તમને સિક્‌યૉર્ડ લાઈફ ગમે કે ઈન્સિક્‌યોર્ડ? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૧૯ માર્ચ ૨૦૨૧)

નવલકથાનું વાંચન રોમાંચક છે. કલ્પનાનું ઉડ્ડયન અફાટ છે એનો પુરાવો નવલકથા છે. સિનેમાના પડદા પર દેખાતી કાલ્પનિક દુનિયામાં ઓતપ્રોત થઈ જઈએ છીએ. પાત્રો હસે તો હસીએ છીએ, રડે તો રડીએ છીએ, એમનાં રોમાન્સ-સુખ-દુઃખ સઘળુંય આપણી પર્સનલ લાઈફ સાથે જોડાઈ જાય છે. સિનેમાનું ગીત આપણી ન લખાયેલી રોજનીશીનું પાનું બની જતું હોય છે.

પણ નવલકથા હાથમાં લઈએ છીએ ત્યારે ખબર હોય છે કે એનું છેલ્લું પાનું કેટલામું છે. સિનેમાની શરૂઆતમાં જ સેન્સરનું સર્ટિફિકેટ આપણને કહી દે છે કે આ ખેલ કુલ કેટલા કલાક, કેટલી મિનિટ સુધી ચાલવાનો છે. નવલકથાની, સિનેમાની રોમાંચકયાત્રાનો અંત પહેલેથી જ લખાયેલો હોય છે. જિંદગીની રોમાંચયાત્રા સીમિત નથી હોતી, એનો અંત ક્યારે આવવાનો છે એની જાણ તમને કોઈ ઘડિયાળ, કોઈ કૅલેન્ડર દ્વારા થતી નથી. જિંદગીની આ નિઃસીમ રોમાંચયાત્રાને નવલકથા-સિનેમા કરતાં પણ અનેકગણી માણી શકાય એમ છે પણ આપણે એની સીમા વિહીનતાને અસલામતી ગણી બેસીએ છીએ. જીવન તો આજે છે ને કાલે નથી એવું કહીને એ અસલામતીને સલામતીમાં પલટી નાખવા આખી જિંદગી ફાંફાં મારતા રહીએ છીએ અને પછી પણ ફફડતા રહીએ છીએઃ પાછલી ઉંમરે મારી પાસે પૈસા નહીં હોય તો? મને કોઈ અસાધ્ય બીમારી થઈ જશે તો? મારી દીકરીનો સંસાર ઠીક નહીં ચાલે તો? દીકરાને વેપારમાં ખોટ આવી તો? છેલ્લા દિવસોમાં મારાં કુટુંબીજનો-મિત્રો-ચાહકો-ઓળખીતાઓ મારી સાથે નહીં હોય તો? મેં કરેલા ઈન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઘટી જશે તો?

દિવસરાત આ કે આવી અસલામતીઓથી પીડાતા રહીએ છીએ અને એ અસલામતીઓને દૂર કરીને સલામત થઈ જવાના પ્રયત્નોમાં વધુને વધુ ડરીને જીવતાં થઈ જઈએ છીએ. તમારી જિંદગી અંબાણી-બચ્ચન કે બિલ ગેટ્‌સ જેવી ભલે ન હોય. પણ એ તમારી છે. જગતની શ્રેષ્ઠતમ નવલકથા કરતાં કે દુનિયાની ટૉપ ટેન ફિલ્મોની યાદીમાં હોઈ શકે એવી ફિલ્મ કરતાં અનેકગણી રોમાંચક છે – જો તમે એની અસલામતીને માણી શકો તો. જો તમે એ અસલામતીને સલામતી બનાવી દેવાના ચક્કરમાં ન પડો તો. લાઈફમાં સિક્યોરિટી હોવી જોઈએ – આના જેવું બદમાશ વાક્ય એકેય નથી. માણસ સિક્યુરિટી મેળવવા પ્રેમમાં પડે છે, લગ્ન કરે છે, બાળકો પેદા કરે છે, દિવસરાત કમાય છે, ટૂંકું ટૂંકું જીવીને લાંબી લાંબી બચતો કરવાનાં પ્રયત્નો કરે છે, તમાચો મારીને ગાલ લાલ રાખીને જીવતાં શીખવાની કોશિશ કરે છે, અમુક ઈન્શ્યોરન્સ અને તમુક ઈન્વેસ્ટમેન્ટની સલાહ આપતા દલાલોની જાળમાં ફસાય છે, પોતાનાં ડ્રીમ્સ સાકાર કરવાને બદલે ‘જે કંઈ કરું છું તે મારા ફૅમિલી માટે કરું છું’ એવા વહેમમાં રહીને પોતાની ભ્રમણાઓને પોષતો રહે છે અને એક દિવસ આંખ ઉઘડે છે ત્યારે સમજાય છે કે જિંદગી તો સાવ રસકસ વિનાની થઈ ગઈ છે. જે જિંદગી જીવવાનું શરૂ કર્યું ત્યારે એમાં ભરપૂર રોમાંચ હતો એ જિંદગી હવે સાવ ફિક્કી લાગવા માંડી છે. જૂનાં વર્ષો ફરી જીવવા મળે તો હું જુદી રીતે જીવું એવી લાગણી થવા માંડે ત્યારે માનવું કે કુદરતે આપેલી બક્ષિસને તમે વેડફી નાખી છે. જે બૉલ પર તમે આઉટ થઈ ગયા એને શેજ જુદી રીતે બેટ પર લીધો હોત તો સિક્‌સર મળી હોત એવો વિચાર કરતાં કરતાં પેવેલિયન તરફ જઈ રહેલા ક્રિકેટર જેવી તમારી દશા છે. રમાઈ ચૂકેલા બૉલ પર અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. એ ભૂલમાંથી જે શીખવાનું હતું તે શીખી લઈને નવી ઈનિંગ્સ માટે તૈયારી કરવાનો આ વખત છે.

