આપણા માટેની કે આપણા દેશ માટેની છાપ કેવી રીતે સર્જાય છે : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 22 ઓક્ટોબર 2023)

નેરેટિવ. આ શબ્દને યાદ કરી લેજો. થોડા વખતમાં જ એ ટેબલ, કપ, ગ્લાસ અને લંચની જેમ ગુજરાતી બની જવાનો છે.

નેરેટિવ મૂળ તો સાહિત્યની ચર્ચા કરતી વખતે વપરાતી સંજ્ઞા છે પણ આપણી અત્યારની વાતમાં ક્યાંય સાહિત્ય નથી, કરન્ટ ટોપિક છે.

દરેક દેશ માટે, દરેક સમાજ માટે અને દરેક વ્યક્તિ માટે એક નેરેટિવ બનાવવામાં આવે છે – ક્યારેક પોતાના દ્વારા, ક્યારેક બીજાઓ દ્વારા. પશ્ર્ચિમી દેશો સુધરેલા છે – આ એક નેરેટિવ આપણે દાયકાઓથી સાંભળતા/વાંચતા આવ્યા છીએ.

ભારત એક પછાત દેશ છે, મદારીઓ અને સતીપ્રથાનો દેશ છે – આવો નેરેટિવ આપણે નાના હતા ત્યારથી આપણી શિક્ષણપ્રથાએ આપણા મગજમાં ઘુસાડી દીધો હતો.

ફલાણો સમાજ કંજૂસ છે, ઢીંકણો સમાજ આળસુ છે. અમુક પ્રદેશના લોકો અપ્રામાણિક હોય છે, અમુક પ્રદેશના લોકો કળાની પૂજા કરનારા હોય છે. આવા નેરેટિવ પણ આપણે દાયકાઓથી સાંભળતા આવ્યા છીએ અને એવી વાતો માની લેતા થઈ ગયા છીએ.

પેલો માણસ તો બહુ મોટો દાનવીર છે, આ માણસ એકદમ કપટી છે. પેલો ભારે કામનો છે અને આ બિલકુલ સ્વાર્થી છે. વ્યક્તિઓ વિશે પણ આવા નેરેટિવ સાંભળ્યા છે – તમે અને મેં. આપણા પોતાના વિશે પણ આવા નેરેટિવ વહેતા થયા હશે.

કોઈ વ્યક્તિ, સમાજ કે દેશ વિશે ચોક્કસ છાપ ઊભી કરવી હોય તો એના માટે કેટલીક વાતો (સાચી, અડધી સાચી, ખોટી) પ્રચલિત કરવી અને પછી એને જોડીને એક કહાની બનાવવી, એક વાર્તા બનાવવી, એક નેરેટિવ બનાવવો જેથી સાંભળનારી/વાંચનારી વ્યક્તિ આગળપાછળના સંદર્ભો જાણ્યા વગર, તમારી પાસે પુરાવા માગ્યા વગર, માની લે છે કે તમે જે નેરેટિવ ઊભો કર્યો છે તે શતપ્રતિશત સાચો છે. મીડિયા નહોતું એ જમાનામાં અયોધ્યાના ધોબીભાઈ તરફથી આવો નેરેટિવ પેદા થયો જેને કારણે સીતાજીની અગ્નિપરીક્ષા લેવાઈ. હવે તો જોકે, મોટી મોટી લૉન્ડ્રીઓ સ્થાપિત થઈ ચૂકી છે અને દરેક દેશમાં, દરેક રાજ્યમાં, દરેક જિલ્લા અને તાલુકામાં તથા દરેક શહેર-નગર-ગામમાં આવી લોન્ડ્રીઓની શાખાઓ ખુલી ચૂકી છે જે દિવસરાત એક જ કામ કરે છે – નેરેટિવ બનાવવાનું. તમારું મગજ ચકરાઈ જાય ત્યાં સુધી અને એવા એવા નેરેટિવ તેઓ બનાવ્યા કરે છે.

આપણે જ્યારે પ્રગતિના પંથે ઝડપથી આગળ વધી રહેલાં રાષ્ટ્ર, સમાજ કે વ્યક્તિઓની ‘ખોડખાંપણો’ વિશે વાંચીએ છીએ કે સાંભળીએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિસમૂહ આવો નેરેટિવ બનાવવામાં જોરશોરથી મંડી પડ્યો છે.

સાચું કહેજો, તમારી અને તમારાં માં-બાપની વચ્ચે ક્યારેય ખટરાગ નથી થયો? તમારાં સંતાનો સાથે નાનીમોટી વાતે જીભાજોડી નથી થઈ? તમારી પત્ની કે તમારા પતિ કે પછી તમારી ગર્લફ્રેન્ડ/તમારા બોયફ્રેન્ડ સાથે શું હંમેશાં બધું જ હન્કીડોરી રહ્યું છે? શું આ બધા જ પરફેક્ટ છે ? સોમાંથી સો માર્કસ મળે એવા છે તેઓ ?

