માણસ છે. ૬૫ વર્ષનો. આમ છતાં એણે સત્યાવીસ વર્ષ પહેલાં જગવિખ્યાત કૉમિક પટ્ટી બનાવવાનું કામ આટોપીને જમાનાથી દૂર થઈને પેઈન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું. જરૂર નથી કે અમિતાભ બચ્ચન ઍક્ટિંગ છોડીને માટીનાં વાસણો બનાવવાનું શરૂ કરે. પણ બચ્ચનજી કે એમના જેવા બીજા મહાન લોકો પોતાનાં ગુણગાન ગાયા વિના માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે એમાંથી શીખવાની વાત છે.

હું રહી જઈશ, પાછળ પડી જઈશ, બીજા લોકો આગળ વધી જશે, હું ભુલાઈ જઈશ, કોઈ મારો ભાવ નહીં પૂછે આવી ઈન્સિક્યોરિટીને કારણે પોતાની જાતનું માર્કેટિંગ કરવામાં મંડી પડેલા લોકોની અસલામતી વધતી જ જવાની અને અસલામતી વધવાની સાથે તેઓ વધારે જોરશોરથી પોતાનું માર્કેટિંગ કરવાના. આ બધાની અસર સરવાળે એમની ક્યિેટિવિટી પર પડતી હોય છે. સર્જક માટે અસલામતીનો જે પૉઝિટિવ ઉપયોગ થવો જોઈએ તેને બદલે આ ભાવના એમના વિશ્ર્વને સંકોચી નાખે છે.

દુનિયા જે કરે છે તે જ આપણે કરવું એવું કોણે કહ્યું?

આ દુનિયા આગળ ચાલી એવા લોકોને કારણે જેમણે બીજાઓ જે કરતા હતા એના કરતાં કંઈક જુદું કર્યું.

આજનો વિચાર

સ્વર્ગ એટલે શું? એવી જગ્યા જ્યાં તમે કહી શકો કે: હા, મેં થોડી ભૂલો જરૂર કરી, પણ કાયરતા નથી દેખાડી. મેં મારી જિંદગી મારી રીતે જીવી અને મારે જે કરવું હતું તે જ મેં કર્યું.

– પાઉલો કોએલો

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. એક વાક્ય ખૂબ જ ગમી ગયું. “કામને બોલવા દેવું, પોતે ચૂપ રહેવું.” પણ આજે મોટાભાગના લેખકો, કલાકારો અને કવિઓ પણ પોતાનું માર્કેટીંગ સતત કરતાં જ રહે છે. પેઈડ ન્યૂઝ પર પણ આપતાં રહે છે અને છપાતાં રહે છે. કદાચ તેઓ સૌને નિષ્ફળ જવાનો ભય સતાવતો હશે અથવા તો લોકોની ચાહના મેળવવા માટેની ઘેલછા પણ હોય શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here