જે કંઈ થવાનું હતું તે થઈ ગયું. અહીં પૂર્ણવિરામ. એને વાગોળ્યા કરવાનો કોઈ અર્થ નથી. જૂની સિદ્ધિઓને પણ નહીં અને જૂની નિષ્ફળતાઓને પણ નહીં. એ બધો ભૂતકાળ છે. તમારી પાસે ચૉઈસ છે. એને ખભા પર ઊંચકીને આગળ ચાલવું કે એને ત્યાં જ મૂકીને આગળ વધી જવું. ગમતા ભૂતકાળનો પણ ભાર હોય છે. એનું વજન હવે પછીની તમારી ગતિને ઘટાડી નાખશે. કોઈ ભાર વિના સ્ફૂર્તિ સાથે આગળ વધવું હશે તો ભૂતકાળને ત્યાંનો ત્યાં મૂકી દેવો પડશે.

લાખ પ્રયત્નો કરીશું તો પણ ભવિષ્ય માટેની અસલામતી હોવાની જ છે. જિંદગીનું બીજું નામ જ અનિશ્ચિતતા છે અને જ્યાં અનિશ્ચિતતા છે ત્યાં અસલામતી હોવાની જ છે. નિશ્ચિત માત્ર એક જ છે – મોત. સલામતી મોત છે.

પણ કોણ જાણે કોઈકે આપણને ભરાવી દીધું છે કે જિંદગી સિક્યોર્ડ હોવી જોઈએ, જિંદગીમાં નિશ્ચિંત થઈને જીવવું હશે તો સલામતી હોવી જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ વેચવાવાળાઓએ આવું ભરાવ્યું? કે પછી ડૉક્‌ટરો-ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને હૉસ્પિટલોએ? કે પછી બિલ્ડરોએ? ખબર નથી. આ સિવાય પણ બીજા ઘણા લોકો હશે જેમણે પોતાનો ધંધો સલામત રહે એ માટે આપણને અસલામતીનો ડર દેખાડ્યો.

જે નિઃસીમ છે, જેનો કોઈ અંત નથી દેખાતો એવું સૌંદર્ય તમે માણ્યું છે. ચાહે એ દરિયો હોય કે આકાશ. જિંદગીની નિઃસીમતાએ જ તમને ડરાવ્યા છે. રાધર, તમને ડરાવવામાં આવ્યા છે. જનમથી તમે એવા નહોતા. દરેક વર્ષગાંઠે એક એક મીણબત્તી વધારે ગોઠવાતી ગઈ અને એને ફૂંક મારી મારીને તમે ઓલવતા થઈ ગયા અને મનમાં અસલામતી પ્રવેશતી ગઈ – આ જ રીતે એક દિવસ ઓલવાઈ જઈશું. હવે દીવો ટ્રાય કરજો, મીણબત્તી નહીં. જેટલાં વર્ષ પૂરાં કરો છો એટલા દીવડા જાતે પ્રગટાવવાના. જેમ જેમ મોટા થતા જશો તેમ તેમ પ્રકાશ વધતો જશે. અને સૌથી વધુ ઝગમગાટ મૃત્યુદિવસ પહેલાંની વર્ષગાંઠે હશે. જીવવું તો આ રીતે જીવવું. વધતા જતા પ્રકાશ સાથે. આપણને અજવાળે અને બીજાઓને ઉજાસ આપે.

ટ્‌વેન્ટી ટ્‌વેન્ટીમાં કેવી રીતે જીવવું છે, શું કરવું છે અને શું નથી કરવું, કેટલી બેફિકરાઈથી જીવવું છે અને ક્યા ક્યા બોજ વિના જીવવું છે, કોની કોની સાથે જીવવું છે અને કોના કોનાથી દૂર રહીને જીવવું છે એ બધું જો હજુય નક્કી ન કર્યું હોય તો નવા વર્ષનો પ્રથમ વીક ઍન્ડ પૂરો થાય એ પહેલાં નક્કી કરી લો અને અસલામતીમાં જીવવાની મઝા ચાખતાં થઈ જાઓ એવી શુભેચ્છા. વિક્રમના નવા વર્ષની જેમ ઈશુનું નવું વર્ષ પણ સૌના માટે આશીર્વાદોની વર્ષા લઈને આવે એવી શ્રીજીબાવાને બે હાથ જોડીને પ્રાર્થના.

આજનો વિચાર

હું તો હંમેશ માનતો આવ્યો છું કે આકાશ તરફ જોતાં રહીશું તો પાંખો ફૂટવાની જ છે.

— ગુસ્તાવ ફ્રૂલોબેર (ફ્રેન્ચ નવલકથાકાર, ૧૮૨૧ – ૧૮૮૦)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here