ભાષાનો વૈભવ, ભાષાની સાદગી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ગુરુવાર, ૧૦ ડિસેમ્બર ૨૦૨૦)

સંગીત હોય, ચિત્રકામ હોય, કપડાં હોય, વ્યક્તિનું સૌંદર્ય હોય કે પછી ભાષા હોય – એનો વૈભવ એની સાદગીમાં રહેલો છે, નહીં કે ઓવરડુઈંગમાં કે ઠઠારામાં.

સો પીસના ઑરકેસ્ટ્રાનું સૌંદર્ય પણ એની સાદગીને કારણે નિખરતું હોય છે. સો ઈન્સ્ટ્રુમેન્ટ્સ મળી ગયા એટલે બધાને વગાડવા મંડી પડો – એવી મેન્ટાલિટી હશે તો સંગીતનો વૈભવ નહીં પણ કેકોફોની સર્જાશે, ઘોંઘાટ સર્જાશે.

ચિત્રકામમાં પીંછીનો એક વધારાનો લસરકો કે એક વધારાની રંગછટા આખાય ચિત્રનું સૌંદર્ય હણી લે. કપડાં ગમે એટલાં મોંઘાં હોય, ડિઝાઈનર હોય, ભવ્ય પ્રસંગોમાં પહેરવા માટે બનાવાયાં હોય પણ એનો વૈભવ એની સાદગીમાં હોવાનો, નહીં કે ઓવરડુઈંગમાં કે ઠઠારામાં. વ્યક્તિ ગમે એટલી રૂપાળી હોય, સૌંદર્યવાન હોય પણ એની સુંદરતાનો વૈભવ ત્યારે જ નિખરે જ્યારે એણે પોતાની બ્યૂટિને અન્ડરપ્લે કરી હોય, ભારે મેકઅપ, આભૂષણ કે અન્ય દેખાડાઓથી એને ઢાંકી દીધી ન હોય.

ભાષાનું પણ એવું જ છે. અંગ્રેજી ભાષા તમને આવડતી હોય, વાંચવી-સાંભળવી ગમતી હોય તો માર્ક કરજો કે જે લખાણ કે વક્તવ્યમાં જેને ‘ફ્લાવરી ઈંગ્લિશ’ કહેવાય છે તે ન હોય, જેમાં સાદગી હોય, જેમાં ભાષાનો આડંબર ન હોય, એ ભાષા સાંભળવાની કે વાંચવાની મઝા આવતી હોય છે. આવું જ હિન્દીમાં. આવું જ ઉર્દૂમાં. અને આવું જ અન્ય ભારતીય ભાષાઓનું હશે, આંતરરાષ્ટ્રીય સ્તરે બોલાતી-લખાતી ભાષાઓનું પણ આવું જ હશે.

આપણને સૌથી વધારે કામ ગુજરાતીનું પડે છે. આપણું મોટાભાગનું કમ્યુનિકેશન ગુજરાતીમાં થતું હોય છે. કમ્યુનિકેશન માટે વાયડી ગુજરાતીમાં વપરાતો શબ્દ પ્રત્યાયન વાપરીએ તો કશું ખબર જ ન પડે કે આપણે શું કહેવા માગીએ છીએ. ગુજરાતી ભાષાનો વૈભવ પણ એની સાદગીમાં જ છે. સાદગીનો મતલબ એ નથી કે એમાં નાવીન્ય ન હોય. સાદગીથી મતલબ છે કે એમાં બિનજરૂરી શબ્દો-વિશેષણો-ક્રિયાવિશેષણો ઠાંસ્યાં ન હોય. વાચક કે શ્રોતા ઈમ્પ્રેસ થઈ જશે એવું માનીને કેટલાક લેખકો-પ્રવચનકારો આવું કરતા હોય છે. વિશેષ કરીને જ્યારે પોતાની પાસે ઠોસ વિચારો ન હોય ત્યારે. એવા વખતે ભારેખમ શબ્દોની જાળ ગૂંથીને છટપટાહટ કરનારાઓ ઘણા છે આપણે ત્યાં.

