ઍક્સ-રે અને પોતાના દોષ ગમે તેને દેખાડવાના ન હોય: આચાર્ય વિજય રત્નસુંદરસુરિશ્વરજી

ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવસૌરભ શાહ
( રવિવાર, 7 ઓક્ટોબર 2018)

ખેતરની ફરતે ખેડૂત વાડ બાંધે છે તેની પાછળ ખેડૂતનો આશય શું હોય છે? ખેતરને બંધિયાર બનાવી દેવાનો કે ખેતરનું રક્ષણ કરવાનો.

ખેતરમાં ઘૂસીને કોઈ પ્રાણી કે માણસ પાકને નુક્સાન ના કરે એ માટે એણે પ્રોટેકશન માટે વાડ બાંધવી પડે. આને કારણે ખેતર પર કોઈ રિસ્ટ્રિક્શન આવી જાય છે એવું નથી.

આ ઉદાહરણ અને આ સમજણ એક ઉચ્ચ કોટિના રાષ્ટ્રિય સંત પાસેથી જાણવા મળે છે. આચાર્ય વિજય રત્નસુંદરસુરિશ્વરજી મહારાજ સાહેબ માત્ર જૈન ધર્મની ફિલસુફી જ સમજાવતા નથી, કોઈ પણ ધર્મના અનુયાયીને સ્પર્શી જાય એવી જીવનની અનેક બારીકીઓને ઊંડાણમાં ઊતરીને, સરસ રોચક શૈલીમાં મૂકી આપે છે. એમના ૩૦૦થી વધુ ગુજરાતી પુસ્તકો તથા એ પુસ્તકોનાં હિંદી-અંગ્રેજી સહિતની અનેક ભારતીય-અંાતરરાષ્ટ્રિય ભાષાઓના અનુવાદો દ્વારા કરોડો વાચકોને એમના નક્કર ચિંતનનો લાભ મળી રહ્યો છે. ૩૦૦મા પુસ્તકનું લોકાર્પણ વડાપ્રધાન નરેંદ્ર મોદીના હસ્તે થયું હતું. અત્યારે એ આંકડો સાડા ત્રણસોની નજીક પહોંચી રહ્યો છે.

ગણપતિની સ્પર્ધા કરી શકે એવા મોતીના દાણા જેવા સ્વહસ્તાક્ષરે પોતે પુસ્તકો લખે છે. ૭૧ વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે એવી ઝડપી અને ટટ્ટાર ચાલે પ્રવચન ખંડમાં પ્રવેશીને એક કલાક સુધી અસ્ખલિત વાણીથી શ્રોતાઓના મન-મસ્તિકમાં કાયમી સ્થાન મેળવી લે છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરથી એક કલાકના અંતરે આવેલા બડનગર તાલુકામથકમાં ચતુર્માસ કરી રહ્યા છે. રોજ આસપાસના પંથકના સેંકડો લોકો એમના પ્રવચનો સંાભળવા બડનગર આવે છે. અમે પણ આ લ્હાવો લીધો.

મહારાજ સાહેબની એક વાત ઘણાં વર્ષો પહેલા અમારા ક્લ્યાણમિત્ર પાસેથી સાંભળેલી જે પ્રવચન દરમ્યાન ફરીથી માણી. બે વત્તા બે ચાર જ કેમ? પાંચ કે ત્રણ કેમ નહીં? એટલા માટે કે ક્યારેક કોઈકને આપવાનું થાય ત્યારે આપણને બે વત્તા બે બરાબર ત્રણ કરવાની લાલચ ના થાય અને લેવાનું હોય ત્યારે પાંચની લાલચ ના થાય. આટલી શિક્ષા આપ્યાનાં વર્ષો પછી ગુરુદેવે કલ્યાણમિત્રને કહ્યું હતું કે હવે સમય છે કે બે વત્તા બે બરાબર પાંચની ગણતરી શરૂ કરો – કોઈને આપવાનું હોય ત્યારે. અને કોઈની પાસેથી લેવાનું હોય ત્યારે ત્રણની જ આશા રાખો.

