ગુડ મોર્નિંગ – સૌરભ શાહ
લૉયરના પત્ર પર રોઝીની સહી લેવાને બદલે એને દારૂની બાટલીઓના કેબિનેટમાં છુપાવી દીધા પછી રાજુએ વિચાર્યું કે સારું છે કે મણિ રજા પર હતો નહીં તો બધું ગડબડસડબડ થઈ જાત. રાત્રે રાજુએ એ પત્ર ફરીથી વાંચ્યો. રોઝીની સહી થઈ ગયા પછી એના પર માર્કોની સહી થવાની હતી. આવો પત્ર લૉયર થ્રુ અત્યારે મોકલવા પાછળ માર્કોનો આશય શું હશે?
રોઝીનો ઝવેરાતનો ડબ્બો રહી રહીને છેક હવે એને મોકલવાનો અર્થ શું? શું એ રોઝીને પાછી મેળવવા માટે કોઈ ચાલ ગોઠવી રહ્યો હતો, જાળ બિછાવી રહ્યો હતો? રોઝીને જો આ પત્ર વિશે ખબર પડશે ત્યારે એ તો ઘેલી ઘેલી થઈ જશે. મારો માર્કો તો આમ ને મારો માર્કો તો તેમ કહીને નાચવા માંડશે. ‘જોયું, હું નહોતી કહેતી કે એ કેટલો ખાનદાન છે!’ રોઝી વિચારશે. ઈલસ્ટ્રેટેડ વીકલીમાં એનો એક ફોટો જોઈને એ કેવી પાગલ થઈ ગઈ હતી. રાજુએ હજુ સુધી એને એ બુક દેખાડી નહોતી. બીજે દિવસે રાજુએ રાહ જોઈ હતી કે રોઝી એ ચોપડી વિશે કંઈ પૂછે છે કે નહીં. પણ રોઝીએ એ વાત કદી ક્યારેય ઉખેળી નહોતી. રાજુએ પણ એ વિશે મૌન ધારણ કરી લીધું હતું.
પણ આ વખતે આવેલા લૉયરના લેટરની વાત કંઈક અલગ હતી. લેટર જોઈને રોઝી બધું પડતું મૂકીને કદાચ નેક્સ્ટ ટ્રેન પકડીને મદ્રાસ પાછી પણ જતી રહે. તો પછી આ લેટરનું કરવું શું? પડ્યો રહેવા દો એને વ્હિસ્કીની બોટલોના સાંનિધ્યમાં, રાજુએ ઉદાસ હસીને પોતાની જાતને સમજાવી લીધી.
ત્રણેક દિવસ પછી અડધી રાતે રાજુ રોઝીને ઊંઘતી રાખીને નીચે આવી ગયો. દારૂના બારનું કેબિનેટ ખોલીને પત્ર ફરી વાંચ્યો. એમાં કોઈ એવી તાકીદ નહોતી લખી કે આ સમય તારીખ પહેલાં પત્ર સહી કરીને પાછો મળી જવો જોઈએ, પણ જો આ પત્ર વિશે કોઈ નિર્ણય લેવામાં વિલંબ થયો અને લૉયરની ઑફિસમાંથી રિમાઈન્ડર આવ્યું અને બાય ધૅટ ટાઈમ મણિ રજા પરથી પાછો આવી ગયો હોય અને એને આ બધી વાતની ખબર પડી ગઈ તો? અને એ રિમાઈન્ડર રાજુની ગેરહાજરીમાં આવે અને મણિ એ પત્રને રોઝી સુધી લઈ ગયો તો? રાજુએ નક્કી કર્યું કે લૉયરના લેટરની વાત રોઝી સુધી પહોંચવી ન જોઈએ. એણે લેટર પર રોઝીની સહી કરીને બીજે દિવસે રજિસ્ટર્ડ ટપાલમાં પાછો મોકલી દીધો. મણિ રજા પર હતો એટલે સારું હતું. રાજુ પોતે જ પોસ્ટ ઑફિસ જઈને પોસ્ટ માસ્ટરને સોંપીને રસીદ લઈ આવ્યો.
રાજુને ખબર નહોતી કે જ્વેલરી બૉક્સ ક્યારે આવવાનું છે. વકીલના પત્રમાં તો લખ્યું હતું કે, સહીસિક્કા થઈ ગયા પછી તાબડતોબ ટપાલમાં વીમો ઉતારીને મોકલી આપવામાં આવશે. મણિ રજા પરથી આવી ગયો હતો. રાજુ રોજ એને પૂછ્યા કરતો કોઈ પાર્સલ આવ્યું? કોઈ પાર્સલ આવ્યું?
રાજુને આશા હતી કે જેવો રોઝીની બનાવટી સહી કરેલો લેટર લૉયરની ઑફિસે પહોંચશે કે તરત માર્કોની સહી થઈ જશે અને બૅન્કના લૉકરમાંથી રોઝીનો ઝવેરાતનો ડાબરો ટપાલ વીમાના પાર્સલમાં માલગુડી આવી જશે. રોજ એ કાગડોળે પાર્સલની રાહ જોતો. દર બીજે દિવસે રાજુ દારૂની બાટલીઓના ખાનામાંથી વકીલનો કવરિંગ લેટર કાઢીને વાંચતો અને વિચારતો ક્યાંક પેલા મણિએ તો આ લેટર વાંચી લીધો નથી ને. કેટલા વખતથી મારા માટે કામ કરે છે, પણ પેલી ચોપડીની ચાડી ખાધી એમ રોઝી પાસે જઈને આ લેટર વિશે તો બકી આવ્યો નથી ને. લુચ્ચો, હરામખોર છે. એના પર ભરોસો મુકાય એમ નથી.