પણ ભાષા એને કહેવાય જે સરળતાથી તમારા વિચારોની પાલખી ઉપાડીને પાણીના રેલાની જેમ વહી જાય. વિચારોની પાલખી ઉપાડનારા ભાષાના કહારો જો પોતે જ નાચતાકૂદતા હોય તો પાલખીમાં બેઠેલા વિચારો અસ્તવ્યસ્ત થઈ જાય. કેટલાક વાચકોને કે શ્રોતાઓને કહારોનું આ ભાષાનર્તન ગમી જતું હોય છે અને તેઓ એ નર્તનને જ ઉપલબ્ધિ માની બેસતા હોય છે. ભલે. જેવું જેનું સ્ટાન્ડર્ડ.

પણ ભાષા નર્મદ જેવી હોય, વાડીલાલ ડગલી કે સ્વામી આનંદ જેવી હોય, પન્નાલાલ પટેલ જેવી હોય. અશ્ર્વિની ભટ્ટ કે ચંદ્રકાન્ત બક્ષીની છઠ્ઠી કાર્બન કૉપી જેવી ન હોય. ભાષા ગાંધીજી જેવી હોય. કોઈ આડંબર નહીં. આમ છતાં જેટલી વાર વાંચો એટલી વાર વધુને વધુ સમજ પડતી જાય એવી અર્થસભર હોય, ઊંડાણસભર હોય. એમાં ફોતરાં ન હોય, છીછરાપણું ન હોય. નક્કર વિચારોનો અભાવ છુપાવવા માટે ચુલબુલાપણાનો આશરો લેવાતો ન હોય.

આખરે તો મહત્ત્વ વિચારોનું હોય છે. અને વિચારોમાં પણ મહત્ત્વ નવા વિચારોનું હોય છે. નવા વિચારો તો કોઈ વિદેશી કે અજાણ્યા વિચારક-ચિંતકમાંથી ઉઠાવીને પણ વાચકોને અપાતા હોય છે. માટે નવા વિચારોમાં પણ મહત્ત્વ મૌલિક વિચારોનું હોય છે, જે વિચારો અહીંથી ત્યાંથી હાથ મારીને ઉઠાવેલા નથી પણ સ્વતંત્ર દિમાગની નીપજ હોય છે. લેખક તો કોઈ પણ હોઈ શકે. ચર્ચાપત્રીઓ પણ પોતાને લેખક ગણાવતા હોય છે અને હવે તો ફેસબુક પર આડેધડ ઢંગધડા વગરનું લખનારાઓ પણ પોતાને લેખક માનતા થઈ ગયા છે. છાપામાં કૉલમ લખવા મળે એ તો પોતાને લેખક ઉપરાંત પત્રકાર પણ માનવા માંડે છે, પછી ભલેને એ બ્યૂટિ ટિપ્સ કે રેસિપીની કૉલમ લખતા હોય. લેખક બનવું સહેલું થઈ ગયું છે. લખાયેલું ગ્રંથસ્થ કરીને પુસ્તક બનાવી ગ્રંથકાર બનવું કે ઑથર બનવું અઘરું છે. સો-બસો-ત્રણસો પાનાનાં પુસ્તકમાં તમારી કસોટી થતી હોય છે. અને અહીં પોતાના ખર્ચે પુસ્તક પ્રગટ કરનારાઓની વાત નથી કરતાં આપણે. પ્રોફેશનલ ધોરણે પ્રકાશન પામતાં પુસ્તકો, જેને વાચકો હોંશે હોંશે વાંચે, જેની પ્રકાશકો હોંશે હોંશે નવી નવી આવૃત્તિઓ પ્રગટ કરતા રહે.