દોષ કોનામાં નથી? પણ આ દોષ દૂર થતા નથી. એનું કારણ શું? મહારાજ સહેબ કહે છે કે દોષના નિવારણનું પ્રથમ પગથિયું છે દોષની કબૂલાત. આપણે ડૉક્ટર પાસે જઈને શારીરિક જે કાંઈ તકલીફ હોય એના વિશે સાચેસાચી હકીકત જણાવી દઈએ છીએ. પગની બીમારી હોય તો એના વિશે, પેટની તકલીફ હોય તો એના વિશે નિખાલસતાથી ડૉક્ટરને માહિતગાર કરીએ છીએ. ડૉક્ટરને હકીકતની જાણ થાય એ માટે એક્સરે કઢાવીને એમને બતાવીએ છીએ. રોગ નિવારણ માટે જેમ ડૉકટર છે એમ દોષ નિવારણ માટે સંતો-મહાત્માઓ છે. દોષની કબુલાત યોગ્ય વ્યક્તિ સમક્ષ જ કરવાની હોય. આપણો ઍક્સ-રે આપણે જેને ને તેને દેખાડતા ફરતા નથી. જેને ઍક્સ-રે જોવાનો અધિકાર છે એને જ બતાડીએ છીએ. દોષની કબૂલાત પણ બધાની આગળ કરવાની ના હોય.

મહારાજ સાહેબે આ સંદર્ભમાં એક અદ્ભુત વાત કરી. ડૉકટર તમને સ્વાસ્થ્ય નથી આપતા. તમારો રોગ દૂર કરે છે. રોગ દૂર થતાં જ તમારામાં રહેલું સ્વાસ્થ્ય પ્રગટ થાય છે, જે રોગને કારણે ઢંકાઈ ગયું હતું. મહાપુરુષો-સંતો તમને ગુણવાન નથી બનાવતા, તેઓ તમારા દોષોની કબૂલાત સાંભળીને એનું નિવારણ કેવી રીતે થાય એવું માર્ગદર્શન આપે છે અને આ દોષ, આ દુર્ગુણ દૂર થતાં જ આપણામાં જ રહેલાં આપણા સદગુણો પ્રગટ થાય છે. દરેક માણસમાં બધા જ ગુણો હોવાના. કોઈપણ મહાપુરુષ તમારામાં નવા ગુણો ઉમેરતા નથી, સર્જનહારે ઑલરેડી દરેકમાં એ ગુણો આપ્યા છે. સંતો આપણામાંનાં દુર્ગુણોને દૂર કરીને સદગુણોને પ્રગટ કરે છે, જે આપણા છે તેની સાથે આપણી ઓળખાણ કરાવે છે. મહારાજ સાહેબની આ મૌલિક વાત છે, ઘણી મોટી વાત છે.

સાહેબજી હજુ ઊંડાણમાં લઈ જાય છે. પાંચ વાત સમજાવી દે છે. પહેલી વાત – માણસે અર્જનશીલ બનવાનું છે. અર્જન કરવું એટલે કમાવવું. ધન ઉપરાંતની વસ્તુઓ કમાવવાની વાત છે. સારી સારી જીવન ઉપયોગી વાતો, નીતિરીતિ અને સિદ્ધાંતો, ઉદારવૃત્તિ અને જીવદયા – આ બધું કામાવવાની વાત છે. અર્જનશીલ બન્યા પછી સંગ્રહશીલ બનવાનું. જે કમાયા છીએ એનો સંગ્રહ કરવાનો. જે કંઈ કમાયા હોઈએ એ બધું જ વાપરી નાખવાનું ન હોય. બચાવવાનું હોય. બચત કરવાની ટેવ હશે તો જ ત્રીજા તબક્કે પહોંચાશે. ત્રીજો તબક્કો છે વર્ધનશીલ બનવાનો. કમાણીમાં અને બચતમાં ઉત્તરોત્તર વધારો થતો રહેવો જોઈએ. અન્યથા એમાં ક્રમશઃ ઘટાડો થતો જશે અને છેવટે એ નામશેષ થઈ જશે. ચોથો તબક્કો નિગ્રહશીલ. નિગ્રહ એટલે કંટ્રોલ. દરેક વૃત્તિ પર કાબૂ રાખવો, એના પર લગામ રાખવી. પાણી ગંગાનું હોય કે ગટરનું- જો એને ઢાળ મળશે તો એની દિશા નીચે તરફની જ રહેશે. સંયમી પુરુષોએ પણ આવા ઢાળથી બચવું. છેલ્લે આવે છે પાંચમો તબક્કો. અને એ છે ઉપગ્રહશીલ બનવાનો તબક્કો. ઉપગ્રહ એટલે ઉપકાર. ઉપકાર વિના જીવન ચાલી શકતું નથી. આપણને મદદ કરનારાઓ તો આપણા પર ઉપકાર કરે જ છે, જે લોકો આપણને નડતા નથી તેઓ પણ આપણી આડે નહીં આવીને ઉપકાર જ કરતા હોય છે.