એક રાત્રે માલગુડીથી ૬૦ માઈલ દૂરના કાલિપેટ ગામે રોઝીનો શો હતો. આયોજકોએ સંગીતવાદકો માટે એક વાનની અને રોઝી-રાજુ માટે પ્લીમથ કારની ગોઠવણ કરી હતી. ટિકિટની કિંમત પચાસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીની રાખવામાં આવી હતી. નવું મેટરનિટી હોમ બાંધવા માટે ફાળો ઉઘરાવવા આ ભવ્ય ચેરિટી શો રાખવામાં આવ્યો હતો. રાજુએ મોકાનો ફાયદો ઉઠાવવા રોઝીની રેગ્યુલર ફી ઉપરાંત ખર્ચ પેટે રૂપિયા એક હજાર માગ્યા હતા. કાર્યક્રમમાં આ ઈલાકાના તમામ દિગ્ગજો અને ધુરંધરોની હાજરી હતી. શો માટે જબરદસ્ત મોટો મંડપ અને વિશાળ સ્ટેજ બાંધવામાં આવ્યાં હતાં. રોઝીએ ગણેશવંદનાથી શરૂઆત કરી. બે કલાક દરમ્યાન એક પછી એક હિટ આયટમો રોઝી પેશ કરતી રહી. એનો નાગિન ડાન્સ બધે ખૂબ વખણાતો. દરેક જગ્યાએ એની ફરમાઈશ રહેતી. પિસ્તાલીસ મિનિટ સુધી એ આયટમ ચાલતી. અત્યારે સ્ટેજ પર એ શરૂ થઈ ગયો હતો. રાજુ રોઝીની અદ્ભુત નૃત્ય અદાઓને જોવામાં પૂરેપૂરો તન્મય થઈ ગયો હતો. એને મા યાદ આવી. માએ રોઝીને નાગક્ધયા કહીને ઉતારી પાડી હતી. મા જો આ નૃત્ય જુએ તો રોઝી વિશેના એના વિચારો સાવ બદલાઈ જાય અને રોઝી માટે એને જબરદસ્ત માન થઈ આવે. આ ઘડીએ આયોજકોમાંના કોઈકે આવીને રાજુના કાનમાં ધીમેકથી કહ્યું, ‘સર, કોઈ તમને બોલાવે છે.’
‘મને? અત્યારે કોણ ડિસ્ટર્બ કરે છે?’
‘સર, ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ યાદ કરે છે તમને.’
‘એમને કહી દે કે આ આયટમ પૂરી થયા પછી મળવા આવું છું.’
ડીએસપી રાજુ સાથે નિયમિત તીન પત્તી રમતો. અત્યારે એને મારું શું કામ પડ્યું હશે, રાજુને નવાઈ લાગી. શક્ય છે કે મિનિસ્ટર આવવાના હતા એટલે વધારાના પોલીસ બંદોબસ્ત વિશે કોઈ ચર્ચા કરવાની હોય. આયટમ પૂરી થયા પછી તાળીઓનો પ્રચંડ ગડગડાટ થયો. રાજુ બહાર આવ્યો. પ્લેન કપડાંમાં ડીએસપી એની રાહ જોતો ઊભો હતો. એને જોઈને રાજુ બોલ્યો,
‘હેલ્લો, ડીએસપી મને ખબર પડી કે તમે પણ આવવાના છો. પહેલેથી કહ્યું હોત તો અમારી ગાડીમાં જ તમને લઈ લીધા હોત.’
ડીએસપી રાજુનું બાવડું ખેંચીને એને દૂર એકાંતમાં લઈ ગયા, કારણ કે આસપાસ બહુ લોકો આ બંનેને જોઈ રહ્યા હતા. ડીએસપીએ કોઈ સાંભળે નહીં એવા અવાજમાં રાજુને કહ્યું, ‘હું ખૂબ દિલગીર છું, પણ મારી પાસે તારી ધરપકડનું વૉરન્ટ છે. ઉપરથી હુકમ આવ્યો છે.’
આજનો વિચાર
કોઈપણ સુંદર સંબંધનો આધાર પરસ્પર માટેની સમજણ ન હોય, પણ એકબીજા માટેની ગેરસમજ કેટલી ટાળી શકો છો એ હોય.
– વૉટ્સઍપ પર વાંચેલું.
એક મિનિટ!
જ્યોતિષી: બકા, તારી કુંડળીમાં બહુ ધન છે.
બકો: મહારાજ, મને રસ્તો દેખાડો કે કુંડળીનું ધન બૅન્કમાં કેવી રીતે ટ્રાન્સફર થશે. એનઈએફટીથી કે આરટીજીએસથી!
( મુંબઇ સમાચાર : સોમવાર, 8 ઓક્ટોબર 2018)