પંડિત નેહરુને સરદાર પટેલે કરેલાં કામની ઈર્ષ્યા થતી હતી

ગુડ મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 8 નવેમ્બર 2018)

આઝાદી મળ્યા પછીના વર્ષની વાત છે. ગાંધીજીની હત્યાના વીસેક દિવસ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલે પંડિત જવાહરલાલ નેહરુ સાથેના પોતાના મતભેદો વિશેની એક નોંધ ગાંધીજીને મોકલી હતી અને એ નોંધની નકલ ખુદ પંડિતજીને એક કવરિંગ લેટર સાથે મોકલી હતી. 

૧૨ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સરદારે ગાંધીજીને જે નોંધ મોકલી તે નેહરુએ ૧ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગાંધીજીને લખેલા પત્રના અનુસંધાને હતી. નેહરુએ ગાંધીજીને લખ્યું હતું: ‘એ વાત સાચી છે કે સરદારની અને મારી વચ્ચે માત્ર સ્વભાવગત તફાવતો જ નથી પણ આર્થિક અને કોમી બાબતો પ્રત્યેના અભિગમમાં પણ તફાવત છે. અમે કૉંગ્રેસમાં સાથે કામ કરતા ત્યારથી કેટલાં બધાં વર્ષ થયાં આ તફાવતો ચાલુ જ રહ્યા છે. પણ આ તફાવતો હોવા છતાં, પરસ્પર માન અને પ્રેમ ઉપરાંત દેખીતી રીતે જ ઘણું બધું અને બંને વચ્ચે સમાન હતું અને વિશાળ દૃષ્ટિએ કહીએ તો સ્વતંત્રતાનો એક જ રાજકીય હેતુ હતો. આને લીધે આ બધાં વર્ષ દરમિયાન અમે સાથે કામ કર્યું અને એકબીજાને અનુકૂળ થવા અમારાથી બનતું બધું જ કર્યું. … (પણ આઝાદી મળી ગયા પછી હવે) અમારો રાજકીય હેતુ વત્તેઓછે અંશે સિદ્ધ થયો હોવાથી અમે જે પ્રશ્ર્નોમાં અમુક અંશે મતભેદ ધરાવતા હતા તે હવે વધુ ને વધુ આગળ આવ્યા છે.’ 

આ પત્રમાં આપણે જોઈ શકીએ છીએ નેહરુ અને સરદાર વચ્ચે કેટલા મોટા મતભેદો હોઈ શકે છે અને આમ છતાં બંનેએ એક જ હેતુને નજર સામે રાખીને, દેશને આઝાદી મળી જાય એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પરસ્પર સમાધાનો કરીને ગાડું ગબડાવ્યું. નેહરુને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સરદારની ઉપરવટ થઈને ગાંધીજીએ નેહરુને આ સર્વોચ્ચ આસને બેસાડ્યા હતા. સ્વાભાવિક રીતે જ વડા પ્રધાન પદ મળ્યા પછી નેહરુમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેલો અહંકાર બહાર આવીને ડોકિયાં કરવાનો જ હતો કે હવે તો હું જે કહું તે જ થાય, સરદાર જે કહે તે નહીં. આને કારણે મતભેદો ઉઘાડા પડતા ગયા. નેહરુએ તો ગાંધીજીને આ પત્રમાં સ્પષ્ટ લખ્યું: ‘… વડા પ્રધાન ઈચ્છે ત્યારે અને તે રીતે પગલું લેવાની તેમને પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ… જો વડા પ્રધાન આ રીતે કામગીરી ન બજાવે તે માત્ર શોભાના પૂતળા તરીકે ભાગ્યે જ ચાલુ રહી શકે…’

ઈન અ વે નેહરુએ આ પત્ર દ્વારા ગાંધીજીને ગર્ભિત ધમકી અને પ્રગટ ચેતવણી આપી કે જો તમે સરદારને ‘કાબૂમાં’ નહીં રાખો તો હું વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાનું ગતકડું કરીને દેશની નવીસવી સમુદ્રમાં તરવા મુકાયેલી નૌકાને ડામાડોળ કરી નાખીશ. 

સરદારે ૫૬૩ રજવાડાંને ભારતમાં સમાવી દેવાનું ભગીરથ કાર્ય કેવી કુશળતાથી કરેલું તેના ઈતિહાસથી આપણે સૌ વાકેફ છીએ. સરદારની એ કામગીરી એમની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા જેટલી જ ગંજાવર હતી. આ કાર્ય જો ન થયું હોત તો દેશ, અંગ્રેજોએ ઈચ્છા રાખી હતી એ રીતે, અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયો હોત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારની પ્રતિમાના અનાવરણ વખતે પ્રવચન કરતાં જે કહ્યું તેવું જ થયું હોત? જૂનાગઢને અને હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવાનું કાર્ય સરદારે ન કર્યું હોત તો આજે આપણે ગીરના સિંહ જોવા કે હૈદરાબાદનો ચારમિનાર જોવા વિઝા લેવો પડતો હોત. 