મહારાજ સાહેબની વિદાય લેતાં લેતાં એક એવી વાત સાંભળી જે કાયમ માટે દિમાગ પર ચોંટેલી રહેવાની. મુંબઈ પાછા આવતાં સુધી રસ્તામાં સતત આ વાત યાદ આવતી રહી. નફો કરવો હશે તો ધંધો કરવો પડશે, દુકાન પર બેસવું પડશે, દસ દિવસ સુધી ઘરાક નહી આવે તોય રોજ દુકાને બેસવું પડશે. નફો થવાનો હશે તો તે દુકાન ઉઘાડી રાખીને ધંધો કરીશું તો જ થશે. કોઈ ઘરાક આવતું નથી એવું કહીને શટર પાડીને ઘરે બેસી રહીશું તો કોઈ દહાડો નફો થવાનો નથી.

આચાર્ય વિજય રત્નસુંદરસુરિશ્વરજી મહારાજ સાહેબનાં સેંકડો પુસ્તકોમાંની વિચાર સામગ્રી વિશે જો વાત કરવા બેસું તો આવતા ચાર દાયકા સુધી મારે રોજ એક કૉલમ એ વિશે જ લખવી પડે. આમાંના એક અદ્ભુત પુસ્તક ‘વન મિનિટ પ્લીઝ’માં મા સરસ્વતીના આશીર્વાદથી વેદ-ઉપનિષદ-ગીતાની સમકક્ષ મૂકી શકીએ એવાં સચોટ અને જીવન ઉપયોગી મૌલિક સૂત્રો ગુરુદેવે સર્જ્યાં છે જેમાં ડૂબકી મારીશું તો મોતીનો ભંડાર મળવાનો છે. આવતી કાલથી એક લઘુશ્રેણી દ્વારા આ મોતીમાળાનું સૌંદર્ય માણીશું. આ લઘુશ્રેણી આપ www.newspremi.com પર ગુજરાતીમાં તેમ જ http://newspremi.com/hindi/ પર હિંંદીમાં વાંચી શકશો.

10 COMMENTS

  1. ગુરુજી બહુ સરસ લખે છે અને સંભળાવે પણ છે નાગપુર માં ચાતુર માસ નો લાભ મળેલ અને અમોએ ધન્યતા અનુભવેલ.

  2. Dhanya Gurudev….I had all books of my Gurudev….thanks sir….he is my mentor….change my life and change my way of thinking towards my parents….must read book …”lakhi rakho aaras ni takti par”….life changing book….

  3. અરિહંત ચેનલ પર રોજ રાત્રે 9 થી 10 એમના રોચક પ્રવચનો હું ઘણીવાર સાંભળું છું.

  4. Thanks Saurabhbhai for reconnecting with Aacharya Vijay Ratna Sunder Suriswarji Maharajsaheb. I stay at Mulund Mumbai. All Maharajsahbe , sadhus and sadhviji bagwant were in Mulund 8 years back and was privilege to hear from him. At that time Guruji has completed 275 books. As you have truly mention, its not only Jain but for all religion. Eagerly waiting on daily pravachan mala from your end with common man point of view.
    Chirag Dagly

  5. ગુરૂવર ના સાહિત્ય મો જીવન નુ સચોટ માર્ગદર્શન પડેલું છે ઘણી ચોપડી ઓ વાંચી છે
    આપ ના નજરિયા થી આપ ના વિશ્લેષણ મો કાંઈક વધારે જાણવા મળશે

  6. Roz Roz Goodmorning vachso to Nafo chhokkas malse ae vaat ekdum prove thai chhe. Once again thanks for such types of original and distinguished article. Keep it up Saurabhbhai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here