ના. છતાં તમે ચલાવી લો છો એમને. અને એ પણ તમને ચલાવી લે છે. તમે ક્યારેક એમને તમારી રીતે ‘સુધારવાના’ પ્રયત્નો કર્યા પણ હશે ને એમણે પણ તમારા માટે એવા પ્રયત્નો કર્યા હશે. તે પછી પણ એમનામાં, તમારામાં અનેક અધૂરપો રહી ગઈ હશે જેને હવે તમે સ્વીકારી લીધી છે. શું કામ ? કારણ કે તમને એ વ્યક્તિઓની પ્લાસ સાઈડ્સની ખબર છે. એમને પણ. બેઉ પક્ષો એકબીજાની સ્ટ્રેન્થ પર ફોકસ કરે છે, નહીં કે વીકનેસીસ પર.

આ સમાજની પણ નબળાઈઓ છે, આ દેશની પણ નબળાઈઓ છે. આપણામાંથી કેટલા લોકોએ સમાજની અને દેશની નબળાઈઓને દૂર કરવાના નક્કર પ્રયત્નો કર્યા ? નક્કર પ્રયત્નોની વાત થાય છે. માત્ર કિટલીની ચર્ચામાં બોલીને, પાનના ગલ્લે ઊભા રહીને શીખામણો આપવાની વાત નથી. દેશમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે તેની ટીકા કરીને છાપામાં ચર્ચાપત્રો લખતા કે સોશિયલ મીડિયામાં ટિપ્પણીઓભરી પોસ્ટ્સ ફેંક્યા કરતા કેટલાક લોકોએ આ નબળાઈઓને દૂર કરવા માટે પોતાનું મગજ દોડાવીને એમની એનર્જી વાપરીને, લોહી-પરસેવો એક કરીને, તનમનધનથી આ દેશની નબળાઈઓને દૂર કરવાના પ્રયત્નોમાં યથાશક્તિ ફાળો આપ્યો ?

આમ છતાં કેટલાક લોકોને ટેવ પડી ગઈ છે કે આ દેશમાં આ ખોટું છે, પેલું ખોટું છે, ત્યાં ખરાબ છે, અહીં ગંદકી છે.

પરફેક્ટ કશું નથી હોતું. તમારી અંગત જિંદગીમાં, તમારા કૌટુંબિક/સામાજિક સંબંધોમાં પણ હન્ડ્રેડ પર્સેન્ટ પરફેક્ટ કશું નથી હોતું. એને પરફેક્ટ બનાવવાના તમારા લાખ પ્રયત્નો છતાં તે પરફેક્ટ નથી. અને આ બાજુ તમે જેને પરફેક્ટ બનાવવા માટે નક્કર પ્રયત્નો કર્યા પણ નથી એ દેશ પરફેક્ટ જોઈએ છે તમને ?

તમને ખબર છે કે આવું શું કામ થાય છે ? તમારા મનમાં નેરેટિવ ઘુસાડી દેવામાં આવ્યો છે કે આ દેશમાં આ ખોટું છે, પેલું ગલત છે, અહીં તકલીફ છે, ત્યાં મુસીબત છે.

અને આની સામે બીજો એક નેરેટિવ પણ સમાંતરે ચાલતો રહ્યો છે – પેલો સમાજ જુઓ, પેલો દેશ જુઓ – એ કેટલો સરસ છે, પરફેક્ટ છે. આપણે એમના જેવું બનવું જોઈએ.

હકીકત એ હોય છે કે પેલા લોકો પરફેક્ટ છે એવી છાપ ઊભી કરવામાં આવી છે. નાના-મોટા સિલેક્ટિવ ટ્રુથના કિસ્સાઓ તોડી-જોડીને એક વાર્તા બનાવવામાં આવી છે જેનું વારંવાર રટણ કરવામાં આવ્યું હોવાથી તમે માની લીધું છે કે ત્યાં કેટલું બધું સુંદર છે અને આપણે ત્યાં કેવું કદરૂપું છે.

બીજાઓ દ્વારા આપણા વિશે, આપણા સમાજ વિશે અને આપણા દેશ વિશે જે છાપ ઊભી કરવામાં આવે છે તેનું જ નામ નેરેટિવ. હવે પછી જ્યારે જ્યારે કોઈના પણ માટે તમારો મત બંધાઈ જાય એવી વાત સાંભળો કે વાંચો તો વિચારજો કે આમાં સત્ય કેટલું છે, અર્ધસત્ય કેટલું છે, અસત્ય કેટલું છે અને અર્ધઅસત્ય કેટલું છે ? તમને ખબર પડી જશે કે આ નેરેટિવ કયા રસોડામાં તૈયાર થયો છે. તમને જાણ થઈ જશે કે આવી વાતો ફેલાવવા પાછળ કઈ લૉન્ડ્રીનો હાથ છે.

પાન બનારસવાલા

દસ વરસ પહેલાં તમે કેવા હતા એવું આજે વિચારીને પસ્તાઓ કે હરખાઓ છો એ જ રીતે તમે આજથી એક દાયકા પછી પણ પસ્તાવાના છો કે દસ વરસ પહેલાં તમે કેવા હતા ?

-અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. The long-lasting false narrative in the world is embedded in the mind of them Muslim Community is – ” No one except us deserves to live in the world. Get rid of Kafirs by all means.”

  2. સરસ લેખ છે,સૌરભ જી, આ નરેટીવ બાબત નો, આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here