અને આ પણ કંઈ અંતિમ કસોટી નથી હોતી. ભેળપૂરીની લારી પર સ્વાદપટુઓ પડાપડી કરતા હોય એમ એક પછી એક ડઝનબંધ આવૃત્તિઓ પણ ઘણા પુસ્તકોની થતી હોય છે – દરેક ભાષામાં. ખૂબ વેચાણ થવું એ કોઈપણ પુસ્તક માટેની અંતિમ પરીક્ષા ન હોઈ શકે. એ પુસ્તકમાં વિચારો છે કે નહીં, એ વિચારો નવા છે કે નહીં, એ નવા વિચારો મૌલિક છે કે બીજા લોકોમાંથી ઉઠાવેલા છે – આ બધા પરથી પુસ્તકનું મૂલ્ય નક્કી થતું હોય છે. છેવટે તો સમજદાર વાચક જ નક્કી કરે છે કે આ લેખક મમરાની ગૂણ છે કે પછી બદામની પોટલી.

અને આવા વિચારો, બદામની પોટલી જેવા વિચારો, મૌલિક-સ્વતંત્ર વિચારો જ્યારે સાદગીભરી ભાષામાં તમારી સમક્ષ પ્રગટ થાય છે ત્યારે ભાષાનો ખરો વૈભવ આંખ-કાન-દિમાગને ધન્ય કરી દે છે. ગુજરાતી ભાષાના એ તમામ દિગ્ગજોને યાદ કરીને લખાયેલો આ લેખ એમનાં માટેનાં વંદનો તથા ચરણસ્પર્શોની સ્મૃતિઓ સમો છે . નર્મદથી લઈને ગાંધીજી સુધીના અને ડગલીસાહેબથી લઈને સ્વામી આનંદ સુધીના એ તમામ ડઝનબંધ દિગ્ગજોને સાષ્ટાંગ દંડવત્. એ સૌના કર્જને રોજે રોજ થોડું થોડું લખીને ચૂકવતા રહીએ છીએ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. હંમેશા મુજબ સચોટ અને પાલખી/કહારોવાળો ફકરો તો એકદમ ફેન્ટાસ્ટિક !

  2. જેમ શીતલ વોરાને બક્ષિભાઈનું લખાણ જરા પણ ન ગમતું, તેમ મને બક્ષિસાહેબનું લખાણ અતિશય ગમે છે. બધાની અંગત પસંદ નાપસંદ હોય અને હોવી જ જોઈએ. જેમ આપણે મનુષ્ય અવતાર પામીને જાત ને ધન્ય માનીએ તેમ હુ ગુજરાતી કુળ કુટુંબમાં જન્મ લઈ ને ખુદને ભાગ્યશાળી માનું છુ. ગુજરાતી સાહિત્યના વિશાળ સમુદ્રમાં વિહરવાનો આનંદ ભાગ્યશાળીને જ મળે એટલે એનું વિશાળ ઊંડાણ છે. બક્ષિભાઈ ના લખાણ માટે હુ એક ઉદાહરણ આપીશ. બિયર બધા ને ન ભાવે કડવું પણ લાગે, એમનું લખાણ બિયર જેવું છે. કોઈ ને લિંબુશરબાત, ચા, લસ્સી ગમે એવી રીતે.બાકી તો સૌરભભાઇ જણાવશે કે બક્ષી ભાઈ કરતા એમના ચાહકો વાચકો વધારે nuisance ફેલાવે છે.

  3. સૌરભભાઈ, આપના આ લેખમાં એક વાત મને અતિશય ગમી અને તે છે- ચંદ્રકાન્ત બક્ષીની ટીકા. મને બક્ષીજીનું લખાણ જરા પણ પસંદ ના પડતું પણ તેમના લખાણ ના એટલા બધા વખાણ હું સાંભળતો,વાંચતો – અને તે પણ આધારભૂત લેખકો, વિવેચકો દ્વારા, કે મને મારા અણગમા ઉપર ગુસ્સો ચડતો. કદાચ ગુજરાતી ભાષાના સાહિત્યને માણી શકવાની મારી તાકાત નથી એવું મને લાગતું. પણ આજે મને શાંતિ થઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here