નેહરુએ સરદારને સતત અન્ડરમાઈન કર્યા, અન્ડરવેલ્યુ કર્યા. નેહરુ પાસે પોતાની પર્સનાલિટીનો કરિશ્મા હતો પણ સરદાર પાસે આવડત, નિષ્ઠા અને ચાણક્યબુદ્ધિનો સંગમ હતો. દેશ કંઈ તમારી પર્સનાલિટી કેટલી સ્માર્ટ છે એને કારણે કંઈ નથી ચાલતો. દેશ ચલાવવા માટે સમજદારી, ધીરજ તથા દૂરંદેશી જોઈએ જેનો નેહરુમાં અભાવ હતો. રજવાડાંઓને એકત્રિત કરવાનું સરદારનું કાર્ય આજે સૌ કોઈ બિરદાવે છે પણ તે વખતે નેહરુ સરદારના આ વિરાટ કાર્યમાં ટૅક્નિકલ વાંધાવચકા કાઢ્યા કરતા હતા. ગાંધીજી પરના એ પત્રમાં નેહરુ આગળ શું લખે છે તે વાંચીએ:

‘દેશી રાજ્યોનું મંત્રાલય એક નવું મંત્રાલય છે. એને માથે અગત્યના પ્રશ્ર્નો હાથ ધરવાની જવાબદારી છે. હું એમ કહું કે અત્યાર સુધી એણે (આ મંત્રાલયે) આ પ્રશ્ર્નો અસાધારણ સફળતાથી હાથ ધર્યા છે અને સતત ઊભી થતી અનેક મુશ્કેલીઓ પાર કરી છે. તેમ છતાં, મને લાગે છે કે સિદ્ધાંતનો પ્રશ્ર્ન જેમાં સમાયો હોય એવા અનેક નિર્ણયો પ્રધાનમંડળને પૂછ્યા વિના લેવામાં આવ્યા છે. મારા પૂરતું તો કહું કે હું આ નિર્ણયો સાથે સંમત છું, પણ પ્રધાનમંડળ કે વડા પ્રધાનને પૂછ્યા વિના આ નિર્ણય લેવાયો તે કાર્યપ્રણાલી મને ખોટી લાગે છે. નવું મંત્રાલય હોવાથી તે સ્વાભાવિક રીતે પ્રચલિત પ્રણાલીની બહાર રહીને કામગીરી બજાવે છે. અમુક હદે આ અનિવાર્ય છે અને ઝડપી નિર્ણયો લેવા પડે છે. પણ આ કામગીરીને આપણી પ્રચલિત પ્રણાલીના નિયમોની અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.’

આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે નેહરુની આ ગોળ ગોળ ભાષાની ફરિયાદમાં એમની લઘુતાગ્રંથિ તથા સરદારની નેત્રદીપક કામગીરી માટેની અસૂયા પ્રગટ થાય છે. રજવાડાંઓને એકત્રિત કરવાની જવાબદારી જો નેહરુએ પોતાને માથે લીધી હોત તો આજે દુનિયામાં ગોંડલ અને દેવગઢ બારિયા જેવાં રાષ્ટ્રો હોત જેને પોતપોતાના રાષ્ટ્રધ્વજ હોત, પોતાનું ચલણ અને આવા સાડા પાંચસોથી વધુ રાષ્ટ્રો હોત, ભારત છિન્નભિન્ન થઈ ગયું હોત. યુરોપમાં કે સોવિયેત રશિયા તૂટવાથી જે બચુકડાં રાષ્ટ્રો છે તેવી હાલત આ પ્રદેશની હોત. સરદારે પ્રધાનમંડળને કે વડા પ્રધાનને વિશ્ર્વાસમાં લઈને આ કામ કરવું જોઈતું હતું તેની પાછળનો નેહરુનો આશય એ હોઈ શકે કે આવા ભગીરથ કાર્યનો અલ્ટિમેટ જશ નેહરુ પોતે લઈ શકે, સરદાર તો ચિઠ્ઠીના ચાકર હતા એવી છાપ પડે અને રજવાડાંને એકત્રિત કરીને ભારતને અખંડ રાખવાનો તાજ નેહરુના માથે મુકાય. અને જો ખરેખર સરદાર રૂલ બુક પ્રમાણે કામગીરી કરવા ગયા હોત તો? કાશ્મીરનો પ્રશ્ર્ન જેમ યુનોમાં છે એમ જૂનાગઢ તથા હૈદરાબાદનો જ નહીં, ગોવા-દીવ-દમણ-પોંડિચેરીના પ્રશ્ર્નો પણ યુનોમાં હોત, આ દેશ બરબાદ થઈ ગયો હોત. 

કાલે છાપું બંધ હશે. પરમ દિવસે જોઈશું કે નેહરુના ગાંધીજી પરના આ પત્રની નકલ ગાંધીજીએ સરદારને મોકલી ત્યારે સરદારે એનો શું જવાબ આપ્યો. 

આજનો વિચાર

ખાલી ઋતુ બદલાય તો પણ ઘણા લોકોને શરદી-ખાંસી થઈ જતી હોય છે. અત્યારે આખો દેશ બદલાઈ રહ્યો છે. કેટલાક સેક્યુલરિયા સામ્યવાદીઓને ઝાડા થઈ જાય એ સ્વાભાવિક છે. 

– વૉટ્સએપ પર વાંચેલું. 

એક મિનિટ!

બકો હીબકે ચડીને રોયો. જ્યારે પત્નીનું ૮મા ધોરણનું પરિણામપત્રક હાથમાં આવ્યું જેમાં લખ્યું હતું: 

‘કોમળ ભાષી અને શાંતિ પ્રિય અને વર્તણૂક સારી.’

5 COMMENTS

  1. Branded Pirrates of Carrebean
    That is Original
    And
    Generic Thugs of Hindustan
    That is the difference
    Mr. Amir Khan

  2. Wonderful, it’s very true. Due to Nehru & FAKE GANDHI FAMILY we are facing Kashmir, Tibet & Pakistan problem. Citizens of our Great Country should understand this issue & must Vote to Shri Narendra Modi.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here